ઋષભ પંત કે સંજુ સેમસન – ટીમ ઈન્ડિયામાં કોને સ્થાન મળવું જોઈએ?

ક્રિકેટ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, વિધાંશુકુમાર
    • પદ, સ્પોર્ટ્સ રિપોર્ટર, બીબીસી હિન્દી માટે
  • પ્રકાશિત

વન-ડે ક્રિકેટના વર્લ્ડકપ આડે માંડ એક વર્ષ બાકી છે અને હાલમાં જ ટી-20 વર્લ્ડકપમાં સેમિફાઇનલમાં હારી ગયેલી ભારતીય ટીમની સામે એક મોટો માથાનો દુખાવો ઊભો થયો છે.

ભારત ન્યૂઝીલૅન્ડ સામે વનડે સીરીઝની પ્રથમ મૅચ હારી ગયું છે, પણ એક રીતે આ સિરીઝને ભારતમાં આવતા વર્ષે યોજાનાર વન-ડે વર્લ્ડકપની તૈયારી રૂપે જોવામાં આવી રહી છે.

વર્ષ 2011થી આઈસીસીની મોટી ટ્રોફી માટે ઝંખતી ભારતીય ટીમ પણ ખેલાડીઓમાં બદલાવના મૂડમાં આવી ગઈ છે. આ ચર્ચામાં એક મોટો મુદ્દો છે વિકેટકીપર-બૅટરનો.

ઋષભ પંત હાલમાં આ રેસમાં સૌથી આગળ જોવા મળી રહ્યા છે, પરંતુ તેના સતત ઓછા સ્કોરને પગલે ફરી એકવાર એ ચર્ચાએ જોર પકડ્યું છે કે ટીમમાં કોને સ્થાન મળવું જોઈએ, ઋષભ પંતને કે છેલ્લા ઘણા સમયથી ટીમની અંદર-બહાર થઈ રહેલા સંજુ સૅમસનને?

ગ્રે લાઇન

પંત ટેસ્ટ ક્રિકેટના મૅચ વિનર

સંજુ સૅમસન અને ઋષભ પંત

ઇમેજ સ્રોત, CHANDAN KHANNA

ઇમેજ કૅપ્શન, સંજુ સૅમસન અને ઋષભ પંત

તેમાં કોઈ શંકા નથી કે ઋષભ પંતે ટેસ્ટ ક્રિકેટમાં ઘણી યાદગાર ઈનિંગ્સ રમી છે. ટેસ્ટમાં તેમની સ્ટાઈલ આક્રમક છે, પરંતુ ટીમમાં તેમનું મૂલ્ય એ વાતે છે કે તેઓ ચારમાંથી એક મૅચ એવી રમે છે કે જે મૅચ વિનિંગ હોય.

31 ટેસ્ટ મૅચોમાં તેમણે 43.32ની એવરેજથી 2123 રન બનાવ્યા છે, જેમાં 5 સદી અને 10 અડધી સદી સામેલ છે. તેમની બેટિંગની ખાસિયત સ્ટ્રાઈક રેટ છે અને તેમનો સ્ટ્રાઈક રેટ 72.65નો છે.

આનો અર્થ એ છે કે જ્યારે પણ પંત મોટો સ્કોર કરે છે ત્યારે તે એટલા ઝડપી બનાવે છે કે તેની અસર મૅચના પરિણામ પર જોવા મળે છે. આ હકીકતની પુષ્ટિ કરવા માટે, ચાલો આપણે અગાઉની કેટલીક ટેસ્ટ મૅચો જોઈએ.

તેમણે 2018માં ઈંગ્લૅન્ડમાં તેની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી. ભારતીય ટીમ 464 રનનો પીછો કરી રહી હતી અને ટૉપ ઑર્ડર સસ્તામાં આઉટ થઈ ગયો હતો. એવામાં સાતમા નંબરે રમતા પંતે 114 રન બનાવ્યા અને જ્યાં સુધી તે ક્રીઝ પર હતા ત્યાં સુધી 464નો સ્કોર હાંસલ કરી શકાય તેમ લાગતું હતું.

બીજા વર્ષે તેમણે સિડનીમાં 159 રનની ઇનિંગ રમી હતી, જેની મદદથી ભારતે ટેસ્ટ શ્રેણી જીતી હતી. ત્યારબાદ 2021ની ઑસ્ટ્રેલિયન સિરીઝમાં તેમણે બે મૅચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. પહેલા સિડનીમાં 97 રન બનાવ્યા હતા, જેની મદદથી ભારત ટેસ્ટ ડ્રૉ કરવામાં સફળ રહ્યું હતું અને ત્યારબાદ બ્રિસબેનમાં 89 રનની ઈનિંગ રમી હતી, જેની મદદથી ટીમ ઈન્ડિયાએ જીત મેળવી હતી.

આ પછી, તેણે દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લૅન્ડમાં પણ બે સદી ફટકારી, તે પણ એવા સમયે જ્યારે બાકીની બેટિંગ સાવ ધીમી હતી. ટીમમાં પંતની બેટિંગનું મહત્ત્વ પણ વધી જાય છે કારણ કે તે ડાબોડી બૅટર છે.

ડાબોડી બૅટર ઘણીવાર ઑફ-સ્પિનરો પર ભારે પડે છે અને પેસ બૉલરોને વારંવાર લાઇન બદલવા મજબૂર કરે છે, જેના કારણે તેઓ લયમાં બૉલિંગ કરી શકતા નથી. ભારતીય ટીમમાં છેલ્લા કેટલાક સમયથી ડાબોડી બૅટરોનો દુકાળ છે. આવી સ્થિતિમાં પંતની ટીમમાં હાજરીની કિંમત સોના જેવી થઈ જાય છે.

ગ્રે લાઇન

સફેદ બૉલ સામે ફિક્કા આંકડા?

ઋષભ પંત

ઇમેજ સ્રોત, Getty Images

ટેસ્ટ ક્રિકેટના સ્ટાર ઋષભ પંતનું બૅટ વનડે અને ટી20 ઇન્ટરનેશનલમાં મૂંગુ થઈ જાય છે. પંતની પ્રતિભા પ્રમાણે તેઓ વનડે અને ટી20 ઇન્ટરનેશનલના આંકડાને ન્યાય નથી આપી શકતા.

27 વનડેમાં પંતે માત્ર 840 રન બનાવ્યા છે, જેમાં એક સદી સામેલ છે. તો તેમણે આંતરરાષ્ટ્રીય ટી20ની 66 મૅચોમાં 987 રન બનાવ્યા છે અને અહીં તેનો સ્ટ્રાઈક રેટ માત્ર 126 જ રહ્યો છે, જે આધુનિક ટી20 ક્રિકેટમાં ઓછો ગણવામાં આવશે.

ટી20 વર્લ્ડ કપમાં પંતના સ્થાને દિનેશ કાર્તિકને પસંદ કરવામાં આવ્યા હતા. જોકે કાર્તિક પણ રન બનાવી શક્યા ન હતા જેથી પંતને છેલ્લી મૅચોમાં ટીમમાં જગ્યા મળી હતી.

પંતને વર્લ્ડ કપમાં બે ઇનિંગ્સ રમવાની તક મળી હતી, પરંતુ તે ઝિમ્બાબ્વે સામે 3 અને ઇંગ્લૅન્ડ સામે 6 રન જ બનાવી શક્યા હતા.

તેમણે ન્યુઝીલૅન્ડમાં ચાલી રહેલી સિરીઝની બે ટી20 ઇનિંગ્સમાં 6 અને 11 રન બનાવ્યા હતા, તેમજ શુક્રવારે પ્રથમ વનડેમાં 15 રન બનાવીને ફર્ગ્યુસનના હાથે બોલ્ડ થયા હતા. એટલેકે છેલ્લી પાંચ ઇનિંગ્સમાં પંતનો સ્કોર આ પ્રમાણે રહ્યો છે - 15, 6, 11, 3, 6. શું આવો સ્કોર ટીમનું મનોબળ વધારી શકે છે?

bbc line

સંજુ સૅમસનનો પ્રવેશ

સંજુ સૅમસન

ઇમેજ સ્રોત, CHANDAN KHANNA

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જ્યારે સંજુ સૅમસન જેવા ખેલાડી ટીમની બહાર રહે છે, ત્યારે રિષભ પંતની મુશ્કેલી વધુ વધી જાય છે. પંતની જેમ સૅમસન પણ વિકેટ કીપર બૅટર છે અને ઝડપથી રન બનાવી શકે છે. તેમણે અત્યાર સુધી એક પણ ટેસ્ટ રમી નથી, અને પહેલેથી જ ઉલ્લેખ કર્યો છે તેમ ટેસ્ટ ક્રિકેટમાં પંતની બેટિંગ જબરદસ્ત રહી છે અને તેમાં સૅમસન કે અન્ય કોઈ ખેલાડીને સ્થાન નથી.

પરંતુ જો આપણે વનડેમાં સરખામણી કરીએ તો જોવા મળશે કે સૅમસને 9 ઇનિંગ્સમાં 76.50ની એવરેજથી 294 રન બનાવ્યા છે. તેણે તાજેતરમાં સાઉથ આફ્રિકા સામે 86 રનની શાનદાર ઇનિંગ પણ રમી હતી. તો ટી20 ઇન્ટરનેશનલની 16 મૅચોમાં, તેણે 21ની સરેરાશથી 294 રન બનાવ્યા છે. તેણે આ રન 135ના સ્ટ્રાઈક રેટથી બનાવ્યા છે, જે સ્ટ્રાઈક રેટ પંત કરતા ઘણો વધારે છે.

શુક્રવારની વનડેમાં પણ તેણે 38 બૉલમાં 36 રન બનાવ્યા અને શ્રેયસ અય્યર સાથે સારી ભાગીદારી કરી હતી. સૅમસનની બેટિંગમાં તેમનો ક્લાસ સ્પષ્ટપણે જોવા મળે છે અને તેમણે તેમની આઈપીએલની મૅચોમાં પહેલાના ઘણા મહાન ખેલાડીઓને તેમના વખાણ કરવા મજબૂર કર્યા છે.

જો કે, તેમની વિરુદ્ધમાં એવી વાત કહેવામાં આવે છે કે ઘણી વખત તે ઇનિંગ્સમાં સારી શરૂઆત કરે છે, પરંતુ તે તેને મોટા સ્કોરમાં બદલી શકતા નથી.

bbc line

તો વનડે અને ટી20 ટીમોમાં પંતને રમાડવા જોઈએ કે સંજુ સૅમસનને?

રિષભ પંત

ઇમેજ સ્રોત, Getty Images

ન્યૂઝીલૅન્ડ સામેની પ્રથમ વનડે પહેલા જ્યારે પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર વસીમ જાફરે ટ્વિટર પર પોતાની ઈલેવનની જાહેરાત કરી ત્યારે સૅમસનને બદલે પંતને ટીમમાં બતાવવામાં આવ્યા હતા.

આ કારણે પંત અને સૅમસનના ચાહકો વચ્ચે ટ્વિટર પર જંગ જામ્યો હતો. કેટલાકે કહ્યું કે સંજુને પડતા મૂકવા તે તેમની સામે અન્યાય દર્શાવે છે, જ્યારે કેટલાકનું માનવું હતું કે પંત ડાબોડી મૅચ વિનર છે અને ટીમમાં તેનું સ્થાન પાક્કુ છે.

કેટલાક ભૂતપૂર્વ ક્રિકેટરો પણ પંતને વધુ સમય આપવા માગતા નથી. એક ટીવી ચેનલ પર રિતિંદર સોઢીએ કહ્યું કે 'જ્યારે તમે વધારે તકો આપો છો, ત્યારે વધુ સમસ્યાઓ ઊભી થાય છે. પંત જે પ્રકારની બેટિંગ કરે છે તે ટીમ પર બોજ બની ગયા છે અને તેના સ્થાને સૅમસનને તક મળવી જોઈએ.’

જોકે, પંત અને સૅમસન બંનેને પ્રથમ વનડેમાં તક મળી હતી. જેમાં પંત 15 રને આઉટ થયા અને સૅમસને 36 રન બનાવ્યા હતા. રોહિત શર્મા, કેએલ રાહુલ અને વિરાટ કોહલી ટીમમાં પાછા ફરશે ત્યારે બંને ખેલાડીઓની ટીમમાં સ્થાન મુશ્કેલ છે. આવી સ્થિતિમાં પસંદગીકારોએ પંત અને સૅમસનમાંથી એકની પસંદગી કરવી પડશે.

એવું માનવામાં આવે છે કે ઓછામાં ઓછા ટી20માં, પંત પહેલાં સૅમસનનો નંબર આવવો જોઈએ. વનડેમાં પણ પંત સામે જોખમ છે અને એમણે બની શકે એટલા જલદી મોટા સ્કોરની ઇનિંગ રમીને કાબેલિયત સાબિત કરવી પડશે.

રેડ લાઇન
રેડ લાઇન