ઇન્ડિગોની સ્થિતિ હવે કેવી છે, ઍરલાઇનના સીઈઓએ શું કહ્યું?- ન્યૂઝ અપડેટ

ઇન્ડિગો, ભારતમાં વિમાન સંકટ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇન્ડિગોના સીઈઓ પીટર ઍલ્બર્સ
પ્રકાશિત
વાંચવાનો સમય: 9 મિનિટ

ઇન્ડિગોના સીઈઓ પીટર ઍલ્બર્સે ઍરલાઇનના ઑપરેશનલ વિક્ષેપો અંગે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે ઍરલાઇનનું સંચાલન હવે સ્થિર છે.

તેમણે કહ્યું , "ઇન્ડિગો ફરીથી પાટા પર આવી ગઈ છે અને અમારી કામગીરી સ્થિર છે. શરૂઆતમાં અમારી પ્રાથમિકતા ઍરપૉર્ટ પર ફસાયેલા તમામ ગ્રાહકોને તેમના ગંતવ્યસ્થાનો પર અથવા તેમના ઘરે પાછા સુરક્ષિત રીતે પહોંચાડવાની હતી."

"ત્યારબાદ અમે રિફંડની પ્રક્રિયા શરૂ કરી. લાખો ગ્રાહકોને તેમના સંપૂર્ણ રિફંડ મળ્યા છે, અને અમે દરરોજ આમ કરવાનું ચાલુ રાખ્યું છે. ઍરપૉર્ટ પર ફસાયેલી મોટાભાગની વસ્તુઓ લોકોના ઘરે પહોંચાડવામાં આવી છે."

પીટર ઍલ્બર્સે જણાવ્યું હતું કે ઍરલાઇન 5 ડિસેમ્બરે ફક્ત 700 ફ્લાઇટ્સનું સંચાલન કરી શકી હતી પરંતુ ત્યારબાદ પરિસ્થિતિમાં ધીમે ધીમે સુધારો થયો છે. પીટર ઍલ્બર્સ અનુસાર, 6 ડિસેમ્બરે 1500 ફ્લાઇટ્સ, 7 ડિસેમ્બરે 1650 અને 8 ડિસેમ્બરે 1800 ફ્લાઇટ્સનું સંચાલન થયું હતું.

તેમણે કહ્યું, "અમે અમારા નેટવર્કનાં તમામ 138 સ્થળોએ ફરીથી ઉડાન ભરી રહ્યા છીએ. 9 ડિસેમ્બરે હું પુષ્ટિ કરી શકું છું કે અમારી કામગીરી સરળતાથી ફરી શરૂ થઈ ગઈ છે."

ગત અઠવાડિયે ઇન્ડિગો કટોકટીને કારણે હજારો હવાઈ મુસાફરોને અસુવિધા થઈ હતી. આ કટોકટી બુધવાર, 3 ડિસેમ્બરના રોજ શરૂ થઈ હતી. ત્યારે 150 ઇન્ડિગોની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અને ડઝનેક ફ્લાઇટ્સ મોડી પડી હતી.

ત્યાર પછી આ ઍરલાઇનની હજારો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, જેના કારણે મુસાફરોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

રાહુલ ગાંધીએ ચૂંટણી સુધારા મુદ્દે સંસદમાં ઉઠાવ્યા ત્રણ સવાલો

ચૂંટણીપંચ, રાહુલ ગાંધી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, SANSAD TV

લોકસભામાં ચૂંટણી સુધારા પર ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ચૂંટણીપંચ પર 'કબજો' કરવાનો આરોપ લગાવ્યો છે.

તેમણે કહ્યું , "ભારતની સંસ્થાઓ પર કબજો જમાવી દેવામાં આવ્યો છે અને આ વાત હું પુરાવા વિના આ કહી રહ્યો નથી. મેં ઘણા પુરાવા રજૂ કર્યા છે કે ચૂંટણીપંચ કેવી રીતે સત્તામાં રહેલા લોકો સાથે ચૂંટણીઓને પ્રભાવિત કરવા માટે સાંઠગાંઠ કરી રહ્યું છે."

રાહુલ ગાંધીએ કહ્યું કે, "પરંતુ હું પહેલા ત્રણ પ્રશ્નો પૂછવા માંગુ છું, જેનાથી એ સ્પષ્ટ થશે કે ભાજપ ભારતના લોકશાહીને નુકસાન પહોંચાડવા માટે ચૂંટણીપંચનો ઉપયોગ કરી રહ્યું છે અને તેને સૂચના આપી રહ્યું છે."

રાહુલ ગાંધીએ ત્રણ સવાલો પૂછ્યા:

  • એવું કેમ બન્યું કે મુખ્ય ન્યાયાધીશને ચૂંટણી કમિશનરની પસંદગી પેનલમાંથી દૂર કરવામાં આવ્યા?
  • ભારતના ઇતિહાસમાં કોઈ પણ વડા પ્રધાને આવું કર્યું નથી. ડિસેમ્બર, 2023માં આ સરકારે કાયદો બદલ્યો. તેમણે કાયદો બદલ્યો જેનાથી કોઈપણ ચૂંટણી કમિશનર પદ પર રહીને કરેલા કોઈપણ કાર્ય માટે સજાથી બચી ન શકે. આવું કેમ કરવામાં આવ્યું? વડા પ્રધાન અને ગૃહમંત્રી ચૂંટણી કમિશનરને આટલી મોટી ભેટ કેમ આપી રહ્યા છે? આવું કોઈ વડા પ્રધાને ક્યારેય કર્યું નથી.
  • સીસીટીવી અને તેમાં રહેલા ડેટા અંગેનો કાયદો કેમ બદલવામાં આવ્યો? ચૂંટણીપંચને ચૂંટણીના 45 દિવસ પછી સીસીટીવી ફૂટેજનો નાશ કરવાની મંજૂરી આપતો કાયદો કેમ ઘડવામાં આવ્યો? આની શું જરૂર છે? જવાબ એવો આપવામાં આવ્યો કે આ ડેટાનો પ્રશ્ન છે. પરંતુ આ ડેટાનો પ્રશ્ન નથી. આ ચૂંટણીમાં ગોટાળાનો પ્રશ્ન છે."

'હવે ડર છોડવાનો સમય આવી ગયો છે...'- કેજરીવાલે રાજકોટમાં શું કહ્યું?

અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટી, ગુજરાત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, AAP Gujarat

રાજકોટની મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે તેમને રાજકોટ જેલમાં જઈને ખેડૂતોને મળવા દેવામાં નથી આવ્યા.

હડદડમાં બનેલી ઘટના પછી આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિત અનેક ખેડૂતો જેલમાં બંધ છે, જેમને મળવા માટે કેજરીવાલ જવાના હતા.

પત્રકાર પરિષદમાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, "આ ભાજપ સરકારની તાનાશાહી છે. કડદા પ્રથાના વિરોધ દરમિયાન શાંતિપૂર્ણ રીતે માંગ મૂકી રહેલા 88 ખેડૂતોની ધરપકડ કરવામાં આવી, જેમાંથી 24 કલાક સુધી તેમને ખાવા–પીવાનું પણ આપવામાં આવ્યું નહીં અને પોલીસ દ્વારા મારપીટ કરવામાં આવી."

તેમણે કહ્યું હતું કે, "બે વર્ષ પછી જ્યારે ગુજરાતમાં સરકાર બદલાશે ત્યારે 24 કલાકમાં જ તમામ ખોટી એફઆઈઆર પાછી ખેંચી લેવામાં આવશે અને જે મંત્રીઓએ લોકોને હેરાન કર્યા છે તેમને જેલમાં મોકલવામાં આવશે."

કેજરીવાલે ગુજરાતની પ્રજાને સંબોધતા કહ્યું હતું કે, "હવે ડર છોડવાનો સમય આવી ગયો છે અને ગુજરાતને બચાવવું હોય તો લોકો પોતે ઉભા થવું પડશે"

'વંદે માતરમ' પર રાજ્યસભામાં ચર્ચા દરમિયાન અમિત શાહે નહેરુ અને ઇન્દિરા ગાંધી પર શું કહ્યું?

વંદે માતરમ પર રાજ્યસભામાં ચર્ચા દરમિયાન અમિત શાહે નહેરુ અને ઇન્દિરા ગાંધી પર શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Sansad TV

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

'વંદે માતરમ'નાં 150 વર્ષ પૂર્ણ થયાં તેના પર સંસદમાં ચર્ચા ચાલી રહી છે.

