ગુજરાત વિધાનસભામાં ડ્રગ્સ વેપારીઓ અને ભ્રષ્ટાચાર સામે નવો કાયદો પસાર- ન્યૂઝ અપડેટ

હર્ષ સંઘવી

ઇમેજ સ્રોત, Harsh Sanghavi/FB

પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

ગુજરાત વિધાનસભાએ ડ્રગ્સનો વેપાર કરનારાઓ અને ભ્રષ્ટાચાર કરનારાઓ વિરુદ્ધ કાયદો પસાર કર્યો છે.

ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આ ઐતિહાસિક પગલું છે. આ કાયદામાં મહત્ત્વની જોગવાઈઓ કરવામાં આવી છે.

આ કાયદા હેઠળ ભ્રષ્ટાચાર સાથે સંકળાયેલા કોઈ પણ એવા ગુના જેમાં ત્રણ વર્ષથી વધુની સજાની જોગવાઈ છે તેની પર આ કાયદો લાગુ થશે.

આ ઉપરાંત ભ્રષ્ટાચારથી જોડાયેલા કોઈ પણ મામલામાં જેમાં કોઈએ એક કરોડથી વધારેની કમાણી કરી હોય, અથવા પહેલાં પણ ભ્રષ્ટાચારથી એક કરોડ સુધીની સંપત્તિ અથવા અન્ય કોઈ પણ ખરીદી કરી હોય તો તેને જપ્ત કરવાનો અધિકાર સરકાર અને તપાસ એજન્સીઓ પાસે હશે.

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, કોઈને પણ તરત ન્યાય મળી શકે તેના માટે બહુ આવશ્યક છે કે નવી કોર્ટ બનાવવામાં આવે.

તેમણે દાવો કર્યો કે આ કાયદો આવનારા દિવસોમાં બહુ મહત્ત્વપૂર્ણ અને અસરદાર હશે.

આ કાયદા હેઠળ ભ્રષ્ટાચારના આરોપમાં પકડાયેલી વ્યક્તિ પર એક વર્ષની અંદર કેસ ચલાવવાનો હશે અને તેના માટે વિશેષ અદાલત બનાવવામાં આવશે.

આની માટે જજ અને વિશેષ અધિકારી હશે જે આવા મામલામાં તેમની સંપત્તિને સીલ કરવાની કાર્યવાહી કરશે.

વડા પ્રધાન મોદીએ યુક્રેનમાં માર્યા ગયેલાં બાળકોને શ્રદ્ધાંજલિ આપી, ઝેલેન્સ્કીને ગળે મળ્યા

ઝેલેન્સ્કી અને મોદી

ઇમેજ સ્રોત, ANI

વડા પ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેન પહોંચી ગયા છે. તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે મુકાલાત કરી હતી. બંને નેતાઓએ એ સ્થળની મુલાકાત લીધી જ્યાં રશિયન મિસાઇલ હુમલામાં કેટલાંય બાળકોનાં મૃત્યુ થયાં હતાં.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા ઍક્સ પર એક પોસ્ટમાં બાળકોના પરિવારજનો માટે પ્રાર્થના કરી કે તેમને દુ:ખ સહન કરવાની શક્તિ મળે.

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ પણ આ મુલાકાત વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.

આની પહેલાં ગયા મહિને નરેન્દ્ર મોદી રશિયાના પ્રવાસે ગયા હતા, ત્યાં તેમના અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના ગળે મળવાની તસવીરો પર યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપી હતી.

રશિયા અને યુક્રેન વચ્ચે લગભગ અઢી વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધને લઈને ભારતે ક્યારેય સીધો રશિયાનો વિરોધ નથી કર્યો. ભારતે બંને પક્ષો સાથે વાતચીત કરીને શાંતિપૂર્ણ રીતે સમાધાનની સતત વિનંતી કરી છે.

પોખરાથી કાઠમંડુ જતી ભારતીય બસ નદીમાં પડી, 40 મુસાફરો સવાર હતા

નેપાળ

ઇમેજ સ્રોત, Rupesh Tamang

નેપાળમાં ભારતીય નંબર પ્લેટવાળી એક બસ મર્સ્યાગંદી નદીમાં પડી ગઈ છે.

બસ પોખરાથી કાઠમંડુ જઈ રહી હતી. પોલીસ અનુસાર, બસમાં 40 મુસાફરો હોવાનું અનુમાન છે. કહેવાઈ રહ્યું છે કે આ બસ ઉત્તર પ્રદેશની છે.

પ્રશાસન ઘટનાસ્થળે પહોંચી ગયું છે. રાહત અને બચાવકાર્ય શરૂ કરી દેવાયું છે. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા હોવાની આશંકા છે.

દુર્ઘટનાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.

નેપાળમાં ગત મહિને પણ એક બસ દુર્ઘટનાના સમાચાર મળ્યા હતા.

ગત મહિને ચિત્તવનના સિમલતાલમાં બે બસ ભૂસ્ખલનને લીધે ત્રિશૂલી નદીમાં ખાબકી હતી, જેમાં અનેક લોકોનાં મોત થયાં હતાં.

પીએમ મોદી લાંબી ટ્રેનયાત્રા કરી યુક્રેન પહોંચ્યા, રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરશે

યુક્રેનની મુલાકાત પહોંચેલા વડા પ્રધાન મોદી

ઇમેજ સ્રોત, narendramodi/X

વડા પ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેનની રાજધાની કીએવ પહોંચ્યા છે. અહીં તેઓ રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરશે.

મોદીએ યુક્રેન પહોંચવા માટે લાંબી ટ્રેનયાત્રા ખેડી હતી. પોલૅન્ડની યાત્રા દરમિયાન તેમણે ત્યાંના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટસ્ક સાથે મુલાકાત કરી હતી અને કહ્યું હતું કે યુદ્ધ દ્વારા કોઈ પણ સમસ્યાને ઉકેલી ન શકાય. આ વિસ્તારમાં શાંતિ સ્થપાય તે માટે શક્ય તમામ સહકાર આપવાની વાત પણ મોદીએ કહી હતી.

વર્ષ 1991માં યુક્રેન સ્વતંત્ર થયું, તે પછી કોઈ ભારતીય વડા પ્રધાનની આ પહેલી યુક્રેનયાત્રા છે.

યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધને કારણે મોદીની આ યાત્રા મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે ભારતનાં હથિયારોની 50 ટકા જેટલી જરૂરિયાત રશિયા દ્વારા પૂર્ણ કરવામાં આવે છે અને ભારતે તટસ્થ વલણ અપનાવ્યું છે.

યુક્રેનની યાત્રાના દોઢેક મહિના પહેલાં મોદીએ રશિયાનો પ્રવાસ ખેડ્યો હતો, જેની યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ આકરા શબ્દોમાં ટીકા કરી હતી.

રાષ્ટ્રપતિપદની ઉમેદવારી સ્વીકાર્યાં બાદ કમલા હૅરિસ યુક્રેન-રશિયા વિશે શું બોલ્યાં?

કમલા હૅરિસની તસવીર

ઇમેજ સ્રોત, Reuters

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અમેરિકાના શિકાગોમાં ડેમૉક્રૅટિક પાર્ટીના અધિવેશનમાં કમલા હૅરિસને સત્તાવાર રીતે પક્ષનાં રાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર જાહેર કરવામાં આવ્યાં છે.

આ તકે કમલા હૅરિસે તેમની કારકિર્દીનું સૌથી મહત્ત્વપૂર્ણ અને લાંબું ઉદ્દબોધન કર્યું અને અમેરિકાને મહાન રાષ્ટ્ર બનાવવા માટે ઉમેદવારીનો સ્વીકાર કર્યો. પોતાના ભાષણમાં હૅરિસે ઇઝરાયલ-પેલેસ્ટાઇન તથા રશિયા-યુક્રેન મુદ્દે વાત કરી. જ્યારે તેમનું ભાષણ ચાલુ હતું ત્યારે કેટલાક લોકો 'ફ્રી પેલેસ્ટાઇન'ના નારા લગાવી રહ્યા હતા.

આ સાથે જ હૅરિસે ઇઝરાયલને હંમેશાં ટેકો આપવાની વાત કહી. આ સિવાય તેમણે ગાઝામાં હિંસક અથડામણને અટકાવવા પણ અપીલ કરી.

હૅરિસે કહ્યું, "બંધક બનાવાયેલાઓને છોડી દેવાનો તથા યુદ્ધવિરામની સમજૂતીનો અમલ કરવાનો સમય આવી ગયો છે."

ગત વર્ષે સાતમી ઑક્ટોબરે ઇઝરાયલ પરના હમાસના આક્રમણની પણ હૅરિસે ટીકા કરી, તેમણે કહ્યું કે "ગત 10 મહિના દરમિયાન ગાઝામાં જે કંઈ થયું, તે વિનાશકારી છે."

હૅરિસે યુક્રેન માટે રશિયા વિરૂદ્ધ વૈશ્વિક મદદ એકઠી કરવાની પ્રતિબદ્ધતા પણ દાખવી.

તેમણે કહ્યું, "હું નાટો સહયોગી તથા યુક્રેનની સાથે રહીશ."

ભાષણની શરૂઆતમાં કમલાએ તેમના બાળપણની યાદો વાગોળી હતી અને કહ્યું કે તેમનાં માતા શ્યામલા હંમેશાં તેમનું મનોબળ વધારતાં. તેમણે અમને અન્યાય વિરુદ્ધ ફરિયાદ નહીં કરવા, પરંતુ તેને દૂર કરવા પ્રયાસ કરવા કહ્યું હતું.

કમલા હૅરિસે કહ્યું, "મારા પિતાએ મને સપના સાકાર કરવા પ્રેરિત કરતા."

હૅરિસે અમેરિકાને ભૂતકાળની કડવી યાદો અને નિરાશાવાદમાંથી બહાર નીકળવાની અપલી કરી. તેમણે કહ્યું કે દેશે એક સમાજ, પાર્ટી કે જૂથના બદલે અમેરિકા તરીકે આગળ વધવાની જરૂર છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશેષ ટ્રેનમાં આજે યુક્રેન પહોંચશે

નરેન્દ્ર મોદી પૉલૅન્ડ પહોંચ્યા તે સમયની તસવીર

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, નરેન્દ્ર મોદી પૉલૅન્ડ પહોંચ્યા તે સમયની તસવીર

વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે યુક્રેન પહોંચશે. યજમાન દેશ દ્વારા આ દિવસને 'રાષ્ટ્રીય ધ્વજ દિવસ' તરીકે ઊજવવામાં આવે છે.

રેલ ફૉર્સ વન નામની વિશેષ ટ્રેનમાં મોદી આ મુસાફરી ખેડશે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું તે પછી મોદીની આ પહેલી યુક્રેન યાત્રા છે.

દોઢેક મહિના પહેલાં તેમણે રશિયાની મુલાકાત લીધી હતી. યુક્રેન પહોંચતા પહેલાં વડા પ્રધાન મોદી પૉલૅન્ડ ગયા હતા. જ્યાં મોદીએ કહ્યું હતું કે ભારત યુદ્ધ નહીં, પરંતુ બુદ્ધમાં માનનારો દેશ છે. ભારત આ વિસ્તારમાં શાંતિ ઇચ્છે છે.

રશિયાની યાત્રા દરમિયાન પણ મોદીએ યુદ્ધના શાંતિપૂર્ણ ઉકેલની હિમાયત કરી હતી તથા આને માટે શક્ય તમામ સહાયતા કરવાની તૈયારી દાખવી હતી.

લુસાને ડાયમંડ લીગ સ્પર્ધામાં નીરજ બીજા ક્રમે

ભાલો ફેંકી રહેલા નીરજ ચોપરાની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

પેરિસ ઑલિમ્પિક 2024 દરમિયાન ભાલાફેંકમાં ભારતને સિલ્વર મેડલ અપાવનારા નીરજ ચોપરાએ પોતાનો જ રેકૉર્ડ તોડ્યો છે.

નીરજે લુસાને ડાયમંડ લીગ સ્પર્ધામાં 89.49 મીટર દૂર ભાલો ફેંક્યો હતો. આ તેમનું ઑલિમ્પિક કરતાં ઉત્કૃષ્ટ પ્રદર્શન હતું, છતાં તેઓ બીજા ક્રમે રહ્યા હતા.

પેરિસ ઑલિમ્પિક દરમિયાન કાંસ્યપદક જીતનારા ગ્રૅનેડાના ઍન્ડર્સન પિટર્સને 90.61 મીટર દૂર ભાલો ફેંકીને પ્રથમ ક્રમે રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે પેરિસ ઑલિમ્પિકની ફાઇનલમાં જેમનો જૅવલિન થ્રો 89.45 મીટરનો હતો. પાકિસ્તાનના અરશદ નદીમે 92.97 મીટર દૂર ભાલો ફેંકીને સુવર્ણપદક જીત્યો હતો.

મંકીપૉક્સ મુદ્દે ભારતમાં સાવચેતી

દર્દીના નમુના સાથે આરોગ્યકર્મીની તસવીર

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, આફ્રિકાના ડીઆર કૉંગોમાં મંકીપૉક્સને કારણે મુશ્કેલ પરિસ્થિતિ

વિશ્વભરના અનેક દેશોમાં મંકીપૉક્સ નામનો વાઇરસ દેખા દઈ રહ્યો છે ત્યારે ભારતે પણ આ મુદ્દે સતર્કતા દેખાડવાનું શરૂ કરી દીધું છે.

મની કંટ્રૉલના રિપોર્ટ પ્રમાણે, કેરળ દ્વારા ઍલર્ટ બહાર પાડવામાં આવ્યું છે, જ્યારે તામિલનાડુ દ્વારા સ્ક્રિનિંગ વધારી દેવામાં આવ્યું છે.

મુંબઈ અને રાજકોટ સહિત અલગ-અલગ શહેરો દ્વારા પોતાને ત્યાં સ્થાનિક હૉસ્પિટલોમાં એમપૉક્સ વાઇરસ માટે અલગ આઇસૉલૅશન વૉર્ડ ઊભા કરવામાં આવ્યા હોવાના અહેવાલ છે.

આ પહેલાં દિલ્હી એઇમ્સ દ્વારા એમપૉક્સના દર્દીઓની સારવાર કેવી રીતે કરવી તેના વિશે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી. આ પહેલાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ એમપૉક્સ વાઇરસને આંતરરાષ્ટ્રીય ચિંતા તથા જાહેર આરોગ્ય માટે કટોકટીરૂપ ગણાવ્યો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.