લંડનમાં મૃત્યુ પહેલાં 'તમને બધાને બહુ પ્રેમ કરું છું. લવ યુ'નો વૉઇસ મૅસેજ કરનાર પાટણના મિત પટેલની હત્યા કે આત્મહત્યા ?

મીત પટેલ

ઇમેજ સ્રોત, LAXMI PATEL/BBC

ઇમેજ કૅપ્શન, મિત પટેલ
    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી માટે
  • પ્રકાશિત

"હેલ્લો મમ્મી પપ્પા. આજે એણે મને બહુ કંટ્રોલ કરવાની કોશિશ કરી. આજે હું સવારે બાથરૂમ કરવા ગયો ત્યારે એણે મને લિક્વિડ પીવડાવવાની કોશિશ કરી. હું એટલા બધા દુઃખમાં એક-એક સેકન્ડ કેવી રીતે કાઢું છું, એ મને ખબર છે.

મને અતિશય હેરાન કરે છે, મારી પાસે બીજો કોઈ ચારો નથી. એ મારા ઉપર હાવી થવા લાગ્યું છે. મારા લીધે કોઈની જાન જાય એના કરતા હું આત્મહત્યા કરી લઉં.

હું અહીં આવ્યો છું, અહીં દરિયો મસ્ત છે, હું અહીં પડું એટલે મરી જઇશ. અહીં બહુ મોટો દરિયો છે. મને શોધવાની કોશિશ કરતા નહીં. હું તમને નહીં મળું. હું તમને બધાને બહુ પ્રેમ કરું છું. લવ યુ.. આ મારો છેલ્લો વૉઇસ કોલ છે, ત્રણ વૉઇસ કોલ છોડીને જઉં છું. "

આ શબ્દો 24 વર્ષના મિત પ્રવીણભાઈ પટેલના છેલ્લાં વૉઇસ રેકૉર્ડિંગના છે.

ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના રણાસણ ગામના ખેડૂત પરિવારનો પુત્ર મિત પટેલ બે મહિના પહેલાં જ સ્ટુડન્ટ વિઝા ઉપર લંડન અભ્યાસ માટે ગયો હતો. છેલ્લા પાંચ દિવસથી તે પોતાના પરિવારજનોના સંપર્કમાં નહોતો.

મિત પટેલનો પરિવાર ચિંતામાં હતો પણ 21 નવેમ્બર 2023ના દિવસે મિતનો મૃતદેહ મળ્યો હોવાના સમાચાર પરિવારજનોને મળ્યા હતા અને તેઓની ચિંતા શોકમાં ફેરવાઈ ગઈ હતી. હાલ તો માતાપિતા પુત્રનો મૃતદેહ લંડનથી ગુજરાત લાવવા માટે પ્રયત્ન કરી રહ્યાં છે.

આ અંગે પાટણ લોકસભા બેઠકના સાંસદ ભરતસિંહ ડાભીએ વિદેશ મંત્રી જયશંકરને પત્ર લખી મિતનો મૃતદેહ વતન પરત લાવવા માટે મદદ કરવા માટે અનુરોધ કર્યો છે.

બીબીસી

મિતના પરિવારજનો શું કહે છે?

મીત પટેલ

ઇમેજ સ્રોત, LAXMI PATEL/BBC

ઇમેજ કૅપ્શન, મિત પટેલ

મિતના પિતા પ્રવીણભાઈ જોઈતારામ પટેલ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના રણાસણ ગામમાં રહે છે અને ખેત મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમણે તા.19 સપ્ટેમ્બર 2023ના રોજ સ્ટુડન્ટ વિઝા ઉપર મિતને અભ્યાસ માટે લંડન મોકલ્યો હતો.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

લંડન પહોંચ્યા બાદ દરરોજ પોતાના પરિવારજનો સાથે ફોન ઉપર વાતચીત કરતા મિતના છેલ્લા પાંચ દિવસથી કોઈ સમાચાર નહોતા એટલે પરિવારજનો પણ ચિંતિત હતા. આખરે 21 નવેમ્બરે મિતનો મૃતદેહ મળવાના સમાચાર પરિવારને મળ્યા હતા. મિતે લંડનમાં રહેતા તેમના પરિવારના સગા સંબધીઓને જુદા જુદા ચાર વૉઇસ રેકૉર્ડિંગ મોકલ્યાં છે હોવાની જાણ પણ પરિવારને થઈ છે. આ વૉઇસ રેકૉર્ડિંગને આધારે પરિવારજનો શંકા વ્યક્ત કરી રહ્યા છે કે, મિતની હત્યા થઈ હોઈ શકે.

મિતના કાકા કમલેશ પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું, "મિતે બી.એસસી., એમ.એસસી.નો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ સપ્ટેમ્બર મહિનામાં તે ઍન્વાયરમૅન્ટલ મૅનેજમૅન્ટનો કોર્સ કરવા માટે લંડન ગયો હતો. મિત મારા ભાઈનો સૌથી નાનો દીકરો હતો. તે 24 વર્ષનો હતો અને લંડન જવા માટે ખૂબ ઉત્સાહી હતો."

"મારા ભાઈએ તેને લોન અને વ્યાજ પર પૈસા લઈને ભણવા માટે લંડન મોકલ્યો હતો. કદાચ એ એકલતા અનુભવતા હોય એવું લાગે છે. બીજી તરફ એના ઓડિયો રેકૉર્ડિંગ સામે આવ્યાં છે. જેમાં તે કહી રહ્યો છે કે, "મને કોઈ મારી નાખશે." જેથી અમે પણ મૂંઝવણમાં છીએ કે મિતનું મૃત્યુ આપઘાત છે કે કોઈ દ્વારા તેને મારી નાખવામાં આવ્યો છે. જોકે હાલ અમારી માંગ છે કે, મિતના મૃતદેહને ભારત લાવવામાં આવે. આ માટે અમે ધારાસભ્યો અને સંસદસભ્યની મદદ માંગી રહ્યા છીએ."

કમલેશભાઈએ કહ્યું, "મિતના પિતા પ્રવીણભાઈ અને માતા ચેતનાબહેન હાલ કોઈ સાથે વાત કરી શકે તેવી સ્થિતિમાં જ નથી. અમે પરિવારના લોકો તેમની સાથે જ છીએ. હું માનું છું કે છોકરાઓએ વિદેશમાં જવાનો મોહ રાખવો જોઈએ નહીં. અહીંયાથી લાખો રૂપિયા ખર્ચીને ગયા બાદ ત્યાં ગયા બાદ એકલા પડી જાય છે અને નાસીપાસ થઈ જાય છે. ભારતમાં પરિવાર સાથે જ રહેવું એ વધારે સારું છે. જ્યાં તમે એકલા ન પડો."

બીબીસી

ગામલોકો શું કહે છે?

રણાસણ ગામના સરપંચ જયંતીભાઈ પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું, "પ્રવીણભાઈ પટેલના પરિવારમાં એક દીકરો મિત અને બે મોટી બહેનો છે. મિતના પપ્પાની ઇચ્છા ઓછી હતી, પરંતુ તેની વિદેશમાં ભણવાની બહુ ઇચ્છા હોવાથી તેમણે તેને લંડન મોકલ્યો હતો. પ્રવીણભાઈ ખેતી કામ કરે છે અને ચેતનાબહેન પણ તેમને ખેતી કામમાં મદદ કરે છે."

"પરિવારની છેલ્લે 17મી તારીખે મિત સાથે વાત થઈ હતી ત્યારબાદ તેનો ફોન સ્વીચ ઑફ આવતો હતો. જેથી મિતના પપ્પાએ મિત જેમની સાથે રહેતો હતો તેમના સંબંધીને કોલ કર્યો હતો. તેમના સંબંધીના દીકરાએ કહ્યું કે, મિત કાલે રાત્રે જમીને બહાર બેઠો હતો ત્યારબાદથી તે મળતો નથી. લંડનમાં રહેતા અમારા 84 ગોળ સમાજના લોકોને જાણ થઈ હતી. તે અંગે લંડનમાં રહેતા મિતના સગાએ તેના પરિવારને ફોન કરીને જાણ કરી હતી."

જયંતીભાઈએ વધુમાં કહ્યું, "મિતના ઓડિયોમાં તેને કોઈ પ્રેતાત્મા હેરાન કરતી હોવાની વાત કરી હતી તેમજ તે 19મી તારીખે મરવાની વાત કરતો હતો. મિત ચોકકસ તારીખે મારવાની વાત કરતો હતો જેથી તેના ઉપરથી અમને શંકા છે કે, મિતનું અપહરણ કરી તેને મારી નાખવામાં આવ્યો છે. મિતના મૃતદેહને ભારત લાવવા માટે અમે પૂર્વ રાજ્ય ગૃહમંત્રી રજનીભાઈ પટેલ અને અમારા લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભી તેમજ પૂર્વ મંત્રી દિલીપ ઠાકોર પાસે રજૂઆત કરી છે."

તેઓ વધુમાં જણાવે છે કે, "અમારા ગામમાં લગભગ 2400ની વસ્તી છે. અમારું ગામ ચાણસ્માથી 8 કિ.મી. દૂર આવેલું છે. અમારા ગામમાંથી લગભગ 7 જેટલા લોકો વિદેશ રહે છે."

બીબીસી

મૃતદેહને કેવી રીતે વતન લાવવાના પ્રયાસ

મૃતદેહ પરત લાવવા લખાયેલો પત્ર

ઇમેજ સ્રોત, LAXMI PATEL/BBC

ઇમેજ કૅપ્શન, મૃતદેહ પરત લાવવા પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ સહાયતા કરવા અરજી કરતો લખેલો પત્ર

પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "હા મેં મૃતદેહ ભારત લાવવા માટે પત્ર લખ્યો છે."

પાટણ લોકસભા ના સાંસદ ભરતસિંહ ડાભીએ વિદેશ મંત્રીને પત્ર લખી ને મિતના મૃતદેહને ભારત લાવવા માટેની ભલામણ કરી છે.

તેમણે પોતાના પત્રમાં રજૂઆત કરી છે કે, "મિતકુમાર પ્રવીણભાઈ પટેલ મારા સંસદીય મતવિસ્તારના નિવાસી છે. જેઓનું ગુજરાતનું સરનામું 540, પરા વિસ્તાર, રણાસણ, પાટણ છે. જેઓનું લંડનનું સરનામું 56, ગ્રાન્ટ સ્ટ્રીટ, E13 OET, લંડન U.K. છે. શેફિલ્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો, તેનો મૃતદેહ મળી આવ્યો છે અને જે હવે ઈસ્ટ લંડનમાં પોપ્લર પબ્લિક મોર્ચ્યુરીમાં રાખવામાં આવ્યો છે અને પોલીસ ફરિયાદ નોંધી છે. મૃતદેહને યુ.કે.થી પાટણ નિવાસી સરનામે પરત લાવવાની વ્યવસ્થા કરવા માટે તમે સંબંધિત અધિકારીઓને સૂચના આપી મદદ કરવા રજૂઆત છે, જેથી તેનો પરિવાર તેનો અંતિમ સંસ્કાર કરી શકે."

બીબીસી
બીબીસી