ભારત-બાંગ્લાદેશ સિરીઝ: બીજી વનડેમાં ભારત પાંચ રનથી હાર્યું, બાંગ્લાદેશે જીતી લીધી સિરીઝ

ઇમેજ સ્રોત, Getty Images
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મીરપુરમાં રમાયેલી રોમાંચક વનડે મૅચમાં બાંગ્લાદેશે ભારતને પાંચ રનથી હરાવી દીધું.
અંતિમ બૉલ સુધી રમાયેલી આ મૅચમાં બાંગ્લાદેશે આપેલા 271 રનના લક્ષ્યને મેળવવા માટે ઝઝૂમેલી ભારતીય ટીમ માત્ર 266 રન જ બનાવી શકી.
ભારતની શરૂઆત ખરાબ રહી હતી. બીજી જ ઓવરમાં વિરાટ કોહલી પાંચ રનના વ્યક્તિગત સ્કોરથી પોતાની વિકેટ ખોઈ બેઠા. ત્યારબાદ ત્રીજી ઓવરમાં શિખર ધવન આઠ રનના વ્યક્તિગત સ્કોરથી આઉટ થઈ ગયા.
છેલ્લી બે ઓવરોમાં રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરી પરંતુ તેઓ ટીમને જીત ન અપાવી શક્યા.
ભારત તરફથી સૌથી વધુ 82 રન શ્રેયસ ઐયરે બનાવ્યા. અક્ષર પટેલે 56 રન બનાવ્યા, પરંતુ આ બન્ને ખેલાડીઓની બેટિંગ ભારતને વિજયી ન બનાવી શકી.
મૅચની પહેલી ઇનિંગમાં બેટિંગ કરતી વખતે બાંગ્લાદેશ તરફથી મેહદી હસન મિરાજે સદી બનાવી હતી અને મહમદુલ્લાહે 77 રન બનાવ્યા હતા.
ભારત તરફથી વૉશિંગ્ટન સુંદરે ત્રણ વિકેટો અને મોહમ્મદ સિરાજ અને ઉમરાન મલિકે બે-બે વિકેટો લીધી હતી.

યુક્રેને કહ્યું, ‘ભારત અમારા જીવના જોખમે રશિયાથી ક્રૂડ ઑઇલ લઈ રહ્યું છે’

ઇમેજ સ્રોત, Reuters
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
યુક્રેનના વિદેશમંત્રી દિમિત્રો કુબેલાએ મંગળવારે જાહેરમાં ભારત પર રશિયા-યુક્રેન યુદ્ધનો ફાયદો ઉઠાવવાનો આરોપ લગાવ્યો હતો.
અંગ્રેજી અખબાર ધ ટેલિગ્રાફના અહેવાલઅનુસાર, “કુબેલાએ ભારતના ‘યુક્રેન યુદ્ધ’ કહેવા પર પણ સવાલ ઉઠાવ્યા છે.”
તેમણે કહ્યું હતું કે, “ભારતને ‘અમારી પીડા અને વેદના’થી લાભ થઈ રહ્યો છે, ત્યારે તે ઓછામાં ઓછું એટલું તો કરી શકે કે તેઓ અમારી મદદમાં વધારો કરે.”
આ વર્ષે 24 ફેબ્રુઆરીએ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું પછી ભારત સરકારે યુક્રેનને માનવીય સહાય પૂરી પાડી છે.ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકરનું નિવેદન સામે આવ્યા પછી કુબેલાએ ભારત વિશે આ વાત કહી હતી.
જયશંકરે ફરી એકવાર કહ્યું હતું કે, “ભારત હજુ પણ યુરોપીય સંઘ કરતાં ઘણી ઓછી માત્રામાં રશિયા પાસે ક્રૂડઑઇલ ખરીદી રહ્યું છે.”
કુબેલાએ કહ્યું હતું કે, “માત્ર યુરોપીય સંઘ પર આંગળીચીંધવી અને ‘તેઓ પણ એવું જ કરી રહ્યા છે’ એવું કહેવું યોગ્ય નથી, કારણ કે ભારતને સસ્તા ભાવે રશિયન ક્રૂડ ખરીદીને પૈસા બચાવવાની તક મળી છે. તેનું કારણ એવું નથી કે યુરોપીય સંઘ પણ રશિયા પાસે ક્રૂડ ખરીદી રહ્યું છે, કારણ કે યુક્રેનના લોકો રશિયન યુદ્ધના કારણે પીડાઈ રહ્યા છે અને મરી રહ્યા છે.”
ભારતે પોતાનાં રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને યુક્રેન યુદ્ધની શરૂઆતથી જ સસ્તા ભાવે ઉપલબ્ધ રશિયન ક્રૂડની આયાતમાં વધારો કર્યો છે.
ધ હિન્દુના અહેવાલ અનુસાર, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે મંગળવારે યુએન સિક્યૉરિટી કાઉન્સિલની મીટિંગમાં કહ્યું છે કે ભારત સતત વાતચીત શરૂ કરવાની દિશામાં આગળ વધવાની વાત કરી રહ્યું છે.
તેમણે કહ્યું કે, “ભારત એ કહેતું આવ્યું છે કે હિંસા તાત્કાલિક બંધ થવી જોઈએ. ભારતે બંને પક્ષોને કૂટનીતિ અને સંવાદ તરફ આગળ વધવાની અપીલ કરી છે. સતત કહ્યું છે કે, તેઓ સંઘર્ષ પૂરો કરવા તમામ કૂટનીતિક પ્રયાસોનું સમર્થન આપશે.”

સ્પેનના કેટાલોનિયામાં બે ટ્રેન અથડાતાં 150 લોકો ઈજાગ્રસ્ત

ઇમેજ સ્રોત, Getty Images
ઉત્તર-પૂર્વ સ્પેનના કેટાલોનિયામાં બે ટ્રેન અથડાઈ હતી, જેમાં ઓછામાં ઓછા 150 લોકોને ઈજા થઈ છે.
આ અકસ્માત બાર્સેલોનાની બહારના એક સ્ટેશન પર લગભગ 7.50 વાગ્યે થયો હતો.
સ્થાનિક મીડિયા પ્રમાણએ, આ બંને ટ્રેન એક જ દિશામાં ચાલી રહી હતી અને સ્ટેશન પર ઊભી રહી ત્યારે એકબીજા સાથે અથડાઈ હતી.
અકસ્માત કેવી રીતે થયો તે હજુ સ્પષ્ટ થયું નથી અને અધિકારીઓએ હજુ સુધી કોઈ માહિતી આપી નથી.

ગુજરાતમાં ઍક્ઝિટ પોલ ખોટા પડશે : ભગવંત માન
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
250 બેઠકોવાળી દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણીમાં રાજ્યમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટીએ 131 બેઠકો જીતીને બહુમતનો આંક હાંસલ કરી દીધો છે. આ સાથે જ દિલ્હી નગરનિગમ પર ગત 15 વર્ષના શાસનનો અંત આવ્યો છે
રાજ્ય ચૂંટણીપંચના અંતિમ પરિણામ અનુસાર ભાજપના ખાતામાં 100 બેઠકો આવી છે, જ્યારે કૉંગ્રેસને સાત બેઠકો મળી છે. ત્રણ બેઠકો અન્ય ઉમેદવારોને મળી છે.
એમસીડીમાં 2007થી જ ભાજપનું શાસન હતું. અંતિમ પરિણામ આવે એ પહેલાં જ એ વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે આપ અહીં ભાજપ પાસેથી સત્તા આંચકી રહી છે.
દિલ્હી મહાનગરપાલિકા (એમસીડી)માં આપના ભવ્ય વિજયને જોતાં પંજાબના મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માને 'ગુજરાતમાં પણ ચોંકાવનારાં પરિણામો' આવશે એવો દાવો કર્યો છે.
સમાચાર સંસ્થા એએનઆઈના જણાવ્યા અનુસાર માને કહ્યું, "હવે ટ્રેન્ટ પરિણામોમાં ફેરવાઈ રહ્યા છે. કેજરીવાલે (પંજાબમાં) કૉંગ્રેસનું 15 વર્ષ જૂનું શાસન ઉખાડી ફેંક્યું હતું અને હવે એમસીડીમાં પણ ભાજપનું 15 વર્ષનું શાસન ઉખાડી નાખ્યું છે."
તેમણે એવું પણ કહ્યું કે લોકોને 'નફરતનું રાજકારણ' પસંદ નથી આવતું અને તેઓ શાળાઓ, હૉસ્પિટલો, સ્વછતા તેમજ માળખાકીય સુવિધાઓ માટે મત આપતા હોય છે.
તેમણે ઉમેર્યું, "ભાજપ આપને રોકવા માગતો હતો એટલે એણે મેદાન પર આખી સેના ઉતારી દીધી હતી.હું કાલે ફરી તમારી સાથે ગુજરાતનાં પરિણામો દરમિયાન આવીશ. ગુજરાતમાં ઍક્ઝિટ પોલ ખોટા પડશે."

