ગુજરાતમાં ચોમાસું ક્યારે મજબૂત થશે? આગામી દિવસોમાં વરસાદની શું આગાહી છે?

ગુજરાત હવામાન

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

હવામાન વિભાગની માહિતીને આધારે આવનારા અઠવાડિયામાં ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ શકે છે.

10 જૂનની આસપાસ ચોમાસાએ દક્ષિણ ગુજરાતમાં ઍન્ટ્રી લઈ લીધી છે. તેના કારણે ગુજરાતમાં નવસારી અને વલસાડના કેટલાક વિસ્તારોમાં આજકાલ છૂટોછવાયો વરસાદ થઈ રહ્યો છે. પરંતુ ત્યાર બાદ ચોમાસું આગળ વધ્યું નથી.

હવે, ગુજરાતમાં ચોમાસું મજબૂત બનવાની શરૂઆત થઈ ગઈ છે.

ભારતના કર્ણાટક, કોંકણ અને મુંબઈના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે અને આજે પણ આ વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી આગાહી છે.

તેની અસરથી દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં સતત છૂટોછવાયો વરસાદ ચાલી રહ્યો છે અને આજથી દક્ષિણ ગુજરાતને આવરી લેતા વિસ્તારમાં વરસાદ પડવાની શરૂઆત થશે.

આ સિવાય ભારતનાં પૂર્વોત્તર રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે.

પૂર્વનાં રાજ્યોમાં જેવા ઓડિશા, છત્તીસગઢ, બંગાળ અને બિહારમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

હવે ભારત પર ગરમ હવાઓનું પ્રમાણ ઘટશે અને અરબી અને બંગાળની ખાડી પરથી આવતી વરસાદી હવાઓ ગરમ હવાના પ્રમાણને ઘટાડશે.

હવે બંગાળની ખાડીની પશ્ચિમ શાખા મધ્યપ્રદેશ સુધી પહોંચશે. પછી તે ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધશે અને બીજી બાજુ અરબી સમુદ્રની શાખા પણ આગળ વધી રહી છે.

તો જાણો ગુજરાતમાં ચોમાસું કેમ અટકી ગયું છે અને તે હવે આગળ ક્યારે વધશે?

ગુજરાતમાં ચોમાસું કેમ અટકી ગયું છે?

ગુજરાતમાં વાવણીલાયક વરસાદ ક્યારે પડશે?

ઇમેજ સ્રોત, IMD

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ચોમાસું અત્યારે દક્ષિણ ગુજરાતથી આગળ વધ્યું નથી, તે હજી નવસારી સુધી જ છે. એનો મતલબ એ છે કે અત્યારે ગુજરાતના બીજા વિસ્તારોમાં જે વરસાદ પડી રહ્યો છે તે ચોમાસા પહેલાંની ગતિવિધિનો છે.

આ વર્ષે એવું થયું છે કે, ચોમાસાનાં મૉડલોમાં સતત ફેર આવતો રહ્યો છે અને સતત ચોમાસાનાં પરિબળોમાં ફેરફાર આવતો રહ્યો છે.

ચોમાસાની શરૂઆત સમય કરતાં પહેલા થઈ ગઈ અને તે ખૂબ જ ઝડપથી આગળ વધ્યું. ત્યાર બાદ ચોમાસું એક જ જગ્યાએ અટકી ગયું અને તે દસ દિવસથી એક જ જગ્યાએ છે. પશ્ચિમ બંગાળની શાખા 31 મે બાદ આગળ જ નથી વધી અને વીસ દિવસથી ચોમાસું એક જ જગ્યાએ નબળું પડીને અટકી ગયું છે.

તેથી જે અનુમાન હતું કે વહેલા વરસાદ પડશે તે અનુમાનમાં બદલાવ આવ્યો. આ ઉપરાંત સિસ્ટમો પણ બની નથી.

હવે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સરક્યુલેશન બની રહ્યાં છે, એક સૌરાષ્ટ્ર અને બીજું છે કેરળ, ત્રીજુ આંધ્રપ્રદેશ ઉપર અને ચોથું પંજાબ પર બન્યું છે અને તેના કારણે ગુજરાત, મહારાષ્ટ્ર અને અરબી સમુદ્રના કિનારે આવતા વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધશે.

તેથી જૂન મહિનાના અંત સુધીમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ આવી જશે તેવી શક્યતા દેખાઈ રહી છે.

બીબીસી ગુજરાતી

ગુજરાતમાં વરસાદ ક્યારે આવશે?

ગુજરાતમાં વરસાદ ક્યારે આવશે?

ઇમેજ સ્રોત, IMD

બે-ત્રણ દિવસમાં ચોમાસામાં પ્રગતિ થવાની દેખાશે અને ધીરે ધીરે વધશે અને 25 જૂનની આસપાસ ચોમાસું આગળ વધવાનું શરૂ કરશે તેવી શક્યતા દેખાઈ રહી છે. એનો મતલબ એ છે 25 જૂન બાદ ગુજરાતમાં વરસાદ વધશે.

ગુજકરાતમાં સૌથી પહેલા દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, દાદરા અને નગરહવેલી અને સેલવાસમાં વરસાદ વધશે. ત્યાર બાદ પૂર્વ ગુજરાતના વિસ્તારો જેવા કે, છોટાઉદેપુર, પંચમહલ, અરવલ્લી અને મહીસાગરમાં વરસાદ વધશે.

સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર અને ગીરસોમનાથના વિસ્તારોમાં થોડો ઘણો વરસાદ પડી રહ્યો છે ત્યાં વરસાદ હજી એક બે દિવસ સુધી ચાલુ રહેશે અને પછી ધીમે ધીમે વધશે.

ગુજરાતના દરિયાકાંઠાના જે વિસ્તારો છે, જેવા કે પોરબંદર, ગીરસોમનાથ, દેવભૂમિ દ્વારકા, જામનગરમાં આવનારા બે-ત્રણ દિવસ સુધી છૂટોછવાયો વરસાદ પડશે. કચ્છમાં પણ આવી રીતે જ છૂટોછવાયો વરસાદ પડશે.

ત્યાર બાદ વરસાદનું જોર વધશે અને 26-27 જૂનની આસપાસ આ વિસ્તારોને આવરી લેશે. હાલના વરસાદનાં મૉડલો સૂચવે છે તે પ્રમાણે ગાંધીનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, મોરબી, બોટાદ, રાજકોટમાં પણ 26-27 જૂનથી વરસાદ શરૂ થઈ જશે.

ઉત્તર ગુજરાતમાં 27-28 જૂન દરમિયાન અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જેવા જિલ્લામાં પણ વરસાદની શરૂઆત થઈ જશે.

વીડિયો કૅપ્શન, ચોમાસું મજબૂત થવાની શરૂઆત, ગુજરાતમાં વરસાદને લઈને શું છે આગાહી?

ચોમાસા પહેલાંની ગતિવિધિઓ કઈ હોય છે?

ગુજરાતમાં ચોમાસું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ચોમાસા પહેલાંની ગતિવિધિઓનો અર્થ છે કે, ચોમાસું સંપૂર્ણ રીતે ન બેસે પરંતુ કેટલાક જ વિસ્તારોમાં વરસાદ પડવાનો શરૂ થઈ જાય અને મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ ન પડે.

એટલે કે નાના અને છૂટાછવાયા વિસ્તારોમાં નાના વરસાદી વાદળના કારણે વરસાદ પડે. આ વરસાદ લાંબા સમય સુધી ન પડે અને મોટા વિસ્તારમાં પણ ન પડે.

જેમ કે, રવિવારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તાલુકામાં લગભગ પાંચથી સાત ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.

તો સૌરાષ્ટ્રના મોરબી, જૂનાગઢ, જેતપુર અને રાજકોટના કેટલાક વિસ્તારોમાં ગઈ કાલે છૂટોછવાયો વરસાદ જોવા મળ્યો હતો.

પરંતુ, ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ નથી પડ્યો. ચોમાસા પહેલાંની ગતિવિધિઓમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નથી પડ્યો. ઘણી વખત એવું પણ જોવા મળે કે આ વરસાદ ગામની એક સીમમાં હોય પરંતુ બીજી સીમમાં ન હોય.

ચોમાસું આવે ત્યારે આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થાય અને તે વરસાદ વાવણીલાયક હોય છે.