ટેલિગ્રામ: ઇન્ટરનેટની દુનિયાની એ ‘અંધારી ગલી’ જે ગુનેગારો માટે સ્વર્ગ બની ગઈ છે

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જૉ ટિડી
- પદ, સાયબર સંવાદદાતા, બીબીસી વર્લ્ડ સર્વિસ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 7 મિનિટ
લગભગ નવ મહિના પહેલાં હું એક અહેવાલ માટે સંશોધન કરી રહ્યો હતો. એવામાં મને એ વાત ધ્યાને આવી કે મને એક એવી ટેલિગ્રામ ચેનલ સાથે જોડી દેવામાં આવ્યો હતો કે જેનું કામ ડ્રગ્સ વેચવાનું હતું.
ત્યારબાદ મને વધુ એક ચેનલમાં એડ કરી દેવામાં આવ્યો કે જે હૅકિંગ સાથે જોડાયેલી હતી, અન્ય એક ચેનલ એવી હતી કે જેમાં ચોરી કરવામાં આવેલા ક્રેડિટ કાર્ડની જ વાતો થતી હતી.
પરંતુ આવું કેમ થઈ રહ્યું હતું? થોડું ધ્યાન આપતાં મેં અનુભવ્યું હતું કે મારા ટેલિગ્રામ સેટિંગ્સને કારણે આવું થઈ રહ્યું હતું. મારા ટેલિગ્રામના સેટિંગ્સને કારણે જ મને ગમે તે ચેનલ સાથે જોડી દેવામાં આવતો હતો.
તેમ છતાં મેં સેટિંગ્સ ન બદલ્યાં, અને હું જોવા માગતો હતો કે આગળ શું થવાનું છે. ત્યારપછી કેટલાક મહિનામાં મને અલગ અલગ 82 ચેનલમાં એડ કરી દેવામાં આવ્યો.
પછી એક દિવસ મેં સેટિંગ્સ બદલી નાખ્યાં અને આ બધું બંધ થઈ ગયું.
પરંતુ હવે જેવો હું ઍપ પર લૉગ ઇન કરું કે તરત જ ટેલિગ્રામ પરના ડઝનેક ખૂબ જ સક્રિય ગેરકાયદેસર જૂથોમાંથી હજારો નવા સંદેશાઓ મારી સામે તરવા લાગે છે.
તે દરમિયાન ફ્રાન્સમાં ટેલિગ્રામના અબજોપતિ સીઈઓની ધરપકડથી આ ઍપમાં નિયમન અંગે નવી ચર્ચા ચાલી છે.
ટેલિગ્રામના સીઈઓ પાવેલ દુરોવ પર ગેરકાયદેસર વ્યવહારો, ડ્રગ હેરફેર, છેતરપિંડી અને ટેલિગ્રામ પર બાળકોના જાતીય શોષણથી સંબંધિત છબીઓના પ્રસારનો આરોપ મૂકવામાં આવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
‘ખિસ્સામાં પડેલું ડાર્ક વેબ’

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેમાં કોઈ શંકા નથી કે અન્ય સોશિયલ નેટવર્ક પર પણ ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલુ રહે છે. પરંતુ હું જે પ્રયોગનો કરી રહ્યો છું તે એક વ્યાપક સમસ્યા તરફ નિર્દેશ કરે છે જેના વિશે લૉ એન્ફોર્સમેન્ટ એજન્સીઓના લોકો ઘણા વર્ષોથી ચિંતિત છે.
ચાલો એક નજર કરીએ કે મને જે ચેનલમાં એડ કરવામાં આવ્યો હતો તે કેવી હતી.
અમે ગ્રુપમાં પોસ્ટ કરવામાં આવેલા ફોટા અને ચેનલોનાં નામ બદલ્યાં છે જેથી કરીને તેમની જાહેરાત ન થાય.
તાજેતરના સમયમાં ટેલિગ્રામ પર જે પ્રકારના આરોપો લગાવવામાં આવ્યા છે એ જોતાં તે આશ્ચર્યજનક નથી કે સાયબર-સિક્યૉરિટી પૉડકાસ્ટર પેટ્રિક ગ્રે જેવા કેટલાક લોકો શા માટે છેલ્લા કેટલાક મહિનાઓથી ટેલિગ્રામને 'પૉકેટ ડાર્ક વેબ' કહી રહ્યા છે.
ડાર્ક વેબ એ ઇન્ટરનેટનો તે ભાગ છે જ્યાં ફક્ત વિશિષ્ટ સૉફ્ટવેર અને માહિતી દ્વારા જ પહોંચી શકાય છે.
2011માં સિલ્ક રોડ માર્કેટપ્લેસની શરૂઆત થઈ ત્યારથી, વેબસાઇટની એક આખી 'કન્વેયર બેલ્ટ' સામે આવી છે જે ગેરકાયદે સામાન અને સેવાઓનું વેચાણ કરતી હોય.
દુરોવની ચોંકાવનારી ધરપકડ પર ટિપ્પણી કરતાં પેટ્રિક ગ્રેએ તેમના પૉડકાસ્ટ 'રિસ્કી બિઝનેસ' પર કહ્યું હતું કે ટેલિગ્રામ લાંબા સમયથી ગુનાઓનું આશ્રયસ્થાન બની ચૂક્યું છે.
તેમણે કહ્યું, "અમે સતત ડાર્ક વેબના સ્તર સુધી પહોંચી જતી અને ટેલિગ્રામ પર પ્રસારિત થતી બાળકોનાં જાતીય શોષણ, ડ્રગ્સનો વેપાર અને ગુનાહિત પ્રવૃત્તિઓનો મુદ્દો ઉઠાવી રહ્યા છીએ. પરંતુ ટેલિગ્રામ તેમને રોકવા માટે કંઈ જ કરી રહ્યું નથી."
ડાર્ક વેબ ગુનેગારોનું પ્રિય છે પરંતુ કારણ કે તે ગુનો કરતી વખતે અનામી રહેવાનું સરળ બનાવે છે.
હકીકતમાં, સમગ્ર વિશ્વમાં આવા ઘણા ઇન્ટરનેટ ટ્રાફિક છે જે લોકોના લોકેશનને છુપાવે છે. આથી, તે જાણવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે કે ટેલિગ્રામ જેવી સોશિયલ ચેનલો પર કેટલાક વપરાશકર્તાનાં નામો પાછળ ખરેખર કોનો ચહેરો છે.
ટેલિગ્રામના વલણને લઈને વધી ચિંતા

સાયબર સિક્યૉરિટી કંપની Intel47ના સંશોધકો કહે છે, "ટેલિગ્રામ પહેલાં આ પ્રકારની ગતિવિધિઓ છુપાયેલી ડાર્ક વેબ સેવાઓનો ઉપયોગ કરીને ઑનલાઇન માર્કેટમાં થતી હતી. પરંતુ હવે ટેલિગ્રામ એ નાના પાયે અને ઓછા શાતિર એવા સાયબર ગુનેગારો માટે સૌથી લોકપ્રિય ઑનલાઇન ડેસ્ટિનેશન છે."
આ ઉનાળાની શરૂઆતમાં જ હૅકર ગ્રૂપ ચિલીને NHS હૉસ્પિટલો પાસેથી ખંડણી વસૂલવા માટે લોહીપરીક્ષણના ડેટાને સાર્વજનિક બનાવવાની પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. પરંતુ તેણે તેને તેની ડાર્ક વેબ વેબસાઇટ પહેલાં પોતાની ટેલિગ્રામ ચેનલ પર પોસ્ટ કરી હતી.
સ્પેન અને દક્ષિણ કોરિયાની શાળાની છોકરીઓના નકલી નગ્ન ફોટા બનાવવા માટે જે ડીપફેક સર્વિસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે ટેલિગ્રામ પર પોતાની સંપૂર્ણ સર્વિસ ચલાવે છે. તેમાં પેમેન્ટ સર્વિસ પણ સામેલ છે.
