બોટાદ: 'મારી નોકરીનું શું થયું?' ટ્રસ્ટી ધરમશી મોરડિયાની હત્યાનો મામલો શું છે?

ઇમેજ સ્રોત, SACHIN PITHVA
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
'મારી નોકરીનું શું કર્યું? છેલ્લાં ત્રણ વર્ષથી હું રખડું છું' એમ કહીને કલ્પેશ મેર નામના એક યુવાને આરએમસી હૉસ્પિટલના ટ્રસ્ટી ધરમશીભાઈ મોરડિયાની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.
આરોપી કલ્પેશ અને મૃતક ધરમશીભાઈ પડોશી હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક ધરમશીભાઈએ આરોપી કલ્પેશને નોકરી અપાવવાની વાત કરી હોવાની વાત જાણવા મળી છે.
હત્યા અંગે મૃતક ધરમશીભાઈના પુત્ર હરીશભાઈએ બરવાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આરોપી કલ્પેશે ધરમશીભાઈની હત્યા બાદ ઝેરી દવા ગટગટાવી હોવાથી તેને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
મૃતક ધરમશીભાઈ ટ્રસ્ટની હૉસ્પિટલ ચલાવતા અને પંથકમાં સમાજસેવા માટે જાણીતા હતા.
ઘટનાને નજરે જોનારનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, sachin pithva
ભીમનાથ ગામના ઉપસરપંચ મંગળસિંહ રાઠોડ ઘટનાસમયે સ્થળ પર હાજર હતા.
ઘટનાને નજરે જોનારા મંગળસિંહે જણાવ્યું કે "આરોપી કલ્પેશ ધરમશીભાઈના ઘરની નજીકમાં જ રહે છે. મંગળવારે સવારે પહેલાં ધરમશીભાઈનાં પુત્રવધૂ સાથે ઝઘડો કર્યો હતો. ધરમશીભાઈ ઘરે ન હોવાથી તેમણે મને ફોન કરી તેમના ઘરે મોકલ્યો હતો. બાદમાં ઝઘડો કરીને કલ્પેશ ઘરે જતો રહ્યો હતો."
"બપોરે સાડા બાર વાગ્યાની આસપાસ ધરમશીભાઈ ઘરે પહોચ્યા ત્યારે હું નજીકમાં જ એક દુકાને ઊભો હતો. તેમને મને બોલાવ્યો. હું અને ધરમશીભાઈ તેમના ઘરના ડેલાની બહાર ઊભા હતા. આરોપી કલ્પેશ ઓટલા પર બેસીને તેમની રાહ જ જોતો હતો. તેણે તરત જ ધરમશીભાઈ પાસે આવીને ઝઘડો શરૂ કર્યો હતો. મેં કલ્પેશને કહ્યું કે કેમ ઝઘડો કરે છે. ત્યારે તેને કહ્યું કે મારી નોકરીનું શું કર્યું?"
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ વધુમાં કહે છે, "જોકે આટલું કહીને તે ત્યાંથી આવું છું કહીને દોડીને તેના ઘરે જઈ લોખંડની તીક્ષ્ણ દાંતી (ધારિયું) લઈને આવ્યો હતો. મેં તેને રોકવા માટે પ્રયત્નો કર્યા પરંતુ તે રોકાયો નહી. તેણે સીધો ધરમશીભાઈના માથાના ભાગે ઘા કરતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી. તેઓ બેભાન થઈને નીચે ઢળી પડ્યા હતા."
ધરમશીભાઈને ઈજા થતાં તેમને દવાખાને લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
સમગ્ર મામલે પોલીસ શું કહે છે?

ઇમેજ સ્રોત, sachin pithva
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ અંગે નોંધાયેલી ફરિયાદ અનુસાર, ધરમશીભાઈ મંગળવારે બપોરે આરએમસી હૉસ્પિટલથી આવીને પોતાના ઘરની બહાર ઊભા હતા ત્યારે પડોશમાં રહેતો કલ્પેશ મેર ત્યાં આવીને તેમની સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો. કલ્પેશે ધરમશીભાઈને કહ્યું કે મારી નોકરીનું શું? હું છેલ્લાં ત્રણ વર્ષથી રખડું છું. ધરમશીભાઈએ તેને કહ્યું કે દિવાળી પછી નોકરીની કોઈ ખાલી જગ્યા થશે તો હું તને કહીશ.
ફરિયાદ પ્રમાણે, ત્યારબાદ કલ્પેશે ગાળાગાળી શરૂ કરતા સ્થળ પર હાજર ગામના ઉપસરપંચ મંગળસિંહ વચ્ચે પડયા હતા. તે સમયે ધરમશીભાઈ ઘરની અંદર જતા હતા ત્યારે આરોપી કલ્પેશે પોતાના હાથમાં રહેલા લોખંડના ધારિયા જેવા હથિયારથી તેમની પર હુમલો કર્યો હતો.
આ હુમલામાં ધરમશીભાઈના માથાના ભાગમાં ઈજા પહોંચી હતી. ધરમશીભાઈને હૉસ્પિટલ લઈ ગયા હતા, પણ ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
ઘટના સમયે ધરમશીભાઈના પુત્ર અમદાવાદમાં પોતાના નિવાસસ્થાને હતા. તેમનાં પુત્રવધૂ દિવાળીની સફાઈ કરવાની હોવાથી ભીમનાથ ગયાં હતાં. આથી તેઓ ઘટનાસ્થળે હાજર હતાં. તેમનાં પુત્રવધૂએ ફોન કરીને તેમના પુત્રને ઘટનાની જાણ કરી હતી.
બોટાદ જિલ્લાના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ કિશોર બલોલિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે આરએમસી હૉસ્પિટલના ટ્રસ્ટી ધરમશીભાઈ મોરડિયાની હત્યા તેમના જ ગામના કલ્પેશ મેર નામના યુવકે ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર મારીને કરી હતી.
કિશોર બલોલિયાએ કહ્યું કે "ધરમશીભાઈની હત્યા કર્યા બાદ આરોપીએ ઝેરી દવા પી લીધી હતી. આરોપી સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ છે. આરોપી હાલ જોખમની બહાર છે. હાલ તે હૉસ્પિટલમાં પોલીસ જાપ્તામાં છે. ડૉક્ટરની સલાહ બાદ ધરપકડ અંગે કાર્યવાહી કરાશે."
હત્યાનું કારણ અંગે પૂછતા એસપી કિશોર બલોલિયાએ જણાવ્યું હતું કે "પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યુ છે કે મૃતકે આરોપીને નોકરી લગાડવાની વાત કરી હતી. પરંતુ ત્રણ વર્ષની નોકરી ન મળતા આરોપીએ હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ અંગે વધુ માહિતી તપાસ બાદ જ જાણવા મળશે."
તપાસ અધિકારી ડીવાયએસપી મહર્ષિ રાવલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે "આરોપી કલ્પેશ મેરની પૂછપરછ બાકી છે. કલ્પેશ મેર CISFની નોકરીમાં ટ્રેનિંગમાં ગયો હોવાની હકીકત સામે આવી છે. ડૉકટર દ્વારા કલ્પેશનું ફિટનેસ સર્ટિફિકેટ આપ્યા બાદ જ તેની પૂછપરછ કરવામાં આવશે. આરોપીના નિવેદન બાદ જ વધારે માહિતી આપી શકીશું."
મૃતક ધરમશીભાઈનો પરિવાર શું કહે છે?

ઇમેજ સ્રોત, sachin pithva
આરએમસી હૉસ્પિટલના ચૅરમૅન અને ધરમશીભાઈના જૂના મિત્ર ઓધવજી પટેલે મીડિયાને જણાવ્યું હતું કે "ધરમશીભાઈએ આખી જિંદગી કોઈનું ખરાબ કર્યું નથી. તેઓ સામાજિક કાર્યકર હતા. છેલ્લાં 30 વર્ષથી સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. આરએમસી હૉસ્પિટલના ટ્રસ્ટી હતા. તેમની તબિયત સારી ન હોય તો પણ અઠવાડિયામાં એક દિવસ તે ફરજિયાત હૉસ્પિટલ આવતા હતા."
મૃતકના પુત્ર હરીશભાઈએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે "મંગળવારે આરએમસી હૉસ્પિટલમાં મીટિંગ હોવાથી તે તેમના મિત્ર ઓધવજીભાઈ સાથે આવ્યા હતા. મીટિંગ પતાવીને તેઓ સાથેલ નીકળ્યા હતા. હૉસ્પિટલથી ઘરે પહોચ્યા ત્યારે આ ઘટના બની હતી."
આરોપી કલ્પેશ મેરનો પરિવાર શું કરે છે?

ઇમેજ સ્રોત, sachin pithva
બીબીસીએ આરોપી કલ્પેશ મેરના પરિવાર સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો. હાલ તેમનું ઘર બંધ છે.
કલ્પેશ મેર તેમનાં માતા સાથે રહે છે. તેમના પિતા હયાત નથી. તેમનાં બહેન અને ભાઈ નોકરી કરે છે.
કલ્પેશ ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાં ઑર્ગેનાઇઝરની નોકરી કરતો હતો. થોડાક સમય પહેલાં તેણે નોકરી છોડી દીધી હતી.
મંગળસિંહે જણાવ્યું હતું કે "ધરમશીભાઈ અમદાવાદમાં ફન ઝોન બનાવાના હતા. કલ્પેશે તેમને ત્યાં નોકરી માટે વાત કરી હોવાની વાત હતી. ધરમશીભાઈએ તે કામ ચાલુ થશે તો નોકરીનું જોઈશ એવું કહ્યું હતું. જોકે ફન ઝોનનું કામ શરૂ થયું જ ન હતુ. તેમને મદદ કરવાની ભાવનાથી જ નોકરી અપાવવાનું કહ્યું હશે. જોકે કલ્પેશે ગામમાં અન્ય લોકો સાથે પણ માથાકૂટ કરી હોવાનું જાણવા મળેલું છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















