ગુજરાતમાં આજે ક્યાં ભારે વરસાદની આગાહી, વરસાદનું જોર ક્યારે ઘટશે?

Gujarat, Monsoon, rain, ગુજરાત , ચોમાસું, ગુજરાતમાં વરસાદ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

બુધવારે સુરત, ડાંગ, નવસારી સહિત દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં છૂટોછવાયાં સ્થળો પર ભારે વરસાદ પડ્યો હતો.

સુરતમાં સતત બે દિવસથી પડી રહેલા ભારે વરસાદથી અમુક વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાઈ ગયાં હતાં અને કેટલાક વિસ્તારોમાં દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.

8 જુલાઈ સવારે છ વાગ્યા સુધીમાં સુરત શહેરમાં સરેરાશ સાતથી આઠ ઇંચ, નવસારીમાં આઠ ઇંચ, ડાંગમાં અને વલસાડમાં સરેરાશ સાડા સાત ઇંચ, તથા દાદરા અને નગર હવેલીમાં નવ ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો હતો.

જોકે, બુધવારમાં દિવસ દરમિયાન વરસાદનું જોર ઘટ્યું હતું.

8 જુલાઈ સવારે છ વાગ્યાથી 9 જુલાઈ સવારે છ વાગ્યા સુધીના આંકડા પ્રમાણે, વલસાડના નાનાપોંઢા અને કપરાડામાં સરેરાશ દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. સુરત, નવસારી, ડાંગના કેટલાક વિસ્તારોમાં સરેરાશ અડધાથી એક ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો.

આ સિવાય અરવલ્લી, ભરૂચ, વડોદરા, દમણ, ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર સહિતના જિલ્લામાં પણ છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે સુરતમાં ભારે વરસાદને કારણે પાણી ભરાતાં સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાઇરલ થયા હતા.

આજે ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે

ગુજરાતમાં આજે વરસાદની આગાહી દર્શાવતો મૅપ

ઇમેજ સ્રોત, IMD Ahmedabad

આજે એટલે કે નવમી જુલાઈના રોજ ગુજરાતમાં વરસાદનું જોર હળવું થાય એવી આગાહી છે.

જોકે, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની સ્થિતિ યથાવત્ રહેશે.

હવામાન વિભાગ અનુસાર, નવ જુલાઈના રોજ નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ તથા દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે.

સુરત, ભરૂચ અને નર્મદામાં આજે છૂટાછવાયા હળવા વરસાદની આગાહી છે.

આ સિવાય બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર સહિતા જિલ્લામાં કેટલાંક છૂટાછવાયાં સ્થળોએ હળવો કે મધ્યમ વરસાદ પડી શકે તેવી આગાહી છે.

વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, તાપી જેવા દક્ષિણ ગુજરાતના ક્ષેત્રોમાં ઘણા વિસ્તારોમાં હળવો કે મધ્યમ વરસાદ વરસી શકે છે.

10-11 જુલાઈ માટે પણ આ જ પ્રકારે હળવા કે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

સુરતમાં ગઈકાલે ભારે વરસાદ પડ્યો હતો

સુરતમાં ભારે વરસાદથી ગઈકાલે કેટલાક વિસ્તારોમાં આવી સ્થિતિ જોવા મળી હતી

ઇમેજ સ્રોત, Rupesh Sonwane

ઇમેજ કૅપ્શન, સુરતમાં ભારે વરસાદથી ગઈકાલે કેટલાક વિસ્તારોમાં આવી સ્થિતિ જોવા મળી હતી

ભારે વરસાદને કારણે સુરત ગુજરાતભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. સુરતમાં સાત જુલાઈએ વરસાદ પડ્યો હતો પરંતુ તેની અસર ગઈકાલે પણ જોવા મળી હતી.

સોમવારથી આજ સુધીમાં સુરતમાં કુલ 20 ઇંચ વરસાદ વરસી ગયો છે.

સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાઇરલ થયા હતા જેમાં સુરતના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયેલા જોવા મળ્યા હતા.

કેટલીક સોસાયટીમાં કેડસમાં પાણી ભરાયાં હતાં તો ક્યાંક દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.

સુરતમાં ખાડી નજીકના વિસ્તારોમાં અતિશય પાણી ભરાયું હતું અને લોકો કેડસમાં પાણીમાં ચાલીને ખાવાપીવાની ચીજો લેવા જતા દેખાયા હતા.

નવસારીમાં ગઈકાલે સાંજે પણ ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થયેલા જોવા મળ્યા હતા

ઇમેજ સ્રોત, Snehal Patel

ઇમેજ કૅપ્શન, નવસારીમાં ગઈકાલે સાંજે પણ ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થયેલા જોવા મળ્યા હતા

સુરતના વિવિધ વિસ્તારોમાંથી અંદાજે ત્રણ હજાર લોકોને રૅસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.

વરાછાના મોબાઇલ માર્કેટમાં પણ દુકાનો ડૂબી જવાથી વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે.

ગઈકાલે સુરત કલેક્ટર તેજસ પરમારે બીબીસી ગુજરાતીને જણાવ્યું એ અનુસાર, બે દિવસમાં સુરતમાં વરસાદને કારણે નવ લોકોનાં મોત થયાં છે.

નવસારીમાં પણ ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તાપીના વાલોડમાં વાલ્મિકી નદીમાં પાણીની ભરપૂર આવક થતાં 200 લોકોનું સ્થળાંતર કરવું પડ્યું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન