જાપાનમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images
ન્યૂઝ એજન્સી રૉઇટર્સના અહેવાલ મુજબ, જાપાનની હવામાન એજન્સીએ દેશમાં સુનામીની ચેતવણી જાહેર કરી છે.
સોમવારે સમુદ્રમાં 7.6 ની તીવ્રતાના ભૂકંપ બાદ જાપાનના ઉત્તરપૂર્વીય કિનારા પર ત્રણ મીટર ઊંચા મોજાં ઉછળી શકે છે તેવું જાપાનની હવામાન એજન્સીએ જણાવ્યું છે.
હોક્કાઇડો, આઓમોરી અને ઇવાતે પ્રાંત માટે સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
એજન્સીએ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્રબિંદુ આઓમોરી પ્રાંતના દરિયાકાંઠેથી 80 કિલોમીટર (50 માઇલ) દૂર, 50 કિલોમીટર (30 માઇલ) ની ઊંડાઈએ હતું.
ભારતીય ક્રિકેટ ટીમને આઈસીસીએ દંડ ફટકાર્યો, શું કારણ આપ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય ટીમને ૩ ડિસેમ્બરે રાયપુરમાં દક્ષિણ આફ્રિકા સામેની વન-ડે દરમિયાન આઈસીસીની આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ દોષિત ઠેરવવામાં આવી છે. ટીમને દંડ ફટકારવામાં આવ્યો છે.
આ મૅચમાં ધીમો ઓવર રેટ જાળવી રાખવા બદલ ભારતીય ટીમને તેની મૅચ ફીના 10 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે .
રાયપુરમાં રમાયેલી બીજી વન-ડેમાં ભારતીય ટીમ બે ઑવર પાછળ રહી ગઈ હતી. કૅપ્ટન કેએલ રાહુલે આરોપને સ્વીકાર્યો હતો અને સજા માની લીધી હતી. તેથી ઔપચારિક સુનાવણીની આમાં કોઈ જરૂર પડી નહોતી.
રાયપુર વન-ડે મૅચમાં, ભારતે 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 358 રન બનાવ્યા હતા, જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમે ચાર વિકેટથી જીત મેળવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'હડદડનું આંદોલન ભાજપ ગુજરાત છોડો આંદોલન બની રહ્યું છે', અરવિંદ કેજરીવાલે બીજું શું કહ્યું

ઇમેજ સ્રોત, AAP Gujarat
ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે આવેલા આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આજે હડદડના ખેડૂતો અને તેમના પરિવારો સાથે મુલાકાત કરી હતી.
રાજકોટમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, "કડદા પ્રથાના વિરોધમાં પોતાનો હક માગનારા ખેડૂતોને જેલમાં નાખવામાં આવ્યા. પરંતુ હડદડના ખેડૂતોએ હિંમત દેખાડી છે."
તેમણે કાર્યક્રમમાં જાહેરાત કરી હતી કે ગુજરાતમાં બે વર્ષ પછી અમારી સરકાર બનશે ત્યારે તમામ ખેડૂતો સામેના કેસ પાછા ખેંચવામાં આવશે.
કેજરીવાલે ગોપાલ ઇટાલિયા પર ફેંકવામાં આવેલા જૂતાં અંગે કહ્યું હતું કે, "ગોપાલ ઇટાલિયા જ્યારે ભાજપની નિષ્ફળતાઓ ગણાવી રહ્યા હતા ત્યારે એક કૉંગ્રેસીએ આવીને તેમના પર જૂતું ફેંક્યું હતું. એ દર્શાવે છે કે ગુજરાતમાં ભાજપ અને કૉંગ્રેસ એક જ સિક્કાની બે બાજુ છે."
તેમણે કહ્યું હતું કે, "હડદડનું આંદોલન 'ભાજપ ગુજરાત છોડો' આંદોલન બની રહ્યું છે. જ્યાં સુધી એક-એક ખેડૂત જેલમાંથી બહાર નહીં આવે ત્યાં સુધી અમે ચેનથી નથી બેસવાના."
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીનો ઉલ્લેખ કરીને 'વંદે માતરમ' પર શું કહ્યું?

ઇમેજ સ્રોત, Sansad TV
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
'વંદે માતરમ'નાં 150 વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે લોકસભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચર્ચાની શરૂઆત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે આ ગીતે દેશની આઝાદી માટેની ઊર્જા આપી હતી.
તેમણે કહ્યું, "જ્યારે વંદે માતરમનાં 50 વર્ષ થયાં હતાં ત્યારે દેશ ગુલામીમાં જીવવા માટે મજબૂર હતો. જ્યારે તેનાં 100 વર્ષ થયાં ત્યારે ઇમર્જન્સીની સાંકળોમાં જકડાયેલો હતો. ત્યારે ભારતના બંધારણનું ગળું દબાવી દેવામાં આવ્યું હતું."
વડા પ્રધાને કહ્યું, "100 વર્ષના પ્રસંગે દેશભક્તિ માટે જીવનારા લોકોને જેલમાં મોકલવામાં આવ્યા. દુર્ભાગ્યથી આ એક કાળો કાળ દેશે જોવો પડ્યો."
તેમણે એમ પણ કહ્યું, "તેનાં 150 વર્ષ, એ મહાન અધ્યાયને, એ ગૌરવને પુન:સ્થાપિત કરવાનો અવસર છે."
પીએમ મોદીએ કહ્યું, "આ ગીત એવા સમયે લખવામાં આવ્યું હતું જ્યારે 1857ના સ્વતંત્રતા સંગ્રામ બાદ અંગ્રેજ સલ્તનત બગવાઈ ગઈ હતી. ભારત પર અલગ પ્રકારનું દબાણ હતું. તે અલગ પ્રકારના જુલમ કરતી હતી. ભારતના લોકોને અંગ્રેજ લોકો મજબૂર કરતા હતા."
તેમણે કહ્યું, "આ દરમિયાન અંગ્રેજો તેમના રાષ્ટ્રીય ગીત 'ગૉડ સેવ ધ ક્વીન'ને ધરે-ઘરે ગાવાના ષડયંત્ર ઘડતા હતા. તેવા સમયે બંકિમ દાએ પડકાર આપ્યો અને ઇંટનો જવાબ પથ્થરથી આપ્યો. તેમાંથી વંદે માતરમનો જન્મ થયો."
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીનો ઉલ્લેખ કરીને 'વંદે માતરમ' પર શું કહ્યું?
પીએમ મોદીએ મહાત્મા ગાંધીનો ઉલ્લેખ કરતાં સવાલ કર્યો, "જ્યારે બાપુને વંદે માતરમ નૅશનલ એન્થમ તરીકે દેખાતું હતું તો તની સાથે અન્યાય કેમ થયો?"
વડા પ્રધાને કહ્યું, "દક્ષિણ આફ્રિકામાં પ્રકાશિત સાપ્તાહિક પત્રિકા ઇન્ડિયન ઑપિનિયનમાં મહાત્મા ગાંધીએ 2જી ડિસેમ્બર, 1905માં લખ્યું હતું- 'ગીત વંદે માતરમ, જેને બંકિમચંદ્રએ લખ્યું છે, આખા બંગાળમાં અત્યંત લોકપ્રિય થઈ ગયું છે. સ્વદેશી આંદોલન દરમિયાન બંગાળમાં વિશાળ સભાઓ થઈ. જ્યાં લાખો લોકો એકઠા થયા અને બંકીમનું આ ગીત ગાયું."
"ગાંધી જી આગળ લખે છે- 'આ ગીત એટલું લોકપ્રિય થઈ ગયું જેમ કે, એ આપણું નૅશનલ એન્થમ બની ગયું છે. તેની ભાવનાઓ મહાન છે. તે અન્ય રાષ્ટ્રોનાં ગીતો કરતાં મધૂર છે. તેનો એક માત્ર ઉદ્દેશ આપણામાં દેશભક્તિની ભાવના જાગૃત કરવાનો છે. આ ભારતને મા સ્વરૂપે દેખાડે છે અને તેની સ્તુતિ કરે છે'."
વડા પ્રધાને આગળ કહ્યું, "જો વંદે માતરમ 1905માં મહાત્મા ગાંધીને નૅશનલ એન્થમ સ્વરૂપે દેખાતું હતું, દેશના ખૂણેખૂણામાં, દરેક વ્યક્તિ માટે વંદે માતરમ એક શક્તિ હતું, વંદે માતરમ આટલું મહાન હતું, તેની ભાવના મહાન હતી, તો પછી ગત સદીમાં તેની સાથે આટલો મોટો અન્યાય કેમ થયો? તેની સાથે વિશ્વાસઘાત કેમ થયો?"
તેમણે સવાલ કર્યો કે "એ કઈ શક્તિ હતી જેમની ઇચ્છા ખુદ બાપૂની ભાવના પર ભારે પડી ગઈ? જેમણે વંદે માતરમ જેવી પવિત્ર ભાવનાઓને પણ વિવાદોમાં ઘસેડ્યું."
થાઇલૅન્ડે ફરી કંબોડિયા પર હવાઈહુમલા કર્યા

ઇમેજ સ્રોત, LILLIAN SUWANRUMPHA/AFP via Getty
થાઇલૅન્ડની રૉયલ આર્મીએ કહ્યું છે કે કંબોડિયા સાથેની ઝડપ બાદ તેણે હવાઈહુમલાઓ શરૂ કરી દીધા છે. આ હુમલા થાઇલૅન્ડ-કંબોડિયાનાં વિવાદિત સરહદ ક્ષેત્રોમાં કર્યા છે.
થાઇલૅન્ડની સેનાએ કહ્યું કે તેની સેનાની ટુકડીઓ પર કંબોડિયાની સેનાએ ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં તેના બે સૈનિકો માર્યા ગયા હતા અને ચાર ઘાયલ થયા હતા.
જોકે, થોડા સમય બાદ થાઇલૅન્ડે માર્યા ગયેલા અને ઘાયલ થયેલા સૈનિકોની સંખ્યામાં ફેરફાર કર્યો.
થાઇલૅન્ડની સેનાના પ્રવક્તાએ દાવો કર્યો કે કંબોડિયા તરફથી કરવામાં આવેલા ગોળીબારમાં એક સૈનિકનું મૃત્યુ થયું છે જ્યારે કે 8 સૈનિકો ઘાયલ થયા છે.
કંબોડિયાએ દાવો કર્યો છે હુમલા થાઇલૅન્ડે શરૂ કર્યો છે અને તેનો તેણે જવાબ નહોતો આપ્યો.
બંને દેશોએ એકબીજા પર સીઝફાયરના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને મલેશિયાની મધ્યસ્થતામાં થાઇલૅન્ડ અને કંબોડિયા વચ્ચે સીઝફાયર થયું હતું.
આ વર્ષે જુલાઈ મહિનામાં સરહદ વિવાદને કારણે બંને દેશો વચ્ચે પાંચ દિવસ સુધી સંઘર્ષ ચાલ્યો હતો. જેમાં ઓછામાં ઓછા 48 લોકો માર્યા ગયા હતા અને ત્રણ લાખ લોકો વિસ્થાપિત થયા હતા.
ટ્રમ્પે કહ્યું, 'રશિયા યુદ્ધ રોકવા તૈયાર છે, પરંતુ ઝેલેન્સ્કી..'

ઇમેજ સ્રોત, Brendan SMIALOWSKI / AFP via Getty
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ થોડા નિરાશ છે કારણ કે યુક્રેન યુદ્ધ રોકવા માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તૈયાર છે, પરંતુ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ હજુ સુધી આ પ્રસ્તાવ વાંચ્યો નથી.
રવિવારે ટ્રમ્પે કહ્યું કે "અમે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે વાત કરી છે. હું થોડો નિરાશ છું કારણ કે ઝેલેન્સ્કીએ હજુ પ્રસ્તાવ વાંચ્યો નથી."
તેમણે કહ્યું કે "રશિયા તેનાથી રાજી છે. પરંતુ મને નથી લાગતું કે ઝેલેન્સ્કી તેની સાથે સહમત હોય. તેમના લોકોને આ પસંદ છે, પરંતુ તેઓ તૈયાર નથી."
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ રોકવા માટે સતત વાતચીત ચાલુ છે. આ દરમિયાન રશિયા દ્વારા યુક્રેન પર સતત બૉમ્બમારાના અહેવાલ આવે છે.
રશિયાએ યુક્રેન પર શનિવારે આખી રાત હવાઈહુમલા કર્યા હતા. રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો કે તેમણે અલગ અલગ જગ્યાએ યુક્રેનનાં 77 ડ્રૉન તોડી પાડ્યાં છે.
ગોવાની નાઇટક્લબમાં આગ : ચાર લોકોની ધરપકડ, કુલ 25નાં મોત

ઇમેજ સ્રોત, ANI
ગોવામાં શનિવારે રાતે એક નાઇટક્લબમાં લાગેલી ભયંકર આગમાં મૃત્યુઆંક 25 સુધી પહોંચી ગયો છે. આ દરમિયાન આ મામલે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ગોવાના મુખ્ય મંત્રી પ્રમોદ સાવંતે જણાવ્યું કે અર્પોરાની નાઇટ ક્લબમાં આગ લાગવાના કેસમાં ચાર લોકોની ધરપકડ થઈ છે.
તેમણે આ ઘટનાની માહિતી આપતા કહ્યું કે, "ઘટનાની 45 મિનિટની અંદર પોલીસ અને ફાયર ડિપાર્ટમેન્ટની ટીમ ઘટનાસ્થળે હાજર હતી. પરંતુ અનેક અવરોધોના કારણે ફાયર ડિપાર્ટમેન્ટની ટીમ માટે ક્લબ સુધી પહોંચવું મુશ્કેલ હતું. છતાં અડધા કલાકની અંદર તેમણે આગને કાબૂમાં લીધી હતી."
"તેમને ઉપરથી માત્ર બે મૃતદેહો મળ્યા, તેથી તેમણે પહેલાં માત્ર બે મૃતદેહની વાત કરી હતી. પરંતુ પછી તેઓ ક્લબના અંડરગ્રાઉન્ડમાં ગયા ત્યારે બાકીના 23 મૃતદેહો મળ્યા હતા. આ મૃતદેહો પર આગથી ઈજાનાં નિશાન ન હતાં. શ્વાસ ગુંગળાવાથી તેમનાં મોત નીપજ્યાં હતાં."
મુખ્ય મંત્રી પ્રમોદ સાવંતે કહ્યું કે "શરૂઆતના રિપોર્ટ પ્રમાણે ક્લબમાં ઇલેક્ટ્રિક ફટાકડાં ફોડવામાં આવ્યાં હતાં, જેનાથી આગ લાગી હતી."
પોલીસે ક્લબના ચીફ જનરલ મૅનેજર, જનરલ મૅનેજર, મૅનેજર અને ગેટ મૅનેજરની ધરપકડ કરી છે.
ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આઈપીએલની મૅચ અંગે શિવકુમારે કરી સ્પષ્ટતા

ઇમેજ સ્રોત, ANI
કર્ણાટકના ઉપમુખ્ય મંત્રી ડી. કે. શિવકુમારે કહ્યું છે કે તેઓ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આઈપીએલની મૅચ બીજા કોઈ સ્ટેડિયમમાં શિફ્ટ થવા નહીં દે.
શિવકુમારે કર્ણાટક રાજ્ય ક્રિકેટ ઍસોસિયેશનની ચૂંટણીમાં મતદાન પછી રવિવારે ઍક્સ પર લખ્યું કે, "આઈપીએલની મૅચોને ચિન્નાસ્વામી સ્ટેડિયમથી શિફ્ટ થવા દેવામાં નહીં આવે.
તેમણે કહ્યું કે આ બૅંગ્લુરુ અને કર્ણાટકની શાનનો સવાલ છે. આઈપીએલની મૅચ અહીં જ યોજાય તે અમે સુનિશ્ચિત કરીશું."
ગયા વર્ષે રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુ ચૅમ્પિયન બન્યા પછી ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઉજવણી વખતે ભાગદોડ થઈ હતી જેમાં 11 લોકોનાં મોત થયાં હતાં. શિવકુમારે કહ્યું કે આવી ઘટના બીજી વખત ન બને તે સુનિશ્ચિત કરવામાં આવશે.
આ સાથે તેમણે ચિન્નાસ્વામી સ્ટેડિયમના વિકલ્પ તરીકે એક બીજું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાની વાત પણ કરી હતી.
ભૂતપૂર્વ ક્રિકેટર વેંકટેશપ્રસાદ કર્ણાટક ક્રિકેટ ઍસોસિયેશનના અધ્યક્ષ બન્યા છે.
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















