આ ગામમાં ફોન ચાર્જ કરવા માટે 45 કિલોમીટર દૂર જવા મજબૂર છે લોકો

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ,  મોબાઇલ કુપવાડા જિલ્લામાં હિમાલયના પહાડોની વચ્ચે વસેલા વન દજી ગામમાં આજ સુધી વીજળી નથી પહોંચી બીબીસી ગુજરાતી ગુજરાત ન્યૂઝ
ઇમેજ કૅપ્શન, કુપવાડા જિલ્લામાં હિમાલયના પહાડોની વચ્ચે વસેલા વન દજી ગામમાં આજ સુધી વીજળી નથી પહોંચી
પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

19 વર્ષનાં કુલસોમા કુપવાડા જિલ્લામાં હિમાલયની પહાડીઓ વચ્ચે આવેલા વન દજી નામના એક ગામમાં રહે છે. આ ગામ નિયંત્રણ રેખા (એલઓસી)ની નજીક આવેલું છે.

કુલસોમા માટે આધુનિક જીવન એક મૃગજળ સમાન છે. તેમની રોજિંદી જિંદગી આજે પણ જૂના જમાનાની યાદ અપાવે છે.

વન દજી ગામની પાંચ પેઢીઓએ આજ સુધી ગામમાં વીજળીનો પ્રકાશ જોયો નથી. નવી પેઢી પણ ચૂલાના ધુમાડા અને દીપકના પ્રકાશ વચ્ચે મોટી થઈ રહી છે.

આ ગામ વર્ષોથી વીજળીની રાહ જોઈ રહ્યું છે. પરંતુ હજુ સુધી તેને વીજળી ગ્રિડ સાથે જોડવામાં આવ્યું નથી.

'અમે જૂની પેઢીના આધુનિક માણસો છીએ'

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ,  મોબાઇલ કુપવાડા જિલ્લામાં હિમાલયના ખૂબસૂરત પહાડોની શૃંખલા વચ્ચે સ્થિત વન દજી ગામ વીજળી નથી બીબીસી ગુજરાતી ન્યૂઝ સમાચાર ગુજરાત
ઇમેજ કૅપ્શન, કુપવાડા જિલ્લામાં હિમાલયના ખૂબસૂરત પહાડોની શૃંખલા વચ્ચે સ્થિત વન દજી ગામ

વન દજી સુધી પહોંચાડતા રસ્તાઓ મુશ્કેલ છે. અહીંનું જીવન પણ ઘણી મુશ્કેલીઓથી ઘેરાયેલું છે. આખો દિવસ મહેનત કર્યા પછી, જ્યારે સૂરજ આથમે ત્યારે અહીંના લોકો માટે નવી મુશ્કેલી લઈને આવે છે. રાતના અંધકારમાં આ લોકોની નવી લડાઈ શરૂ થઈ જાય છે.

કુલસોમા કહે છે, "અહીંની મહિલાઓની ચિંતા વધુ છે. દિવસે ચૂલાનો ધુમાડો હોય છે અને રાત્રે મશાલનો ધુમાડો. જે તેમને બીમાર કરી દે છે."

તેમનું જણાવવું છે કે જ્યારે તેઓ ગામની બહાર નીકળે છે, ત્યારે તેમને લાગે છે કે તેઓ માનવીય સભ્યતાનો ભાગ નથી.

"જ્યારે અમે કુપવાડા બજારમાં જઈએ છીએ, ત્યારે લોકોને સ્માર્ટફોનમાં વ્યસ્ત જોઈને હીનભાવ અનુભવીએ છીએ. જ્યારે અમે કોઈ સગાંના ઘરે જઈએ છીએ, ત્યાં હીટર, બૉઇલર, ગિઝર જેવી સુવિધાઓ જોઈએ છીએ. ત્યારે લાગે છે કે અમારા માટે સમય ત્યાં જ અટકી ગયો છે. જ્યારે લોકો આગ પર ભોજન બનાવતા હતા અને રાત્રે આગના પ્રકાશમાં રહેતા હતા. જાણે કે, અમે એ જ જૂના સમયના આધુનિક માણસો છીએ."

રસ્તાની સુવિધાનો અભાવ અને વીજળી ન હોવાને કારણે લોકો અહીં પહાડો પર પગપાળા ચાલી ને જ પોતાનો દિવસ વિતાવે છે.

કુપવાડા જિલ્લો નિયંત્રણ રેખા (એલઓસી)ની નજીક આવેલો છે. આ શ્રીનગરથી લગભગ 75 કિલોમીટર ઉત્તર તરફ છે. વન દજી ગામ કુપવાડા શહેરથી લગભગ 45 કિલોમીટર દૂર આવેલું છે.

ગામ સુધી પહોંચવાનો રસ્તો ખૂબ જ કઠિન છે. વાહનો માત્ર 40 કિલોમીટર સુધી જ જઈ શકે છે. ત્યારબાદ લોકોને પહાડ ચઢીને ગામ સુધી પહોંચવું પડે છે.

આ જ રસ્તામાં અમારી મુલાકાત બશીર અહમદ મીર સાથે થઈ. તેમના ખભા પર ઘરનો સામાન લાદેલો હતો.

તેઓ કહે છે, "દિવસ દરમિયાન અમે કુપવાડાથી સામાન લઈને આવીએ છીએ. રાત્રે ટૉર્ચના પ્રકાશમાં જ એકબીજાનો ચહેરો જોઈ શકીએ છીએ."

"અહીં ન રસ્તો છે, ન વીજળી. સરકારને તો કદાચ આ પણ ખબર નથી કે વન દજી ક્યાં છે," તેઓ ફરિયાદ કરતા કહે છે.

અહીંના લોકો તેમના મોબાઇલ ફોન અને પાવર બૅન્ક ચાર્જ કરવા માટે પહાડ પરથી નીચે ઉતરીને કુપવાડા જાય છે. એવું તેઓ એટલા માટે કરે છે કે જરૂર પડે ત્યારે તેઓ તેમનાં સગાંઓ સાથે સંપર્ક કરી શકે.

તથા છતાં, અહીં મોબાઇલ નૅટવર્ક પણ ખૂબ જ નબળું છે.

'મશાલના ધુમાડાએ હ્રદયરોગનો દર્દી બનાવી દીધો'

વીજળી ન હોવાની અસર અહીંના લોકોના આરોગ્ય પર પણ સ્પષ્ટ રીતે જોવા મળે છે.

અબ્દુલ રશીદ મલિક છેલ્લાં બે વર્ષથી સારવાર લઈ રહ્યા છે. છાતીમાં ગંભીર સંક્રમણ પછી તેમને હ્રદયરોગની સમસ્યા પેદા થઈ.

તેઓ કહે છે, "અમે દર અઠવાડિયે અનેક ટન લાકડું સળગાવીએ છીએ. તેની અસરથી માત્ર ઘરની દીવાલો જ કાળી નથી થતી, પરંતુ અમારી તબિયત પણ અસરગ્રસ્ત થાય છે. પહેલાં મને સતત ઉધરસ રહેવા લાગી. પછી ડૉક્ટરોએ કહ્યું કે મારી છાતીમાં ઇન્ફૅક્શન છે. બાદમાં ખબર પડી કે ધુમાડાને કારણે મને હ્રદયરોગની બીમારી થઈ ગઈ."

તેઓ કહે છે, "જો અહીં વીજળી હોત, તો શક્ય છે કે મારી હાલત એવી ન હોત. મારા પરદાદા, દાદા અને પિતાએ ક્યારેય વીજળી જોઈ નથી. મારી જિંદગી પણ અંધકારમાં પસાર થઈ છે. હવે આ નાનાં બાળકો છે. તેમની સાથે શું થશે, એ કોઈ નથી જાણતું."

લગભગ 500થી ઓછી વસ્તી ધરાવતા આ ગામમાં મોટાભાગના લોકો સાંજ થતાં જ મશાલો પ્રગટાવે છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે તેના કારણે છાતી, ગળા અને આંખ સંબંધિત બીમારીઓ સામાન્ય બની ગઈ છે.

આખરે વીજળી ક્યારે પહોંચશે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ,  મોબાઇલ અહીંનાં મહિલાઓને સવારે ચૂલાનો ધુમાડો અને રાત્રે મશાલનો ધુમાડો બીમાર કરી દે છે
ઇમેજ કૅપ્શન, અહીંનાં મહિલાઓને સવારે ચૂલાનો ધુમાડો અને રાત્રે મશાલનો ધુમાડો બીમાર કરી દે છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મોટો પ્રશ્ન એ છે કે હજુ સુધી આ ગામ સુધી વીજળી કેમ પહોંચી શકી નથી?

અધિકારીઓનું કહેવું છે કે કઠિન ભૌગોલિક પરિસ્થિતિઓ અને દુર્ગમ રસ્તાઓ વીજળી પહોંચાડવામાં સૌથી મોટી અડચણ છે.

વીજળી વિભાગના ઍક્ઝિક્યુટિવ એન્જિનિયર મોહંમદ શફી વાની બીબીસી સાથે વાતચીતમાં જણાવે છે, "વન દજી ગામ સમુદ્ર સપાટીથી લગભગ 12 હજાર ફૂટની ઊંચાઈ પર આવેલું છે. અહીંના રસ્તાઓ ખૂબ જ જોખમી છે. અહીં વીજળી લાવવામાં આવી શકે છે, પરંતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેનો સામાન પહોંચાડવો ખૂબ જ મુશ્કેલ કામ છે."

જોકે, અધિકારીઓના જણાવ્યા પ્રમાણે હવે આ ગામનો ઇંતજાર જલદી પૂરો થઈ શકે છે.

મોહંમદ શફી વાનીએ કહ્યું, "અમે થોડો સામાન ત્યાં પહોંચાડી દીધો છે. આ વર્ષના અંત સુધીમાં વન દજીને વીજળી ગ્રિડ સાથે જોડવામાં આવશે."

સાંજ પડતા જ અંધકાર ઘેરાયો પછી જ્યારે અમે રિયાઝ અહમદ લોનના ઘરે પહોંચ્યા. તે સમયે તેમનાં 11 વર્ષીય દીકરી આસિફા આઈટી એટલે કે માહિતી પ્રૌદ્યોગિકીનો એક પાઠ વાંચી રહ્યાં હતાં. એ જ સમયે રિયાઝ લાકડાની મશાલ સળગાવી રહ્યા હતા.

તેઓ કહે છે, "અમારાં બાળકોનું ભવિષ્ય દાવ પર છે. આજે જ્યારે લોકો સ્માર્ટફોન દ્વારા આખી દુનિયા સાથે જોડાયેલા છે, ત્યારે અમે અંધકારમાં છીએ. જો વીજળી નથી, તો ફોન કેવી રીતે ચાર્જ થશે? અમે અમારી પાવર બૅન્કને ચાર્જ કરવા માટે કુપવાડા જઈએ છીએ, જેથી ઇમર્જન્સીમાં કોઈને મદદ માટે ફોન કરી શકીએ."

વન દજી ગામના મોહલ્લા સદર (સરપંચ) મોહંમદ સુલતાન ઘણાં વર્ષોથી અધિકારીઓના સંપર્કમાં છે, પરંતુ હજુ સુધી વીજળીની વ્યવસ્થા થઈ શકી નથી.

તેઓ કહે છે, "હું વર્ષોથી ઑફિસોના ચક્કર મારીને થાકી ગયો છું. હવે ગામમાં થોડા થાંભલા લગાવવામાં આવ્યા છે, પરંતુ ન તો તાર છે અને ન કોઈ સંપૂર્ણ વ્યવસ્થા. અમારી પાંચ પેઢીઓ અંધકારમાં રહી છે, પરંતુ મને નવી પેઢીની ચિંતા છે."

તેઓ આગળ કહે છે, "આશા છે કે આ બાળકો જલદી વીજળીનો પ્રકાશ જોઈ શકશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન