જ્યોતિ મૌર્ય : 'સરકારી અધિકારી બન્યા બાદ' કથિતપણે પતિને 'છોડવાનો' મામલો, અત્યાર સુધી શું શું થયું?

ઇમેજ સ્રોત, SAMACHARTODAY
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ઉચ્ચ સરકારી અધિકારી પત્ની કથિતપણે પોતાના નીચલા વર્ગના કર્મચારી પતિને ‘ત્યાગી દીધા’ના આરોપની ચર્ચા છે.
એકતરફ સરકારી અધિકારી પત્ની અને તેની બાજુમાં રડમસ ચહેરા સાથે એક યુવાનની તસવીરો સાથે આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી હતી.
દાવો કરાઈ રહ્યો હતો કે કથિતપણે પત્ની જ્યોતિ મૌર્યે ઉત્તર પ્રદેશમાં ઉચ્ચ અધિકારી તરીકે નિયુક્તિ મળ્યા બાદ તેમના આલોક મૌર્યને ‘છોડી દીધા’ છે.
સોશિયલ મીડિયા પર આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે. લોકો મામલા અંગે ખૂલીને પોતાના વિચારો મૂકી રહ્યા છે.
કેટલાક આને ‘પતિ-પત્નીનો અંગત મામલો’ ગણાવી રહ્યા છે, તો કેટલાક મામલાથી ‘પાઠ શીખીને પોતાની પત્નીઓના આગળના ભણતર પર રોક લગાવી દીધા’ના દાવા કરી રહ્યા છે.
હવે જ્યારે આ મામલો આટલો ચર્ચાસ્પદ બન્યો છે ત્યારે તે અંગે વિગતવાર માહિતી મેળવવાનું કુતૂહલ જાગે એ સ્વાભાવિક છે.

શું હતો સમગ્ર મામલો?
આ વર્ષે જૂન મહિનામાં મૌર્યનો કેટલાક પત્રકારો સાથેની વાતચીતનો વીડિયો વાઇરલ થયો હતો જેમાં તેમણે રડતાં-રડતાં જ્યોતિ મૌર્ય પર દગો કરવાની સાથોસાથ પોતાનાં બાળકો સાથે મુલાકાત ન કરવા દેવાયાનો દાવો કર્યો હતો.
આલોક મૌર્યે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં પંચાયતીરાજ વિભાગમાં ક્લાસ-4ના કર્મચારી છે અને તેમનાં લગ્ન વર્ષ 2010માં જ્યોતિ સાથે થયાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આલોકનો દાવો છે કે લગ્ન બાદ જ્યોતિ મૌર્યને ભણાવવા માટે તેમણે દેવું પણ કર્યું હતું. વર્ષ 2015માં દંપતીને બે જોડિયાં બાળકો થયાં હતાં.
તે બાદ જ્યોતિએ ઉત્તર પ્રદેશ લોકસેવા આયોગની પરીક્ષા પાસ કરી લીધી. પરંતુ તે બાદ મામલામાં નવો વળાંક આવ્યો અને આલોક મૌર્યે જ્યોતિ મૌર્ય પર આરોપ લગાવ્યા.
અને શરૂ થયો આરોપ-પ્રત્યારોપનો સિલસિલો.
જ્યોતિનો દાવો છે કે આલોકે કહ્યું હતું કે તેઓ ગ્રામપંચાયતમાં અધિકારી છે. પરંતુ લગ્ન બાદ તેમને એ વાતની ખબર પડી કે તેઓ સફાઈકર્મી તરીકે કાર્યરત છે.

આ મામલાની ‘મહિલાઓ પર અસર’

આ સમગ્ર વિવાદને લઈને સુપ્રીમ કોર્ટના બે વકીલ સત્યમસિંહ અને દીક્ષા દાદૂએ રાષ્ટ્રીય મહિલા પંચને એક ખૂલી ચિઠ્ઠી લખીને કાર્વયાહીની માગ કરી છે.
સત્યમસિંહ આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સુરક્ષા પરિષદમાં લીગલ સેલના મહાસચિવ છે.
સત્યમનો દાવો છે કે આ મામલો સામે આવ્યા બાદ ઘણા પરિવારોએ વહુઓની ભણવાનું બંધ કરાવી દીધું છે.
એક એનજીઓ ચલાવનારા સત્યમસિંહે બીબીસી સંવાદદાતા સુશીલા સિંહને જણાવ્યું હતું કે, "આ મામલો માત્ર જ્યોતિ મૌર્ય સુધી સીમિત નથી રહ્યો, આની અસર એવી છોકરીઓ અને પરિણીત સ્ત્રીઓ પર થઈ છે જેઓ ભણી રહી છે. તેમને હવે રોકવામાં આવી રહી છે. આ મામલાએ પિતૃસત્તાક વિચારને વધુ મજબૂત કર્યો છે."
સત્યમે જણાવ્યું કે મહિલાઓના ભણતર પ્રત્યે હાલમાં જ બદલાવ આવવાની શરૂઆત થઈ હતી અને ઘણા પરિવારોએ વહુઓને ભણવા માટે પ્રેરિત કરવાનું પણ શરૂ કર્યું હતું પરંતુ આવા મામલા સામે આવવાથી આવા પ્રયાસોને અસર થઈ છે.

મામલાની પબ્લિક ટ્રાયલ થવું એ ખોટું

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પંજાબ યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટ ઑફ વિમેન સ્ટડીઝમાં ડૉક્ટર અમીર સુલતાના એક અન્ય પાસાની વાત કરે છે.
તેઓ કહે છે કે, "ભારતીય બંધારણમાં બધાને સમાનતાનો અધિકાર અપાયો છે તો પછી અમુક મહિલાને તેનાથી કેવી રીતે વંચિત રાખી શકાય."
ડૉ. સુલતાનાએ બીબીસીને જણાવ્યું, "ભારતમાં એવા કેટલા મામલા મળશે જેમાં મહિલાઓ ઘરમાં એકલાં કમાનાર હોય અને પતિ, પરિવાર તેમની કમાણી પર નભતા હોય."
" તેઓ ઘરેલુ હિંસાને બરદાશ કરી રહી હોય છે પરંતુ આવા મામલાને લઈને તો સોશિયલ મીડિયા પર કોઈ ચર્ચા નથી થતી."
“આવા મામલાને લઈને સોશિયલ મીડિયા ટ્રાયલની કોઈ ટીકા નથી કરતું."
દિલ્હીસ્થિત આંબેડકર યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રી અને જેન્ડરના મુદ્દે કામ કરતાં ડૉ. દીપા સિંહા કહે છે કે આ સ્પષ્ટપણે જ્યોતિ અને આલોક મૌર્યનો અંગત મામલો છે. જે અંગે કંઈ પણ કહેવાનો અર્થ નથી બનતો.
તેમણે બીબીસી સંવાદદાતા સુશીલાસિંહ સાથેની વાતચીતમાં કહ્યું કે, "પરંતુ સોશિયલ મીડિયા પર ઘણી વાર એવું જોવા મળ્યું છે કે જ્યારે પણ કોઈ મુદ્દો ઊઠે છે તો લોકો તરત એ અંગે ન્યાય કરવા બેસી જાય છે... લોકો મહિલાની છબિ અને ચરિત્ર પર સવાલ ઉઠાવવા લાગે છે."
તેમના અનુસાર, "એક મહિલાએ ઘરમાં રહેવું જોઈએ, બાળકો અને પરિવારની સંભાળ લેવી જોઈએ, આ તમામ ભેદભાવોને આગળ ધપાવવામાં આવે છે. આ સમાજની મહિલાઓ પ્રત્યેના દૃષ્ટિકોણને રજૂ કરે છે."
દીપા સિંહા તેલંગાણામાં સ્કૂલોમાં કરાયેલ એક સંશોધનનું ઉદાહરણ આપે છે.
તેઓ કહે છે કે જો કોઈ છોકરો સ્કૂલમાં છોકરીનું નામ દીવાલે લખી દે તો વાલી તરત પોતાની દીકરીઓને એ શાળામાંથી કાઢી લેતા કારણ કે આ બધું ઇજ્જત સાથે જોડાઈ જાય છે.
દીપા સિંહા કહે છે કે મહિલાઓ અને રાજકારણીઓએ આવી મહિલાઓના પક્ષમાં ઊભાં થવું જોઈએ.
વકીલ સત્યમસિંહ જણાવે છે કે સોશિયલ મીડિયાની લગામ પણ ખેંચવાની જરૂર છે.
તેમનું કહેવું છે કે નકારાત્મક વિચારોને રોકવા માટે રાષ્ટ્રીય મહિલા આયોગ કે મહિલાઓ સાથે જોડાયેલી સંસ્થાઓએ આવા મામલાનું સંજ્ઞાન લેવું જોઈએ.
