મંગળવારે રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે "કૉંગ્રેસના તુષ્ટિકરણને કારણે વંદે માતરમના બે ટુકડા થઈ ગયા."

તેમણે કહ્યું, "જ્યારે વંદે માતરમનાં 50 વર્ષ થયાં ત્યારે દેશ આઝાદ નહોતો થયો. જ્યારે સુવર્ણ જયંતિ મનાવાઈ, 1937માં, ત્યારે જવાહરલાલ નહેરુ જીએ વંદે માતરમના બે ટુકડા કરીને તેને બે અંતરા સુધી સીમિત કરવાનું કામ કર્યું."

તેમણે પૂર્વ વડાં પ્રધાન ઇંદિરા ગાંધી પર પણ નિશાન સાધ્યું.

તેમણે કહ્યું, "જ્યારે તેનાં 100 વર્ષ થયાં ત્યારે વંદે માતરમ બોલનારાઓને તેમણે જેલમાં નાખી દીધા. દેશમાં ઇમર્જન્સી લાગુ કરવામાં આવી."

અમિત શાહે વધુમાં જણાવ્યું કે સરકાર કોઈ પણ મુદ્દા પર ચર્ચા કરવાથી નથી ગભરાતી. તેમણે કહ્યું, "સંસદનો બહિષ્કાર અમે નથી કરતા, કોઈ પણ મુદ્દા હોય, અમે ચર્ચા કરવા માટે તૈયાર છીએ."

સોમવારે લોકસભામાં 'વંદે માતરમ' પર ચર્ચા થઈ હતી. તેમાં પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જવાહરલાલ નહેરુ અને ઇંદિરા ગાંધી પર નિશાન સાધ્યું હતું. જવાબમાં કૉંગ્રેસ તરફથી પ્રિયંકા ગાંધીએ નહેરુના ઉલ્લેખ મામલે જવાબ આપ્યો હતો.

પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું, "નરેન્દ્ર મોદી જી જેટલાં વર્ષથી વડા પ્રધાન છે, તેટલાં વર્ષ નહેરુ જી દેશ માટે જેલમાં રહ્યા હતા."

"દેશનું ધ્યાન જરૂરી મુદ્દા પરથી હઠાવવા માટે સંસદમાં આ ચર્ચા કરવામાં આવી રહી છે."

ચૂંટણી સુધારા પર લોકસભામાં ચર્ચા, કૉંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ કયા મુદ્દા ઉઠાવ્યા?

ચૂંટણી સુધારા પર લોકસભામાં ચર્ચા, કૉંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ કયા મુદ્દા ઉઠાવ્યા? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Sansad TV

લોકસભામાં આજે ચૂંટણી સુધારા પર ચર્ચા થઈ રહી છે. તેની શરૂઆત કૉંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ કરી.

મનીષ તિવારીએ પોતાના ભાષણમાં ચૂંટણીપંચની ચૂંટણી પ્રક્રિયામાં સુધારાની માંગ કરી. તેની સાથે જ તેમણે ચૂંટણીપંચ તરફથી કરાવવામાં આવી રહેલા એસઆઈઆરને ગેરકાયદે ગણાવ્યું.

તેમણે ચૂંટણીપંચની વિશ્વસનીયતા તથા ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન એટલે કે ઈવીએમ પર પણ સવાલ ઉઠાવ્યા. તે ઉપરાંત તેમણે વીવીપૅટથી ચૂંટણી કરાવવાની માંગ કરી. કૉંગ્રેસના આ સાંસદે 'વન ઇલેક્શન, વન નૅશન' પર પણ વાત કરી.

તેમણે કહ્યું, "ગત 78 વર્ષોમાં સૌથી મોટો ચૂંટણી પ્રક્રિયામાં સુધારો પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીએ કર્યો હતો. તેમણે મતદાતાની ઉંમર 21થી ઘટાડીને 18 કરી અને કરોડો યુવાન મતદાતાઓને મતદાનનો અધિકાર આપ્યો."

આજે કટકમાં દ. આફ્રિકા સામે પહેલી ટી20 મૅચ, 2026ના વિશ્વકપની તૈયારી વિશે સૂર્યકુમાર યાદવે શું કહ્યું?

