મહારાષ્ટ્ર: યુવતીનો આરોપ- 'બૉયફ્રેન્ડે મને જાનથી મારવાનો પ્રયાસ કર્યો, ડ્રાઈવરે કાર ચડાવી', શું છે મામલો?

પ્રકાશિત

મહારાષ્ટ્રના થાણેમાં એક યુવતીએ પોતાના કથિત પ્રેમી અને એક વરિષ્ઠ અધિકારીના પુત્ર પર રેન્જ રોવર કારથી કચડવાનો અને જાનથી મારી નાખવાનો આરોપ મૂક્યો છે.

યુવતી ગંભીર રીતે ઘાયલ છે અને હાલમાં તેની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

યુવતીએ દાવો કર્યો છે કે આરોપી યુવક મહારાષ્ટ્રના એક વરિષ્ઠ આઈએએસ અધિકારીનો પુત્ર છે.

પીડિતાનું નામ પ્રિયાસિંહ છે અને તે એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે.

સોશિયલ મીડિયા પર તેમણે કરેલી એક પોસ્ટ મુજબ તેમના બૉયફ્રેન્ડનું નામ અશ્વજિત ગાયકવાડ છે. જેમના પર પ્રિયાસિંહને કાર નીચે કચડી નાખવાના પ્રયાસનો આરોપ છે.

"મેં ચાર દિવસ પહેલાં એફઆઈઆર નોંધાવી હતી પણ કોઈ આવવા તૈયાર નહોતું. તેઓ વિલંબ કરી રહ્યા હતા. પરંતુ આજે મેં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી પછી પોલીસ સહકાર કરી રહી છે." આ વાત પ્રિયાસિંહે કહી છે.

પોલીસે શું કહ્યું?

આ વિશે માહિતી આપતા થાણેના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ અમરસિંહ જાધવે જણાવ્યું હતું, “પીડિતાની અશ્વજિત ગાયકવાડ, રોમિલ પાટીલ, સાગર શેલ્કે સાથે દલીલ થઈ હતી. પીડિતાના નિવેદન અનુસાર ભારતીય દંડ સંહિતાની કલમ 279, 338, 323, 504, 34 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. શંકાસ્પદ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.”

પ્રિયાસિંહે દાવો કર્યો છે કે તેઓ આરોપી અશ્વજિત સાથે સાડા ચાર વર્ષથી રિલેશનશિપમાં હતાં. પ્રિયાસિંહ એમ પણ કહે છે કે અશ્વજિતે મારી સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું અને તેનો પુરાવો ફોનમાં છે.

પ્રિયાસિંહે લખ્યું છે, "તેણે મને કહ્યું કે તેના અને તેની પત્નીના છૂટાછેડા થઈ ગયા છે. પરંતુ તે દિવસે જ્યારે મેં અશ્વજિતને તેની પત્ની સાથે કાર્યક્રમમાં જોયો ત્યારે તે ગુસ્સે થઈ ગયો. તેથી જ તેણે મને મારવાનો પ્રયાસ કર્યો."

યુવતીએ આપવીતી જણાવતાં શું કહ્યું?

પ્રિયાસિંહે આ ઘટના વિશે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે અને પોતાની તસવીરો પણ શૅર કરી છે. આખી ઘટનાને તેમણે ભયાવહ ગણાવી છે.

તેમણે આરોપ લગાવ્યો, "મારા બૉયફ્રેન્ડે તેની કાર મારા પર ચડાવી દીધી અને મને મરવા માટે રસ્તા પર છોડી દીધી."

ઘટનાનું વર્ણન કરતા પ્રિયાસિંહે લખ્યું, “સોમવારે સવારે ચાર વાગ્યે જ્યારે મારા બૉયફ્રેન્ડનો ફોન આવ્યો, હું તેને મળવા ગઈ. તે તેના પરિવાર અને કેટલાક મિત્રો સાથે એક કાર્યક્રમમાં હતા. જ્યારે હું ત્યાં ગઈ અને કેટલાક મિત્રોને મળી તો મેં જોયું કે મારો બૉયફ્રેન્ડ વિચિત્ર હરકતો કરતો હતો. એટલે હું બહાર નીકળી અને તેની રાહ જોવા લાગી અને એકલામાં વાત કરતા તેને પૂછ્યું કે શું થયું?”

“તે મિત્રો સાથે બહાર આવ્યો હતો. મેં તેની સાથે વાત કરવાનો પ્રયાસ ક્રયો પણ તેના મિત્રે (રોમિલ પાટીલ) મને તેની સાથે વાત ના કરવા દીધી. તેણે મારું અપમાન પણ કર્યું. એના કારણે અમારા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. તેણે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો. મેં મારા બૉયફ્રેન્ડને મને બચાવમાં કંઈક કહેવા કહ્યું. એ પછી એવું કંઈક થયું જેની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી.”

પ્રિયાસિંહે આગળ કહ્યું, “તેમના બૉયફ્રેન્ડે તેમને તમાચો માર્યો, ગળું દબાવવાનો પ્રયાસ કર્યો. જ્યારે તેમણે તેને ધક્કો મારવાનો પ્રયાસ કર્યો તો તેણે મારા વાળ ખેંચ્યા અને માર માર્યો અને તેના મિત્રોએ પણ મને જમીન પર પછાડી દીધી.”

યુવતીનો આરોપ

પ્રિયાસિંહ આગળ જણાવે છે, “હું કંઈ સમજી શકું એ પહેલાં તો તેઓ બધા તેની કાર પાસે ગયા. હું મારું પર્સ અને બૅગ લેવા મારા બૉયફ્રેન્ડની કાર તરફ આગળ વધી જે તેણે પહેલાં જ મારી પાસેથી છીનવીને તેની કારમાં રાખી દીધા હતા. પણ જેવી હું કાર પાસે પહોંચી તેણે ડ્રાઇવર (સાગર)ને કહ્યું ‘ઉડાવી દે એને’, મેં આ શબ્દો સાંભળ્યા. એના ડ્રાઇવરે પણ કારની સ્પીડ વધારી દીધી અને કારની જમણી બાજુથી મને ટક્કર મારીને પછાડી દીધી. આના કારણે તેની કારનું એક પૈડું મારા પગ પરથી પસાર થઈ ગયું.”

“20-30 મિનિટ સુધી અસમંજસની સ્થિતિ રહી. મને અસહ્ય પીડા થતી હતી અને હું મદદ માગી રહી હતી. પણ એ બધા મને ત્યાં એકલી મૂકી જતા રહ્યા. હું અડધો કલાક સુધી એમ જ જમીન પર પડી રહી. એ પછી મારા પર એક રાહદારીની નજર ગઈ એણે મને જોઈ અને સ્થાનિક પોલીસને જાણ કરી.”

"અજાણ્યો માણસ મારી પાસે પહોંચી રહ્યો હતો ત્યારે જ બૉયફ્રેન્ડના ડ્રાઇવરે એ જાણવાનો પ્રયાસ કર્યો કે હું જીવિત છું કે મરી ગઈ. પણ એ અજાણ્યા રાહદારીને જોઈને ડ્રાઇવર મને હૉસ્પિટલ લઈ ગયો. એ પણ એટલા માટે કે તે પોલીસ પાસે ના જાય. પણ હૉસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં મને ધમકાવવાનો પ્રયાસ થયો."

આ વિશે જણાવતાં પ્રિયાસિંહ કહે છે, "તે બોલ્યો હતો કે આ મામલામાં પોલીસને સામેલ ના કરો, કારણ કે તમને પણ ખબર છે કે ચીચૂભાઈ (અશ્વજિત)ની પહોંચ કેટલી છે. હું બધો દોષ મારા ઉપર લઈ લઈશ એટલે તું એમનું કંઈ નહીં બગાડી શકે.”

આ દરમ્યાન હૉસ્પિટલ પહોંચ્યા પછી યુવતીએ પરિવારજનોનો સંપર્ક કરવા ફોન માગ્યો. ડૉક્ટરે પણ જ્યારે પરિવારજનોને જાણ કરવાનું કહ્યું તો તેણે યુવતીની બહેનને ફોન કર્યો હતો.

પરિવારજનોને પણ ધમકી આપ્યાનો આરોપ

પ્રિયાસિંહે આગળ પોસ્ટમાં લખ્યું, “આજે મને સમજાયું કે મારાથી ભૂલ થઈ ગઈ હતી. મારો જમણો પગ તૂટી ગયો છે અને મારે સર્જરી કરાવવી પડી છે. મારા પગમાં સળિયો નાખવો પડ્યો. મારા આખા શરીર પર ઈજાનાં નિશાન છે. હાથ, પેટ અને પીઠ પર ઘણા ઘા છે. મારે 3-4 મહિના પથારીમાં રહેવું પડશે અને પછી હું 6 મહિના સુધી મદદ વિના ચાલી શકીશ નહીં. હું મારા પરિવારનો એકમાત્ર કમાતી સભ્ય છું.”

“અમે સાડા ચાર વર્ષથી રિલેશનશિપમાં છીએ. પણ મને હજુ પણ વિશ્વાસ નથી આવતો કે તે મને મળવા પણ આવ્યો નથી. તેથી તે સ્પષ્ટ હતું કે તે મારો જીવ લેવા માગે છે.”

પ્રિયાસિંહે એમ પણ કહ્યું, “અમે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આથી તેના કેટલાક મિત્રો સતત હૉસ્પિટલમાં આવીને મારી બહેનને ધમકીઓ આપી રહ્યા છે. મને બહુ ડર લાગે છે. મને મારી અને મારા પરિવારની ચિંતા છે. હું બિલકુલ સલામત નથી અનુભવતી. મેં માનવતામાંથી વિશ્વાસ ગુમાવી દીધો છે. મને ખબર નથી કે મારું જીવન ફરી સામાન્ય થશે કે નહીં. કૃપા કરીને મારા માટે પ્રાર્થના કરો અને મને ન્યાય અપાવો.''

દરમિયાન બીબીસીએ અશ્વજિત ગાયકવાડનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સંપર્ક થઈ શક્યો ન હતો.

પ્રિયાના વકીલે શું કહ્યું?

સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, આ મામલો કલમ 307 હેઠળ દાખલ કરવો જોઈતો હતો.

પ્રિયાના વકીલ દર્શના પવારે કહ્યું કે "ચાર દિવસ થઈ ગયા છે. અમે વારંવાર કહી રહ્યા છીએ કે કલમ 307 અને કલમ 356 હેઠળ નિવેદન નોંધે, પણ એવું અત્યાર સુધી થયું નથી. જો એવું નહીં થાય તો અમે હાઈકોર્ટ જઈશું. પ્રિયાને ન્યાય મળવો જોઈએ. "