'અગાસી પરથી ધક્કો માર્યો, નસોમાં ટૉઇલેટ ક્લીનરનું ઇન્જેક્શન આપ્યું', પતિની હત્યામાં પત્ની અને પ્રેમીની ધરપકડનો મામલો શું છે?

ઇમેજ સ્રોત, Nizamabad police
- લેેખક, પ્રવીણ શુભમ
- પદ, બીબીસી માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
નોંધ: આ અહેવાલની કેટલીક વિગતો તમને વિચલિત કરી શકે છે
"તેમણે પતિને નશો કરાવી, અગાસી પરથી ધક્કો મારી દીધો હતો અને પછી ટૉઇલેટ ક્લીનરને તેની નસોમાં ભરી દીધું હતું. અમે પત્ની તથા બે હત્યા કરવામાં મદદ કરનાર બે અન્ય લોકોની ધરપકડ કરી છે."
તેલંગાણાના નિઝામાબાદ પોલીસે તેના નિવેદનમાં આમ કહ્યું છે.
નિઝામાબાદ દક્ષિણ ગ્રામીણના ઇન્સ્પેક્ટર સુરેશ કુમારે મીડિયાને જણાવ્યું હતું કે, "પત્ની અને તેના બૉયફ્રેન્ડે મળીને આ પ્લાન ઘડ્યો હતો. પતિ હજી સાઉદી અરેબિયામાંથી આવ્યા હતા અને તેમને આ લગ્નેત્તર સંબંધની ખબર ન પડી જાય એટલે આ લોકોએ આવો પ્લાન ઘડ્યો હતો. જેમાં એક અન્ય વ્યક્તિએ તેમની મદદ પણ કરી હતી."
પોલીસનું કહેવું છે કે તેમણે પ્લાન બનાવીને 24 કલાકમાં બે વખતે હત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. પ્રશાંતનું 30 જૂને મૃત્યુ થયું હતું.
પત્નીએ પતિની હત્યાનો પ્લાન કેમ બનાવ્યો હતો?

ઇમેજ સ્રોત, Nizamabad police
પોલીસ તથા મૃત્યુ પામેલા પ્રશાંતના પરિવારજનો અનુસાર, નિઝામાબાદ જિલ્લાના ન્યાલકાલના 36 વર્ષીય ડૈની પ્રશાંતનાં લગ્ન વેલમાલનાં સંધ્યા સાથે 12 વર્ષ અગાઉ થયાં હતાં.
પ્રશાંત એ નિઝામાબાદના યલ્લમ્માગુટ્ટા ચાર રસ્તા પાસે એક ફાસ્ટફૂડ સેન્ટર ચલાવતા હતા.
તેમનાં પત્ની સંધ્યાએ એ લગ્ન પહેલાં નર્સિંગ કોર્સ કરેલો હતો અને નિઝામાબાદની પ્રાઇવેટ હૉસ્પિટલમાં એક નર્સ તરીકે કામ કરતાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રોજગાર માટે પ્રશાંત પાંચ વર્ષ પહેલાં સાઉદી અરેબિયા ગયા હતા. લગભગ અઢી વર્ષ પહેલાં તેઓ ભારત આવ્યા હતા.

ઇમેજ સ્રોત, Nizamabad police
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પ્રશાંતે થોડાં મહિના પહેલાં તેમનાં પત્ની સંધ્યાને ફોન કરીને કહ્યું હતું કે તેઓ જૂનમાં પાછા આવી રહ્યા છે અને હવે ત્યાં ફરી જવા માગતા નથી. તેઓ 27 જૂને પાછા ફર્યા હતા.
મૃતકના ભત્રીજા રાહુલે બીબીસીને જણાવ્યું હતું કે, "પ્રશાંતનું સાંજે હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર સ્વાગત કરવામાં આવ્યું અને તેમને કારમાં તેમના વતન ન્યાલકલ લઈ જવામાં આવ્યા."
જોકે, પ્રશાંતનાં માતા દાયિની શ્યામલાએ પહેલી જુલાઈના રોજ મોપલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેમના પુત્રનું મૃત્યુ શંકાસ્પદ સંજોગોમાં થયું છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમની પુત્રવધૂ સંધ્યા પર શંકા હતી.
શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે તેનું મૃત્યુ દારૂના નશામાં આકસ્મિક રીતે થયું હતું. પરંતુ પોલીસે જણાવ્યું હતું કે તપાસ દરમિયાન એવું બહાર આવ્યું છે કે સંધ્યાએ બે અન્ય લોકોની મદદથી તેના પતિની હત્યા કરવાની યોજના બનાવી હતી.
ઇન્સ્પેક્ટ સુરેશકુમારે જણાવ્યું હતું કે, "સંધ્યાનો નિઝામાબાદ શહેરના અનિલ સાથે છેલ્લા કેટલાક સમયથી લગ્નેત્તર સંબંધ હતો."
"તેમના સંબંધો આગળ વધતા અટકી જશે તેવું લાગતા સંધ્યા અને અનિલે પ્રશાંતને મારી નાખવાનો પ્લાન બનાવ્યો."
"29 જૂનના રોજ, તેમણે બંટી નામના બીજા યુવક સાથે નશામાં ધૂત પ્રશાંતને અગાસી પરથી ધકેલી દીધો."
"પ્રશાંત ઘાયલ થઈ ગયા હતા અને સંધ્યાને ઘરે લાવ્યા બાદ નિઝામાબાદની એક હૉસ્પિટલમાં તેમની સારવાર કરવામાં આવી. ત્યારબાદ, પ્રશાંતના હાથમાં લગાવેલા કેન્યુલા (દવાઓ ઇન્જેક્ટ કરવા માટે વપરાતું ઉપકરણ) દ્વારા તેને ઍનેસ્થેટિક અને ટૉઇલેટ ક્લીનર પ્રવાહીનું ઇન્જેક્શન આપ્યું હતું."
ઇન્સ્પેક્ટર સુરેશ કુમારે જણાવ્યું કે, "ઊલટી અને ઝાડાથી તેનું મૃત્યુ થયું."
ઇન્સ્પેક્ટર સુરેશ કુમારે જણાવ્યું હતું કે, "તેના બૉયફ્રેન્ડ અનિલ સાથે, ન્યાલકલ ગામના વેંકટસાઈ ઉર્ફે બંટી સંધ્યાએ પણ તેમને આ ગુનામાં મદદ કરી હતી."
"અમે સંપૂર્ણ તપાસ પછી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરીશું. વધુ કોઈ સંડોવાયેલ છે કે કેમ તે સંપૂર્ણ તપાસમાં બહાર આવશે."
"હાલમાં, અમે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને તેમને રિમાન્ડ પર મોકલી દીધા છે."
હત્યાના આરોપીઓમાં એક મૃતકનો બાળપણનો મિત્ર પણ હતો

ઇમેજ સ્રોત, Nizamabad police
એક કૉલ રેકૉર્ડિંગ બહાર આવ્યું છે જેમાં 29 જૂનના રોજ સંધ્યા વેંકટસાઈ સાથે વાત કરતાં હતાં અને તેમના પતિને દારૂ પીવડાવવાનું કહેતાં હતાં.
તે જ સમયે, વેંકટસાઈ પાસેથી મળેલા એક વીડિયોમાં એવું કહેવામાં આવ્યું છે કે પ્રશાંતને ડ્રગ્સ આપવામાં આવ્યું હતું અને પછી તેની સાથે દલીલ થઈ હતી અને એ પછી તેમને અગાસી પરથી ધક્કો મારી દેવામાં આવ્યો હતો.
જોકે, બીબીસી આ ઑડિયો અને વીડિયોની પુષ્ટિ કરતું નથી.
મૃતકના ભત્રીજા ગોલ્લાપલ્લી રાહુલે બીબીસીને જણાવ્યું કે આરોપીઓમાંથી એક, બંટી અને પ્રશાંત બાળપણથી જ મિત્રો હતા.
રાહુલે આરોપ લગાવ્યો હતો કે, "બંને એક જ શેરીમાં રહે છે. તેઓ ગામમાં સાથે ફરતા હતા. અનિલ બીજો આરોપી છે અને તે સંધ્યાની સાથે હૉસ્પિટલમાં કામ કરે છે."
"મારા કાકા પાછા આવે છે એમ ખબર પડતાં જ તેમણે નોકરી છોડી દીધી હતી. તેણે અનિલ સાથે મળીને હત્યાની યોજના બનાવી હતી. તેના ભાગરૂપે તે ઍરપૉર્ટ ગઈ હતી."
રાહુલે કહ્યું કે તેમના કાકાને 27 જૂનથી નશામાં રાખવામાં આવ્યા હતા.
"મારા દીકરાના મૃતદેહને જોવા માટે મેં ભીખ માગી..."

ઇમેજ સ્રોત, Nizamabad police
પ્રશાંતનાં માતા દાયિની શ્યામલાએ બીબીસીને જણાવ્યું, "જ્યારે હું નાની હતી ત્યારે જ મારા પિતા છોડી ગયા (અને પતિ સાથે મેં છૂટાછેડા લીધા). ત્યારે મેં હોટલમાં કામ કરીને મારા દીકરાનો ઉછેર કર્યો. મારા દીકરાએ સંધ્યા સાથે લગ્ન કર્યાં. પરંતુ અંતે મારા દીકરાને તરછોડી દેવામાં આવ્યો."
શ્યામલા નિઝામાબાદમાં અલગ રહે છે.
તેમણે કહ્યું, "મને એ પણ કહેવામાં ન આવ્યું કે મારો દીકરો સાઉદી અરેબિયાથી પાછો ફર્યો છે. એ રાત્રે તેઓ મૃતદેહને અનાથની જેમ હૉસ્પિટલમાં છોડી ગયા."
"મેં જઈને શબઘરના સ્ટાફને મારા દીકરાનો ચહેરો બતાવવા વિનંતી કરી. એ રાત્રે હું વરસાદમાં શબઘરના પગથિયાં પર સૂઈ ગઈ."
"મારો એક જ દીકરો હતો. મને ન્યાયની જરૂર છે."
સંધ્યાના પરિવારના સભ્યોએ આ ઘટના અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
સંધ્યાના ભાઈ સાગરે બીબીસીને જણાવ્યું હતું કે, "અમે કોઈ પણ બાબતે વાત કરવા માંગતા નથી. અમને ખલેલ ન પહોંચાડો. બંને બાળકો અમારી સંભાળમાં છે."
અન્ય બે આરોપીઓ વેંકટસાઈ અને અનિલના સંબંધીઓ સાથે વાત થઈ શકી નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન























