ડૉક્ટર બનવાનું સપનું જોતાં પુત્રે કરેલા આપઘાતનો આઘાત સહન ન થતા પિતાએ પણ પોતાનો જીવ લીધો

પિતા પુત્રની આત્મહત્યા
    • લેેખક, • મુરલીધરન કાશીવિશ્વનાથન
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત

પત્નીથી અલગ થયા બાદ પુત્રને ડૉક્ટર બનાવવાનું સપનું જોઈ રહેલા પિતાને સપને પણ ખ્યાલ નહી આવ્યો હોય કે પુત્ર અચાનક આ રીતે વિદાય લઈ લેશે. મેડિકલનો અભ્યાસ કરવા માટે ભારતના લાખો યુવાનોની જેમ જગદીશ્વરને રાત દિવસ તૈયારી કરીને નીટ (NEET - નેશનલ એલિજિબિલિટી કમ ઍન્ટ્રન્સ ટેસ્ટ)ની પરીક્ષા આપી.

ધાર્યું પરિણામ ન આવતા તેમને સરકારી મેડિકલ કૉલેજમાં પ્રવેશ મળી શકે એમ નહોતો એટલે તેમણે આપઘાતનો રસ્તો પસંદ કર્યો.

પિતા પુત્રની આત્મહત્યાનો આઘાત સહન ન કરી શક્યા અને તેમણે પણ પોતાનો જીવ લઈ લીધો.

ચેન્નાઈના ક્રોમપેટનના કુરીનજી નગર વિસ્તારમાં રહેતા સેલ્વશેખર ફોટોગ્રાફર હતા. પોતાનાં પત્નીથી અલગ થયા બાદ એક માત્ર પુત્ર જગદીશ્વરન સાથે તેઓ અહીં રહેતા હતા.

તેમના ઘરે માતમનો માહોલ છે. સગા-સબંધીઓ સ્તબ્ધ છે અને તેમને સમજાતું નથી કે સાંત્વના કોને આપે. કારણ કે હવે આ ઘરમાં રહેતો પિતા-પુત્રનો પરિવાર વિખેરાઈ ગયો છે.

(આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની ‘જિંદગી હેલ્પલાઈન 1096’ પર કે ભારત સરકારની ‘જીવનસાથી હેલ્પલાઈન 1800 233 3330’ પર ફોન કરી શકો છો. તમે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.)

પિતા પુત્રની આત્મહત્યા

પુત્રનું સપનું પૂરું કરવા પિતાએ હોંશે હોંશે પૈસા ખર્ચ્યા હતા

પિતા પુત્રની આત્મહત્યા

તમિલનાડુમાં NEETની પરીક્ષા આપ્યા બાદ અને સરકારી મેડિકલ કૉલેજમાં પ્રવેશ ન મળતા આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓની યાદી લાંબી છે. પરંતુ પહેલીવાર આવી રીતે મૃત્યુ પામનાર વિદ્યાર્થીના પિતાએ પણ આત્મહત્યા કરી છે, જેનાથી રાજ્યમાં આઘાત ફેલાયો છે.

જગદીશ્વરને પલ્લવરમમાં એક શાળામાં 12મું ધોરણ પૂર્ણ કર્યું. તેમણે ધોરણ 12માં 424 માર્ક્સ મેળવ્યા હતા. તેમણે પણ ડૉક્ટર બનવાનું સપનું જોયું હતું અને પિતાને પણ પુત્રનું સપનું પૂરું થાય તેની હોંશ હતી.

તેમણે પોતાની બચતમાંથી રૂપિયા ખર્ચીને પોતાના પુત્રને નીટની પરીક્ષાની તૈયારી માટે કોચિંગ સેન્ટરમાં પ્રવેશ અપાવ્યો હતો. પરંતુ તેમનું સપનું પૂરું થઈ શક્યું નહીં.

જગદીશ્વરને મેડિકલ કૉલેજમાં પ્રવેશ મેળવવા માટે છેલ્લાં બે વર્ષની NEETની પરીક્ષા આપી હતી પરંતુ તેમને સરકારી કૉલેજમાં પ્રવેશ મેળવવા માટે જરૂરી માર્ક્સ મળી શક્યા નહોતા.

જોકે આનાથી પિતા અને પુત્રને ભારે દુઃખ થયું, કારણકે NEETની પરીક્ષા ફરી આપવા અને તે માટે કોચિંગ સેન્ટરમાં જોડાવા માટે તેમણે બચાવેલા તમામ રૂપિયા વપરાઈ ગયા હતા.

આ સ્થિતિમાં જગદીશ્વરને બીજા દિવસે 12 ઑગસ્ટે જ્યારે ઘરે કોઈ નહોતું ત્યારે આત્મહત્યા કરી લીધી. પિતા સેલ્વશેખર માટે આ એક મોટો આઘાત હતો. તેમણે પોતાનો પુત્ર ગુમાવ્યાનું દુ:ખ વ્યક્ત કરતા નીટ પરીક્ષાને રદ કરવાની માગ પણ કરી હતી.

બીબીસી ગુજરાતી

'NEET પરીક્ષા રદ કરો'

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રવિવારે મીડિયા સાથે વાત કરતા, સેલ્વશેખરે ઉલ્લેખ કર્યો કે NEET વ્યવસ્થાને રદ કરવી જોઈએ. તેમણે કહ્યું, "જો NEET નાબૂદ કરવામાં આવશે તો જ દરેક માટે સારું રહેશે. મુખ્ય મંત્રી એમ.કે. સ્ટાલિને કહ્યું કે તેઓ NEET નાબૂદ કરશે. તેમણે તે કરવું જોઈએ. મેં મારા પુત્રને એકલા ઉછેર્યો છે. મારા જેવી ઘટના કોઈ સાથે ન ઘટવી જોઈએ."

શનિવારે મિત્રો સેલ્વશેખરને સાંત્વના આપી અને ચાલ્યા ગયા હતા. તેમની સાથે તેમનાં નાની બહેન હતાં. આ સ્થિતિમાં સોમવારે સવારે સેલ્વશેખરે પણ ઘરના ખાલી રૂમમાં જઈને આત્મહત્યા કરી લીધી હતી.

સેલ્વશેખરના મિત્રોને લાગે છે કે એકલતાની લાગણીમાં તણાઈને તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવું જોઈએ.

જગદીશ્વરન અને તેમના ઘણા મિત્રોનું મેડિસિનનો અભ્યાસ કરવાનું મોટું સપનું હતું. તે બધા ધોરણ 12નો અભ્યાસ પૂર્ણ કર્યા પછી એક ખાનગી NEET કોચિંગ સેન્ટરમાં જોડાયા હતા. જગદીશ્વરને છેલ્લાં બે વર્ષમાં NEET પરીક્ષા પાસ કર્યા હોવા છતાં, તેમને કોઈ સરકારી મેડિકલ કૉલેજમાં પ્રવેશ મળ્યો નહોતો કારણકે ભલે તે પાસ થયા હતા પણ તેમણે પરીક્ષામાં કરેલો સ્કોર પૂરતો નહોતો.

જગદીશ્વરન જાણતા હતા કે તેમના પિતા તેમને ખાનગી મેડિકલ કૉલેજમાં દાખલ કરી શકશે નહીં, અને તેમને અભ્યાસ માટે વિદેશ પણ નહીં મોકલી શકે.

તેથી જગદીશ્વરને ફરી પ્રયાસ કરવાનું નક્કી કર્યું અને કોચિંગ સેન્ટર માટે ફરી પૈસા ચૂકવ્યા. દરમિયાન તેમની સાથે અભ્યાસ કરનારો મિત્ર તેને સરકારી કૉલેજમાં જગ્યા ન મળતા ખાનગી મેડિકલ કૉલેજમાં જોડાયો હતો. વધુ બે વિદ્યાર્થીઓએ તેમનું મેડિકલ કૉલેજનું સપનું છોડી દીધું અને એન્જિનિયરિંગ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો.

પિતા પુત્રની આત્મહત્યા

'જગદીશ્વરન કદાચ ડિપ્રેશનમાં હતો'

પિતા પુત્રની આત્મહત્યા

તેમના મિત્રોનું કહેવું છે કે જગદીશ્વરન કદાચ ડિપ્રેશનમાં હતા.

તેમના મિત્ર સંતોષ કહે છે, “જગદીશ્વરની ઇચ્છા ડૉક્ટર તરીકે બીજાની સેવા કરવાની હતી અને તેઓ નિષ્ફળ ગયેલા અન્ય લોકોને સાંત્વના આપતા હતા.”

સંતોષ વધુમાં કહે છે,"તે નિષ્ફળ ગયેલા દરેકને દિલાસો આપતા હતા. તેઓ કહેતા કે બીજો કોઈ નિર્ણય ન લો, ચાલો ફરી પ્રયાસ કરીએ."

જગદીશ્વરનના મિત્ર આદિત્ય કહે છે,"જગદીશ્વરન એક સારો વિદ્યાર્થી હોવા છતાં સરકારી કૉલેજોમાં પ્રવેશ મેળવવા માટે પૂરતા ગુણ મેળવી શક્યો ન હતો."

જગદીશ્વરનના ઘરની નજીક રહેતા અને શિક્ષક તરીકે કામ કરતા વરામાથી કહે છે, "ડૉક્ટર બનવું એ જગદીશ્વરનનું પોતે જોયેલું એક સ્વપ્ન હતું."

તેઓ ઉમેરે છે, "ન તો તેના પિતા કે અન્ય કોઈએ જગદીશ્વરન પર આ સપનાંને સાકાર કરવા માટે દબાણ કર્યું હતું. મને ખબર નથી કે તેણે આ નિર્ણય શા માટે લીધો."

ઘણા લોકોના જીવ બચાવવા માટેનું ડૉક્ટર બનવાનું એક સપનું બે લોકોના જીવ ગુમાવવા સાથે રોળાઈ ગયું.

(આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની ‘જિંદગી હેલ્પલાઈન 1096’ પર કે ભારત સરકારની ‘જીવનસાથી હેલ્પલાઈન 1800 233 3330’ પર ફોન કરી શકો છો. તમે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.)

પિતા પુત્રની આત્મહત્યા
પિતા પુત્રની આત્મહત્યા