એવું લાગે છે કે હું જે ગુનાહિત ટેલિગ્રામ ચેનલો સાથે જોડાયેલો હતો તે સ્નેપચેટ પર પણ હાજર છે. તમે ઇન્સ્ટાગ્રામ પર ડ્રગ ડીલરોને પણ શોધી શકો છો. એમાં કોઈ શંકા નથી કે આવી સોશિયલ મીડિયા સાઇટ્સ પર માત્ર ખાનગી ચેટ દ્વારા જ બિઝનેસ કરવામાં આવે છે.
પરંતુ ડ્રગ ડીલરો ઘણીવાર આ સાઇટ્સ પર તેમની ટેલિગ્રામ ચેનલોની જાહેરાત કરતા જોવા મળશે. ખરેખર તેઓ લોકોને તેમના પ્લેટફૉર્મ પર લાવવા માટે આવી જાહેરાતો આપે છે.
જાન્યુઆરીમાં લાતવિયાની પોલીસે ડ્રગની દાણચોરી અને પરસ્પર સંદેશાવ્યવહાર માટે ઉપયોગમાં લેવાતી ચેટ એપ્લિકેશન પર નજર રાખવા માટે એક વિશેષ યુનિટ બનાવ્યું હતું. આ સમગ્ર કવાયત દરમિયાન અધિકારીઓએ ટેલિગ્રામ અંગે વિશેષ ચિંતા વ્યક્ત કરી હતી.
બાળકોના જાતીય શોષણ સાથે જોડાયેલી સામગ્રી પર ટેલિગ્રામનું શું કહેવું છે

ટેલિગ્રામ કહે છે કે તેનું નિયમન ઇન્ડસ્ટ્રીના ધોરણોના દાયરામાં છે.
પરંતુ આ અઠવાડિયે જ અમે તેનાથી વિપરીત પુરાવાઓ જોયા. ટેલિગ્રામ અપરાધના એ ક્ષેત્ર સાથે પણ જોડાયેલું હતું કે જે ઓછું દેખાય છે. એ બાળકોના જાતીય શોષણને લગતી સામગ્રી છે. (મેં તે ક્યારેય સર્ચ કર્યું નથી.)
બુધવારના રોજ, બીબીસીને જાણવા મળ્યું કે ટેલિગ્રામે ચેનલની કેટલીક સામગ્રીને દૂર કરવાની પોલીસ અને કેટલીક ચેરિટી સંસ્થાઓની વિનંતીઓનો જવાબ આપ્યો હતો. પરંતુ તેણે બાળ જાતીયશોષણની તસવીરો અને વીડિયોના પ્રસારને રોકવા માટે કોઈ સક્રિય પગલાં લીધાં નથી.
ફ્રાન્સના સરકારી વકીલોએ જણાવ્યું હતું કે ટેલિગ્રામ તેની ચેનલ પર બાળકોના જાતીયશોષણની સામગ્રી પર નજર રાખવા માટે પૂરતા પગલાં લઈ રહ્યું નથી. આ ટેલિગ્રામ પર લાગેલા મુખ્ય આરોપોમાંનો એક આરોપ હતો.
ફ્રાન્સની બાળ સુરક્ષા એજન્સી ઑફમીનના જનરલ સેક્રેટરી જીન મિશેલ બર્નિગૌડે લિંક્ડઇન પર લખ્યું હતું, "આ બાબતનું મૂળ ક્યાં છે? હકીકતમાં, તેના કેન્દ્રમાં ટેલિગ્રામ પર મૉડરેશન અને સહકારનો અભાવ છે. ટેલિગ્રામનું વલણ ખાસ કરીને બાળકો સામેના ગુના સામે લડવામાં આવું જ દેખાઈ રહ્યું છે."
