પાકિસ્તાન : બલૂચિસ્તાનમાં મસ્જિદ પાસે ભીષણ બ્લાસ્ટ, 52 લોકોનાં મૃત્યુ

પાકિસ્તાન

ઇમેજ સ્રોત, ISMAIL SASOLI

પ્રકાશિત

પાકિસ્તાનમાં થયેલા ભીષણ બૉમ્બ બ્લાસ્ટમાં 52 લોકોનાં મૃત્યુ થયાં છે.

એક વિસ્ફોટ શુક્રવારના બલૂચિસ્તાનમાં એક મસ્જિદની પાસે થયો છે જ્યાં લોકો પયગંબર મહમદની જયંતી ઉજવવા ભેગા થયા હતા. પોલીસને સંદેહ છે કે મસ્તુંગ શહેરમાં ધાર્મિક સમારોહને નિશાન બનાવવા માટે એક આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો.

જિલ્લા આરોગ્ય અધિકારી મુસ્તંગ રશીદ મહમદ સઈદે પુષ્ટિ કરી છે કે મુસ્તંગ જિલ્લામાં અલ ફલહ રોડ પર સ્થિત મદીના મસ્જિદની પાસે ધડાકામાં ઓછામાં ઓછા 52 લોકોનાં મૃત્યુ થયાં છે અને ડઝન જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે.

મૃતકોમાં ડીએસપી નવાઝ ગશગુરી પણ સામેલ છે. મુસ્તંગના સહાયક આયુક્ત અત્તા અલ-મુનૈમ અનુસાર બ્લાસ્ટ શહેરની મદીના મસ્જિદની પાસે થયો જ્યાં લોકો ઈદ ઉલ મિલાદ ઉલ નબીની ઉજવણી માટે ભેગા થયા હતા.

ડઝનથી વધુ લોકો ઈજાગ્રસ્ત

પાકિસ્તાન

ઇમેજ સ્રોત, SALIM SASOLI

પોલીસનું કહેવું છે કે ઈજાગ્રસ્તોને બે હૉસ્પિટલોમાં દાખલ કરાવવામાં આવ્યા છે. મુસ્તંગ શહેરના બે પોલીસ અધિકારીઓએ બીબીસી ન્યૂઝેને મૃતકોની સંખ્યાની પુષ્ટિ કરી છે. ગૃહમંત્રી સરફરાઝ બુગતીએ આ વિસ્ફોટને "ક્રૂરતા ભરેલું કૃત્ય" ગણાવ્યું છે.

સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયોમાં જોઈ શકાય છે કે ઈજાગ્રસ્તોને રાહત બચાવકર્મીઓ અને સ્થાનિક લોકો બચાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. આ હુમલાની હજુ સુધી કોઈ જૂથે જવાબદારી લીધી નથી.

મદીના મસ્જિદમાં ભેગા થયેલા લોકો એક સરઘસમાં સામેલ થવાના હતા. અત્તા અલ મુનૈમે શરૂઆતમાં જણાવ્યું હતું કે આ બ્લાસ્ટમાં ઓછામાં ઓછા છ લોકો માર્યા ગયા છે. બલૂચિસ્તાનના કાર્યવાહક મુખ્ય મંત્રી મીલ અલી મર્દન ખાન ડોમકીએ મુસ્તંગમાં સરઘસમાં થયેલા બ્લાસ્ટની ટીકા કરી અને ઘટનાની તપાસનો આદેશ આપ્યો છે.

તેમના તરફથી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "વિઘટનકારી તત્ત્વો કોઈ પણ સત્તાને પાત્ર નથી અને શાંતિપૂર્ણ સરઘસને નિશાન બનાવવાવાળાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે." ત્યારે, કાર્યવાહક સૂચના મંત્રી જૉન અચકજઈએ સમગ્ર પ્રાંતમાં ત્રણ દિવસના શોકની જાહેરાત કરી છે.

તેમણે કહ્યું કે મુસ્તંગ વિસ્ફોટ પછી ક્વેટાની હૉસ્પિટલોમાં આપાતકાલ લાગુ કરવામાં આવ્યો છે.

તેમણે જણાવ્યું કે બલૂચિસ્તાન સરકારના નિર્દેશ પર બચાવદળને મુસ્તંગ મોકલવામાં આવ્યા છે અને ગંભીર રૂપથી ઈજાગ્રસ્તોને ક્વેટા મોકલવામાં આવ્યા છે.