ગુજરાતની નજીક આવી સિસ્ટમ : અતિભારે વરસાદની આગાહી, કયા જિલ્લામાં પડશે ધોધમાર, ક્યાં ઘટશે જોર?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં 27 જુલાઈ, રવિવારથી મોટા ભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે.
રવિવારે બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, મહીસાગર અને ખેડા જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો. વલસાડ, ડાંગ અને ગાંધીનગર જિલ્લામાં પણ કેટલીક જગ્યાએ છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગ મુજબ ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશમાં એક લો-પ્રેશર એરિયા સર્જાયો છે જે સમુદ્રની સપાટીથી 7.6 કિલોમીટરની ઊંચાઈએ આવેલો છે. આગામી કલાકોમાં તે નબળો પડે તેવી સંભાવના છે.
ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ અને પડોશના વિસ્તારોમાં સાઇક્લોનિક સર્ક્યુલેશનનો ટ્રોફ રચાયો છે જે ઉત્તર પશ્ચિમ બાંગ્લાદેશ, ઝારખંડ, ઉત્તર પશ્ચિમ બંગાળ સુધી પ્રસરેલો છે અને સમુદ્રની સપાટીથી 0.9 કિલોમીટરથી 5.8 કિલોમીટર સુધીની ઊંચાઈ પર છે. હવામાન વિભાગ હવે ક્યાં ભારે વરસાદની આગાહી કરે છે?
આ ઉપરાંત ગુજરાતથી લઈને ઉત્તર કેરળ સુધી એક ઑફ-શોર ટ્રોફની રચના થઈ છે.
હવામાન વિભાગ હવે ક્યાં ભારે વરસાદની આગાહી કરે છે?
અમદાવાદ સ્થિત હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં પણ કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે 28 જુલાઈ, સોમવારે બનાસકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠામાં અમુક જગ્યાઓ પર ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે.
આ ઉપરાંત બીજા જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડી શકે છે, જેમાં પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં છૂટાછવાયાં સ્થળે ભારે વરસાદ પડવાની આગાહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, IMD
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વખતે ગાજવીજ પણ જોવા મળશે અને તે દરમિયાન પવનની ઝડપ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
તેવી જ રીતે રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે.
29 જુલાઈ, મંગળવારે અરવલ્લી, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયાં સ્થળે ભારે વરસાદ પડવાની સંભાવના છે.
બાકીના વિસ્તારોમાં મંગળવારે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
કયા જિલ્લામાં ભારે વરસાદ પડ્યો?

ઇમેજ સ્રોત, Paresh Padhiar
ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, ખેડા વગેરે જિલ્લામાં રવિવારે ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે.
હજુ ભારે વરસાદની આગાહી વચ્ચે 28 જૂલાઈ, સોમવારના રોજ ખેડા જિલ્લાની તમામ આંગણવાડી, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ બંધ રાખવા કલેક્ટરે જાહેરાત કરી છે.
જિલ્લાના વડા મથક નડિયાદ અને મહેમદાવાદમાં રવિવારે 9 ઇંચ વરસાદ પડ્યો હતો જે સોમવારે પણ ચાલુ હતો. 27મીએ સમગ્ર ખેડામાં સરેરાશ 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
નડિયાદમાં ઇમર્જન્સી કામ વગર ઘરની બહાર ન નીકળવા મ્યુનિસિપલ કમિશનર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.
અમદાવાદ નજીક બાવળામાં પણ અતિ ભારે વરસાદ પડ્યો હોવાથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે અને જનજીવનને અસર થઈ છે.
વાહનવ્યવહાર અટકી જવાથી લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી હતી.

ઇમેજ સ્રોત, Ketan Patel
મહેસાણા જિલ્લામાં ગઈકાલે વરસાદના પાણીના પ્રવાહમાં એક કાર તણાઈ હતી. લાલાવાડા નજીક કોઝવેમાં કાર તણાઈ હતી જેમાં કારમાં બેસેલા લોકોને બચાવી લેવાયા હતા.
પાટણ જિલ્લામાં સિદ્ધપુર નજીક કાકોશી ગામમાં રવિવારે વરસાદના પાણી ફરી વળ્યાં હતાં અને ખેતરોમાં પાણી ઘૂસી ગયાં હતાં.
સુરેન્દ્રનગર જિલ્લામાં પણ લીંબડી, ધ્રાંગધ્રા, લખતર, દસાડા સહિતના શહેરોમાં ભારે ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદ પડ્યો છે.
કપડવંજ તાલુકાના રાજપુર સિહોરા ગામની વાત્રક નદીમાં પાણીનું સ્તર વધવાથી ગરનાળું પાણીમાં ગરકાવ થઈ ગયું હતું.

ઇમેજ સ્રોત, Paresh Padhiar
27 જુલાઈએ દાદરા નગર હવેલી (કેન્દ્રશાસિત પ્રદેશ)માં 37 મીમી, અમદાવાદમાં 23 મીમી, અરવલ્લીમાં 83.3, બનાસકાંઠામાં 61.4, છોટા ઉદેપુરમાં 12.4, દાહોદમાં 37.9 મીમી, ડાંગમાં 72.4 મીમી વરસાદ નોંધાયો હતો.

ઇમેજ સ્રોત, Nachiket Mehta
આ ઉપરાંત ખેડામાં 60.5 મીમી, મહીસાગર જિલ્લામાં 73.7 મીમી, મહેસાણામાં સરેરાશ 73.6 મીમી, નવસારીમાં 28.1 મીમી, પાટણમાં 44.4 મીમી, સાબરકાંઠામાં 66.2 મીમી, વલસાડમાં 61.1 મીમી વરસાદ નોંધાયો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન























