You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વધતી ગરમીને કારણે આ મહિલાઓની આવક કેવી રીતે અડધી થઈ રહી છે?
"પહેલા હું સિલાઈ મશીન પર પાંચથી છ કલાક બેસી શકતી હતી. પોલકાં-બ્લાઉસ બનાવીને રોજના અઢીસો – ત્રણસો રૂપિયા કમાઈ લેતી હતી. હવે ગરમી એટલી ભયંકર હોય છે કે બપોર પછી કામ થઈ શકતું નથી. તેથી મારી આવક પણ અડધી થઈ ગઈ છે. રોજના સો રુપિયા માંડ મળે છે."
આ શબ્દો રેખાના છે. તેઓ અમદાવાદમાં જૂના વાડજ વિસ્તારની એક ચાલીમાં રહે છે.
તેમના પતિનું અવસાન થઈ ગયું છે. ઘરના બે છેડા ભેગા કરવા તેઓ ઘરે સીવણકામ કરે છે. રેખાનું ઘર પતરાંવાળું છે.
ગરમીના દિવસોમાં વધારે તાપ અનુભવાય છે. બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં રેખા કહે છે કે "હું છેલ્લાં છ વર્ષથી ઘરમાં સીવણકામ કરું છું. મને લાગે છે કે ગરમી ઉત્તરોત્તર વધી રહી છે."
અમદાવાદમાં એપ્રિલ મહિનામાં એવા પણ દિવસો હતા જ્યારે તાપમાન 45 ડીગ્રી સેલ્સિયસને આંબી ગયું હોય.
રેખા કહે છે કે, "હું ઘરની અંદર છાયામાં કામ કરતી હોઉં છું તો પણ ગરમીથી બચી શકાતું નથી. પંખો ગરમ હવા ફેંકે છે. બપોર પછી તો શરીરનો સોથ વળી જાય છે. ક્યારેક ચક્કર જેવું લાગે છે."
રેખાની જેમ દેશમાં ઘણી મહિલાઓ છે જેઓ ઘરે બેસીને બે પૈસા કમાય છે, પણ ઉનાળાના આકરા દિવસોમાં તેમની આવક પર 'બ્રેક લાગી જાય' છે.
વધી રહેલી ગરમીને લીધે ઘરે રહીને કામ કરીને રોજગારી મેળવતાં રેખા જેવાં અનેક મહિલાઓની 'આવક અડધી' થઈ રહી છે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં લૂ (હિટ વેવ)ના દિવસો ઉત્તરોતર વધી રહ્યા છે.
આબોહવા પરિવર્તન - ક્લાઇમેટ ચેન્જને કારણે ભારતનું સરેરાશ તાપમાન વર્ષ 1901થી વર્ષ 2018 વચ્ચે 0.7 ટકા વધ્યું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન