અમિત શાહે ફરીથી કહ્યું, "માર્ચ-2026 સુધીમાં નક્સલવાદ ઇતિહાસ બની જશે" - ન્યૂઝ અપડેટ

અમિત શાહ, નક્સલવાદ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના જણાવ્યા અનુસાર, છત્તીસગઢમાં 50 નક્સલીઓએ હિંસાનો માર્ગ છોડી દીધો છે અને આત્મસમર્પણ કર્યું છે.

રવિવારે અમિત શાહે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર આ સંદર્ભમાં માહિતી આપી હતી અને લખ્યું હતું કે, "આ ખૂબ જ આનંદની વાત છે કે બીજાપુર (છત્તીસગઢ)માં 50 નક્સલીઓએ હિંસાનો માર્ગ છોડીને આત્મસમર્પણ કર્યું છે. હું હિંસા અને શસ્ત્રો છોડીને વિકાસના મુખ્ય પ્રવાહમાં જોડાનારાઓનું સ્વાગત કરું છું."

તેમણે આગળ લખ્યું હતું કે, "મોદીજીની નીતિ સ્પષ્ટ છે કે જે પણ નક્સલવાદી હથિયાર છોડીને વિકાસનો માર્ગ અપનાવશે તેનું પુનર્વસન કરવામાં આવશે અને મુખ્યધારામાં જોડવામાં આવશે."

શાહે બાકીના લોકોને હથિયાર છોડીને મુખ્યધારામાં જોડાવાની અપીલ કરી છે.

તેમણે એમ પણ કહ્યું છે કે 31 માર્ચ, 2026 પછી દેશમાં નક્સલવાદ ફક્ત ઇતિહાસ બની જશે.

ઓડિશા: કટકમાં કામાખ્યા ઍક્સપ્રૅસના અનેક ડબ્બાઓ પાટા પરથી ઊતર્યા, એકનું મોત

રેલ અકસ્માત, બીબીસી ગુજરાતી , ઓડિશા

ઇમેજ સ્રોત, SUBRAT KUMAR PATI

રવિવારે ઓડિશાના કટક જિલ્લામાં 12551 બેંગલુરુ-ગુવાહાટી એસએમવીટી કામાખ્યા એસી સુપરફાસ્ટ ઍક્સપ્રૅસના અનેક ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા. આ માહિતી ઈસ્ટ કોસ્ટ રેલવેના ઍક્સ અકાઉન્ટ પર આપવામાં આવી છે.

ડીએમ દત્તાત્રેય ભાઉસાહેબે આપેલી માહિતી અનુસાર આ અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે જ્યારે આઠ લોકો ઘાયલ થયા છે.

ઈસ્ટ કોસ્ટ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી અશોક કુમાર મિશ્રાએ સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું હતું કે, "આજે 11.54 વાગ્યા વાગ્યે, ખુર્દા રોડ ડિવિઝનના નિર્ગુન્ડી કંદરપુર સેક્શનમાં 12551 એસએમવીટી કામાખ્યા સુપરફાસ્ટ એસી ઍક્સપ્રૅસના કેટલાક ડબ્બાં પાટા પરથી ઉતરી ગયા હોવાની જાણ થઈ છે."

તેમણે કહ્યું કે માહિતી અનુસાર, "11 એસી કોચ પાટા પરથી ઊતરી ગયા હતા."

તેમણે કહ્યું, "અમને ડબ્બા પાટા પરથી ઊતરી જવાની માહિતી મળતાની સાથે જ અકસ્માત રાહત ટ્રેન અને કટોકટીનાં તબીબી ઉપકરણો તાત્કાલિક મોકલવામાં આવ્યાં હતાં. વરિષ્ઠ રેલ્વે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે. ભારત સરકાર અને રાજ્ય સરકારને પણ સહાય માટે જાણ કરવામાં આવી છે."

IPL : મુંબઈ ઇન્ડિયન્સના કૅપ્ટન હાર્દિક પંડ્યા પર કેમ લાગ્યો 12 લાખ રૂ.નો દંડ?

બીબીસી ગુજરાતી, ગુજરાત, ગુજરાત ટાઇટન્સ, મુંબઈ ઇન્ડિયન્સ, હાર્દિક પંડ્યા, આઇપીએલ, ક્રિકેટ

ઇમેજ સ્રોત, Getty Images

મુંબઈ ઇન્ડિયન્સના કપ્તાન હાર્દિક પંડ્યા પર ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ યોજાયેલી મૅચમાં ધીમા ઓવર રેટ માટે 12 લાખ રૂપિયાનો દંડ લાદવામાં આવ્યો છે.

ગુજરાતના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલી આઇપીએલની આ મૅચમાં મુંબઈ ઇન્ડિયન્સને ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ 36 રને હારનો સામનો કરવો પડ્યો હતો.

મુંબઈ ઇન્ડિયન્સની ટીમ ગુજરાત ટાઇટન્સના 196 રનના જવાબમાં 20 ઓવરમાં 160 રન જ બનાવી શકી હતી.

મ્યાનમારમાં ભૂકંપ છતાં સૈન્યશાસનના હવાઈ હુમલા યથાવત્

બીબીસી ગુજરાતી, મ્યાનમાર, સૈન્યશાસન, ગુજરાત, ભૂકંપ
ઇમેજ કૅપ્શન, સૈન્યશાસને ભૂકંપ છતાં પોતાના હુમલા ચાલુ રાખ્યા છે

મ્યાનમારના સૈન્યશાસને દેશમાં આવેલા ભૂકંપ છતાં લોકશાહીસમર્થક વિદ્રોહી જૂથો પર હવાઈ હુમલા કરવાનું ચાલુ રાખ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર (યુએન)એ આનો સંપૂર્ણપણે 'અસ્વીકાર' કર્યો છે.

બીબીસી બર્માએ એ આ હુમલામાં સાત લોકોનાં મૃત્યુ થયાંની વાતની પુષ્ટિ કરી છે. ભૂકંપની ઘટનાના માત્ર કલાક બાદ જ સૈન્યે હુમલા શરૂ કરી દીધા હતા.

સૈન્યશાસને આ હુમલા ભૂકંપના કેન્દ્ર સાગાઇંગની ચાંગ-યૂ-ટાઉનશિપ સહિત અન્ય સ્થળોએ કર્યા છે. એવા સમાચાર છે કે સૈન્યશાસને મ્યાનમાર-થાઇલૅન્ડ બૉર્ડર પાસેની જગ્યાઓએ પણ હુમલા કર્યા છે.

તેમજ, મ્યાનમારની મિલિટરી કાઉન્સિલે જણાવ્યું છે કે ભૂકંપમાં મૃત્યુ પામનારાની સંખ્યા વધીને 1644 થઈ ગઈ છે.

સૈન્યનેતાઓએ જણાવ્યું કે ભૂકંપથી ઈજાગ્રસ્તોનો આંકડો વધીને 3,408 સુધી પહોંચી ગયો છે અને 139 લોકો હજુ પણ ગુમ છે.

વડા પ્રધાન મોદી નાગપુર પહોંચ્યા, સ્મૃતિમંદિર અને દીક્ષાભૂમિનાં કર્યાં દર્શન

બીબીસી ગુજરાતી, ગુજરાત, નરેન્દ્ર મોદી, આરએસએસ, નાગપુર

ઇમેજ સ્રોત, Getty Images

વડા પ્રધાન મોદીએ નાગપુરસ્થિત ડૉ. હેડગેવાર સ્મૃતિમંદિરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સંસ્થાપગક કેબી હેડગેવાર અને આરએસએસના બીજા પ્રમુખ એમએસ ગોલવલકરને શ્રદ્ધાંજલિ આપી હતી.

આરએસએસના પ્રશાસનિક મુખ્યાલય રેશિમબાગસ્થિત સ્મૃતિમંદિરમાં વડા પ્રધાન મોદી સાથે આ દરમિયાન આરએસએસના પ્રમુખ મોહન ભાગવત પણ હાજર રહ્યા.

વડા પ્રધાન મોદી એ બાદ નાગપુરસ્થિત દીક્ષાભૂમિ પણ પહોંચ્યા.

ડૉ. ભીમરાવ આંબેડકરે દીક્ષાભૂમિ ખાતે 1956માં પોતાના હજારો અનુયાયીઓ સાથે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો.

સીરિયામાં રાષ્ટ્રપતિ અહમદ અલ-શારાએ ખ્રિસ્તી મહિલા હિંદ કબાવતને શ્રમમંત્રી બનાવ્યાં

હિંદ કબાવત, બશર અલ અસદ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હિંદ કબાવત આંતરધાર્મિક સહિષ્ણુતા અને મહિલા સશક્તીકરણ માટે કામ કરવા માટે જાણીતાં છે

સીરિયામાં બશર અલ-અસદને સત્તા પરથી દૂર કરનાર જૂથ હયાત તહરિર અલ-શામ (HTS) ના નેતા રાષ્ટ્રપતિ અહમદ અલ-શારાએ શનિવારે તેમના મંત્રીમંડળમાં 23 મંત્રીઓની નિમણૂક કરી.

ન્યૂઝ એજન્સી રૉયટર્સના જણાવ્યા અનુસાર , ખ્રિસ્તી મહિલા અને બશર અલ-અસદનાં વિરોધી હિંદ કબાવતને પણ કૅબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે.

કબાવતને સામાજિક બાબતો અને શ્રમમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે. તે આંતરધાર્મિક સહિષ્ણુતા અને મહિલા સશક્તીકરણ માટે કામ કરી રહ્યાં છે.

થાઇલૅન્ડ: ભૂકંપ પછી કાટમાળમાં ફેરવાઈ ગયેલી 30 માળની ઇમારતમાં ફસાયેલા લોકોનું શું થયું?

મ્યાનમાર, થાઇલેન્ડ, ભૂકંપ, બીબીસી
ઇમેજ કૅપ્શન, ભૂકંપને કારણે 30 માળની ઇમારત થોડીક સેકન્ડોમાં ધરાશાયી થઈ ગઈ હતી

શુક્રવારે આવેલા ભૂકંપ બાદ થાઇલૅન્ડમાં બચાવ કામગીરી ચાલુ છે. શુક્રવારે આવેલા ભૂકંપ પછી દેશના પાટનગર બૅંગ્કોકમાં સેંકડો બચાવ કાર્યકરો 30 માળની એક ધરાશાયી થયેલી ઇમારતમાં બચી ગયેલા લોકોને શોધી રહ્યા છે.

આ 30 માળની ઇમારતમાં હજુ પણ ઘણા લોકો ફસાયેલા છે. અધિકારીઓનું કહેવું છે કે તેમને કાટમાળ નીચે દટાયેલા લોકોના બચવાના સંકેતો મળ્યા છે. પરંતુ તે તેમના સુધી પહોંચી શકાયું નથી.

બૅંગ્કોકમાં આવેલા ભૂકંપને કારણે અત્યાર સુધીમાં 12થી વધુ લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે.

શુક્રવારે મ્યાનમાર અને થાઇલૅન્ડમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. આના કારણે બંને દેશોમાં ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ અને રસ્તાઓ તૂટી ગયા હતા.

મ્યાનમારમાં અત્યાર સુધીમાં 1600 કરતાં વધુ લોકોનાં મોત થયાં છે અને અહીં બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે.

શું ઇઝરાયલ અને હમાસ ગાઝામાં નવા યુદ્ધવિરામ કરાર માટે સહમત થશે?

ઇઝરાયલ, હમાસ, ગાઝા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇઝરાયલી સૈન્ય ગાઝામાં દરરોજ હવાઈ હુમલાઓ કરી રહ્યું છે અને રફાહમાં જમીની કાર્યવાહી કરી રહ્યું છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસ ગાઝામાં એક નવા યુદ્ધવિરામ પ્રસ્તાવ પર સંમત થયું છે જેમાં પાંચ વધુ બંધકોને મુક્ત કરવાની અને બદલામાં 50 દિવસનો યુદ્ધવિરામ કરવાની માંગ કરવામાં આવી છે.

ગાઝાની બહાર હમાસના સૌથી વરિષ્ઠ નેતા ખલીલ અલ-હય્યાએ જણાવ્યું હતું કે હમાસે મધ્યસ્થી કતાર અને ઇજિપ્ત દ્વારા મોકલવામાં આવેલા ડ્રાફ્ટ કરારને મંજૂરી આપી દીધી છે.

ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના કાર્યાલયે પણ કહ્યું છે કે તેમને તે મળ્યું છે અને તેના સંદર્ભમાં જવાબ મોકલ્યો છે.

જો બંને પક્ષો નવા કરાર પર સહમત થાય તો તેનો અમલ ઈદ પર થઈ શકે છે.

ઇઝરાયલી સેના ગાઝામાં દરરોજ હવાઈ હુમલા કરી રહી છે અને રફાહમાં જમીની કાર્યવાહી કરી રહી છે ત્યારે નવા યુદ્ધવિરામ કરાર અંગે ચર્ચાઓ ચાલી રહી છે.

જાન્યુઆરીમાં હમાસ અને ઇઝરાયલ વચ્ચે થયેલો યુદ્ધવિરામ કરાર આ મહિને તૂટી ગયો.

આ કરારના પ્રથમ તબક્કા દરમિયાન, હમાસે 33 બંધકોને મુક્ત કર્યા. હમાસે હજુ પણ 59 લોકોને બંધક બનાવ્યા હોવાનું માનવામાં આવે છે, પરંતુ તેમાંથી કેટલા હજુ પણ જીવિત છે તે સ્પષ્ટ નથી.

હમાસ ઇચ્છતું હતું કે પહેલાનો કરાર તૂટવો ન જોઈએ અને બીજા તબક્કા માટે વાતચીત શરૂ થવી જોઈએ.

બીજા તબક્કામાં પેલેસ્ટિનિયન કેદીઓના બદલામાં બચી ગયેલા બંધકોને મુક્ત કરવા અને ગાઝામાંથી ઇઝરાયલી સૈનિકોની સંપૂર્ણ પાછી ખેંચવાની માંગ કરવામાં આવી હતી. પરંતુ આ અંગે વાતચીત શરૂ પણ થઈ શકી નહીં.

બદલામાં, ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સે પ્રસ્તાવ મૂક્યો કે યુદ્ધવિરામનો પ્રથમ તબક્કો, જે એક મહિના પહેલાં સમાપ્ત થયો હતો, તેને લંબાવવો જોઈએ.

ઇઝરાયલે હમાસ પર આ સ્વીકાર ન કરવાનો આરોપ લગાવ્યો અને ફરીથી હુમલા શરૂ કર્યા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.