ઑપરેશન સિંદૂર પર સંસદમાં ચર્ચા, કોણે શું-શું કહ્યું– ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Sansad TV
ઑપરેશન સિંદૂર પર સંસદમાં ચર્ચા ચાલી રહી છે જેમાં કૉંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈએ સરકારને ભારતીય વાયુસેનાનાં કેટલાં વિમાન તૂટ્યાં એ વિશે પ્રશ્નો કર્યા હતા.
તેમણે કહ્યું કે, "અમે સરકારના દુશ્મન નથી, અમે આતંકવાદની વિરુદ્ધ લડાઈમાં આજે પણ સરકારની સાથે છીએ, પરંતુ સત્ય સામે આવવું જોઈએ. અમને આશા હતી કે ગૃહમંત્રી નૈતિક જવાબદારી લેશે અને વડા પ્રધાન (નરેન્દ્ર મોદી) આખી ઘટનાની જાણકારી આપશે.
અમે બધા એક થયા અને વડા પ્રધાન મોદીને સંપૂર્ણ સમર્થન આપ્યું. આખો દેશ વડા પ્રધાન મોદીજી સાથે હતો પરંતુ 10 મેના સૂચના આવી કે સીઝફાયર થઈ ગયો. શું થયું? પહેલાં 21 ટાર્ગેટ ચૂંટાયા અને પછી નવ કેમ થયા?
પાકિસ્તાન જો ખરેખર ઘૂંટણીયે પડવા તૈયાર હતું તો તમે કેમ રોકાયા, તમે કેમ ઝૂકી ગયા. કોની સામે તમે સરેન્ડર કર્યું?
અમેરિકાના રાષ્ટ્રપતિ 26 વખત કહી ચૂક્યા છે કે અમે લડાઈ રોકાવી. રાષ્ટ્રપતિ ટ્રમ્પ કહી ચૂક્યા છે કે પાંચ-છ જેટ તૂટ્યાં. તમે કહો કે કેટલાં જેટ તૂટ્યાં?"
સંસદમાં ઑપરેશન સિંદૂર પર રાજનાથ સિંહે શું કહ્યું
ઑપરેશન સિંદૂર પર સંસદમાં ચર્ચામાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, "પાકિસ્તાન સાથે કોઈ સંઘર્ષ નથી. આ સભ્યતા વિરુદ્ધ બર્બરતાનો સંઘર્ષ છે. જો કોઈ અમારી સંપ્રભુતાને નુકસાન પહોંચાડશે તો તેને કડક જવાબ આપવામાં આવશે.
તેમણે આગળ કહ્યું કે અમારી મૂળ પ્રકૃતિ બુદ્ધની છે. યુદ્ધની નહીં. અમે આજે પણ કહીએ છીએ કે સમૃદ્ધ પાકિસ્તાન અમારા હિતમાં છે. નરેન્દ્ર મોદી સરકારનું વલણ સ્પષ્ટ છે- વાચીત અને આતંકવાદ સાથે-સાથે ન ચાલી શકે.
અમારી સરકારે પણ પાકિસ્તાન સાથે શાંતિ સ્થાપિત કરવાના કેટલાય પ્રયત્નો કર્યા છે. પરંતુ પછી, 2016ની સર્જિકલ સ્ટ્રાઇક. 2019ની બાલાકોટ ઍર સ્ટ્રાઇક અને વર્ષ 2025ના ઑપરેશન સિંદૂર મારફતે, અમે શાંતિ સ્થાપિત કરવાનો બીજો રસ્તો અપનાવ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાકિસ્તાન દ્વારા સ્પૉન્સર્ડ આતંકવાદ પાગલપન નથી, સમજીને રચેલા કાવતરાનો ભાગ છે. આ એક ટૂલકિટ છે જેને પાકિસ્તાન તથા તેની એજન્સીઓએ એક નીતિ હેઠળ અપનાવી છે."
ઑપરેશન સિંદૂર પર સંસદમાં વિદેશ મંત્રી એસ.જયશંકરે શું કહ્યું

ઇમેજ સ્રોત, Sansad TV
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સંસદમાં ઑપરેશન સિંદૂર પર ચર્ચામાં વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે,"પહલગામ હુમલા બાદ એક સ્પષ્ટ, કડક, સાહસપૂર્ણ સંદેશ આપવો મહત્ત્વપૂર્ણ હતો. અમારી રેડલાઇનને પાર કરવામાં આવી હતી અને અમારે સ્પષ્ટ કરવું હતું કે આનાં ગંભીર પરિણામ હશે.
અમે પહેલા પગલારૂપે 23 એપ્રિલના સુરક્ષા મામલાની કૅબિનેટ કમિટીની બેઠક બોલાવી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે વર્ષ 1960ની સિંધુ જળ સંધિને તત્કાળ પ્રભાવથી ત્યાર સુધી રદ રાખવામાં આવે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પાર આતંકવાદ માટે પોતાનું સમર્થન નિશ્ચિત રૂપથી છોડી ન દે.
એ વાત એકદમ સ્પષ્ટ હતી કે સુરક્ષા મામલાની કૅબિનેટ કમિટીના પ્રારંભિક પગલા બાદ પહલગામ હુમલા પર ભારતની પ્રતિક્રિયા અહીં ન રોકાઈ.
રાજદ્વારી અને વિદેશ નીતિ સંદર્ભે અમારું કામ પહલગામ હુમલા વિશે દુનિયાને સાચી માહિતી આપવાની હતી.
અમે પાકિસ્તાન દ્વારા સરહદ પાર આતંકવાદના ઇતિહાસને દુનિયાની સામે લાવવાનો પ્રયાસ કર્યો.
અમે પાકિસ્તાનમાં આતંકવાદના ઇતિહાસ પર પ્રકાશ પાડ્યો અને જણાવ્યું કે કેવી રીતે આ (પહલગામ) હુમલો જમ્મુ-કાશ્મીરની અર્થવ્યવસ્થાને નિશાન બનાવવા અને ભારતના લોકો વચ્ચે સાંપ્રદાયિક શત્રુતા ફેલાવવા માટે કરાયો હતો."
કૉંગ્રેસ સાંસદ ઇમરાન મસૂદે ઑપરેશન મહાદેવ પર સવાલો ઉઠાવ્યા

ઇમેજ સ્રોત, Getty Images
ઑપરેશન મહાદેવ પરકૉંગ્રેસના સાંસદ ઇમરાન મસૂદે એએનઆઈને કહ્યું કે, "એક કલાકમાં આતંકવાદી (પહેલગામ હુમલામાં સામેલ)ને ક્યાંથી પકડી લાવ્યા? છેલ્લા 100 દિવસથી તો પકડાઈ નહોતા રહ્યા?"
એમણે સવાલ ઉઠાવ્યો, "કોણ હતા આ આતંકવાદી, કોણ હતા આ કાવતરું ઘડનારા? અમે સવારે સવાલ ઉઠાવ્યો અને બપોરે એમને મારી નખાયા."
એમણે કહ્યું, "અરે વાહ. કેટલી તેજગતિએ કામ ચાલી રહ્યું છે. આટલી ઝડપ દાખવી હોત તો પીઓકે પર કબજો થઈ ગયો હોત. પીઓકે આપણું હોત. જે સમયે પીઓકે પર કબજો કરવાનો હતો ત્યારે તો સરેન્ડર થઈ ગયા."
સોમવારે સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "ઑપરેશન મહાદેવ (શ્રીનગરના બાહરી વિસ્તારમાં) ત્રણ આતંકીઓને અથડામણ દરમિયાન મારવામાં આવ્યા છે અને અભિયાન હજુ ચાલુ છે."
કૉંગ્રેસ સાંસદે કહ્યું, "ચીન પાકિસ્તાનનું સમર્થન કરી રહ્યું છે અને તમે ચીનની સાથે મિત્રતા કરી રહ્યા છો. પાકિસ્તાન આતંકવાદને પોષી રહ્યું છે અને તમે એની સાથે ક્રિકેટ રમી રહ્યા છો."
એમણે કહ્યું, "આપણી બહેનોનું સિંદૂર ભૂંસાઈ ગયું અને તમને ક્રિકેટ દેખાઈ રહી છે. બહેનોનાં સિંદૂર તમને નથી દેખાતાં."
એમણે કહ્યું, "સરકાર પાસે કોઈ સવાલનો જવાબ નથી."
દિવ્યા દેશમુખે મહિલા ચેસ વર્લ્ડકપ જીત્યો, કોનેરુ હમ્પીને હરાવ્યાં

ઇમેજ સ્રોત, Getty Images
ભારતનાં યુવા ચેસ પ્લેયર દિવ્યા દેશમુખે મહિલા ચેસ વર્લ્ડકપ 2025નો ખિતાબ જીતી લીધો છે.
માત્ર 19 વર્ષીય દિવ્યાએ જ્યૉર્જિયામાં યોજાયેલી વર્લ્ડકપ ફાઇનલમાં ભારતનાં જ દિગ્ગજ ખેલાડી કોનેરુ હમ્પીને હરાવી દીધાં છે અને ખિતાબ જીતી લીધો છે.
તેઓ 23 જુલાઈના રોજ FIDE મહિલા ચેસ વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચ્યાં હતાં.
ભારતની કોનેરુ હમ્પીએ ટુર્નામેન્ટની બીજી સેમિફાઇનલ જીતી હતી, જે જ્યૉર્જિયાના બટુમીમાં યોજાઈ રહી હતી. તેથી, આ ફાઇનલ મૅચમાં બંને ખેલાડીઓ ભારતનાં હતાં.
સેમિફાઇનલ મેચના બીજા રાઉન્ડમાં, દિવ્યાએ ચીનનાં ભૂતપૂર્વ વિશ્વ ચૅમ્પિયન ઝોંગી તાનને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
આ ખિતાબ જીત્યા બાદ દિવ્યા ભારતનાં ચોથી મહિલા ગ્રાન્ડમાસ્ટર પણ બની ગયાં છે. 19 વર્ષનાં દિવ્યા ફિડે મહિલા વર્લ્ડકપ જીતનારાં પ્રથમ ભારતીય છે.
આની પહેલાં, ફક્ત કોનેરુ હમ્પી, ડી હરિકા અને વૈશાલી રમેશબાબુ જેવાં મહિલા ખેલાડીઓ ગ્રાન્ડમાસ્ટર બની ચૂક્યાં છે.
ઉલ્લેખનીય છે કે દિવ્યાની ચેસ કારકિર્દી રેકૉર્ડથી ભરપૂર રહી છે.
દિવ્યા 2013 માં માત્ર સાત વર્ષની ઉંમરે મહિલા FIDE માસ્ટર બન્યાં હતાં અને આ સિદ્ધિ મેળવનારાં સૌથી નાની ઉંમરનાં ખેલાડી બન્યાં હતાં.
તેઓ જ્યૉર્જિયાના બતુમી શહેરમાં યોજાઈ રહેલા આ વર્લ્ડ કપની ફાઇનલમાં સ્થાન મેળવનારાં પ્રથમ ભારતીય ખેલાડી બન્યાં હતાં.
તેઓ 34 વર્ષના ઇતિહાસમાં કેન્ડિડેટ ટુર્નામેન્ટ માટે ક્વૉલિફાય થનારાં સૌથી નાની ઉંમરનાં ખેલાડી બન્યાં હતાં.
જીત પછી દિવ્યા દેશમુખની પહેલી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, "આ ક્ષણે મારા માટે બોલવું અઘરું છે. હજુ ઘણું બધું મેળવવાનું બાકી છે, આ તો ફક્ત શરૂઆત છે."
'આતંકવાદી ક્યાંથી આવ્યા, કોઈ પુરાવા નથી', પહલગામ હુમલા પર ચિદંબરમના નિવેદન પર વિવાદ

ઇમેજ સ્રોત, Getty Images
કૉંગ્રેસ નેતા પી. ચિદંબરમના પહલગામ હુમલાને લીને આપવામાં આવેલા નિવેદનને લઈને વિવાદ થયો છે. ચિદંબરમના આ નિવેદન સામે ભાજપે નિશાન તાક્યું છે.
પી. ચિદંબરમે 'ધ ક્વિંટ'ને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે પહલગામમાં હુમલા કરનારા 'આતંકવાદી ક્યાંથી આવ્યા, તેના કોઈ પુરાવા નથી.'
ઇન્ટરવ્યૂ દરમિયાન ચિદંબરમને સવાલ કર્યો છે કે 'આપના હિસાબે સરકાર શું છુપાવવાની કોશિશ કરી રહી છે.'
તેના પર જવાબ આપતા ચિદંબરમ કહે છે, "આ એક અનુમાન છે, મારા હિસાબે તેઓ એ છુપાવવાની કોશિશ કરી રહ્યા છે અને સીડીએસે પણ ઇશારો કર્યો છે કે 'અમે સામરિક ભૂલો કરી, અમે તેના પર ફરીથી રણનીતિ બનાવી.' તો કઈ સામરિક ભૂલો કરી આપણે? અને અમે ફરી કઈ રણનીતિ બનાવી? આ સવાલો પર જવાબ દેવામાં સક્ષમ નથી અથવા તો જવાબ આપવા નથી માગતી."
"બીજું એ કે આ લોકો એનઆઈએનો રિપોર્ટ જાહેર નથી કરવા માગતા, આ એજન્સીએ કઈ તપાસ કરી, શું એજન્સી આતંકવાદીઓની ઓળખ કરી શકી કે તેઓ ક્યાંથી આવ્યા હતા? મારો કહેવાનો અર્થ એ છે કે આપણે સૌ જાણીએ છીએ કે તેઓ આપણા ઘરમાં તૈયાર થયા આતંકવાદી પણ હોઈ શકે છે. તમે એવું કઈ રીતે માનો છો કે તેઓ પાકિસ્તાનથી આવ્યા છે? તેના કોઈ પુરાવા નથી. આ લોકો નુકસાનને પણ છુપાવી રહ્યા છે."
ચિદંબરમે કહ્યું, "મેં લખેલી એક કટારમાં પણ જણાવ્યું કે યુદ્ધમાં બંને તરફ નુકસાન થાય છે. હું સમજ્યો છું કે ભારતને પણ નુકસાન થયું હશે. તેને જણાવો."
ચિદંબરમના આ નિવેદન પર ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે કહ્યું, "જ્યારે-જ્યારે આતંકવાદ અને પાકિસ્તાનની વાત આવે છે ત્યારે પાકિસ્તાન પણ પોતાનો બચાવ નથી કરતું એટલું કૉંગ્રેસ કરે છે."
"અમે ભોગવ્યું છે. અને અમે જાણીએ છીએ કે પાકિસ્તાનની નાપાક હરકત છે. જે ચાહે છે કે ખુદ તો પ્રગતિ નથી કરી શક્યા, સાથે બીજાને પણ નહીં કરવા દે."
કૉંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારીએ ચિદંબરમનો બચાવ કર્યો.
પ્રમોદ તિવારીએ કહ્યું, "અમે આ જાણવા માગીએ છીએ કે આતંકવાદી ક્યાં છે, જેમણે 26 બહેનોનું સિંદૂર ઉજાડ્યું? સરકાર હજુ અક્ષમ છે. અસફળ છે."
તેમણે કહ્યું, "સરકાર જણાવે કે એ આતંકવાદી કોણ હતા, ક્યાંથી આવ્યા હતા, તેઓ હજુ કેમ જીવે છે? સરકારે તેનો જવાબ આપવો પડશે."
વિપક્ષના હંગામા વચ્ચે સંસદની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત, 'ઑપરેશન સિંદૂર' પર આજે છે ચર્ચા

ઇમેજ સ્રોત, YT/ Sansad TV
'ઑપરેશન સિંદૂર' પર લોકસભા-રાજ્યસભામાં હંગામાને કારણે કાર્યવાહી બપોરે 12 કલાક સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. બપોરે 12 વાગ્યે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આ વિષય પર લોકસભાને સંબોધિત કરશે.
સોમવારે સવારે 11 કલાકે લોકસભામાં પ્રશ્નકાળ શરૂ થયો. આ દરમિયાન પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત સવાલોનો જવાબ આપતા હતા. આ દરમિયાન લોકસભામાં હંગામો થયો.
સ્પીકર ઓમ બિરલાએ તમામ સભ્યોને શાંતિ માટે અપીલ કરી.
તેમણે કેટલાક સાંસદોનાં નામ લઈને કહ્યું, "તમે સૌએ કહ્યું કે ઑપરેશન સિંદૂર પર ચર્ચા થવી જોઈએ. પછી તમે કાર્યવાહીને બાધિત કેમ કરો છો. તમે સદન કેમ નથી ચાલવા દેતા? પ્રશ્નકાળ સૌથી મહત્ત્વપૂર્ણ સમય છે."
તેના બાદ ઓમ બિરલાએ લોકસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવાઈ.
ગાઝામાં હવાઈ માર્ગથી સહાયતા સામગ્રી નીચે ફેંકવાના મામલે WHOએ જારી કરી ચેતવણી

ઇમેજ સ્રોત, EPA
વિશ્વ આરોગ્ય સંસ્થા(ડબલ્યુએચઓ)એ ચેતવણી જારી કરીને કહ્યું છે કે ગાઝામાં કુપોષણ ખતરનાક સ્તર પર પહોંચી ગયું છે અને તે ઝડપથી વધી રહ્યું છે.
ડબલ્યુએચઓએ આ ચેતવણી ત્યારે આપી છે જ્યારે ગાઝામાં ફરી હવાઈ માર્ગથી સહાયતા સામગ્રી નીચે ફેંકવાનું શરૂ થયું છે.
જૉર્ડને કહ્યું છે કે તેણે સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)ની સાથે મળીને રવિવારે ગાઝામાં 25 ટન સહાયતા સામગ્રી નીચે પાડવામાં આવી રહી છે.
ત્યાં ઇઝરાયલે કહ્યું છે કે ગાઝાના કેટલાક ભાગોમાં રોજ 10 કલાક માટે સૈન્ય અભિયાન રોકશે અને સંયુક્ત રાષ્ટ્ર(યુએન)ની તરફથી સહાયતા સામગ્રી મોકલવા માટે કૉરિડોર ખોલશે.
ઇઝરાયલે કહ્યું છે કે તે આમ એટલા માટે કરે છે જેનાથી 'જાણી જોઈને ફેલાવવામાં આવેલી ભૂખમરીની ખોટી ખબરનું ખંડન' કરી શકાય. ત્યાં, હમાસે આ મામલે આરોપ લગાવ્યો છે કે તેની 'છબિ ખરાબ' કરવાનો આરોપ લગાવ્યો છે.
સંયુક્ત રાષ્ટ્ર સહાયતા પ્રમુખ ટૉમ ફ્લેચરે રવિવારે જણાવ્યું કે ઇઝરાયલે કેટલી અવરજવર પર પ્રતિબંધોમાં ઢીલ આપી છે.
રૉયટર્સના જણાવ્યા પ્રમાણે, ફ્લેચરે કહ્યું છે કે શરૂઆતના અહેવાલથી ખબર પડે છે કે ગાઝામાં 100થી વધુ ટ્રકોથી સહાયતા સામગ્રી પહોંચી ગઈ છે.
અમેરિકા અને યુરોપિયન યુનિયન વચ્ચે ટ્રેડ ડીલ, ટ્રમ્પે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકા અને યુરોપિય સંઘ વચ્ચે વ્યાપાર સમજૂતી પર હસ્તાક્ષર થઈ ગયા છે. બંને પક્ષ યુરોપિય સંઘનાં તમામ ઉત્પાદનો પર 15 ટકા ટેરિફ લગાવવા માટે રાજી થઈ ગયા છે.
આ સમજૂતી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુરોપિય સંઘનાં અધ્યક્ષા ઉર્સુલા વૉન ડેર લેયેન વચ્ચે સ્કૉટલૅન્ડમાં થયેલી મુલાકાત દરમિયાન થઈ.
ટ્રમ્પે શુક્રવારે 30 ટકા ટેરિફ લગાવવાની ચીમકી ઉચ્ચારી હતી, જેથી અડધા પર બંને પક્ષો વચ્ચે સમજૂતી થઈ ગઈ.
ટ્રમ્પે કહ્યું કે 27 સભ્યો ધરાવતા યુરોપિયન યુનિયને કેટલાંક ઉત્પાદનો પર ઝીરો ટેરિફની સાથે અમેરિકાના નિકાસકારો માટે બજાર ખોલવાની વાત કરી છે.
યુરોપિય સંઘનાં અધ્યક્ષાએ પણ આ સમજૂતીના વખાણ કર્યાં. તેમણે કહ્યું કે આ સમજૂતીથી બંને સહયોગિઓ વચ્ચે સ્થિરતા આવશે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકાનો વ્યાપાર ખાદ્યને ઓછી કરવા પ્રમુખ અમેરિકાના સહયોગીઓ પર ટેરિફ લગાવ્યાં છે.
યુરોપિય સંઘ ઉપરાંત બ્રિટન, જાપાન, ઇન્ડોનેશિયા, ફિલિપીન્ઝ તથા વિયેતનામ સાથે અમેરિકાએ વ્યાપાર સમજૂતી કરી છે. જોકે, ટ્રમ્પે પોતાના '90 દિવસોમાં 90 સમજૂતી'નું લક્ષ્યાંક હાંસલ નથી કર્યું.
જર્મનીમાં ટ્રેન અકસ્માત, ત્રણ લોકોનાં મૃત્યુ, અનેક ઘાયલ

ઇમેજ સ્રોત, Thomas Warnack/ dpa
જર્મનીના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં એક મુસાફર ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, આ અકસ્માતમાં ઓછામાં ઓછા ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે અને કેટલાક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
ટ્રેન ઑપરેટર ડૉયચે બાને કહ્યું કે 'અજ્ઞાત કારણો'થી શ્ટુટગાર્ડ પાસે રીટલિંગેનમાં ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. સ્થાનિક રિપોર્ટ્સ પ્રમાણે, અકસ્માતના થોડા સમય પહેલા આ વિસ્તારમાં વાવાઝોડું આવ્યું હતું.
જર્મનીની સમાચાર સંસ્થા ડીપીએ પ્રમાણે, "ટ્રેનમાં લગભગ 100 જેટલા મુસાફરો સવાર હતા. સ્થાનિક સમયાનુસાર સાંજે 6-10 કલાગે એક જંગલના વિસ્તારમાં ટ્રેનમાં લગભગ બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા."
જર્મની ચાન્સેલર ફ્રિડ્રિખ મર્ત્ઝએ ઍક્સ પર પોસ્ટ કર્યું છે કે તેઓ અકસ્માતથી પીડિતો પ્રત્યે શોક પ્રગટ કરે છે અને તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે.
મર્ત્ઝે કહ્યું છે કે તેઓ ગૃહમંત્રી તથા પરિવહન મંત્રી સાથે સંપર્કમાં છે. તેમણે ઇમર્જન્સી સેવા ઉપલબ્ધ કરાવવા માટે તથા જરૂરી મદદ માટે અનુરોધ કર્યો છે.
ઘટનાસ્થળથી જે તસવીરો સામે આવી છે તેમાં ટ્રેનના ડબ્બા પલટી જતા દેખાય છે અને મોટી સંખ્યામાં રાહત અને બચાવ કામગીરી માટે કર્મચારીઓ તહેનાત છે.
થાઇલૅન્ડ-કંબોડિયા વિવાદના બહાને ટ્રમ્પે ફરી ભારત-પાકિસ્તાનના સંઘર્ષ વિરામનો કર્યો ઉલ્લેખ

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે થાઇલૅન્ડ અને કંબોડિયા વચ્ચે સંઘર્ષ વિરામ કરાવવું તેમના માટે સરળ રહેશે કારણ કે, તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામ કરાવ્યું હતું.
અમેરિકા અને યુરોપિયન યુનિયન વચ્ચે થયેલી ટ્રેડ ડીલ બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં આ વાત કહી. આ દરમિયાન યુરોપિયન યુનિયનની અધ્યક્ષ ઉર્સુલા વૉન ડેર લેયેન પણ હાજર હતાં.
ટ્રમ્પે કહ્યું, "અમે થાઇલૅન્ડ અને કંબોડિયા સાથે વેપાર કરીએ છીએ. છતાં હું વાંચી રહ્યો છું કે તેઓ એકબીજા પર હુમલા કરી રહ્યા છે... હું કહું છું કે આ મારા માટે સરળ હોવું જોઈએ કારણ કે, મેં ભારત અને પાકિસ્તાન વચ્ચે સમજૂતી કરાવી હતી."
તેમણે કહ્યું, "મેં બંને દેશોના વડા પ્રધાનને ફોન કર્યો અને કહ્યું કે જ્યારે સુધી તમે યુદ્ધનો ઉકેલ નહીં લાવો ત્યાં સુધી અમે કોઈ વેપાર સમજૂતી નહીં કરીએ. મને લાગે છે કે હવે તેઓ સમજૂતી કરવા તૈયાર છે."
ટ્રમ્પે કહ્યું કે જો તેઓ વેપારના માધ્યમથી સંઘર્ષ વિરામ કરાવી શકે તો તે તેમના માટે ગૌરવની વાત હશે.
અમેરિકી રાષ્ટ્રપતિએ ફરી એકવાર એ વાત કરી છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામ કરાવ્યું હતું. જોકે, ભારત આ દાવાઓને નકારી ચૂક્યું છે.
ભારતનું કહેવું છે કે પાકિસ્તાન તરફથી પહેલ થયા બાદ બંને દેશો વચ્ચે સહમતિથી સંઘર્ષ વિરામ થયો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















