યુક્રેન યુદ્ધ : અમેરિકાના 'ટૉપ સિક્રેટ' દસ્તાવેજ કોણે લીક કર્યા?

યુક્રેન

ઇમેજ સ્રોત, Reuters

    • લેેખક, પૉલ ઍૅડમ્સ
    • પદ, બીબીસી ન્યૂઝ, કીએવ (યુક્રેન)થી
  • પ્રકાશિત
બીબીસી
  • સોશિયલ મૅસેજિંગ સાઇટ ડિસ્કૉર્ડ પર ગુપ્ત યુએસ દસ્તાવેજો મૂક્યા
  • જેમાં યુક્રેન-રશિયા યુદ્ધ વિશે ઘણી મહત્ત્વની માહિતી સામેલ છે
  • શૅર કરેલા દસ્તાવેજોમાં નકશા, ચાર્ટ અને ફોટોગ્રાફ્સ સામેલ
  • ઉનાળામાં યુક્રેનમાં રશિયન સેના સામે સંભવિત લશ્કરી કાર્યવાહી વિશે વિગતવાર માહિતી
  • ઘણા દસ્તાવેજો પર ટૉપ સિક્રેટનું ચિહ્ન
  • વાંચો યુક્રેન-રશિયા યુદ્ધ પર તેની શું અસર થશે
બીબીસી

અમેરિકાના સંરક્ષણ મંત્રાલયના ડઝનબંધ ગોપનીય દસ્તાવેજો ઇન્ટરનેટ પર ખુલ્લેઆમ શૅર કરાઈ રહ્યા છે. જેમાં નકશા, ચાર્ટ અને ફોટોગ્રાફનો સમાવેશ થાય છે.

આ દસ્તાવેજોમાં ઘણી એવી ગોપનીય માહિતી છે, જેના પર ટૉપ સિક્રેટનું લાલ નિશાન લાગેલું છે.

આ તમામ દસ્તાવેજો યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ સાથે સંબંધિત છે.

તેને સાર્વજનિક રૂપે ઉપલબ્ધ કરાવવું કેટલું જોખમી છે?

તેમાં રશિયા અને યુક્રેનમાં માર્યા ગયેલા સૈનિકોની માહિતી, બંને દેશોની નબળાઈઓ અને શક્તિઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે.

યુક્રેન શરૂ થતા ગરમીના દિવસોમાં રશિયન સેના સામે એક મોટા હુમલાની તૈયારી કરી રહ્યું છે. આથી એ અગાઉ આ તમામ ગોપનીય માહિતી સાર્વજનિક થવી એ ખૂબ જ મહત્ત્વ પૂર્ણ માનવામાં આવે છે.

પ્રશ્ન સ્પષ્ટ છે - તે કેવી રીતે શક્ય છે કે ફોલ્ડ કરેલાં પ્રિન્ટેડ પેજ અને ચિત્રો ઇન્ટરનેટ પર આવી ગયાં?

તેનાથી મહત્ત્વની વાત એ છે કે આ દસ્તાવેજો એવી શી માહિતી આપે છે જેની આપણને ક્રેમલિન (રશિયન સરકાર) અંગે અગાઉથી જાણ નથી.

બીબીસી

સૌથી મોટા રહસ્યનો પર્દાફાશ

યુક્રેન

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પ્રથમ તો યુક્રેન અને રશિયા વચ્ચે 14 મહિનાથી ચાલતા યુદ્ધ દરમિયાન આ સૌથી મોટી ગુપ્ત અમેરિકન માહિતી છે, જે સાર્વજનિક થઈ ગઈ છે.

આમાંના કેટલાક દસ્તાવેજો તો માત્ર દોઢ મહિના જૂના છે.

તેનાં પરિણામો દૂરગામી હશે. અમેરિકન સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓને ટાંકીને કહેવાઈ રહ્યું છે કે આ દસ્તાવેજો અસલી છે.

કમસે કમ એક દસ્તાવેજમાં એકદમ ઢીલાશ સાથે ફેરફારનાં ચિહ્નો જોવા મળે છે, પરંતુ સેંકડો કાગળોમાં માત્ર એક જ એવો દસ્તાવેજ છે.

બીબીસીએ આમાંથી 20થી વધુ દસ્તાવેજો જોયા છે.

તેમાં યુક્રેનને આપવામાં આવેલાં હથિયારો અને તાલીમની વિગતો છે. આ વિગતવાર માહિતી એવા સમયે સામે આવી છે જ્યારે યુક્રેન રશિયા સામેના યુદ્ધમાં ઉનાળામાં અનેક નવી પલટનો ઉતારવાની તૈયારીમાં છે.

આ દસ્તાવેજમાં કહેવાયું છે કે યુક્રેનિયન સેનાની નવી બ્રિગેડ ક્યારે તૈયાર થઈ જશે. તેમજ તેમના માટે કેટલી ટેન્ક, બખ્તરબંધ વાહનો અને આર્ટિલરી આપવામાં આવી રહી છે.

પરંતુ એવું પણ કહેવાયું છે કે હથિયારોની ઉપલબ્ધતા તાલીમ અને તૈયારી પર નિર્ભર રહેશે.

એક માનચિત્રમાં પૂર્વ યુક્રેનમાં ગરમી દરમિયાન યુક્રેનિયન સેનાની કાર્યવાહીનું આકલન કરવામાં આવ્યું છે.

ગત શિયાળામાં યુક્રેનની ઍર ડિફેન્સ સિસ્ટમ એક મુશ્કેલ પરીક્ષામાંથી પસાર થઈ છે.

એવો પણ ઉલ્લેખ છે કે યુક્રેનની ઍર ડિફેન્સ સિસ્ટમ ક્ષમતા ઘણી ઓછી રહી ગઈ છે.

તેનું કારણ જણાવાયું છે કે યુક્રેનને સામાન્ય નાગરિકોની સુરક્ષાની સાથે સાથે, સંસાધનોનો ઉપયોગ મહત્ત્વપૂર્ણ પાયાના માળખાની સુરક્ષા માટે પણ કરવો પડ્યો છે.

ઍર ડિફેન્સ સિસ્ટમનો મુખ્ય હેતુ રશિયન હવાઈ હુમલાઓથી બચવાનો છે.

સ્વાભાવિક છે કે મર્યાદિત સંસાધનોને લીધે આ ઉદ્દેશમાં અવરોધ આવી રહ્યો છે.

દસ્તાવેજોમાં માત્ર યુક્રેનની મિલિટરી સ્થિતિ વિશે જ માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ અમેરિકાના અન્ય સહયોગીઓ અંગે ખબર પડે છે.

ગોપનીય માહિતી અનુસાર, ઇઝરાયલ અને દક્ષિણ કોરિયા જેવા સહયોગી દેશો પણ યુક્રેન મુદ્દે ઉગ્ર ચર્ચા કરી રહ્યા છે.

અન્ય ઘણા સંવેદનશીલ વિષયો પર પણ તેમનું વલણ સામે આવ્યું છે.

કેટલાક દસ્તાવેજોને ટૉપ સિક્રેટ તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા છે. બાકીનાને માત્ર અમેરિકાના ખાસ જાસૂસી સહયોગીઓ સાથે જ શૅર કરવાની સલાહ અપાઈ છે.

બીબીસી

દસ્તાવેજોમાં નવું શું છે?

યુક્રેન

ઇમેજ સ્રોત, Getty Images

મોટા ભાગની માહિતી જાણીતી છે. જોકે, આ એક સાથે ઉપલબ્ધ થનારી ઘણી ગુપ્ત માહિતી છે.

યુદ્ધમાં મરનારા કે ઘાયલ થનારા સૈનિકોની સંખ્યાને જ જુઓ. એ વાત ચોંકાવનારી છે કે અમેરિકાના અંદાજ અનુસાર યુદ્ધમાં અત્યાર સુધી 189,500થી 223,000 રશિયન સૈનિકો માર્યા ગયા છે કે ઘાયલ થયા છે.

અમેરિકન સંરક્ષણ મંત્રાલયને માહિતીમાં ઊણપ, ઑપરેશનલ સિક્યૉરિટી અને જાણી જોઈને ખોટી સૂચના આપવાના પ્રયાસને લીધે આ આંકડાઓ પર પૂરો વિશ્વાસ નથી. એને લાગે છે કે રશિયા અને યુક્રેન બન્ને જ ભ્રામક જાણકારી આપી શકે છે.

જે દસ્તાવેજોમાં ગોટાળા કરાયા છે, એમાં એ દર્શાવાનો પ્રયાસ કરાયો છે કે યુક્રેનમાં મૃતકોની સંખ્યા ઘણી વધારે છે. આ દસ્તાવેજનું એક વર્ઝન રશિયન સમર્થક ટેલિગ્રામ સાઇટ પર છે.

આ કાગળમાં જે જગ્યાએ યુદ્ધથી માર્યા ગયેલા સૈનિકોની સંખ્યા (16,000થી 17,500 વચ્ચે) લખી હતી, એમાં ચેડાં કરાયાં છે. આંકડાઓમાં ફેરબદલ કરીને એને 61,000થી 71,500 કરી દેવાયા છે.

હવે સવાલ એ થાય છે કે આ માહિતી જાહેર કોણે કરી?