બીબીસીએ ટેલિગ્રામ પર જણાવ્યું હતું કે એ તેની ઍપ પર બાળકોના જાતીય શોષણ સહિતની તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે સક્રિયપણે કામ કરે છે.
તેમણે કહ્યું છે કે માત્ર ઑગસ્ટ મહિનામાં જ 45 હજાર ચેનલ સામે કાર્યવાહી કરવામાં આવી છે. જોકે, શું કાર્યવાહી કરવામાં આવી છે તે જણાવવામાં આવ્યું નથી.
ટેલિગ્રામની પ્રેસ ઑફિસે આ અહેવાલમાં હવે પછી અને અન્યત્ર ઉઠાવેલા પ્રશ્નોના જવાબ આપ્યા નથી.
આ મહિને જૂનમાં, પાવેલ દુરોવે પત્રકાર ટકર કાર્લસનને કહ્યું હતું કે તેમણે તેમનું પ્લેટફૉર્મ ચલાવવા માટે ‘લગભગ 30 એન્જિનિયરોને રાખ્યા છે’.
પોલીસને સહયોગ નથી આપતું ટેલિગ્રામ

મૉડરેશનનું ન હોવું, કે તેની ગેરહાજરી હોવી એ ટેલિગ્રામની સમસ્યાનો માત્ર એક ભાગ છે. બીજી મોટી સમસ્યા પોલીસને સહયોગ ન કરવો. ગેરકાયદે સામગ્રી દૂર કરવાની પોલીસની વિનંતી પ્રત્યેના તેના વલણને કારણે ટેલિગ્રામ પણ ટીકા હેઠળ છે.
ઇન્ટરનેટ ટ્રસ્ટ અને સુરક્ષાને સુધારવા માટે ઉપયોગમાં લેવાતા સૉફ્ટવેર પ્લેટફૉર્મ સિન્ડરના સહ-સ્થાપક બ્રાયન ફિશમેને લખ્યું હતું કે, "ટેલિગ્રામ એક અલગ સ્તર પર છે. તે વર્ષોથી આઈએસઆઈએસ માટે એક મુખ્ય હબ રહ્યું છે. એ બાળકો સાથેના જાતીયશોષણ સાથે જોડાયેલી સામગ્રી પર પણ કાર્યવાહી કરી રહ્યું નથી. એ કાયદાઓને પણ નજરઅંદાજ કરતું રહ્યું છે. તેનું વલણ કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે.”
કેટલાક લોકો એવી દલીલ કરી શકે છે કે ટેલિગ્રામની પ્રાઇવસી ફીચર્સને કારણે આ કંપની પાસે આ પ્રવૃત્તિ વિશે પોલીસને જાણ કરવા માટે પૂરતો ડેટા નથી.
સિગ્નલ અને વૉટ્સએપ જેવી અત્યંત ખાનગી મોબાઇલ ઍપ્સમાં પણ આ જ સમસ્યા છે.
જો યુઝર્સ સીક્રેટ ચેટ વિકલ્પ અપનાવે છે, તો ટેલિગ્રામ અન્ય ઍપ્સની જેમ પ્રાઇવસી પ્રદાન કરે છે. ટેલિગ્રામ પર સિગ્નલ અને વૉટ્સઍપની જેમ ગુપ્ત ચેટ્સ છે, જે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન (ગુપ્ત કોડમાં સંદેશા મોકલવાની સુવિધા) પ્રદાન કરે છે.
આ રીતે કોઈપણ વાતચીત અને પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે ખાનગી રહે છે. ટેલિગ્રામ પણ તેમને જોઈ શકતું નથી.
જોકે, આ ફંક્શન ટેલિગ્રામ પર ડિફૉલ્ટ તરીકે સેટ નથી.
ટેલિગ્રામ તેની તમામ સામગ્રી વાંચી શકે છે અને જો તે ઇચ્છે તો પોલીસને જાણ પણ કરી શકે છે. પરંતુ તેના નિયમો અને શરતો જણાવે છે કે તે આવું કરતું નથી.
