‘પોલીસે પિતા-પુત્રની છાતીએ બંદૂક ફોડી હતી’, પાટડી કથિત ઍન્કાઉન્ટર મામલે હાઈકોર્ટમાં શું થયું?

ઇમેજ સ્રોત, Sachin Pithwa
“પોલીસે અમારા ઘરે આવીને મારા ફુઆ અને મારા ભાઈને બંદૂકની ગોળીથી મારી નાખ્યા. હનીફ ખાન મારા ફુઆ હતા અને મદીન મારો ભાઈ હતો, એ સગીર હતો.”
6 નવેમ્બર 2021ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ગેડિયા ગામે સ્થાનિક પોલીસ દ્વારા પિતા-પુત્રનાં કથિત પોલીસ ઍન્કાઉન્ટરમાં મૃત્યુ થયા બાદ મૃતકનાં પરિવારજન રિંકુ ખાને બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં ઘટના અંગે કંઈક આવી વાત કરી હતી.
પોલીસના દાવા અનુસાર 44 વર્ષીય હનીફ ખાન કુખ્યાત ગેડિયા ગૅંગના ‘મુખ્ય સૂત્રધાર’ હતા અને તેમના પુત્રે પોલીસ પર ‘જીવલેણ હુમલો’ કર્યો હતો.
પોલીસ દ્વારા 'સ્વરક્ષણ' માટે ફાયરિંગ કર્યું હોવાની વાત પર રિંકુએ કહ્યું હતું કે, "એ ખોટી વાત છે. અમારી પાસે કંઈ હતું જ નહીં. મારો ભાઈ તો મારા ફુઆને બચાવવા ગયો હતો અને માત્ર એટલું જ બોલ્યો હતો કે, 'મારા પપ્પાને છોડી દો.'"
તેમણે પોલીસ પર આરોપ મૂકતાં કહ્યું હતું કે, "પહેલાં મારા ભાઈ અને પછી મારા ફુઆને ગોળી મારી હતી. પોલીસ પ્રાઇવેટ ગાડીઓ લઈને આવી હતી અને ફાયરિંગ કર્યું હતું."
"પોલીસે સીધી એની છાતીએ ગન રાખીને ફાયરિંગ કર્યું. હું સમગ્ર ઘટનાક્રમની સાક્ષી છું."
જોકે, પોલીસે આ આરોપને ફગાવી દીધા હતા.
લગભગ દોઢ વર્ષ પહેલાં બનેલા આ બનાવ બાબતે તાજેતર ગુજરાત હાઈકોર્ટે આ મામલે કરાયેલી જાહેર હિતની અરજી સંદર્ભે છ પોલીસકર્મી પાસેથી તાજેતરની સુનાવણી દરમિયાન જવાબ માગ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ કેસમાં અરજદાર અને મૃતક હનીફ ખાન જત મલેકનાં પુત્રી સોહાના જત મલેકે જાહેર હિતની અરજી કરીને પિતા અને 14 વર્ષીય ભાઈ મદીનનાં મૃત્યુ નિપજાવવા મામલે તપાસ કરાવવાની માગણી કરી હતી.
આ સમગ્ર મામલાને લઈને નોંધાયેલ પોલીસ ફરિયાદ અનુસાર વર્ષ 2021માં ઇન્સ્પેક્ટર વી. એમ. જાડેજા અને તેમની ટીમ કથિતપણે હનીફની ધરપકડ કરવા તેમના ઘરે પહોંચી ત્યારે તેમના પર ટોળાએ હુમલો કર્યો હતો.
પોલીસના દાવાની વિપરીત મૃતકોના પરિવાર દ્વારા પોલીસે ‘જાણીજોઈને’ પોતાના પરિવારજનોનાં મૃત્યુ નિપજાવ્યાં હોવાના આરોપ મુકાયાં હતાં.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર મૃતક હનીફ પર 86 કેસો હતા. જે પૈકી 59માં તેમની ધરપકડ થઈ હતી. તેમજ અન્યમાં તેઓ ફરાર હતા.
હનીફ સામે ગુજસીટોક (ધ ગુજરાત કન્ટ્રોલ ઑફ ટેરરિઝમ ઍન્ડ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ) ઍક્ટ અંતર્ગત પણ ગુનો નોંધાયો હતો.
નોંધનીય છે કે પોલીસની કાર્યવાહી સામે કરાયેલા આક્ષેપો અંગે પાટડીના જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટે તપાસ કરીને તમામ પોલીસકર્મીઓને ‘નિર્દોષ’ જાહેર કર્યા હતા.
મૃતકોના પરિવાર દ્વારા આ મામલે હાઈકોર્ટમાં કરાયેલી અરજીની સુનાવણીમાં હવે હાઈકોર્ટે રાજ્ય સરકારને કથિત ઍન્કાઉન્ટરને લગતા તમામ દસ્તાવેજો, ઈજા અંગેનાં સર્ટિફિકેટ, મેડિકલ રિપોર્ટ, એફએસએલ રિપોર્ટ અને બૅલિસ્ટિક રિપોર્ટ રેકૉર્ડ પર મૂકવાનો હુકમ કર્યો છે.
આ સમગ્ર મામલાની સુનાવણી આગામી 19 જૂને રાખવામાં આવી છે.

શું હતો સમગ્ર મામલો?

ઇમેજ સ્રોત, Getty Images
ઉપર જણાવ્યું એમ 44 વર્ષીય હનીફ ખાન સામે અનેક ગુના નોંધાયેલા હતા.
જે પૈકી અમુકમાં પોલીસ તેમની ધરપકડ નહોતી કરી શકી.
બનાવના દિવસે થયેલી ઘટનાઓને આધારે પોલીસે નોંધેલી એફઆઈઆરની વિગતો અનુસાર બજાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર વી. એમ. જાડેજા તેમની ટીમ સાથે હનીફ ખાનની ધરપકડ કરવા પહોંચી ત્યારે પરિવારજનો સહિત અન્ય લોકોના ટોળાએ લાકડી, ધારદાર હથિયાર અને પાઇપ વડે પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો.
ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે હનીફનાં સાસુ હનીફાબહેન, તેમનાં માતા હવા, પિતા આમિર ખાન જત મલેક સહિત 15 અજાણી વ્યક્તિઓએ હુમલો કરીને પોલીસને ફરજ બજાવતાં રોકી હતી.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ એચ. પી. જોશીએ જણાવ્યું હતું કે, “હનીફે પોલીસ ટીમ પર ત્રણ વખત ફાયરિંગ કર્યું હતું, જ્યારે તેના પુત્ર મદીને ધારિયા વડે પોલીસ ટીમ પર ઘાતક હુમલો કર્યો હતો. જેમાં બે પોલીસકર્મીને ઈજા પણ થઈ હતી. પ્રતિકાર સ્વરૂપે પોલીસે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેમાં હનીફ અને તેના પુત્રનું મૃત્યુ નીપજ્યું.”
પોલીસે તમામ આરોપીઓ સામે આઈપીસીની જુદી જુદી કલમો અને આર્મ્સ ઍક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
પોલીસ સામે આ મામલે ફરિયાદ ન નોંધાય ત્યાં સુધી પરિવરે મૃતદેહો પણ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. જોકે, બાદમાં મૃતદેહ સ્વીકારી લેવાયા હતા.

- વર્ષ 2021માં પિતા-પુત્રના કથિત પોલીસ ઍન્કાઉન્ટરમાં મૃત્યુ મામલે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને કેસના લગતા તમામ દસ્તાવેજો રેકર્ડ પર મૂકવા હુકમ કર્યો છે
- સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ગેડિયા ગામના હનીફ ખાન અને તેમના દીકરા મદીન ખાનનાં કથિત પોલીસ ઍન્કાઉન્ટરમાં મૃત્યુ થયાં હતાં
- આ મામલે પોલીસે આરોપ કર્યો હતો કે પિતા-પુત્રે પોલીસ ટીમ પર જીવલેણ હુમલો કરતા ‘સ્વરક્ષણ’માં કરાયેલ ફાયરિંગમાં બંનેનાં મૃત્યુ થયાં છે
- તેમજ પરિવારજનોનો આરોપ હતો કે પોલીસે તેમના માણસોને ‘જાણીજોઈને ગોળીઓ ધરબી’ મારી નાખ્યા છે
- આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરી સમગ્ર મામલાની તપાસ સ્વતંત્ર એજન્સી દ્વારા કરાવી પોલીસકર્મીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવાની માગ કરાઈ હતી

ફેક ઍન્કાઉન્ટર?

ઇમેજ સ્રોત, Getty Images
ઘટનાના અમુક સમય બાદ આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરાઈ હતી. જેની સુનાવણી દરમિયાન તાજેતરમાં હાઈકોર્ટના ઍક્ટિંગ મુખ્ય ન્યાયાધીશ એ. જે. દેસાઈ અને જસ્ટિસ બીરેન વૈષ્ણવની બેન્ચે છ પોલીકર્મીઓને આ સમગ્ર ઘટનાની તપાસ સ્વતંત્ર એજન્સી પાસેથી કરાવવાની માગણીને લઈને જવાબ રજૂ કરવા નોટિસ પાઠવાઈ હતી.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર હાઇકોર્ટમાં હનીફનાં પુત્રી દ્વારા કરાયેલ જાહેર હિતની અરજી મામલે કોર્ટે જાન્યુઆરી 2022માં નોટિસ જાહેર કરી હતી. પરંતુ તેમાં કંઈ કાર્યવાહી થઈ નહોતી.
પરંતુ જ્યારે હાલની ખંડપીઠ સામે આ મામલો આવ્યો ત્યારે અરજદારના વકીલ યતીન ઓઝાએ દલીલ કરી હતી કે આ જાહેર હિતની અરજી પોલીસ ઍન્કાઉન્ટરને લગતા મહત્ત્વના મુદ્દે કરાઈ છે.
વકીલે કોર્ટમાં દલીલ કરતા કહ્યું હતું કે, “આ મામલા સાથે સંકળાયેલા 68 પોલીસકર્મીઓ સામે કોઈ પગલાં નથી લેવાયાં. જ્યારે કોર્ટે આ મામલે કરાયેલ કાર્યવાહી અંગે પૂછ્યું તો ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 176 અંતર્ગત સમગ્ર મામલે મૅજિસ્ટ્રેટ તપાસ સોંપાઈ હોવાની વાત કરાઈ.”
અરજદાર પક્ષના વકીલે આ સમગ્ર મામલો ‘ફેક ઍન્કાઉન્ટર’નો હોવાની વાત કરી. તેમજ તેમણે પોલીસની કાર્યવાહી સામે ગંભીર સવાલ ઊભા કર્યા.
યતીન ઓઝાએ પોલીસ દ્વારા રજૂ કરાયેલી માહિતી અંગે કોર્ટમાં પ્રશ્નો પૂછતા કહ્યું કે, “68 પોલીસકર્મીઓ મળીને 14 વર્ષના છોકરાને કેમ કાબૂ ન કરી શક્યા?”
“પોલીસનો દાવો છે કે સ્થાનિકોએ તેમના પર હુમલો કર્યો પરંતુ કોઈ પણ પોલીસકર્મીને કોઈ ઈજા નથી થઈ. ઈજા અંગનો એક પણ સર્ટિફિકેટ રજૂ નથી કરાયું. ઉપરાંત આ મામલે કરાયેલી એફઆઈઆરમાં તેમણે વૃદ્ધ લોકોનાં નામ આરોપી તરીકે લખી દીધાં અને પાછળથી બદલી પણ નાખ્યાં.”
મૅજિસ્ટ્રેટ તપાસના રિપોર્ટ અંગે વાત કરતાં યતીન ઓઝાએ દલીલ કરી કે, “આ રિપોર્ટ ગુજરાત સ્ટેટ હ્યુમન રાઇટ્સ કમિશનને સીલ કવરમાં આપવામાં આવ્યો છે. જે કમિશને સુઓ મોટો ઑર્ડર થકી મંગાવ્યો હતો.”
અરજદાર પક્ષના વકીલોએ કોર્ટમાં કહ્યું હતું કે અરજદારોને આ રિપોર્ટની નકલ અપાઈ નથી.
અરજદાર પક્ષ તરફથી કોર્ટમાં હાજર રહેતા વકીલ વિકી મહેતાએ કહ્યું કે, “તપાસમાં સાક્ષી આપવા માટે ગયેલા લોકોને પોલીસ ધમકાવ્યા હોવાનું અમારા ધ્યાનમાં આવ્યું છે. અમે આ તમામ મુદ્દા હાઈકોર્ટ સમક્ષ ઉઠાવીશું.”
એપ્રિલ માસની શરૂઆતમાં હાઈકોર્ટમાં આ મામલે થયેલી સુનાવણી દરમિયાન સરકાર પક્ષે દલીલ કરતાં સરકારી વકીલે કહ્યું હતું કે, “આ મામલાની સ્વતંત્ર તપાસ કરાવવાથી કાયદાના કાર્યક્ષેત્રની મર્યાદાઓ વટાવીને માહિતી એકઠી કરવાની પ્રક્રિયા કરવાની જરૂરિયાત રહેશે.”
પરંતુ આ દલીલના જવાબમાં ઍક્ટિંગ ચીફ જસ્ટિસ દેસાઈએ કહ્યું હતું કે, “અમુક કિસ્સામાં માહિતી એકઠી કરવી જરૂરી બની જાય છે. શું તેમણે પોલીસ સામે કોઈ પગલાં લીધાં છે ખરાં?”
જસ્ટિસ વૈષ્ણવે પણ પ્રશ્ન ઉઠાવતાં કહ્યું કે, “શું છોકરાને પૉઇન્ટ-બ્લૅન્ક ગોળી મારવામાં આવી હતી?”
આ સિવાય આ સમગ્ર કેસમાં સરકાર પોલીસકર્મીઓ પર લાગેલા આક્ષેપને લઈને કોર્ટમાં તેમનો બચાવ કરશે કે કેમ એ અંગે પણ પ્રશ્ન કરાયો હતો.

નકલી ઍન્કાઉન્ટરના દાવા અંગે પોલીસે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી સાથેની વાતચીતમાં પોલીસે જણાવ્યું છે કે એકને છાતી અને એકને પેટના ભાગે ગોળી વાગી હતી.
સુરેન્દ્રનગરના ઇન્ચાર્જ એસ .પી. હિમાંશુ દોશી કહે છે, "ઍન્કાઉન્ટર દરમિયાન નક્કી કરીને ગોળી મારવામાં નથી આવતી, નક્કી કરીને ગોળી મારવામાં આવતી હોય તો ઈંચનોય ફરક ન પડે એવું માની શકાય, પરંતુ આમાં એવું નથી."
"નક્કી કરીને ગોળી મારવામાં નથી આવી. ઝપાઝપી થઈ છે. મારામારી થઈ છે. પોલીસ પર હુમલો પણ થયો છે. એમના પૂરતા પુરાવા પણ ત્યાં મળી આવ્યા છે."
પોલીસના જણાવ્યા પ્રમાણે, મુખ્ય તહોમતદાર 6 નવેમ્બરના રોજ ગેડિયા ગામે આવ્યા હોવાની અને થોડો સમય માટે રોકાવાના હોવાની બાતમી પોલીસને મળી હતી, જેના આધારે પોલીસ અધિકારી વી. એન. જાડેજા અને સ્ટાફ તહોમતદારોને પકડવા માટે ગેડિયા ગામે ગયા હતા.
ઇન્ચાર્જ એસ. પી. દોશીના જણાવ્યા પ્રમાણે, "હનીફ ખાનના ઘરના દરવાજા પાસે જ આ બનાવ (ઍન્કાઉન્ટર) બન્યો હતો. હનીફે પોતાની પાસે રહેલી ગેરકાયેદસર પિસ્તોલમાંથી પોલીસ ટીમ પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું."
"ફાયરિંગમાં બચેલા પોલીસ જવાનોએ હનીફ ખાનને કબજે કરીને ગાડીમાં બેસાડવા જતા હનીફ ખાનના પુત્ર મદીન ખાને ધારિયાથી પોલીસ ટીમ પર હુમલો કરતાં પોલીસ તરફથી બે રાઉન્ડ ફાયરિંગ કરાતાં એક ગોળી હનીફ ખાનને અને એક ગોળી મદીન ખાનને વાગી હતી. ત્યાર બાદ બંનેને સુરેન્દ્રનગરની હૉસ્પિટલમાં ખસેડાતાં મૃત્યુ પામ્યાં હતાં."
પોલીસ અધિકારી અને તેમની સાથેના છ પોલીસ કર્મચારીઓને નાની-મોટી ઈજાઓ થઈ હતી અને ઘટના બાદ તેમની સુરેન્દ્રનગર જિલ્લાની હૉસ્પિટલમાં સારવાર કરાઈ હતી.
