બીબીસી

'આ લો! ડૉક્યુમૅન્ટ્સ'

યુક્રેન

ઇમેજ સ્રોત, Reuters

ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ ગ્રૂપ બેલિંગકેટના એરિક ટેલર જણાવી ચૂક્યા છે કે કઈ રીતે ગુપ્ત જાણકારીઓ મૅસેજિંગ પ્લૅટફૉર્મ 'ડિસ્કૉર્ડ'થી ટેલિગ્રામ સુધી પહોંચી.

ટેલર જણાવે છે કે અત્યાર સુધી આ દસ્તાવેજોના મૂળ સ્રોતો અંગે જાણકારી નથી મળી પણ ઇન્ટરનેટ પર ગેમિંગના શોખીનો વચ્ચે આ જાણકારી માર્ચ મહિનાથી ફરી રહી છે.

ડિસ્કૉર્ડ 'માઇનક્રાફ્ટ' ગેમ રમનારા લોકો માટેનું મનપસંદ મૅસેજિંગ પ્લેટફૉર્મ છે. આ ડિસ્કૉર્ડ પર ચાર માર્ચે યુક્રેન યુદ્ધ પર એક ચર્ચા છેડાઈ હતી, જેમાં એક યૂઝરે લખ્યું હતું - 'આ લો! કેટલાક ગુપ્ત દસ્તાવેજો જુઓ. 'એ બાદ એણે 10 ગુપ્ત દસ્તાવેજ શૅર કર્યા હતા.

આ એક વિચિત્ર ઘટના હતી પણ દસ્તાવેજ લીક કરવાના મામલે નવી નહોતી.

બ્રિટનમાં વર્ષ 2019ની સામાન્ય ચૂંટણી પહેલાં અમેરિકા-બ્રિટન વચ્ચેના વેપારી સંબંધો સંબંધિત કેટલાક દસ્તાવેજ કેટલીય મૅસેજિંગ સાઇટો પર શૅર કરવામાં આવ્યા હતા.

એ સમયે મૅસેજિંગ સાઇટ 'રેડિટે' કહ્યું હતું, 'દસ્તાવેજ રશિયામાંથી શૅર કરવામાં આવ્યા હતા.'

અન્ય એક કેસમાં ઑનલાઇન ગેમ 'વૉર થંડર'ના કેટલાક યૂઝરોએ એક ઉગ્ર ચર્ચા દરમિયાન કેટલાય સંવેદનશીલ દસ્તાવેજ જાહેર કર્યા હતા.

જોકે, હાલનો મામલો ભારે સંવેદનશીલ છે અને સંભવિત રીતે યુક્રેન માટે હાનિકારણ સાબિત થઈ શકે છે. યુક્રેને અત્યાર સુધી પોતાની 'ઑપરેશનલ સિક્યૉરિટી'ની ગમે તે ભોગે સુરક્ષા કરી છે.

એટલે એ પણ સ્પષ્ટ છે કે તે આવી સંવેદનશીલ જાણકારી મહત્ત્વપૂર્ણ સમયે લીક થતાં એ ભારે નારાજ છે, કારણ કે આ ઉનાળામાં યુક્રેનની સૈન્ય કાર્યવાહી રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની સરકારની બાજી બગાડી શકે એમ છે.

આ માટે શાંતિવાર્તા માટે એ પોતાની શરતો પણ રાખી શકે એમ છે.

યુક્રેનના કેટલાક અધિકારીઓએ કહ્યું છે કે આ રશિયાની ખોટી માહિતી ફેલાવવાનું કાવતરું છે. જોકે, કેટલાક મિલિટરી બ્લૉગરોનું કંઈક બીજું જ કહેવું છે. તેમનું કહેવું છે કે આ પશ્ચિમી દેશોની રશિયન કમાન્ડરોને ગેરમાર્ગે દોરવાની ચાલ છે.

મહત્ત્વની વાત એ છે કે આ દસ્તાવેજોમાં યુક્રેનના વળતા પ્રહાર માટેની કોઈ રણનીતિનો ઉલ્લેખ નથી. રશિયાને તો પહેલાંથી જ યુક્રેનની તૈયારીઓની જાણકારી હશે! જોકે, એ વાત પણ મહત્ત્વની છે કે આ યુદ્ધમાં રશિયન ગુપ્તચરતંત્ર નબળું જ સાબિત થયું છે.

યુક્રેન માટે તો પડકાર એ જ હશે કે તે પોતાના દુશ્મન એટલે કે રશિયાને પોતાના આગામી પગલાની જાણ ના થવા દે, જેથી એના વિજયની આશા વધી જાય.

બીબીસી
બીબીસી