કંપનીના નિયમો અને શરતો જણાવે છે કે, "ટેલિગ્રામ પરની તમામ ચેટ્સ અને ગ્રૂપ ચેટ્સ સામેલ લોકો વચ્ચે ખાનગી છે. જો અમને આને લગતી કોઈપણ વિનંતીઓ પર પ્રોસેસ કરવાનું કહેવામાં આવે, તો અમે તેમ કરતા નથી."
ઘણી વખત, પ્રેસ ઇવેન્ટ્સની બહાર સામાન્ય વાતચીતમાં પોલીસ અધિકારીઓએ મને લૉ ઍન્ફોર્સમેન્ટ એજન્સીઓ પ્રત્યે ટેલિગ્રામના ઠંડા વલણ વિશે જણાવ્યું છે. આ અંગે તેમણે ઘણી વખત પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
ટેલિગ્રામના સીઈઓ પાવેલ દુરોવ સામેના આરોપો અંગે, ફ્રેન્ચ અધિકારીઓનું કહેવું છે કે ટેલિગ્રામ ફ્રાન્સ અને બેલ્જિયમ બંનેમાં લૉ ઍન્ફોર્સમેન્ટ એજન્સીઓની કાયદાકીય વિનંતીઓને અવગણવાનો ઇતિહાસ ધરાવે છે.
અભિવ્યક્તિની સ્વતંત્રતાને લઇને સવાલો

ટેલિગ્રામના મૉડરેશનના વલણની તમામ ટીકાઓ હોવા છતાં પણ કેટલાક લોકો પાવેલ દુરોવની ધરપકડને એક ચોંકાવનારી ઘટના માને છે.
ડિજિટલ રાઇટ્સ ઑર્ગેનાઇઝેશન ઍક્સેસ નાઉ કહે છે કે તે દુરોવની ધરપકડ અને તેના પછીના ડેવલપમેન્ટને નજીકથી અનુસરી રહી છે.
ઓપન ઇન્ટરનેટની હિમાયત કરતી આ સંસ્થાએ કહ્યું છે કે, "સમાજ પ્રત્યે કૉર્પોરેટ કંપનીઓની જવાબદારીના સંદર્ભમાં ટેલિગ્રામ કોઈ આદર્શ ઉદાહરણ સ્થાપિત કરતું નથી. આ સંગઠન પહેલાં પણ ઘણી વખત ટેલિગ્રામની ટીકા કરી ચૂક્યું છે."
પરંતુ ઍક્સેસ નાઉ એ વાતની ચેતવણી પણ આપે છે કે "લોકો તેમની સ્વતંત્ર અભિવ્યક્તિ અને શાંતિપૂર્ણ સભાઓ, માર્ચ અને પ્રદર્શનના અધિકારોનો ઉપયોગ કરવા માટે ઉપયોગ કરી રહ્યા હોય તેવા સોશિયલ મીડિયા પ્લેટફૉર્મના કર્મચારીઓની અટકાયત કરવી યોગ્ય નથી."
"માનવ અધિકારોના સિદ્ધાંતોને અવગણીને આમ કરવાથી વધુ પડતી સેન્સરશિપ થશે અને નાગરિકોના અવકાશને સંકુચિત કરશે."
ટેલિગ્રામે પણ વારંવાર કહ્યું છે કે, "પ્લેટફૉર્મના દુરુપયોગ માટે પ્લેટફૉર્મ અથવા તેના માલિકને જવાબદાર ઠેરવવો એ વાહિયાત આરોપ છે."
સોશિયલ મીડિયા પ્લેટફૉર્મના માલિક એલોન મસ્કે પણ પાવેલ દુરોવની ધરપકડની ટીકા કરી છે. તેમણે તેને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર હુમલો ગણાવ્યો છે અને દુરોવને મુક્ત કરવાની માંગ કરી છે.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)






















