મહિલા અનામત બિલ પસાર થયા પછી મોદી શું બોલ્યા?

ઇમેજ સ્રોત, @BJP4INDIA
ગુરુવારે રાજ્યસભામાં મહિલા અનામત બિલ સર્વસંમતિથી પસાર થયું હતું. બિલના વિરોધમાં કોઈ સભ્યોએ મતદાન કર્યું ન હતું.
શુક્રવારે સવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાજપ કાર્યાલયે પહોંચ્યા હતા જ્યાં તેમનું ભાજપના મહિલા મોરચાએ સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેમણે મહિલા કાર્યકરોને સંબોધ્યા હતા અને તેમની સરકારે મહિલાઓ માટે કરેલાં કામોને ગણાવ્યાં હતાં.
આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, "મહિલા અનામત બિલના રસ્તામાં ઘણા અવરોધો હતા. પરંતુ જ્યારે તમારા ઇરાદાઓ શુદ્ધ હોય છે અને તમારા પ્રયત્નોમાં પારદર્શિતા હોય છે ત્યારે દરેક અવરોધોને પાર કરીને પણ તમે સફળતા મેળવો છો."
આ સિવાય તેમણે તમામ રાજનીતિક પાર્ટીઓ અને સાંસદોનો આભાર માનતા કહ્યું હતું કે, "સૌએ આ બિલનું સમર્થન કર્યું છે અને રાજ્યસભામાં તો આ બિલ સર્વસંમતિથી પસાર થયું છે. આ ઐતિહાસિક સમર્થન છે."
પોતાની સરકારની નિર્ણયશક્તિને બિરદાવતા તેમણે કહ્યું હતું કે, "જ્યારે દેશમાં સંપૂર્ણ બહુમતીવાળી સરકાર આવે છે ત્યારે જ આ પ્રકારના મોટા કામ થઈ શકે છે. અમે એકપણ પ્રકારના સ્વાર્થોને વચ્ચે આવવા દીધા નથી અને આ અમારી ઇચ્છાશક્તિનું જ આ પરિણામ છે."
ઓબીસી અનામત અંગે તમામ પાર્ટીઓએ રાજ્યસભામાં સવાલો ઉઠાવ્યા હતા પરંતુ કૉંગ્રેસ સહિત લગભગ તમામ વિપક્ષી પાર્ટીઓએ આ બિલને સમર્થન આપ્યું હતું.
જેના કારણે આ બિલ રાજ્યસભામાં પણ ગઇકાલે આસાનીથી પસાર થઈ ગયું હતું.
215 સાંસદોએ તેના સમર્થનમાં વોટિંગ કર્યું હતું. વિરોધમાં એક પણ વોટ પડ્યો ન હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ સ્રોત, ani
બુધવારે લોકસભામાં પણ મહિલા અનામત બિલ પસાર થઈ ગયું હતું.
બિલના પક્ષમાં 454 મત પડ્યા, જ્યારે બે સાંસદોએ વિરોધમાં મત આપ્યા.
લોકસભામાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીએ આ બિલનો વિરોધ કર્યો હતો.
સંસદની નવી ઇમારતમાં કાર્યવાહી મંગળવારથી શરૂ થઈ હતી. પહેલા દિવસે કાયદામંત્રી અર્જુનરામ મેઘવાળે મહિલા અનામત સંબંધિત વિધેયક રજૂ કર્યું હતું.
આ વિધેયકમાં સંસદ અને વિધાનસભામાં મહિલાઓ માટે 33 ટકા અનામત આપવાની જોગવાઈ છે.
મીડિયાના અહેવાલો પ્રમાણે મોદી કૅબિનેટે મહિલા અનામત બિલને મંજૂરી આપી દીધી છે. આ બિલ છેલ્લાં 27 વર્ષોથી અટકેલું હતું.
મહિલા અનામત બિલ સોમવારે સંસદમાં પણ ચર્ચામાં રહ્યું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જૂના સંસદભવનમાં પોતાના અંતિમ ભાષણમાં કહ્યું કે બન્ને ગૃહોમાં અત્યાર સુધી 7500થી વધુ જન પ્રતિનિધિઓએ કામ કર્યું છે, જ્યારે મહિલા પ્રતિનિધિઓની સંખ્યા લગભગ 600 છે. તેમણે કહ્યું કે મહિલાઓના યોગદાને ગૃહની ગરિમા વધારવામાં મદદ કરી છે.
મંગળવારે કાયદામંત્રી અર્જુનરામ મેઘવાલે સંસદમાં બિલ રજૂ કર્યું હતું. આ બિલ માટે બંધારણીય સુધારો કરવામાં આવ્યો છે.

સંસદમાં બિલની ચર્ચા વિશે કોણે શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કાયદામંત્રી અર્જુન મેઘવાલે સંસદમાં ચર્ચા વખતે કહ્યું કે આજે મહિલાઓને ન્યાય મળ્યો છે.
તેમણે કહ્યું, “બિલ પાસ કરીને આપણે મહિલાઓને વધુ સશક્ત કરી રહ્યા છીએ. મહિલા અનામત પાસ કરવા આ યોગ્ય સમય છે. અમે બિલને અટકવા નહીં દઈશું. ભારત લોકતંત્રની જનની છે. આ બિલ પાસ કરીને આપણે લોકતંત્રની યાત્રામાં નવો ઇતિહાસ રચી રહ્યા છીએ.”
દરમિયાન, ગૃહમંત્રી અમિત શાહે પણ સંસદમાં ચર્ચામાં ભાષણ આપ્યું. તેમણે કહ્યું કે મહિલા અનામત બિલ પાસ થતાં જ મહિલાઓના અધિકારોની એક લાંબી લડાઈનો અંત આવશે.
અમિત શાહે કહ્યું, “કેટલીક પાર્ટીઓ માટે મહિલા સશક્તીકરણ રાજકીય ઍજન્ડા હોઈ શકે છે. રાજકીય મુદ્દો હોઈ શકે છે. આ ચૂંટણી જીતવાનો નારો હોઈ શકે છે. પણ મારી પાર્ટી મારા નેતા નરેન્દ્ર મોદી માટે આ માન્યતાનો સવાલ છે. રાજકીય મુદ્દો નથી.”
“વેદોમાં મહિલાઓને મોટી જગ્યા અપાઈ છે. તેમણે કહ્યું કે એની સાથે જ મહિલા અધિકારોની લડતનો અંત આવશે.”
વધુમાં કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે મહિલા અનામત બિલમાં ઓબીસી (અન્ય પછાત વર્ગ)નો ક્વૉટા હોવો જોઈએ.
તેમણે કહ્યું, “ઓબીસી રિઝર્વેશન આ બિલમાં સામેલ થવું જોઈએ. ભારતની એક મોટી વસ્તીને અનામત મળવો જોઈએ. જે આમાં નથી.”
“મારા મતે આ બિલમાં એક વસ્તુ અધૂરી છે. તે ઓબીસી અનામત છે. વળી બે બાબતો વિચિત્ર છે. એક એ કે આને લાગુ કરવા તમારે વસ્તીગણતરી કરવાની જરૂર છે અને બીજું સીમાંકન. મારા મિત્રો અન્ય મુદ્દાથી ધ્યાન ભટકાવવા માગે છે. એ અદાણી મુદ્દો છે.”
અત્રે નોંધવું રાહુલ ગાંધી નવી સંસદમાં પહેલી વાર ચર્ચામાં ભાગ લઈ રહ્યા હતા.
તેમણે કહ્યું, “આ એક સારી ઇમારત છે પરંતુ હું આ પ્રક્રિયામાં ભારતના રાષ્ટ્રપતિને જોવા માગતો હતો. તેઓ એક મહિલા છે અને એસટી સમુદાયમાંથી આવે છે. સારું થાત કે તેઓ આ બદલાવ નિહાળતા.”
આ પૂર્વે કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ અનામત બિલનું સમર્થન કર્યું અને તેને પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીનું સપનું જણાવ્યું હતું.

શું છે મહિલા અનામત બિલ?

લોકસભામાં રજૂ થયેલા મહિલા અનામત બિલની જોગવાઈની વાત કરીએ તો, બંધારણની કલમ 239AA, 330, 332, 334માં નવી કલમો-પેટાકલમો ઉમેરીને આ બિલની જોગવાઈઓ લાગુ કરવામાં આવશે.
ઉપરાંત બંધારણ 330માં નવી કલમ ઉમેરવામાં આવશે. તેમાં કલમ 330A. (1)ની નવી જોગવાઈ પ્રમાણે સંસદમાં મહિલાઓ માટે બેઠકો અનામત રાખવામાં આવશે.
બંધારણની કલમ 334માં દાખલ કરવામાં આવનારી નવી કલમ 334A અને એની પેટાકલમો અનુસાર બંધારણનો આ 128મો સુધારો લાગુ થયા બાદ થનારી પ્રથમ વસ્તી ગણતરીના સંબંધિત આંકડાઓ પરથી નવું સીમાંકન નક્કી થયા બાદ આ મહિલા અનામત લાગુ થશે.
જોગવાઈઓ સરકાર નોટિફિકેશન બહાર પાડી ગેઝેટમાં પ્રકાશિત કરશે એ મુજબ લાગુ થઈ જશે.
પ્રસ્તુત બિલમાં કહેવાયું છે કે આર્ટિકલ 239AAમાં ક્લોઝ-2માં પેટાક્લોઝ (b) પછી નવા ક્લોઝ ઉમેરવામાં આવશે.
નવા દાખલ કરવામાં આવનારા ક્લોઝ (ba) અનુસાર જેમાં નેશનલ કેપિટલ ટેરટરી ઑફ દિલ્હી (એનસીઆર દિલ્હી)ની વિધાનસભામાં મહિલાઓ માટે બેઠકો અનામત રાખવામાં આવશે.
વળી નવો ક્લોઝ (bc) દાખલ કરાશે. જેમાં જોગવાઈ કરાઈ છે કે વિધાનસભામાં મહિલાઓ માટે કુલ બેઠકોના ત્રીજા ભાગની બેઠકો જેમાં અનુસૂચિત જાતિઓની મહિલાઓ માટેની બેઠકો પણ સામેલ ગણાશે તેને અનામત રાખવામાં આવશે જે પ્રત્યક્ષ ચૂંટણી દ્વારા ભરવામાં આવશે. અનુસૂચિત જાતિની મહિલાઓ માટેની બેઠકોનું પ્રમાણ સંસદ દ્વારા બનેલા કાયદા હેઠળ નક્કી કરવામાં આવશે.

એસસી-એસટી મહિલાઓના અનામતનું શું થશે?

ઇમેજ સ્રોત, ANI
કલમ 330Aની નવી પેટાકલમ (2) મુજબ અનુસૂચિત જાતિની મહિલાઓ અથવા અનુસૂચિત જનજાતિની મહિલાઓ માટે ત્રીજા ભાગની બેઠકો અનામત રાખવામાં આવશે.
આ જ કલમની પેટાકલમ (3) મુજબ પેટાકલમ (2)ની મહિલાઓની બેઠકો સહિત ગૃહની કુલ બેઠકના ત્રીજા ભાગની બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે.
જેનો અર્થ કે સંસદમાં મહિલાઓ માટે લગભગ 33 બેઠકો અનામત રહેશે. બંધારણની કલમ 332માં દાખલ કરવામાં આવનારી નવી કલમો મુજબ દરેક રાજ્યોમાં પણ મહિલાઓ માટે બેઠકો અનામત રાખવામાં આવશે. અહીં પણ લગભગ 33 ટકા બેઠકો મહિલાઓ જેમાં અનુસૂચિત જાતિ-જનજાતિની મહિલાઓનો પણ સામાવેશ થાય છે, અનામત રહેશે.
વર્તમાન સમયમાં એસસી-એસટી માટે 131 બેઠકો અનામત છે. તેમાંથી 43 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે. ગૃહમાં મહિલાઓ માટે અનામત કુલ બેઠકો 43 ગણવામાં આવશે. જેનો અર્થ કે ગૃહની કુલ 543 બેઠકોની ત્રીજા ભાગની બેઠકો એટલે કે 181 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે.
તેમાં 131 બેઠકો એસસી-એસટી માટે હોવાથી મહિલાઓ માટે 181માંથી બચેલી 43 બેઠકો અનામત રહેશે. જેનો મતબલ એ થશે કે જનરલ કૅટેગરીની મહિલાઓ માટે કુલ 138 બેઠકો અનામત હશે.

મહિલા અનામત ક્યારે અમલમાં આવશે?

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020માં વસ્તી ગણતરી થવાની હતી પરંતુ કોરોના વાઇરસના કારણે તે મોકૂફ રહી જે વર્ષ 2021માં થવાની હતી જોકે, 2021માં પણ કોરોના વાઇરસના કારણે તે મોકૂફ રહી. જૂન-2023 સુધી વહીવટી સીમાંકન તૈયાર કરવાની ડેડલાઇન હતી પરંતુ એ મોકૂફ રખાઈ. હવે આગામી વર્ષ 2024માં ડિજિટલ વસ્તી ગણતરી કરવાનું સરકારનું આયોજન છે. એનો અર્થ કે લોકસભાની 2024ની ચૂંટણીઓ પછી વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી શકે છે અને જોગવાઈઓ તેનાં લાગુ થયાનાં 15 વર્ષ પછી નિષ્ક્રિય થઈ જશે. એટલે કે મહિલા અનામત 15 વર્ષ સુધી લાગુ રહેશે.
વળી મહિલા બેઠકોની અનામત સરકાર કાયદા દ્વારા નક્કી કરે તે સમયાવધિ સુધી ચાલુ રહેશે. એટલે કે જો સરકાર તેને આગળ વધારવા ઇચ્છે તો કાયદો બનાવી સમયાવધિ પૂર્ણ થયા બાદ તેને લંબાવી શકે છે.
જ્યાં સુધી તત્કાલિન લોકસભા, વિધાનસભાઓ ભંગ ન થાય ત્યાં સુધી આ નવી જોગવાઈઓ લાગુ નહીં થઈ શકે.

અનામતની બેઠકો કઈ રીતે નક્કી થશે?

ઇમેજ સ્રોત, Getty Images
ઉપરાંત સંસદ કાયદા દ્વારા નવા સીમાંકનની દરેક કવાયતો કરતી જશે એ મુજબ બેઠકોનું રોટેશન થતું રહેશે.
બિલમાં કહેવાયું છે કે, બંધારણીય સુધારો કરાયો છે તેના લીધે સરકારને દરેક નવી સીમાંકન કવાયત દ્વારા બેઠકોનું રોટેશન કરવાની સત્તા છે.
બેઠકોનું રોટેશન કરવા અને સીમાંકન કરવા માટે સંસદે કાયદો પસાર કરવો પડશે. અને નોટિફિકેશન બહાર પાડવું પડશે. ત્યાર પછી જ તે બેઠકોનું રોટેશન કરી શકશે.
હાલ પંચાયતો અને મહાનગરપાલિકાઓમાં ત્રીજા ભાગની બેઠકો મહિલાઓ માટે અનામત છે. તેને પણ દર ચૂંટણીએ રેટોશન આપવામાં આવે છે.
અનુસુૂચિત જાતિઓની બેઠકો મતક્ષેત્રમાં તેમની વસ્તીના પ્રમાણના અનુસંધાને નક્કી કરવામાં આવે છે.

નાનાં રાજ્યોમાં બેઠકો કઈ રીતે અનામત રાખવામાં આવશે?

ઇમેજ સ્રોત, Getty Images
હજુ એ સ્પષ્ટ નથી કે સંઘપ્રદેશો જેવા કે લદાખ, પુડ્ડુચેરી અને ચંદીગઢથી લોકસભાની દરેકની એક જ બેઠક છે. પૂર્વોત્તરનાં રાજ્યો જેવા કે મણિપુર, ત્રિપુરાની લોકસભાની બે બેઠક છે, જ્યારે નાગાલૅન્ડની એક બેઠક છે.
આ રાજ્યોની બેઠકો પણ અનામત રહેશે કે કેમ એ અસ્પષ્ટ છે.
જોકે વર્ષ 2010માં લાવવામાં આવેલા મહિલા અનામત બિલમાં એવી જોગવાઈ હતી કે જે રાજ્ય અથવા સંઘપ્રદેશમાં એક જ લોકસભા બેઠક હોય તેની બેઠક એક ચૂંટણીમાં મહિલા માટે અનામત રાખવામાં આવશે જ્યારે બીજી બે ચૂંટણીઓ માટે તે અનામત નહીં રહે. આ રીતે ક્રમવાર રીતે અનામત લાગુ કરાશે.
જ્યારે તે રાજ્યોમાં કે સંઘપ્રદેશમાં 2 બેઠકો હોય ત્યાં એક બેઠક અનામત રાખવામાં આવશે અને ત્રીજી ચૂંટણીમાં મહિલા માટે એક પણ બેઠક અનામતની જોગવાઈ નહીં રાખવામાં આવે.
જોકે, સવાલ એ પણ છે કે ,હાલ મહિલાઓનું પ્રતિનિધિત્વ કેટલું છે?
હાલ લોકસભામાં 82 મહિલા સાંસદો છે. એટલે કે મહિલાઓનું પ્રતિનિધિત્ત્વ 15 ટકા છે. જ્યારે 19 વિધાનસભાઓમાં તે 10 ટકા કરતાં પણ ઓછું છે. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર વિશ્વમાં દેશોની સંસદોમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ 26.5 ટકા છે.
