સંસદના શિયાળુ સત્રના પ્રથમ દિવસે પીએમ મોદીએ કહ્યું, "જે આગળ લઈ જાય એ જ નેતૃત્ત્વની પરિભાષા"

ઇમેજ સ્રોત, RSTV
આ પહેલાંપહેલાં વડા પ્રધાને પત્રકારોને સંબોધ્યા હતા. પીએમ મોદીએ કહ્યું, "દેશને જી-20 મેજબાનીનો અવસર મળ્યો છે. વિશ્વને ભારત પાસેથી અપેક્ષાઓ વધી છે. ભારત વૈશ્વિક મંચ પર પોતાની ભાગીદારી વધારી રહ્યું છે."
"શિયાળુ સત્રનો આજે પ્રથમ દિવસ છે, આ સત્ર એટલા માટે મહત્ત્વપૂર્ણ છે કે 15 ઑગસ્ટ પહેલાં આપણે મળ્યા હતા, 15 ઑગસ્ટે આઝાદીનો અમૃત મહોત્સવ પુરો થયો અને આપણે અમૃતકાળમાં આગળ વધી રહ્યા છે."
મોદીએ વધુમાં કહ્યું હતું, "જે પ્રકારે ભારત પાસેથી અપેક્ષાઓ વધી છે અને જે પ્રકારે ભારત વૈશ્વિક મંચ પર પોતાની ભાગીદારી વધારી રહ્યું છે, એવા સમયમાં જી-20ની મેજબાની ભારતને મળવી એક ઘણો મોટો અવસર છે."
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, “મને આશા છે કે તમામ રાજકીય દળ ચર્ચાને વધુ આગળ વધારશે, તેઓ પોતાના વિચારોથી નિર્ણયને નવી તાકાત આપશે, દિશાને સ્પષ્ટ રીતે ઉજાગર કરવામાં મદદ કરશે.”
"આ સત્રમાં દેશને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે, વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓમાં ભારતને આગળ વધારવા માટે શક્ય તેટલા નવા અવસરોને ધ્યાનમાં રાખીને ઘણા મહત્ત્વપૂર્ણ નિર્ણય આ સત્રમાં કરવાનો પ્રયાસ કરવામાં આવશે."
તેમણે ઉમેર્યું હતું, "આપણે યુવા સાંસદોની ભાવના સમજવી પડશે. હું તમામ પાર્ટીના નેતાઓ પાસેથી આગ્રહ રાખું છે કે ઉજ્જવળ ભવિષ્ય અને લોકતંત્રની ભાવી પેઢીને તૈયાર કરવા માટે આપણે વધુથી વધુ તક યુવા સાંસદોને આપવી જોઈએ."
રાજ્યસભાનું સત્ર શરૂ થયા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું. જેમાં તેમણે તાજેતરમાં ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડનો પરિચય આપ્યો હતો અને તેમના વિશે કેટલીક વાતો કરી હતી.
વડા પ્રધાને પોતાના ભાષણની શરૂઆતમાં તમામ સત્તાપક્ષ અને વિપક્ષના સાથીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને દેશને મળેલી જી-20ની અધ્યક્ષતા મુદ્દે અભિનંદન પાઠવ્યાં હતાં.
રાજ્યસભાના સભાપતિ તરીકે જગદીપ ધનખડનું આ પ્રથમ સત્ર છે. પીએમ મોદીએ કહ્યું, "આજે પ્રથમ વખત આપણા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ રાજ્યસભાના અધ્યક્ષ તરીકે કાર્યકાળ શરૂ કરી રહ્યા છે. ત્યારે એક ખેડૂતપુત્ર આ પદ પર રહીને દેશને ગૌરવાન્વિત કરશે."
તેમણે સભાપતિને સંબોધીને કહ્યું, "તમે ધારાસભ્યપદથી લઈને ઉપરાષ્ટ્રપતિપદ સુધી પહોંચ્યા છો અને તમારી પાસે ત્રણ દાયકાથી પણ વધારે સમયનો વકીલાતનો અનુભવ છે. આશા છે કે તમને અહીં પણ કોર્ટરૂમ જેવી મજા આવશે. કારણ કે તમને સુપ્રીમ કોર્ટમાં મળતા ઘણા લોકો આજે અહીં હાજર છે."
પીએમ મોદીએ આગળ કહ્યું, "જે આગળ લઈને જાય છે તે જ નેતૃત્ત્વની સાચી પરિભાષા છે અને આ સદન પર લોકતાંત્રિક નિર્ણયોને આગળ વધારવાની જવાબદારી છે."
ઉલ્લેખનીય છે કે આજથી શરૂ થયેલું સંસદનું શિયાળુ સત્ર 29 ડિસેમ્બર સુધી ચાલશે. આ સત્રમાં સરકાર 16 મુસદ્દા રજૂ કરી શકે છે.

મીરાબાઈ ચાનુએ વર્લ્ડ વેઈટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપમાં જીત્યો સિલ્વર મેડલ

ઇમેજ સ્રોત, @KirenRijiju
ઑલિમ્પિક મેડલ વિજેતા મીરાબાઈ ચાનુએ બુધવારે વર્લ્ડ વેઈટલિફ્ટિંગ ચૅમ્પિયશિપમાં સિલ્વર મેડલ જીત્યો છે. તેઓએ કુલ 200 કિલોગ્રામ વજન ઊંચકીને આ મેડલ પોતાના નામે કર્યો છે.
મીરાબાઈ ચાનુએ સ્નૅચમાં 87 કિલોગ્રામ અને ક્લીન અને જર્ક કૅટેગરીમાં 113 કિલો વજન ઊંચક્યું છે.
ચીનની જિયાંગ હુઈહુઆએ ચાનુને 6 કિલોથી વધુ વજન ઊંચકીને ગોલ્ડ મેડલ મેળવ્યો છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
મીરાબાઈ ચાનુએ પોતાના ત્રીજા પ્રયાસમાં સ્નૅચમાં 87 કિલો વજન ઉચક્યું હતું.
વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં મીરાબાઈ ચાનુનું આ બીજું મેડલ છે.
વર્ષ 2017ની સ્પર્ધામાં તેઓએ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ વર્ષે યોજાયેલી કૉમનવેલ્થ ગેમ્સમાં પણ ચાનુ ગોલ્ડ મેડલ વિજેતા રહ્યાં હતાં.
ચાનુનું સર્વશ્રેષ્ઠ વજન 207 કિલો (88 કિલો+119 કિલો) રહ્યું છે.
આ વર્લ્ડ વેઈટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપ 2024ના પેરિસ ઑલિમ્પિકમાં ક્વૉલિફાઈ થવા માટેની પ્રથમ સ્પર્ધા છે. પેરિસ ઑલિમ્પિકમાં વેઈટલિફ્ટિંગ સાથે જોડાયેલી સ્પર્ધાઓની સંખ્યા ઘટાડીને 10 કરવામાં આવી છે.




















