બે બાળકોની હત્યા થઈ એના પિતા કેમ ઇચ્છે છે કે જાવેદનું ઍન્કાઉન્ટર ન થાય

- લેેખક, અનંત ઝણાણેં
- પદ, બીબીસી સંવાદદાતા, બદાયું
- પ્રકાશિત
13 વર્ષનો આયુષ, 8 વર્ષનો આહાન અને દસ વર્ષનો પીયૂષ.
આ ત્રણે બાળકો બદાયુની બાબા કૉલોનીમાં પોતાનાં માતાપિતા સાથે રહેતાં હતાં.
તેમના પિતા વિનોદકુમાર કહે છે કે ત્રણેય બાળકો આગામી હોળીના તહેવારને નિમિત્તે ઘણાં ઉત્સાહિત હતાં અને તેમનાં માતા સંગીતાદેવીએ પણ બધા માટે હોળીના તહેવારમાં નવાં કપડાં અને પગરખાં લાવી મૂક્યાં હતાં.
પરંતુ સંગીતાના ઘરમાં હોળી પહેલાં દુ:ખનો એવો પહાડ તૂટી પડ્યો કે બધું બદલાઈ ગયું.
ઉત્તર પ્રદેશ પોલીસનું કહેવું છે કે મંગળવારે સાંજે આયુષ અને આહાનની તેમના ઘરની અગાશી પર સાજિદે હત્યા કરી નાખી.
વિનોદકુમારના ઘરની સામે જ સાજિદની હેર કટિંગની દુકાન છે.
પીયૂષે શું જોયું?

જ્યારે અમે ઘરની છત પર પહોંચ્યા તો ત્યાંની દરેક વસ્તુ ઘટનાની સાક્ષી પૂરી રહી હતી.
પીયૂષે પોતાના ભાઈઓની હત્યા નજરે જોઈ, તે માતા સંગીતાદેવીના પગ પાસે આડો પડ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેની આંગળી પર પાટો બંધાયેલો હતો. તેનું કહેવું છે કે સાજિદે તેના પર પણ હુમલો કર્યો, પરંતુ એ ભાગીને બચી ગયો.
પીયૂષે જણાવ્યું, “જ્યારે હું ઉપર પહોંચ્યો તો તેમણે મનેય મારવાનો પ્રયાસ કર્યો, મારા ભાઈઓ જમીન પર પડ્યા હતા. તેમના (આરોપી સાજિદના) પગમાં કાચ લાગ્યો અને તેઓ લપસી પડ્યા અને આ તકનો લાભ લઈ હું ભાગી ગયો. મેં મા અને દાદીને કહ્યું કે મા જલદી બહાર ચાલો, દાદાએ એમને મારી નાખ્યા.”
બાળકોનાં માતા સંગીતાદેવી પોતાના પગમાં થયેલી ઈજા બતાવતા કહે છે કે, “મેં જ્યારે મારાં બાળકોના મૃતદેહ પોસ્ટમૉર્ટમ માટે લઈ જતા રોક્યા તો પોલીસવાળાએ મને ધક્કો માર્યો અને હું પડી ગઈ.”
પીયૂષનાં દાદી મુન્નીદેવી કહે છે કે, “મારો છોકરો ચીસો પાડતા આવ્યો કે અમ્મા જુઓ ઉપર શું થયું. ત્યારે જ એ (આરોપી સાજિદ) ઉપરથી છરી લઈને આવ્યો અને આને (સંગીતાને) ઇશારો કરીને બોલાવી રહ્યો હતો. બાદમાં મેં બૂમ પાડી, ભાગો ભાગો અને પછી અમે ગેટ બંધ કરી દીધો. બાદમાં પોલીસ આવીને એને લઈ ગઈ.”
મુન્નીદેવી કહે છે કે બાળકો ઘરની સામે આવેલી દુકાનમાં સાજિદ પાસેથી વાળ કપાવતા.
એ અજાણી વ્યક્તિ નહોતી અને આખી કૉલોની તેને જાણતી હતી. લોકો તેની પાસે હેર કટિંગ માટે આવતા.
પિતા : જાવેદનુંય ઍન્કાઉન્ટર કરી નાખશો તો રહસ્ય ક્યારેય નહીં ખૂલે

બાળકોના પિતા વિનોદકુમાર જણાવે છે કે તેઓ અને તેમના પરિવાર આરોપી સાજિદને જાણતા હતા.
તેઓ કહે છે કે તેમની કૉસ્મેટિકની દુકાન હતી, તેથી એ ત્યાંથી થોડો સામાન પણ ખરીદતો હતો. વિનોદ કહે છે કે, “જ્યારે મારી પત્નીએ મને ફોન કર્યો કે એ પૈસા માગી રહ્યો છે, તો મેં કહ્યું ઠીક છે, આપી દ. કાલે પાછા આપી દેશે.”
પોલીસનું કહેવું છે કે સાજિદે તેનો પીછો કરી રહેલા પોલીસવાળા પર હુમલો કર્યો તો પોલીસની જવાબી કાર્યવાહીમાં ગોળી વાગવાને કારણે તેનું મૃત્યુ થયું.
વિનોદકુમાર કહે છે કે, “અમે ઇચ્છીએ છીએ કે સાજિદનો ભાઈ જાવેદ પકડાય. અમારી એમની સાથે પણ વાત કરાવાય અને અમારી સાથે આવું કેમ થયું એનાં કારણોની તપાસ કરાય. અમે એમનું શું બગાડ્યું હતું? આ બધી વાતોની જાણકારી મળશે તો જ ખબર પડશે કે આની પાછળ કોણ છે? શું રહસ્ય છે? તેનું પણ ઍન્કાઉન્ટર કરી દેશો તો રહસ્ય પરથી ક્યારેય પડદો નહીં ઊઠે.”
વિનોદકુમારના ઘરના એક ખૂણે બાળકોની સ્કૂલ બૅગ પડેલી દેખાઈ. બીજી તરફ તેમના સ્કૂલ યુનિફોર્મનાં બેલ્ટ અને જૂતાં વિખેરાયેલા પડ્યાં હતાં.
દીવાલ પર દીકરા આયુષના નામ સાથે એક સત્સંગમાં ભાગ લીધાનું પ્રમાણપત્ર લાગેલું હતું. તેની ઉપરની બાજુએ તેના હાથથી બનાવાયેલું ચિત્ર હતું, જેમાં અંગ્રેજીમાં ‘ગુડ બૉય’ લખાયેલું હતું.
વિનોદકુમાર આયુષ અને આહાન વિશે વાત કરતા કહે છે કે બંને ભાઈ ભણવામાં ખૂબ હોશિયાર હતા.
સોમવારે હોળી છે, તેથી બાળકોનાં માતા તેમના માટે નવાં કપડાં અને જૂતાં લઈને આવ્યાં હતાં. પિતા વિનોદકુમાર કહે છે કે, “હવે તો એ બધું પડ્યું રહી જશે.”
વિનોદકુમાર કહે છે કે, “અમે ગભરાયેલા છીએ. અમને બાળકોની હત્યાના કારણની ખબર નથી. અમે શું સવાલ કરીએ, કહો? મારી એની સાથે કોઈ દુશ્મનાવટ નહોતી, તો મારાં બાળકોની હત્યા પાછળ કોઈ ષડ્યંત્ર હશે?”
સાજિદના પરિવારજનોનું શું કહેવું છે?

જે ઘરમાં આ ઘટના બની તેનાથી લગભગ 12 કિલોમીટર દૂર સાખાનુ ગામમાં સાજિદ અને જાવેદનું ઘર છે.
બાળકોના પરિવારજનોએ આરોપ કર્યો હતો કે સાજિદે પોતાની પત્નીની ડિલિવરી માટે ઉછીના પૈસા માગ્યા હતા.
પરંતુ સાજિદ અને જાવેદનાં માતા નાઝરીનનું કહેવું છે કે એ વાત સાચી નથી.
તેઓ કહે છે કે, “પોલીસવાળા આવ્યા અને કહ્યું કે આણે બાળકોને મારી નાખ્યાં. હવે જ્યારે આ મરશે તો તું આના કફનની વ્યવસ્થા કરી રાખશે. એને મારી નખાશે.”
અમે એમને પૂછ્યું કે પોલીસનો દાવો છે કે સાજિદ પોલીસ ઍન્કાઉન્ટરમાં મર્યો છે, તો આ અંગે નઝરીને કહ્યું કે, “તો પોલીસ મને કહેવા આવે કે તારો છોકરો ખતમ થઈ ગયો છે. ગોળીથી મર્યો છે.”
અંતે તેઓ કહે છે કે તેમના દીકરાઓને ફસાવાઈ રહ્યા છે અને તેમની પીડિત પરિવાર સાથે કોઈ દુશ્મનાવટ નહોતી.
પોલીસ હાલ જાવેદની શોધમાં છે અને તેમના પરિવારજનોની પૂછપરછ કરી રહી છે.
























