પાકિસ્તાન : ઈમરાન ખાનની ધરપકડ માટે પોલીસ પહોંચ્યા બાદ હાઈ વૉલ્ટેજ ડ્રામા, ખાને શું કહ્યું?

ઇમેજ સ્રોત, SHAHZAIB AKBER/EPA-EFE/REX/SHUTTERSTOCK

- પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની ધરપકડ કરવા માટે લાહોરના તેમના ઘરે પોલીસ પહોંચી હતી
- ધરપકડ કરવા આવેલી પોલીસ અને પીટીઆઈના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું
- ઇમરાન ખાને આ દરમિયાન પોતાના સમર્થકોના નામે એક સંદેશો જાહેર કર્યો હતો
- તેમના સમર્થકોનો દાવો છે કે તેમને શંકા છે કે ઇમરાન ખાનને જેલમાં મારી નાખવામાં આવશે
- ઇમરાન ખાને પોતાના નિવેદનમાં સમર્થકોને લડત ચાલુ રાખવા કહ્યું

પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની ધરપકડ કરવા લાહોર પહોંચેલા પોલીસકર્મીઓ હજુ પણ ઇમરાનના સમર્થકો સાથે લડી રહ્યા છે.
છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી ઇસ્લામાબાદ પોલીસ ઇમરાન ખાનની ધરપકડ કરવાનો પ્રયાસ કરી રહી છે અને ઇમરાન ખાનના સમર્થકો સતત પોલીસકર્મીઓનો વિરોધ કરી રહ્યા છે.
છેલ્લા કેટલાક કલાકોમાં પોલીસકર્મીઓ અને ઇમરાન ખાનના સમર્થકો વચ્ચે ઘર્ષણ વધી રહ્યું છે.
આ સંઘર્ષમાં પાકિસ્તાની મીડિયાના જણાવ્યા અનુસાર, સ્થાનિક ડીઆઈજી સહિત ત્રીસ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. પાકિસ્તાનના મીડિયાના અનુસાર ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈના 15 સમર્થકોની પોલીસે અટકાયત કરી છે.
પીટીઆઈના નેતા મુરાદ સઈદે આજે સવારે દાવો કર્યો કે પોલીસે ફરી એક વાર લાહોરના પ્રતિષ્ઠિત વિસ્તારમાં આવેલા ઇમરાન ખાનના નિવાસસ્થાન ઝમન પાર્કને ઘેરી લીધું છે.
આ પહેલાં ઇમરાન ખાને તેમના સમર્થકોને કહ્યું હતું કે, ‘તેઓએ આગામી 18 માર્ચે કોર્ટમાં હાજર થવાનું લેખિત આશ્વાસન આપ્યું છે. આ આશ્વાસનપત્ર પર તેમની સહી છે. આવી સ્થિતિમાં તેમની ધરપકડ માટે જે પ્રયાસો થઈ રહ્યા છે તેનો કોઈ આધાર નથી.’
ઇમરાન ખાને એ પણ જણાવ્યું છે કે, તેઓએ લાહોર હાઈકોર્ટના બાર ઍસોસિયેશનના અધ્યક્ષ ઇશ્તિયાક-એ-ખાનને સ્યોરિટી બૉન્ડ આપ્યા છે, જેને તેઓ કોર્ટમાં રજૂ કરશે.
તેમણે કહ્યું હતું કે, “મેં અફરાતફરીથી બચવા માટે સ્યોરિટી બૉન્ડ પર હસ્તાક્ષર કર્યા છે. આવામાં હવે મારી ધરપકડનો કોઈ આધાર નથી. તેઓ લંડન પ્લાનના અમલ માટે ગેરકાયદેસર પગલાં લેવા માટે તૈયાર છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લંડનની યોજનાથી તેનો ઉદ્દેશ પીએમએલ-એન સુપ્રીમો નવાઝ શરીફ તરફ હતો. તેમનો દાવો છે કે પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના કહેવા પર તેમના વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવ્યું છે.

ઇમરાન ખાનની અપીલ રદ

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ દરમિયાન ઇમરાન ખાને સોશિયલ મીડિયા પર પોતાનું નિવેદન જાહેર કર્યું છે.
તેમણે કહ્યું, “પોલીસ મને જેલમાં ધકેલવા આવી ચૂકી છે, તેમને લાગે છે કે જ્યારે ઇમરાન ખાન જેલ જતો રહેશે તે બાદ કોમ ઊંઘી જશે. તમારે એમને ખોટા સાબિત કરવાના છે. તમારે સાબિત કરવાનું છે કે તમે એક જાગૃત કોમ છો, આ લા ઇલાહા ઇલલ્લાહના નારા પર બનનારી કોમ છે.”
“તમારે તમારા અધિકારો માટે સંઘર્ષ કરવાનો છે અને બહાર નીકળવાનું છે. ઇમરાન ખાનને અલ્લાહે બધું આપ્યું છે, હું તમારો જંગ લડી રહ્યો છું, મેં આખી જિંદગી જંગ લડ્યો છે અને આગળ પણ લડતો રહીશ. પરંતુ જો મને કંઈ થાય, જો જેલમાં આ લોકો મને મારી નાખે, તો તમારે એ સાબિત કરવાનું છે કે ઇમરાન ખાન વગર પણ આ કોમ સંઘર્ષ ચાલુ રાખશે અને તેઓ જે એક વ્યક્તિ નિર્ણય કરી રહી છે, તેને કબૂલ નહીં કરે.”
તોશાખાના મામલામાં ઇમરાન ખાનની ધરપકડનો વૉરંટ રદ કરવાની ઇસ્લામાબાદ હાઇકોર્ટમાં પીટીઆઈની અરજી પર હવે બુધવારે સુનાવણી થવાની છે.
હાઇકોર્ટના ચીફ જસ્ટિસ આમિર ફારૂકે ઇમરાન ખાનના વકીલોની એ દલીલ સાંભળવાનો ઇનકાર કરી દીધો જેમાં ધરપકડનો વૉરંટ રદ કરવાની માગ કરાઈ હતી.
ઇમરાન ખાનના વકીલ અલી બુખારીએ કહ્યું કે હવે અરજી પર બુધવારે સુનાવણી થશે.

શું છે સમગ્ર મામલો?

ઇસ્લામાબાદની એક કોર્ટે અદાલતે તોશાખાન કેસમાં ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન વિરુદ્ધ બિનજામીનપાત્ર વૉરંટ કાઢ્યો હતો, જેને લઈને પાટનગર ઇસ્લામાબાદ અને લાહોરની પોલીસની ટીમો લાહોરમાં ઇમરાન ખાનના ઘરે ઝમાન પાર્કની બહાર હાજર છે.
પીટીઆઈએ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે ઇમરાન ખાનને કોઈ મામલામાં દોષિત જાહેર નથી કરાયા અને અદાલતમાં રજૂ ન થવાને કારણે તેમની ધરપકડ કરવાની કોશિશ કરાઈ રહી છે.
ઇમરાન ખાન વિરુદ્ધ 80 કરતાં વધુ મામલા દાખલ કરાયેલા છે જે પૈકી ચાર મામલામાં જ તેઓ કોર્ટમાં રજૂ થયા છે.
ઇમરાન ખાન લાહોરના ઝમાન પાર્ક વિસ્તારમાં રહે છે. પોલીસ ટીમની હાજરી સિવાય ત્યાં ભારે સંખ્યામાં તહરીક એ ઇન્સાફ પાર્ટીના કાર્યકર્તા પણ છે.
પાકિસ્તાનના સ્થાનિક મીડિયા અનુસાર પોલીસની ટીમો ઝમાન પાર્કને ચારે તરફ હાજર છે.
બીબીસી સંવાદદાતા તરહબ અસગર પ્રમાણે પીટીઆઈના નેતા હુસૈન નિયાઝી અને ડીઆઇજી ઇસ્લામાબાદ શહઝાદ નદીમ વચ્ચે વાતચીત થઈ છે.
ડીઆઇજી ઇસ્લામાબાદે પીટીઆઈ નેતાને અદાલતના આદેશ વિશે જણાવ્યું છે.
ડીઆઇજી શહઝાદ નદીમને જણાવ્યું છે કે, “કોર્ટે બિનજામીનપાત્ર વૉરંટ કાઢ્યા છે. અમે કોર્ટના આદેશનું પાલન કરવા માટે આવ્યા છીએ.”

ઇમરાન ખાનના ધરપકડ વૉરંટને હાઇકોર્ટમાં પડકારાયો
ઇમરાન ખાનની પાર્ટીના નેતા અને ભૂતપૂર્વ મંત્રી ફવાદ ચૌધરીએ જણાવ્યું છે કે ઇમરાન ખાન વિરુદ્ધ કાઢવામાં આવેલા વૉરંટને ઇસ્લામાબાદ હાઇકોર્ટમાં પડકારાયો છે.
ફવાદ ચૌધરીએ એક ટ્વીટ કરીને જણાવ્યું છે, “તોશાખાના મામલામાં ઇમરાન ખાન સામે કઢાયેલા વૉરંટને લઈને હાઇકોર્ટમાં કરાયેલ અરજી અંગે અમુક સમય બાદ સુનાવણી થશે. સિબલી ફરાઝ અને બૅરિસ્ટર ગૌહર ઇસ્લામાબાદ હાઇકોર્ટ પહોંચી ચૂક્યા છે.”
તેમજ પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશીએ કહ્યું છે કે ઇમરાન ખાનને અદાલત પાસેથી ધરપકડ વિરુદ્ધ સુરક્ષા હાંસલ છે અને તેમની ધરપકડ ન થઈ શકે.
શાહ મહમૂદ કુરેશીએ ઝમાન પાર્ક બહાર મીડિયાને કહ્યું કે, “હું સમજવા માગું છું કે જામીન છતાં એવી તો કઈ વાતની જલદી છે કે આજે જ તેમની ધરપકડ કરવી એ જરૂરી બની ગયું છે.”
તેમજ લાહોર પ્રશાસને ઇમરાન ખાનના ઘરની તરફ જનારા રસ્તા બંધ કરી દીધા છે. ઝમાન પાર્ક તરફ જતા તમામ રસ્તા પર પોલીસ હાજર છે.
બખતરબદ્ધ ગાડીઓ પણ ઝમાન પાર્ક વિસ્તારમાં તહેનાત કરાઈ છે.

શું છે તોશાખાના?
તોશાખાના એક સરકારી વિભાગ હોય છે.
જ્યાં વડા પ્રધાન, રાષ્ટ્રપતિ કે અન્ય કોઈ મોટા અધિકારીઓને કોઈ યાત્રા દરમિયાન મળનારી કિંમતી ભેટો મૂકવામાં આવે છે.
કોઈ પણ વિદેશ યાત્રા સમયે, વિદેશમંત્રાલયના અધિકારી આ ભેટોનો રેકૉર્ડ રાખે છે અને દેશ પરત ફરવામાં આવે ત્યારે તેમને તોશાખાનામાં જમા કરાવવામાં આવે છે.
તોશાખાનામાં મુકાયેલી વસ્તુઓને સ્મૃતિચિહ્ન તરીકે મૂકવામાં આવે છે.
અહીં મુકાયેલી વસ્તુઓને કૅબિનેટની મંજૂરી બાદ જ વેચી શકાય છે. પાકિસ્તાનમાં જો આવી રીતે મળનારી ભેટની રકમ 30 હજાર કરતાં ઓછી હોય તો તેને વ્યક્તિ પોતાની પાસે રાખી શકે છે.
પરંતુ જો ભેટ 30 હજાર કરતાં વધુ હોય તો કિંમતના 50 ટકા જેટલી રકમ આપીને તે ખરીદી શકાય છે. વર્ષ 2020 પહેલાં માત્ર કિંમતના 20 ટકા જેટલી રકમ જ જમા કરાવવાની રહેતી.
આવી ભેટોમાં સામાન્યપણે મોંઘી ઘડીયાળો, સોનું, હીરાનાં ઘરેણાં, કિંમતી સજાવટનો સામાન, સ્મૃતિ ચિહ્ન અને ક્રૉકરી સામેલ છે.
























