સૂર્યગ્રહણ બાદ હવે થશે તારાના ઘરમાં મહાવિસ્ફોટ, કઈ રીતે જોઈ શકાશે?

- લેેખક, મિયા ટેલર
- પદ, બીબીસી ફીચર
- પ્રકાશિત
દુનિયાએ ગત 8 એપ્રિલે પૂર્ણ સૂર્યગ્રહણ જોયું હતું. હવે કોરોના બોરેલિસ બાઇનરી સિસ્ટમ એક શાનદાર નૉવા વિસ્ફોટની તૈયારી કરી રહી છે. આ સિસ્ટમમાં એક સફેદ વામણો તારો અને એક વિશાળકાય લાલ તારો સામેલ છે.
પૃથ્વીથી ત્રણ હજાર પ્રકાશવર્ષ દૂર સ્થિત કોરોના બોરેલિસ એ ટી. કોરોના બોરેલિસ કે ટી. સીઆરબીના નામના એક નાનકડા તારાનું ઘર છે. તેમાં વિસ્ફોટ થવાનો છે. અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા અનુસાર આ તારામાં દાયકાઓમાં એક વાર થનારા નૉવા વિસ્ફોટનો સમય નજીક આવી પહોંચ્યો છે.
આ દુર્લભ બ્રહ્માંડીય ઘટના અત્યારથી લઈને સપ્ટેમ્બર 2024 સુધીમાં ગમે ત્યારે ઘટી શકે છે. જ્યારે આ વિસ્ફોટ થશે ત્યારે કદાચ તેને મનુષ્યો નરી આંખે જોઈ શકશે.
નાસાનું કહેવું છે કે આ બ્રહ્માંડીય ઘટનાને જોવા માટે કોઈ મોંઘા દૂરબીનની જરૂર નહીં પડે. ટી. સીઆરબી વિસ્ફોટ દર 80 વર્ષમાં એકવાર થાય છે. આ વિસ્ફોટ છેલ્લે વર્ષ 1946માં થયો હતો.
વિલિયમ જે. કૂક નાસાના ઉલ્કાપિંડ પર્યાવરણ કાર્યક્રમના ડાયરેક્ટર છે. તેઓ કહે છે, “હું ખૂબ ઉત્સાહિત છું. આ હૅલીના ધૂમકેતુ જેવી ઘટના છે. દર 75થી 80 વર્ષે એકવાર આ ઘટના ઘટે છે. પરંતુ મીડિયામાં નૉવાની એ રીતે ચર્ચા થતી નથી જે રીતે હૅલીના ધૂમકેતુની થાય છે.”
તેઓ કહે છે કે મીડિયામાં ધૂમકેતુઓને હંમેશાં વધુ જગ્યા મળે છે.
નોવા વિસ્ફોટ ક્યારે થશે તેની ખબર કઈ રીતે પડે છે?

કૂક જણાવે છે કે, “મોટા ભાગના મામલાઓમાં નાસાના વિશેષજ્ઞોને એ વાતનો ખ્યાલ નથી હોતો કે નૉવા વિસ્ફોટ ક્યારે થવાના છે. પરંતુ અંદાજે 10 નૉવા એવા છે જેને ‘આવર્તી (વારંવાર થનારી ઘટના) નૉવા’ ગણવામાં આવે છે.”
કૂક કહે છે કે, “આવર્તક નૉવા એવા પ્રકારના નૉવા છે કે જે સમયાંતરે પોતાના ઉપરના ભાગને હઠાવતા રહે છે. ” તેઓ કહે છે કે ટી. કોરોનાઓ બોરેલિસ તેનાં મુખ્ય ઉદાહરણો છે.” પરંતુ નાસાને એટલું સટીક રીતે કેમ ખબર પડે છે કે ટી. સીઆરબી આવનારા મહિનાઓમાં વિસ્ફોટ કરવાનો છે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ ગાણિતિક ગણતરીઓ અને ઉપલબ્ધ તથ્યોનો મામલો છે. ઉદાહરણ તરીકે ટી. સીઆરબીએ છેલ્લીવાર નૉવાનો અનુભવ 78 વર્ષ પહેલાં 1946માં કર્યો હતો.
કૂકનું કહેવું છે કે ટી. સીઆરબી પણ વિસ્ફોટ માટે તૈયાર થઈ રહ્યું હોવાના કેટલાક સંકેતો મળે છે. તેઓ સમજાવે છે, “આપણે જાણીએ છીએ કે નૉવામાં જતા પહેલાં તે અંદાજે એક વર્ષ પહેલાંથી મંદ પડી જાય છે. પરંતુ અમને એવું લાગે છે કે આજથી લઈને સપ્ટેમ્બર વચ્ચે તે નૉવામાં જશે.”
ટી. સીઆરબીમાં નૉવાની પુનરાવૃત્તિનો વિશ્વસનીય દર તેને ગત વર્ષોમાં ઓળખાયેલા અન્ય નૉવાથી અલગ કરે છે. જે આ તારામાં થનારા વિસ્ફોટને ખાસ બનાવે છે.
મેરેડિથ મૅકગ્રેગર જ્હૉન હૉપકિન્સના વિલિયમ એચ. મિલર 3 ભૌતિક અને ખગોળવિજ્ઞાન વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે અને ખગોળ ગતિવિધિઓના વિશેષજ્ઞ છે. તેઓ જણાવે છે કે, “અનેક નૉવાની ખોજ થઈ છે પરંતુ તેમાંથી મોટા ભાગની પુનરાવૃત્તિ થઈ નથી અથવા તો લાંબા સમય સુધી પુનરાવૃત્તિ થતી નથી. તેનાથી આપણને એ ખ્યાલ આવતો નથી કે તેમાં પુનરાવૃત્તિ ક્યારે થશે.”
વિસ્કૉન્સિન મેડિસન યુનિવર્સિટીમાં ખગોળવિજ્ઞાનના પ્રોફેસર રિચર્ડ ટાઉનસેન્ડ કહે છે કે કોઈ પણ પ્રકારના નૉવાનો બીજીવાર વિસ્ફોટ થવાનો સમયગાળો એક વર્ષથી લઈને લાખો વર્ષ સુધી કંઈ પણ હોઈ શકે છે.
કેમ થાય છે નૉવામાં વિસ્ફોટ

ટી. સીઆરબી જેવી કેટલીક અનુમાનિત નૉવા ઘટનાઓ ક્યારે ઘટશે એ જાણવા સિવાય નાસાના વિશેષજ્ઞ એ પણ શોધે છે કે આવી ઘટનાઓ કેમ ઘટે છે.
ઉદાહરણ તરીકે સફેદ વામણો તારો ટી. સીઆરબી એક બાઇનરી સિસ્ટમમાં છે. તેનો અર્થ એ છે કે આ તારો એકબીજાની ફરતે પરિક્રમા કરનારા બે તારામાંથી એક છે, બીજો તારો મોટો લાલ છે.
નાસાના વિશેષજ્ઞોનું કહેવું છે કે સફેદ નાના તારાઓનું દ્રવ્યમાન સૂર્ય જેટલું જ હોય છે પરંતુ તેનો વ્યાસ લગભગ સો ગણો નાનો હોય છે અને એ આકારમાં એને પૃથ્વીની સમકક્ષ બનાવે છે. ઉચ્ચ દ્રવ્યમાન ધરાવતો પરંતુ અપેક્ષાકૃત નાનો આકાર એક સફેદ તારાના ગુરુત્વાકર્ષણને ખાસ રીતે મજબૂત બનાવે છે.
ટી. સીઆરબીની પ્રક્રિયામાં વિશાળકાય લાલ તારો પદાર્થને જેવો બહાર ફેંકે તેવું જ ટી. સીઆરબીનું ગુરુત્વાકર્ષણ બળ તેને આકર્ષિત કરે છે અથવા તો તેને જમા કરીને પોતાની સપાટી ઉપર રાખી લે છે. આવું વર્ષો સુધી થયા કરે છે.
કૂક કહે છે, “આ પ્રક્રિયામાં એવું થાય છે કે વિશાળ લાલ તારો આ બધી સામગ્રીને સફેદ વામણા તારાની સપાટી પર ફેંકે છે. જ્યારે સફેદ વામણો તારાની (ટીઆરબી) સપાટી પર વધુ માત્રામાં આ પદાર્થ આવી જાય છે તો તે એક બૉમ્બની જેમ થર્મોન્યુક્લિયર પ્રક્રિયા કરે છે અને તે સામગ્રીને ઉડાવી દે છે.”
ટાઉનસેન્ડ પણ આવું જ વિવરણ આપે છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે એક વાર જ્યારે ટી. સીઆરબી પર પર્યાપ્ત માત્રામાં સામગ્રી જમા થઈ જાય ત્યારે તેનું તાપમાન કેટલાક મિલિયન ડિગ્રી સેલ્શિયસ સુધી પહોંચી જાય છે. તેના કારણે એક પરમાણુ સંલયન પ્રક્રિયા ચાલુ થઈ જાય છે. તેના કારણે નૉવાની જે ઘટના ઘટે છે તેને જોઈ શકાય છે. આ જ ઘટનાની તેઓ ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે.
ટાઉનસેન્ડ કહે છે, “આ એ જ પ્રતિક્રિયાઓ છે જે સૂર્યના મૂળમાં થઈ રહી છે. તેઓ સફેદ તારાની સપાટીનાં સ્તરોમાં બહુ મોટી માત્રામાં ઊર્જા છોડે છે.”
તેઓ કહે છે, “ઊર્જા છોડવાને કારણે સફેદ નાનું અસ્થાયી સ્વરૂપ એ પોતાના વિશાળકાય લાલ સાથીથી આગળ વધી જાય છે. આ રીતે આ બંને તારાઓથી પેદા થયેલો કુલ પ્રકાશ જ્યારે પૃથ્વી પર જોવા મળે છે ત્યારે તે એક હજારથી એક લાખ ગણા સુધી વધી જાય છે.”
મૅકગ્રેગર કહે છે, “આ મોટા તારાઓથી સામગ્રી જમા કરવાનું આ ચક્ર વારંવાર થતું રહે છે.”
તેઓ કહે છે, “સામાન્ય રીતે આ બિંદુ સુધી પર્યાવરણનું નિર્માણ કરવામાં હજારો વર્ષો લાગે છે ત્યારે તમે આ નૉવાને જુઓ છો. પરંતુ ટી. કોરોનાએ બોરેલિસ તેને ખૂબ ઝડપથી કરે છે. એ જ તેને દુર્લભ બનાવે છે.”
જ્યારે ટી સીઆરબી નૉવા થશે તો તમને શું દેખાશે?

નાસા પ્રમાણે ટી. સીઆરબી તારા પ્રણાલીની ચમકના મામલામાં સામાન્ય દૃશ્યતા પરિમાણ +10 છે. પરંતુ જ્યારે ટી. સીઆરબી નૉવા વિસ્ફોટ થાય છે ત્યારે તેની દૃશ્યતા ઘણી વધી જાય છે. તેને પરિમાણ +2 તરીકે ઓળખવામાં આવે છે.
આ +10 કરતાં ઘણું વધારે ચમકીલું છે. +2 નૉર્થ સ્ટાર અને પોલારિસ જેટલું ચળકે છે. જો આવું થાય તો ટી. સીઆરબીને નરી આંખે જોઈ શકાય.
નાસાનું કહેવું છે કે જે લોકો નૉવાની આ ઘટના જોવા ઇચ્છે છે, તેણે આકાશમાં તારામંડળ કોરોના બોરેલિસ અથવા ઉત્તરી ક્રાઉન-બૂટ્સ અને હરક્યુલિસ પાસે સ્થિત ધનુષાકાર આકૃતિને જોવી જોઈએ. નાસા અનુસાર આ એ જગ્યા છે જ્યાં વિસ્ફોટ એક નવા ચમકીલા તારાના સ્વરૂપે જોવા મળશે. પરંતુ ગેરસમજમાં ન રહેવું કારણ કે જે થઈ રહ્યું છે તે કોઈ નવા તારાની રચના નથી. પરંતુ તે પરમાણુ પ્રતિક્રિયાઓને કારણે જ ટીસીઆરબી આપણને સરળતાથી જોવા મળે છે.
મેકગ્રેગર કહે છે, "આ એક એવો તારો છે જે પહેલાંથી જ અસ્તિત્વમાં છે. તારો હંમેશાંથી જ ત્યાં રહ્યો છે, પરંતુ આપણને એવું લાગે છે કે એક નવો તારો અચાનક આવી ગયો છે કારણ કે આપણે તેને હંમેશાં જોઈ શકતા નથી."
તેઓ કહે છે, " આ વામણા તારા એટલા નાના છે કે આપણે તેમને નરી આંખે જોઈ શકતા નથી. પરંતુ ફ્યુઝન રિએક્શનને કારણે આપણે તેને અસ્થાયી રૂપે જોઈ શકીએ છીએ. તમે રાત્રે રસ્તા પર જઈને પણ જોઈ શકો છો."
કૂક કહે છે કે એકવાર ટી. સીઆરબીની ચમક તેની ટોચ પર પહોંચી જશે ત્યારે એ મંગળ જેટલી પણ હોઈ શકે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે ઓછામાં ઓછું થોડા દિવસો માટે તેજસ્વી અને નરી આંખે દૃશ્યમાન રહે. પરંતુ આ વિસ્ફોટની ઘટના એક અઠવાડિયા કરતાં વધુ સમય સુધી ચાલી શકે છે.
અને એકવાર જ્યારે સફેદ નાનો તારો વિશાળકાય મોટા તારામાંથી જમા થયેલી બધી સામગ્રીથી છૂટકારો મેળવી લેશે ત્યારે ટી. સીઆરબી એકવાર ફરીથી દાયકાઓ માટે અદૃશ્ય થઈ જશે.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)






