આજે કટકમાં દ. આફ્રિકા સામે પહેલી ટી20 મૅચ, 2026ના વિશ્વકપની તૈયારી વિશે સૂર્યકુમાર યાદવે શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ANI

આજે કટકના બારામતી સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા સામેની પાંચ ટી20 મૅચની સિરીઝની પહેલી મૅચ રમાશે.

આજની મૅચમાં સૌની નજર હાર્દિક પંડ્યા પર રહેશે. તેઓ એશિયા કપ દરમિયાન ઈજા પામ્યા બાદ ટીમથી બહાર થઈ ગયા હતા અને ત્યાર પછી હવે ટીમ સાથે જોડાયા છે. તો બીજી તરફ ટેસ્ટ ટીમ અને વન-ડે ટીમના કૅપ્ટન શુભમન ગિલ પણ ટેસ્ટમાં ઈજા પામ્યા બાદ ટી20 મૅચમાં પરત ફરી રહ્યા છે.

આ મૅચ અગાઉ ભારતના ટી20 ફૉર્મેટના કૅપ્ટન સૂર્યકુમાર યાદવે ભારતીય ટીમની આગામી ટી20 વિશ્વકપની તૈયારીઓ વિશે વાત કરી હતી.

તેમણે કહ્યું, "અમે 2026ના ટી20 વર્લ્ડકપની તૈયારી 2024નો વર્લ્ડકપ પૂર્ણ થયો ત્યારથી શરૂ કરી હતી. કોઈ મોટી ટુર્નામેન્ટ માટે તમે એક-બે મહિના પહેલાં વિચારતા નથી, ટુર્નામેન્ટ આવી ગઈ છે તૈયારી કરીએ. શાળામાં પરીક્ષા આપીએ ત્યારે પણ એવું નથી કરતા કે ચાર દિવસ પહેલાં તૈયારી શરૂ કરીએ. આપણે તેના માટે વર્ષ અને બે વર્ષ તૈયારી કરીએ છીએ. 2024ના વર્લ્ડકપ પછી અનેક નવી વસ્તુઓ કરી છે જે કામ કરી રહી છે."

તેમણે ટીમના કૉમ્બિનેશન વિશે વધુમાં ઉમેર્યું, "ગત પાંચથી છ સિરીઝમાં અમે એક જ કૉમ્બિનેશન સાથે રમી રહ્યા છીએ માટે આગામી બે સિરીઝ પણ તે જ કૉમ્બિનેશન સાથે રમીશું. અમારે કંઈ બદલવાની જરૂરિયાત નથી."

થાઇલૅન્ડ અને કંબોડિયા વચ્ચેની લડાઈમાં મરનારાની સંખ્યા વધીને 6 થઈ

થાઇલૅન્ડ અને કંબોડિયા વચ્ચેની લડાઈમાં મરનારાની સંખ્યા વધીને 6 થઈ – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Thai Royal Army

થાઇલૅન્ડ અને કંબોડિયાની વચ્ચે સોમવારે રાત્રે પણ સંઘર્ષ યથાવત્ રહ્યો. કંબોડિયાના સંરક્ષણ મંત્રાલય અનુસાર, સોમવાર-મંગળવાર બાદ થાઇલૅન્ડની સેનાએ સીમાથી અડીને આવેલા મીનચી પ્રાંતમાં ગોળીબાર કર્યો હતો.

કંબોડિયાના સંરક્ષણ મંત્રાલય અનુસાર, આ ઘટનામાં નૅશનલ હાઇવે પર યાત્રા કરી રહેલા બે મુસાફરોનાં મૃત્યુ થયાં.

બંને દેશોની વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં મરનારાની સંખ્યા વધીને છ થઈ ગઈ છે. આ પહેલાં થાઇલૅન્ડે સોમવારે કહ્યું હતું કે આ સંઘર્ષમાં તેના એક સૈનિકનું મોત થયું હતું.

બંને દેશ વર્તમાન સંઘર્ષ માટે એકબીજાને જવાબદાર માને છે. જુલાઈમાં થયેલા સીઝફાયર બાદ આ બંને દેશો વચ્ચે સૌથી ગંભીર સંઘર્ષ છે.

ઇન્ડિગો સંકટને લઈને સરકારે શું કહ્યું?

ઇન્ડિગો સંકટને લઈને સરકારે શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇન્ડિગો સંકટને લઈને નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સચિવ સમીરકુમાર સિંહાનું કહેવું છે કે હવે સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે.

તેમણે સમાચાર એજન્સી એએનઆઈને સોમવારે કહ્યું હતું, "સ્થિતિ લગભગ સામાન્ય થઈ ગઈ છે. ઇન્ડિગોએ આજે 1,800થી વધુ ફ્લાઇટ સંચાલિત કરી હતી., જે લગભગ સામાન્ય છે. અન્ય તમામ ઍરલાઇન્સ, જેવી કે અકાસા, ઍર ઇન્ડિયા ઍક્સપ્રેસ, ઍર ઇન્ડિયા અ સ્પાઇસજેટે પોતાની તમામ ક્ષમતાઓ સાથે ફ્લાઇટ ઑપરેટ કરી છે."

યાત્રીઓના સામાન પર સમીરકુમાર સિંહાએ કહ્યું, "90 ટકા સામાન પહોંચી ગયો છે. ઍરલાઇન્સ યાત્રીઓનો સામાન તેમનાં સરનામે મોકલી રહી છે. મને લાગે છે કે આવતા 24 કલાક કે તેનાથી થોડા વધારે સમયમાં યાત્રીઓ દ્વારા આપવામાં આવેલાં સરનામે તેમનો સામાન પહોંચી જશે."

નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સચિવે એમ પણ કહ્યું કે યાત્રીઓને તેમનું રિફંડ મળી ગયું છે.

ઇન્ડિકો સંકટની તપાસને લઈને તેમણે કહ્યું, "અમે પહેલા જ તપાસના આદેશ આપી દીધા હતા. લગભગ 15 દિવસોમાં વિસ્તૃત તપાસ થવાની છે. જ્યારે રિપોર્ટ અમારી પાસે હશે, ત્યારે અમે તેનાં કારણો પર જઈ શકીશું. ઇન્ડિગોના વરિષ્ઠ પ્રબંધનને પણ કારણ બતાઓ નોટિસ જારી કરવામાં આવી છે. અમે તપાસ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. ત્યાર પછી સુધારાત્મક પગલાં ભરીશું."

ગત સપ્તાહે બુધવારે આ સંકટની શરૂઆત ત્યારે થઈ જ્યારે ઇન્ડિકોની સેંકડો ફ્લાઇટ રદ થઈ ગઈ અને ડઝનો ફ્લાઇટ મોડી પડી. માત્ર શુક્રવારે જ 1,00 કરતાં વધારે ફ્લાઇટ રદ થઈ હતી.

તેના કારણે અન્ય ઍરલાઇન્સનાં ભાડાં પણ વધી ગયાં. શનિવારે ભારત સરકારે તેમાં દખલ દઈને વિમાનનાં ભાડાંની સીમા નક્કી કરી.

જાપાનમાં 7.6ની તીવ્રતાના ભૂકંપમાં 30થી વધુને ઈજા, સુનામીની ચેતવણી

બીબીસી ગુજરાતી જાપાન ભૂકંપ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સોમવારે જાપાનના સમુદ્રમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેમાં ઓછામાં ઓછા 30 લોકોને ઈજા થઈ છે અને હજારો લોકોએ ઘરમાંથી બહાર આવી જવું પડ્યું હતું.

સોમવારે જાપાનના સમુદ્રમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેમાં ઓછામાં ઓછા 30 લોકોને ઈજા થઈ છે અને હજારો લોકોએ ઘરમાંથી બહાર આવી જવું પડ્યું હતું.

સમાચાર સંસ્થા રૉયટર્સના અહેવાલ પ્રમાણે જાપાનની હવામાન એજન્સીએ દેશમાં સુનામીની ચેતવણી આપી છે.

સ્થાનિક મીડિયા પ્રમાણે અધિકારીઓએ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં વધારે તેજ ભૂકંપ આવી શકે છે. લોકોને ઓછામાં ઓછા એક અઠવાડિયા માટે હાઈ ઍલર્ટ પર રહેવા જણાવાયું છે.

રૉયટર્સ મુજબ લગભગ 90 હજાર લોકોને પોતાનાં ઘરોમાંથી નીકળવાના આદેશ અપાયા છે.

જાપાનના ઉત્તર-પૂર્વ કિનારે ત્રણ મીટર ઊંચા મોજાં ઉછળવાંની આગાહી છે.

હોક્કાઈદો, આઓમોરીઅને ઇવાતે પ્રાંતમાં સુનામી આવવાની આગાહી કરવામાં આવી છે.

એજન્સીએ જણાવ્યું કે આઓમારી પ્રાંતના કિનારાથી 80 કિલોમીટર દૂર, જમીનમાં 50 કિલોમીટરની ઊંડાઈએ ભૂકંપનું કેન્દ્ર હતું.

ચીનનો પ્રવાસ કરનારા ભારતીયોને વિદેશ મંત્રાલયની ખાસ સલાહ

બીબીસી ગુજરાતી ભારત ચીન વિદેશ મંત્રાલય રણધીર જયસ્વાલ

ઇમેજ સ્રોત, ani

ઇમેજ કૅપ્શન, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલ

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોમવારે સાપ્તાહિક પ્રેસ બ્રીફિંગ દરમિયાન પત્રકારોના સવાલોના જવાબ આપ્યા હતા.

આ દરમિયાન તેમને નવેમ્બરમાં શાંઘાઈના પુડોંગ ઍરપૉર્ટ પર અરુણાચલ પ્રદેશની એક મહિલા સાથે બનેલી ઘટના વિશે સવાલ કરાયો હતો.

તેના જવાબમાં જયસ્વાલે કહ્યું કે, અમે તમારી ચિંતાથી વાકેફ છીએ... આ અંગે અમે અપેક્ષા રાખીએ છીએ કે ચીન સરકાર, અધિકારી એ વાતનું આશ્વાસન આપે કે ચીનના ઍરપૉર્ટ પરથી પસાર થતા ભારતીય નાગરિકોને કોઈ રીતે નિશાન બનાવવામાં નહીં આવે. તેમને મરજી મુજબ રોકવામાં કે પરેશાન કરવામાં નહીં આવે.

તેમણે કહ્યું કે "અમે અપેક્ષા રાખીએ છીએ કે ચીન આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરીને લગતા નિયમોનું પાલન કરશે. વિદેશ મંત્રાલય ભારતીય નાગરિકોને સલાહ આપે છે કે તેઓ ચીનનો પ્રવાસ કરે અથવા ચીન પરથી પસાર થતા હોય ત્યારે યોગ્ય સાવધાની રાખશે."

ડૉક્ટર નવજોતકોર સિદ્ધુને કૉંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયાં

બીબીસી ગુજરાતી પંજાબ કૉંગ્રેસ નવજોતકૌર સિદ્ધુ

ઇમેજ સ્રોત, ani

ઇમેજ કૅપ્શન, નવજોતકોર સિદ્ધુના '500 કરોડ'ના નિવેદનથી વિવાદ થયો છે.

ડૉ. નવજોતકોર સિદ્ધુને તાત્કાલિક અસરથી કૉંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

પંજાબ કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમરિંદરસિંહ રાજા વડિંગે ઍક્સ પર પંજાબ પ્રદેશ કૉંગ્રેસ કમિટીનો ઑફિસ ઑર્ડર શૅર કર્યો છે.

તેમાં લખ્યું છે કે "ડૉ. નવજોતકોર સિદ્ધુને તાત્કાલિક અસરથી પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવે છે."

નવજોતકોર સિદ્ધુનો એક વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર આવ્યો હતો, જેમાં તેઓ પત્રકારો સાથે વાતચીત કરતાં હતાં.

પતિ અને કૉંગ્રેસના નેતા નવજોતસિંહ સિદ્ધુને લગતા એક સવાલ પર તેમણે કહ્યું કે "તેઓ કૉંગ્રેસથી જોડાયેલા છે.. મને નથી લાગતું કે તેઓ નવજોતસિંહ સિદ્ધુને પ્રમોટ થવા દેશે.. કોઈ પણ પાર્ટી તેમને તે તાકાત આપે કે તેઓ પંજાબને સુધારી શકે અને અમારી પાસે કોઈ પાર્ટીને આપવા માટે રૂપિયા નથી."

તેમને પૂછવામાં આવ્યું કે શું પાર્ટીએ તમારી પાસેથી રૂપિયા માંગ્યા છે?

તેના પર નવજોતકોર સિદ્ધુએ કહ્યું કે "અમારી પાસે કોઈએ (ડિમાન્ડ) નથી કરી, પણ મુખ્ય મંત્રી એ જ બની શકે, જે 500 કરોડની એટેચી આપે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન