સ્વઘોષિત બાબાએ 'ભક્તો'ની અંગત પળો જોવા માટે મોબાઇલમાં ઍપ નાખી, આવાં સૉફ્ટવૅરથી કેવી રીતે બચી શકાય?

ઇમેજ સ્રોત, UGC
પોલીસે અનુયાયીઓને દૈવી શક્તિ હોવાનો દાવો કરીને છેતરપિંડી કરવાના આરોપમાં એક કથિત ઠગની ધરપકડ કરી છે.
આ કથિત ઠગ શ્રદ્ધાળુઓના મોબાઇલ ફોનમાં ઍપ ડાઉનલોડ કરતો. જેના થકી તે પુરુષ અને મહિલા શ્રદ્ધાળુઓની અંગત પળો પોતાના મોબાઇલ ફોન પર જોતો એવો આરોપ છે.
આ કથિત ઠગ પર શ્રદ્ધાળુઓને વેશ્યાવૃત્ત, અનૈતિક શારીરિક સંબંધો અને અન્ય અશ્લીલ કૃત્યો કરવા માટે દબાણ કરવાનો આરોપ છે.
જોકે, હવે પીંપરી ચીંચવડ શહેરની બવધાન પોલીસે તેની ધરપકડ કરી છે.
આ કથિત ઢોંગીનું નામ પ્રસાદદાદા ઉર્ફે બાબા ઉર્ફે પ્રસાદ ભીમરાવ તામદાર (29 વર્ષ) છે. આરોપ છે કે પ્રસાદ આધ્યાત્મિક ગુરુ હોવાનો ઢોંગ કરતો. બવધાન પોલીસ સ્ટેશન ખાતે તે એક વ્યક્તિને માનસિક અને શારીરિક ત્રાસ આપતો એવી ચોંકાવનારી ફરિયાદ દાખલ કરાઈ છે. આ ફરિયાદ બાદ બવધાન પોલીસે પ્રસાદદાદા ભીમરાવ તામદારની ધરપકડ કરી છે.
અગાઉ પણ સોશિયલ મીડિયા પર પ્રસાદદાદા ભીમરાવ તામદારના મહિલાઓને સ્નાન કરાવતા, તેમની સાથે વિચિત્ર ડાન્સ કરતા અને તેમના પ્રાઇવેટ પાર્ટમાં વસ્તુ નાખતા વીડિયો વાઇરલ થયા છે.

ઇમેજ સ્રોત, UGC
નાયબ પોલીસ કમિશનર બાપુ બાંગરે આ વિશે વધુ માહિતી આપી હતી.
તેમણે કહ્યું, "પુણેના મુલશી તાલુકામાં સુસગાંવની સ્વામી સમર્થ બિલ્ડિંગમાં પ્રસાદ તામદારે એક આશ્રમ સ્થાપ્યું છે. જેમાં તે પુરુષ અને મહિલા શ્રદ્ધાળુઓને શારીરિક અને માનસિક પ્રતાડના આપતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"પ્રસાદ તામદાર દૈવી શક્તિ ધરાવતો આધ્યાત્મિક ગુરુ હોવાનો દાવો કરતો, જેથી તેના ઘણા અનુયાયી છે. જોકે, હવે બવધાન પોલીસે તેની સામે આઇપીસીની કલમ 318 (4), 75(1), મહારાષ્ટ્ર હ્યુમન સેક્રિફાઇઝ ઍન્ડ અધર ઇનહ્યુમેન ઍક્ટ્સ અને ઇન્ડિયન ટેકનૉલૉજી ઍક્ટની કલમ 67 અને અઘોરી પ્રૅક્ટિસીસ ઍન્ડ વીચક્રાફ્ટ ઍક્ટ 2013ની કલમ 3 અંતર્ગત ફરિયાદ દાખલ કરી છે."
આવી ઍપ કેમ બનાવાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રોહન એક સાઇબર સિક્યૉરિટી એક્સપર્ટ અને ડિજિટલ ટાસ્કફોર્સના ડિરેક્ટર છે.
તેમણે બીબીસી સાથે વાત કરતાં આ પ્રકારની છેતરપિંડી કેવી રીતે થાય છે એ વિશે વાત કરી, આ સિવાય તેના માટે કઈ રીતો ઉપયોગમાં લેવાય અને તેને રોકવા માટે કયાં પગલાં લઈ શકાય એ વિશે જણાવ્યું હતું.
રોહને કહ્યું, "આ કેસમાં ઍરડ્રોઇડ કીડ અથવા ઍરડ્રોઇડ પૅરન્ટલ કંટ્રોલ નામના સૉફ્ટવૅરનો ઉપયોગ કરાયો હતો. અમેરિકામાં માતાપિતા પૅરન્ટલ કંટ્રોલ માટે તેનો ઉપયોગ કરાય છે. જેના થકી બાળકો પર નજર રખાય છે. ભારતમાં તેનો દુરુપયોગ થઈ કરાઈ રહ્યો છે."
રોહને આગળ કહ્યું, "આનો ઉપયોગ કરીને યૂઝરની ઘણી મૂવમેન્ટ મૉનિટર અને રેકૉર્ડ કરાય છે. આજના સમયમાં મોટા ભાગના લોકો મોબાઇલનો ઉપયોગ કરે છે. તેથી મોબાઇલ દિવસમાં ઘણા કલાકો સુધી આપણા હાથમાં કે આસપાસ હોય છે. આ પ્રકારનાં સૉફ્ટવૅર મોબાઇલમાં ઇન્સ્ટૉલ કરાય છે, જેનાથી યૂઝરને મૉનિટર કરાય છે. તેની અંગત માહિતી ભેગી કરીને રેકૉર્ડ કરાય છે."
આ છૂપા સૉફ્ટવૅર અંગે તેમણે કહ્યું, "જો આ પ્રકારનાં સૉફ્ટવૅરની ચુકવણી કરીને મેળવવામાં આવ્યાં હોય તો તે મોબાઇના સૉફ્ટવૅરમાં જ છુપાઈ જાય છે. મોબાઇલની બીજી ઍપ્સની જેમ તેનો લોગો મોબાઇલની સ્ક્રીન પર દેખાતો નથી. એ એક રીતે છુપાયેલું હોય છે. તેથી યૂઝરને પોતાના પર નજર રખાઈ રહી છે એની અને તેના મોબાઇલ પર આવું કોઈક સૉફ્ટવૅર છે એની કોઈ ખબર નથી હોતી."
તમારા મોબાઇલ ફોનને કેવી રીતે સુરક્ષિત રાખશો?

ઇમેજ સ્રોત, Getty Images
રોહને આ સૉફ્ટવૅર કે ઍપ યૂઝરના મોબાઇલમાં કેવી રીતે ઇન્સ્ટૉલ થાય એ અંગે વાત કરી હતી, તેમણે કહ્યું, "આ સૉફ્ટવૅર બે રીતે મોબાઇલ ફોનમાં ઇન્સ્ટૉલ થઈ શકે. આવી રીતે છેતરપિંડી કરવા માગતી વ્યક્તિ જે તે વ્યક્તિનો ફોન પોતાના હાથમાં કોઈ કારણસર લઈને સૉફ્ટવૅર ઇન્સ્ટૉલ કરે છે."
"જો મોબાઇલ ફોન ઍન્ડ્રોઇડ હોય તો તો એ એપીકે ફાઇલ ટાઇપ હોય છ અને મોબાઇલ ફોન આઇફોન હોય તો એ આઇપીએ ફાઇલ હોય. આ ફાઇલ મોબાઇલમાં પેનડ્રાઇવનો ઉપયોગ કરીને મુકાય છે. ઉપરાંત આ ઝડપથી થઈ શકે છે. સૉફ્ટવૅરને ઇન્સ્ટૉલ કરવાની પ્રક્રિયા માત્ર એક કે દોઢ મિનિટમાં પૂરી થઈ જાય છે."
"આ દરમિયાન એક ઍપને મોબાઇલમાં ઇન્સ્ટૉલ કરતી વખતે આપવી પડતી કૅમેરા, ફોટો, લોકેશન, માઇક્રોફોન, કૉન્ટેક્ટ અને એસએમએસ વગેરેની પરવાનગીઓ લઈ લેવાય છે. પુણેના કેસમાં આ જ પ્રકારે ફોનમાં સૉફ્ટવૅર દાખલ કરાયું હોવાનું લાગે છે."
આ પ્રકારનાં સૉફ્ટવૅરથી બચવા માટેના ઉપાય સૂચવતાં રોહન કહે છે, "આવાં સૉફ્ટવૅર કે ઍપ્સથી બચાવ માટે મોબાઇલમાં ઍન્ટિ-વાઇરસ ઇન્સ્ટૉલ કરવું જરૂરી છે. જેમ આપણે આપણાં લૅપટૉપ કે કમ્પ્યુટરને સુરક્ષિત રાખવા માટે તેમાં ઍન્ટિ-વાઇરસ ઇન્સ્ટૉલ કરીએ છીએ, એવી જ રીતે મોબાઇલમાં પણ કરવું જોઈએ."
અનુયાયીઓ આશ્ચર્યચકિત થઈ ગયા
પ્રસાદ તામદારના મહારાષ્ટ્ર અને પુણેમાં ઘણા અનુયાયી છે. જોકે, બાબાનો કથિત દંભ ખુલ્લો પડતાં ઘણા શ્રદ્ધાળુઓ આશ્ચર્યચકિત થઈ ગયા. એવું પણ મનાઈ રહ્યું છે કે ભવિષ્યમાં વધુ સ્ત્રી-પુરુષો પ્રસાદ તામદાર સામે ફરિયાદ કરવા સામે આવશે.
સામાજિક કાર્યકર સંગીતા તિવારી જેઓ મહિલા અધિકાર માટે કામ કરે છે, એ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, "આસારામ અને રામરહીમ બાબા જેવા સ્વઘોષિત ધાર્મિક ગુરુઓનાં ચોંકાવનારાં કૃત્યો સામે આવ્યા છતાં મહિલાઓ કેમ આવા સ્વઘોષિત ધાર્મિક ગુરુઓની શિકાર બની જાય છે?"
તેમણે આશા વ્યક્ત કરતાં કહ્યું કે પોલીસે આવા સ્વઘોષિત ધાર્મિક ગુરુ પ્રસાદ તામદાર સામે કડક કાર્યવાહી કરશે અને કઠોર સજા કરાશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















