ઑસ્ટ્રેલિયામાં યહૂદીઓને નિશાન બનાવી ગોળીબાર કરાયો, 12નાં મૃત્યુ

ઇમેજ સ્રોત, Getty Images
ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યના સિડની ખાતે બૉન્ડી બીચ ગોળીબારની ઘટનામાં 12 લોકોનાં મૃત્યુ થયાં છે, તેમજ 11 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
સિડનીમાં હાજર બીબીસી સંવાદદાતા ટિફની ટર્નબુલે જણાવ્યું કે ન્યૂ સાઉથ વેલ્સ પોલીસના પ્રમુખ ક્રિસ મિન્સે મૃતકોની સંખ્યાની પુષ્ટિ કરી છે.
ઑસ્ટ્રેલિયાની ન્યૂ સાઉથ વેલ્સ પોલીસે એક્સ પર પોસ્ટ કરીને લખ્યું, "આજે બૉન્ડી બીચ પર બે લોકો દ્વારા જાહેર સ્થળે થયેલા ગોળીબાર બાદ ત્યાં પોલીસ ઑપરેશન ચલાવાઈ રહ્યું છે."
ઘટના ઑસ્ટ્રેલિયન ઇસ્ટર્ન ડેલાઇટ ટાઇમ પ્રમાણે સાંજે 6 વાગ્યે એટલે કે ભારતીય સમયાનુસાર બપોરના સાડા બાર વાગ્યાની આસપાસ થઈ હતી.
ન્યૂ સાઉથ વેલ્સ પોલીસે પહેલાં બૉન્ડી બીચી પર થયેલા ગોળીબારમાં દસ લોકોનાં મૃત્યુની પુષ્ટિ કરી હતી. પોલીસ અનુસાર મૃતકોમાંથી એક શંકાસ્પદ હુમલાખોર પણ છે. પોલીસે એક બંદૂકધારી ઈજાગ્રસ્ત થયા હોવાની પણ માહિતી આપી છે અને કહેવાયું છે કે તેની સ્થિતિ ગંભીર છે.
બીબીસી સંવાદદાતા ટેન્સા વૉન્ગ અનુસાર ઘટના બૉન્ડી બીચીના ઉત્તર ભાગમાં ભીડભાડવાળી જગ્યાએ થઈ હતી.
તેઓ જણાવે છે કે, "બીચ પાછળ ઘાસવાળી જગ્યા પાસે હનુકાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. ત્યાં એક ફૂટબ્રિજ હતો, જેનો ઉપયોગ લોકો બીચ તરફ જવા માટે કરી શકતા."
બંદૂકધારીઓએ કદાચ આ બ્રિજનો ઉપયોગ નિશાન સાધવા માટે કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટેસા વૉન્ગે કહ્યું, "ગોળીબારના લગભગ એક કલાક પહેલાં મેં બ્રિજ પાર કર્યો હતો અને જોયું કે ત્યાં ઓછામાં ઓછા 200 લોકો હાજર હતા, ત્યાં લાઉડ મ્યુઝિક ચાલી રહ્યું હતું અને અન્ય ઘણા પ્રકારની પ્રવૃત્તિઓ ચાલી રહી હતી."
તેઓ કહે છે કે, "જે જગ્યાએ આ કાર્યક્રમ થઈ રહ્યો હતો એ સ્થળે ધાતુનો બૅરિયર બનાવાયો હતો. લોકોને અંદર જવા કે બહાર જવા માટે એક ગેટ હતો, જે જોવામાં બૅગ ચેક માફક હતો. એવું જણાઈ રહ્યું હતું કે ત્યાં સુરક્ષા વ્યવસ્થા ઓછી હતી."
સિડનીમાં હાજર બીબીસી સંવાદાદાતા ટિફની ટર્નબુલે જણાવ્યું કે ન્યૂ સાઉથ વેલ્સ પોલીસના પ્રમુખ ક્રિસ મિન્સે તેમને મૃતકોની સંખ્યા 12 થઈ હોવાની વાતની પુષ્ટિ કરી છે.
ક્રિસ મિન્સે જણાવ્યું કે, "મૃતકોમાં એક એક હુમલા ખોર છે અને એક કસ્ટડીમાં છે."
તેમણે કહ્યું કે આ હુમલો "સિડનીના યહૂદી સમુદાય પર નિશાન સાધવા માટે કરાયો હતો."
ન્યૂ સાઉથ વેલ્સ પોલીસ કમિશનર એમ લેનયને જણાવ્યું કે રાત્રે ત્યાં લગભગ એક હજાર લોકો હાજર હતા, જેઓ યહૂદી તહેવાર હનુકા ઊજવી રહ્યા હતા.
સીરિયામાં ત્રણ અમેરિકન ઠાર અને ત્રણ ઘાયલ, ટ્રમ્પે જવાબ આપવાની જાહેરાત કરી

ઇમેજ સ્રોત, AFP via Getty Images
અમેરિકાની સેન્ટ્રલ કમાન્ડનું કહેવું છે કે સીરિયામાં ઇસ્લામિક સ્ટેટના (આઈએસ) બંદૂકધારીએ હુમલો કર્યો હતો, જેમાં બે અમેરિકન સૈનિક તથા એક અમેરિકન અનુવાદકનાં મૃત્યુ થયાં છે.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, આ હુમલામાં ત્રણ અમેરિકન સૈનિક ઘાયલ થયા છે. સુરક્ષાબળોએ હાથ ધરેલી વળતી કાર્યવાહીમાં હુમલાખોર ઠાર મરાયો હતો.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા ઉપર લખ્યું કે આ અમેરિકા તથા સિરિયા વિરુદ્ધ આઈએસઆઈએસનો હુમલો હતો તથા તેનો સજ્જડ જવાબ આપવામાં આવશે.
સિરિયાની સરકારે સમગ્ર ઘટનાક્રમને વખોડી કાઢતું નિવેદન બહાર પાડ્યું છે.
અમેરિકાની સેન્ટ્રલ કમાન્ડનું કહેવું છે કે 24 કલાક સુધી મૃતકોની ઓળખ સાર્વજનિક કરવામાં નહીં આવે, પહેલાં તેમના પરિવારજનોને જણાવવામાં આવશે, એ પછી જ તેમના વિશેની માહિતી બહાર પાડવામાં આવશે.
અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં ગોળીબાર, બેનાં મૃત્યુ અને નવ ગંભીરપણે ઘાયલ

ઇમેજ સ્રોત, CBS/WPRI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમેરિકાના રોડ આઇલૅન્ડ રાજ્યની બ્રાઉન યુનિવર્સિટીમાં ગોળીબાર થયો છે, જેમાં બે લોકોનાં મૃત્યુ થયાં છે અને નવ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
ઘાયલોને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જણાવાય રહ્યું છે. જોકે, પ્રોવિડેન્સ શહેરના મેયર બ્રેટ સ્માઇલીનું કહેવું છે કે મરણાંક વધી શકે છે.
મળતી માહિતી પ્રમાણે, આ ઘટના સ્થાનિક સમય મુજબ ચાર વાગ્યા અને પાંચ મિનિટ આસપાસ ઘટી હતી. ઇમારતમાં પરીક્ષા ચાલી રહી હોવાથી અવરજવર ઉપર કોઈ પ્રતિબંધ ન હતો.
પોલીસનું કહેવું છે કે હુમલાખોરે કાળાં કપડાં પહેર્યાં હતાં અને આ ઘટના બાદ પગપાળા જ ફરાર થઈ ગયો હતો.
ગન વાયોલન્સ આર્કાઇવના આંકડા પ્રમાણે, અમેરિકામાં વર્ષ 2025માં 389 માસ શૂટિંગ થયા છે. જે ગોળીબારમાં હુમલાખોર સિવાય ચાર લોકો મૃત્યુ પામે અથવા ઘાયલ થાય, તેને સંસ્થા 'માસ શૂટિંગ' માને છે.
વર્ષ દરમિયાન માસ શૂટિંગમાં 346 લોકો મૃત્યુ પામ્યા, જ્યારે એક હજાર 800 ઘાયલ થયા છે.
પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે તેઓ બે કલાક સુધી પાટલીઓ નીચે છૂપાઈ રહ્યા હતા. બીજી બાજુ, રેસ્ટોરાં બંધ છે, પરંતુ તેઓ ત્યાં આવેલાં લોકો આશરો આપી રહ્યા છે.
પોલીસે એક શખ્સની અટકાયત કરી હતી, પરંતુ તપાસ દરમિયાન સમગ્ર ઘટનાક્રમ સાથે તેનો કોઈ સંબંધ ન હોવાનું બહાર આવ્યું હતું, જેના કારણે તેને છોડી મૂકવામાં આવ્યો હતો.
બ્રાઉન યુનિવર્સિટીની આસપાસના વિસ્તારના લોકોને ઘરોમાં રહેવા તાકીદ કરવામાં આવી.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ સમગ્ર ઘટનાક્રમ વિશે માહિતી આપવામાં આવી હતી.
H1B વિઝા મુદ્દે ટ્રમ્પ સામે કેસ

ઇમેજ સ્રોત, Alex Wong/Getty Images
H1B વિઝા માટે અરજી કરનારી કંપનીઓ ઉપર એક લાખ ડૉલરની ફી લાદવા બદલ અમેરિકાના 19 રાજ્યોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઉપર કેસ દાખલ કર્યો છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈ લખે છે, ઓરેગનના ડૅન રેફિલ્ડના નેતૃત્વમાં 19 રાજ્યના ઍટર્ની જનરલોના સમૂહે આ કેસ દાખલ કર્યો છે.
તેમનું કહેવું છે કે સંસદની અવગણના કરીને ટ્રમ્પે લીધેલું પગલું ગેરકાયદેસર છે અને શ્રમિકોની તંગી સામે ઝઝૂમી રહેલા કેટલાક ઉદ્યોગસાહસિકોને માટે હાનિકારક છે.
વળી તેમાં ડિપાર્ટમેન્ટ ઑફ હોમલૅન્ડ સિક્યૉરિટીના મંત્રીને તેના અમલીકરણ માટે વિવેકાધિકાર આપવામાં આવ્યા છે, જે તેના પક્ષપાતપૂર્ણ અમલીકરણ માટે દરવાજા ખોલે છે.
કેસ દાખલ કરનારાઓનું કહેવું છે કે ટ્રમ્પ સરાકરના આ નિર્ણયની વિશેષ અસર સરકારી તથા જાહેરસાહસની સંસ્થાઓ ઉપર પડશે, જેમને સસ્તામાં માનવસંશાધન સુલભ બને છે.
નવી વ્યવસ્થા 21 સપ્ટેમ્બર પછીની અરજીઓ ઉપર લાગુ પડે છે. આ પહેલાં લગભગ 960થી લઈને સાત હજાર 595 ડૉલરનો ખર્ચ થતો.
અમેરિકા દ્વારા દર વર્ષે 65 હજાર લોકોને H1B વિઝા આપવામાં આવે છે, જ્યારે અનુસ્નાતક કે તેથી વધુની લાયકાત ધરાવનારાઓ માટે વધારાના 20 હજાર વિઝા અનામત રાખવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે H1B વિઝા વ્યવસ્થાનો સૌથી વધુ લાભ ભારતીયોને થાય છે. લગભગ 70 ટકાથી વધુ ભારતીય હોય છે, જ્યારે ચીન બીજા ક્રમે છે.
ઈએનબીએ એવૉર્ડ્સમાં બીબીસી ન્યૂઝ હિંદીને પુરસ્કાર

બીબીસી ન્યૂઝ હિંદીને ઈએનબીએ એવૉર્ડ્સમાં 'બેસ્ટ ન્યૂઝ કવરેજ હિંદી' માટે સિલ્વર પુરસ્કાર એનાયત થયો છે.
બેસ્ટ ન્યૂઝ કવરેજ – હિંદીની કૅટેગરીમાં બીબીસી સંવાદદાતા જુગલ પુરોહિત તથા દેબલીન રૉયનો રિપોર્ટ - "ગ્રાઉન્ડ ઇન્વેસ્ટિગેશન : હસીનાના પતન બાદ, બાંગ્લાદેશમાં લઘુમતીઓ ઉપર શું વીતી રહી છે?" ને આ પુરસ્કાર મળ્યો.
આ કાર્યક્રમ તા. 13 ડિસેમ્બર શનિવારના રોજ નવી દિલ્હીની હોટલ ઇરોઝ ખાતે આયોજિત થયો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















