ગરીબોને આરોગ્યનો અધિકાર તો આપવો છે પણ સારવારનો ખર્ચ કોણ ભોગવશે તે નક્કી કેમ નથી થતું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સૌતિક બિસ્વાસ
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
રાજ્યના આઠ કરોડ લોકોને આરોગ્યનો અધિકાર આપતા એક સીમાચિહ્નરૂપ ખરડાનો રાજસ્થાનના હજારો ખાનગી તબીબો છેલ્લા બે સપ્તાહથી વિરોધ કરી રહ્યા હતા.
વિરોધને કારણે ખાનગી આરોગ્ય સેવાઓ ખોરવાઈ ગઈ હતી અને સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ ગઈ હતી. રાજ્ય સરકારે ગયા મંગળવારે જણાવ્યું હતું કે ડૉક્ટરો સાથે સમજૂતી થઈ ગઈ છે. આ જાહેરાત સાથે ડૉક્ટરોને હડતાળ પાછી ખેંચવાનો સંકેત આપવામાં આવ્યો હતો.
વિરોધનું કારણ પ્રસ્તુત કાયદામાંની એક જોગવાઈ છે. તે મુજબ, તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલો માટે લોકોને ઇમર્જન્સી સારવાર આપવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે અને તે સારવારનો ખર્ચ સરકાર બાદમાં ભરપાઈ કરી આપશે. ડૉક્ટરોએ જણાવ્યું હતું કે આ પૈસા કેવી રીતે અને ક્યાંથી આવશે તેના વિશે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
દેશનાં અનેક રાજ્યોનાં પોતાના આરોગ્ય વીમા કાર્યક્રમો છે, જે ઓછી આવક ધરાવતા પરિવારોને સરકારી તથા નોંધાયેલી ખાનગી હૉસ્પિટલોમાં મફત તબીબી સારવાર મેળવવાનો અધિકાર આપે છે. કેન્દ્ર સરકારે દેશના સૌથી ગરીબ 40 ટકા લોકોને આવરી લેતી પીએમ-જેએવાય (પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના) નામની આરોગ્ય વીમા યોજના 2018માં શરૂ કરી હતી.
સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું કે ઈમર્જન્સી તબીબી સારવાર આપવાનો ઇનકાર એ જીવનના બંધારણીય અધિકારનું ઉલ્લંઘન છે. તેમ છતાં દેશમાં જાહેર આરોગ્ય સેવાઓ વેરવિખેર છે અને તે નાણાં, ડૉક્ટરો અને નર્સોની અછત સામે ઝઝૂમી રહી છે.

દેશની કુલ જીડીપીનાં માત્ર બે ટકા નાણાં જાહેર આરોગ્ય માટે

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં તેના કુલ ઘરેલુ ઉત્પાદનના બે ટકાથી થોડાં વધારે નાણાં જાહેર આરોગ્ય માટે ખર્ચવામાં આવે છે, જે પ્રમાણ વિશ્વમાં સૌથી ઓછું છે. મોટાભાગના લોકોએ આરોગ્યસંભાળનો અડધોઅડધ ખર્ચ, ખાસ કરીને દવાઓનાં નાણાં પોતાનાં ખિસ્સામાંથી ચૂકવવાં પડે છે.
કુલ આરોગ્ય સેવા ખર્ચ પૈકીના 80 ટકા નાણાં ખાનગી ડૉક્ટરો, દવાખાનાઓ અને હૉસ્પિટલ્સ ઉસેડી જાય છે. આરોગ્ય સંબંધી જંગી ખર્ચને કારણે લગભગ 5.5 કરોડથી વધુ લોકો દર વર્ષે ગરીબીમાં ધકેલાઈ જાય છે અને તેની લગભગ 17 ટકા પરિવારોને અસર થાય છે, એવું વિશ્વ આરોગ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ)ના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.
રાજ્ય સરકાર સંચાલિત જાહેર આરોગ્ય વીમા કાર્યક્રમ અથવા લોકોને આરોગ્યનો અધિકાર આપતા કાયદાના કેન્દ્રમાં, સેવાના દર તથા વળતરની રકમ કેટલી હોવી જોઈએ તે બાબત છે તે આશ્ચર્યની વાત નથી. પરંતુ આ બંને નક્કી કરવાનું કામ મુશ્કેલ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દાખલા તરીકે, કોઈ મોંઘીદાટ હૉસ્પિટલમાં સારવારનો ખર્ચ નર્સિંગ હોમ કરતાં છ ગણો વધારે હોઈ શકે છે. સરકાર નીચો દર નક્કી કરશે તો ખાનગી હૉસ્પિટલો આ યોજના હેઠળ સર્જરી કરાવવા ઇચ્છતા દર્દીઓને તગેડી મૂકશે અથવા બાકીના નાણાં તેમની પાસેથી વસૂલ કરશે. સરકાર ઊંચો દર નક્કી કરશે તો તેનાથી આ યોજનાના ખર્ચમાં જબરો વધારો થશે.
જ્યોર્જટાઉન યુનિવર્સિટીના પ્રોફેસર જિષ્ણુ દાસે કહ્યું હતું કે “ખાનગી ક્ષેત્રને આ યોજના સાથે જોડવામાં સૌથી મહત્ત્વની વાત સેવા દર નિર્ધારણ અને વળતરની વ્યવસ્થા છે.”
સેવા દર કે ખર્ચ ભરપાઈનો દર ખાનગી હૉસ્પિટલોને તથા ભારત સરકાર સંચાલિત આરોગ્ય વીમા કાર્યક્રમોની કામગીરી પર કેવી અસર કરશે એ બાબત યુનિવર્સિટી કૉલેજ, લંડનના રાધિકા જૈન દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં સ્પષ્ટપણે રેખાંકિત કરવામાં આવી હતી.

‘વીમા યોજનાના નિયમોનું ઉલ્લંઘન’

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રાજસ્થાન સરકાર સંચાલિત જાહેર આરોગ્ય વીમા યોજના હેઠળ પરીક્ષણો, દવાઓ અને હૉસ્પિટલ ખર્ચની ભરપાઈ નિશ્ચિત દરે કરવામાં આવે છે. પ્રોફેસર રાધિકા જૈને આ યોજના હેઠળના 16 લાખથી વધુ દાવાઓ અને 20,000 દર્દીઓ બાબતે અભ્યાસ કર્યો હતો.
તેમને જાણવા મળ્યું હતું કે ખાનગી હૉસ્પિટલો આરોગ્ય સેવા માટે ઊંચા દર વસૂલવામાં અને વળતરના દાવાઓ કરવામાં વ્યસ્ત હતી તેમજ પ્રસ્તુત યોજના હેઠળ મફત હોય તેવી આરોગ્ય સેવા માટે પણ દર્દી પાસેથી પૈસા વસૂલતી હતી. તે દર્શાવે છે કે “યોજના પર ચાંપતી નજર રાખવામાં આવતી નથી અને કમાણી કરવાનો જ ઉદ્દેશ ધરાવતા ખાનગી એજન્ટ્સ સરકાર તથા દર્દીઓના ભોગે પોતાની આવક વધારવા આ યોજનાના નિયમોનું વ્યવસ્થિત રીતે ઉલ્લંઘન કરી રહ્યા છે.”
બીજી તરફ રાજસ્થાનમાં વિરોધ કરી રહેલા ડૉક્ટરોએ પણ કેટલાક મુદ્દા ઉઠાવ્યા છે. દાખલા તરીકે, એક ડૉક્ટરે એક અખબારને કહ્યું હતું કે “રાજ્ય સરકાર જેના માટે ચૂકવણી કરવાની છે તે ઈમર્જન્સી સર્વિસને કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવશે? હાર્ટ ઍટેકથી માંડીને પેટમાં દુઃખાવા સાથે અવતરતા બાળક સુધીના કિસ્સામાં ઈમર્જન્સી સેવાની જરૂર પડી શકે છે.”
બીજું, કઈ હૉસ્પિટલ ઈમર્જન્સી સર્વિસ આપવાની લાયકાત ધરાવે છે તે કેવી રીતે નક્કી થશે? (એક અભ્યાસના અંદાજ મુજબ, ભારતની કુલ પૈકીની 65 ટકા ખાનગી હૉસ્પિટલો 11થી 15 બેડની સુવિધા ધરાવતી નાની હૉસ્પિટલો છે) ડૉક્ટરોના વિરોધ પછી રાજસ્થાન સરકાર 50થી ઓછા બેડ ધરાવતી અને જેમણે પોતાની માળખાકીય સુવિધાના નિર્માણ માટે સરકારી સહાય ન લીધી હોય તેવી ખાનગી હૉસ્પિટલોને આ ખરડાના દાયરામાંથી બાકાત રાખવા સહમત થઈ હતી.
ડૉક્ટરોનાં સંગઠનના એક વરિષ્ઠ પદાધિકારી ડૉ. સુનિલ ચુગના જણાવ્યા અનુસાર, આ અપવાદને કારણે રાજસ્થાનની “ઓછામાં ઓછી 98 ટકા ખાનગી હૉસ્પિટલો” સરકારી કાયદાનો હિસ્સો બની શકશે નહીં.
આ વાત સાચી હોય તો બહુ જ સૂચક છે. રાજસ્થાન સરકાર કહે છે કે નવો કાયદો જાહેર આરોગ્ય સેવાની સુધારણાને પ્રોત્સાહિત કરશે અને તેને બધા આવકારશે, પરંતુ પ્રોફેસર રાધિકા જૈનનો અભ્યાસ દર્શાવે છે તેમ, લોકોને સરકાર સંચાલિત આરોગ્ય સુવિધાઓ પર ભરોસો કરવામાં સમય લાગશે.
રાજસ્થાનના આરોગ્ય વીમા કાર્યક્રમ હેઠળ પ્રથમ ચાર વર્ષમાં કરવામાં આવેલા વળતરના 75 ટકા દાવા ખાનગી હૉસ્પિટલો તરફથી રજૂ કરવામાં આવ્યા હતા.

‘અમે ક્યાં જઈશું? અમારે તો પીડાતા જ રહેવાનું?’

ઇમેજ સ્રોત, Getty Images
રાજસ્થાનના 44 વર્ષના રહેવાસી સુરેન્દ્ર મેઘવાળની દુર્દશા પણ વચન અને વાસ્તવિકતા વચ્ચેની ખાઈની કહાણી કહે છે. કરૌલી જિલ્લાની એક ખાનગી હૉસ્પિટલમાં બે વર્ષ પહેલાં કોવિડને લીધે મૃત્યુ પામેલાં ભાભીની સારવારના ખર્ચ માટે કરેલું દેવું સુરેન્દ્ર આજે પણ ચૂકવી રહ્યા છે. સરકારી હોસ્પિટલમાં જગ્યા ન હોવાથી સુરેન્દ્ર તેમના ભાભીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા.
સુરેન્દ્ર મેઘવાળે જણાવ્યું હતું કે ગામડાંઓમાં પૂરતાં પ્રમાણમાં સરકારી હૉસ્પિટલો ન હોવાથી ગ્રામજનોએ ઇમર્જન્સી સારવાર લેવા માટે જિલ્લાઓમાંની ખાનગી, નાની મલ્ટિ-સ્પેશિયાલિટી હૉસ્પિટલોમાં જવું પડે છે. તેમણે સવાલ કર્યો હતો કે “સરકાર આવી નાની હૉસ્પિટલોને પણ આરોગ્યના અધિકારના કાયદામાંથી બહાર રાખશે તો અમે ક્યાં જઈશું? અમારે તો પીડાતા જ રહેવું પડશે.”
પ્રોફેસર જિષ્ણુ દાસે જણાવ્યુ હતું કે નવા કાયદાને પગલે આકરા કાયદાઓ તથા અદાલત પણ ચિત્રમાં આવશે. (તેમણે કોલંબિયાનો દાખલો આપ્યો હતો, જ્યાંં સમૃદ્ધ લોકોએ આરોગ્યના અધિકાર હેઠળ મોંઘી સારવાર મેળવવા માટે અદાલતના દરવાજા ખખડાવ્યા હતા) તેઓ માને છે કે આરોગ્ય સુવિધાઓના દાવાઓ, છેતરપિંડી, કાનૂની વિવાદો, ગ્રાહકોની ફરિયાદો અને ડેટાના વિશ્લેષણ માટે માત્ર રાજસ્થાનમાં જ 6,000 નિયમનકારોની જરૂર પડશે.
તેમણે કહ્યું હતું કે “આપણે જાહેર આરોગ્ય ક્ષેત્રે હજુ પણ રોકાણ કરવાનું ચાલુ રાખવા ઈચ્છુક છીએ તે આ કાયદાની સારી બાબત છે, પરંતુ લોકો પાસે ખાનગી ક્ષેત્રમાં જવાના વિકલ્પ મુદ્દે તેમાં કોઈ સ્પષ્ટતા નથી.”

વસ્તીની સરખામણીએ ડૉક્ટરોનું પ્રમાણ ઓછું

ઇમેજ સ્રોત, Getty Images
જાહેર આરોગ્યનાં હિમાયતી જૂથો માને છે કે રાજસ્થાનને દેશના સૌપ્રથમ આરોગ્યના અધિકાર ખરડાની જરૂર છે. કેન્દ્ર સરકારના વિચારક મંડળ નીતિ આયોગના ‘સ્વસ્થ રાજ્યો’ વિશેના 2021ના એક અહેવાલમાં રાજસ્થાનને 19 મોટાં રાજ્યોમાં 16મું સ્થાન મળ્યું હતું. રાજસ્થાનમાં શિશુ મૃત્યુદર ઊંચો છે. તેની કુલ વસ્તીની સરખામણીએ ડૉક્ટરોનું પ્રમાણ ચિંતાજનક રીતે ઓછું છે.
જોકે, પ્રોફેસર રાધિકા જૈને મને કહ્યું હતું કે આરોગ્યનો કાર્યક્ષમ અધિકાર લોકો માટે “રોજિંદી, જીવંત વાસ્તવિકતા” બને તે જરૂરી છે. ઈમર્જન્સીની વ્યાખ્યા, ખાનગી હૉસ્પિટલોમાં ઈમર્જન્સી સારવાર સંબંધી જોગવાઈઓ અને ચૂકવણીના દરની વિગત નક્કી કરવી જરૂરી છે.
સરકારે જાહેર આરોગ્ય સુવિધાઓને વધુ સારી બનાવવાની અને તેઓ જે આરોગ્યસંભાળ સેવાઓ આપે છે તેની પહોંચ તથા ગુણવત્તામાં સુધારો કરવાની જરૂર છે. પ્રોફેસર રાધિકા જૈને કહ્યું હતું કે “સરકારે નાણાકીય વ્યવસ્થા, અમલીકરણ, દેખરેખ અને નિયમન માટે આકરી મહેનત કરવાની જરૂર છે. આ બધું હજુ સુધી થયું નથી.”
રાજસ્થાનના આરોગ્ય અધિકાર જૂથ જન સ્વાસ્થ્ય અભિયાનનાં છાયા પછૌલીએ આશા વ્યક્ત કરી હતી કે, “પ્રસ્તુત કાયદો રાજ્ય માટે પરિવર્તનકારક સાબિત થશે અને અન્ય ભારતીય રાજ્યો માટે ઉદાહરણરૂપ બનશે.” તેની સામે કોઈને વાંધો હોઈ શકે નહીં.
(જયપુરથી પૂરક માહિતીઃ તબીના અંજુમ)
























