ચોમાસું મુંબઈ પહોંચી ગયું, ગુજરાતમાં ક્યારે પહોંચશે?

ચોમાસું મુંબઈ પહોંચી ગયું, ગુજરાતમાં ક્યારે પહોંચશે?
પ્રકાશિત

ચોમાસાની આ વર્ષે વહેલી શરૂઆત થઈ છે અને તે બાદ પણ તે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. 25 મે સુધીમાં ચોમાસું મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે.

આ વર્ષે ચોમાસુ સામાન્ય કરતાં 8 દિવસ વહેલું આવી ગયું છે. દક્ષિણપશ્ચિમ ચોમાસું, જે સામાન્ય રીતે દર વર્ષે 20 મેની આસપાસ આંદામાન અને નિકોબાર અને 1 જૂનની આસપાસ કેરળમાં આવે છે, આ વખતે 13 મેના રોજ નિકોબારમાં પહોંચ્યું.

અગાઉ, 2009 માં ચોમાસું વહેલું આવી ગયું હતું.

ગઈકાલ રાત (25 મે) થી મહારાષ્ટ્રમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. ઘણા જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

હવામાન વિભાગના કહેવા પ્રમાણે હજી પણ અનુકૂળ પરિસ્થિતિઓ છે કે ચોમાસું આગામી દિવસોમાં પણ ઝડપથી આગળ વધશે અને ભારતના ઘણા વિસ્તારો સુધી પહોંચી જશે.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 24 મેના કેરળમાં ચોમાસાની શરૂઆત થયા બાદ બીજા જ દિવસે ઝડપથી આગળ વધીને ચોમાસું મહારાષ્ટ્રના વિસ્તારો સુધી પહોંચી ગયું હતું.

જે બાદ 26 મેના રોજ ચોમાસું હવે મુંબઈ સુધી પહોંચી ગયું છે અને આગામી દિવસોમાં હજી પણ આગળ વધીને મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગણા રાજ્યના ઘણા વિસ્તારોમાં પહોંચી જશે.

હાલ હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસું હજી પણ ઝડપથી આગળ વધે તેવી શક્યતા છે અને આગામી 2થી 3 દિવસમાં મહારાષ્ટ્રના વધારે વિસ્તારો, કર્ણાટકના બાકી રહેલા વિસ્તારો, તેલંગણાના ઘણા વિસ્તારો ઉપરાંત આંધ્ર પ્રદેશના પણ બીજા ઘણા વિસ્તારોમાં ચોમાસું પહોંચી જશે.

મુંબઈમાં ચોમાસું પહોંચ્યા બાદ ગુજરાતમાં પહોંચતા સામાન્ય રીતે પાંચેક દિવસ જેટલો સમય લાગે છે. પરંતુ હાલ હવામાન વિભાગે ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચશે તે વિશે કોઈ માહિતી આપી નથી.

આગામી ત્રણેક દિવસ સુધી વરસાદનું જોર વધારે રહેવાની સંભાવના છે અને તે બાદ વરસાદનું જોર ઘટે તેવી શક્યતા છે. એટલે હજી ગુજરાતમાં ચોમાસાની તારીખ માટે થોડા દિવસની રાહ જોવી પડી શકે છે.

કેરળમાં ચોમાસું બેસી ગયું છે અને ઝડપથી આગળ પણ વધી રહ્યું છે. તો હવે ગુજરાતમાં ક્યારે પહોંચશે ચોમાસું?એની સરળ ભાષામાં સમજણ માટે જુઓ આ વીડિયો

વીડિયો : દીપક ચુડાસમા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન