જમ્મુમાં બસ ખીણમાં પડતાં 15 લોકોનાં મૃત્યુ, 40 લોકો ઈજાગ્રસ્ત

ઇમેજ સ્રોત, ANI
સમાચાર સંસ્થા પીટીઆઈએ અધિકારીઓને ટાંકતા જણાવ્યું છે કે જમ્મુ જિલ્લાના ચોકી ચોરા પાસે ટંગલી વળાંક પાસે બસ ખીણમાં પડી જતાં આ દુર્ઘટના બની છે.
અધિકારીઓ અનુસાર તીર્થયાત્રીઓથી ભરેલી બસ ખીણમાં 150 ફૂટ નીચે પડી ગઈ હતી.
જમ્મુના કલેક્ટર સચીનકુમાર વૈશ્યે કહ્યું કે, ઘટનામાં ઈજા પામેલી વ્યક્તિઓની સારવાર ચાલી રહી છે. હું સ્થિતિનો તાગ મેળવવા માટે જમ્મુની ગર્વમેન્ટ મેડિકલ કૉલેજ આવ્યો છું. જિલ્લા વહીવટીતંત્ર લોકોની સારવાર કરાવી રહ્યું છે. ઘટનામાં મૃત્યુ પામનારા લોકોનો ચોક્કસ આંકડો હજી સુધી સ્પષ્ટ નથી.
જમ્મુની ગર્વમેન્ટ મેડિકલ કૉલેજના આચાર્ય આશુતોષ ગુપ્તા કહ્યું કે ઘટનામાં ઈજાગ્રસ્ત 30 લોકોને સારવાર માટે હૉસ્પિટલ લાવવામાં આવ્યા છે. બે ઈજાગ્રસ્તોની હાલત ગંભીર છે અને તેમને વૅન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.
આ બસ હરિયાણાના કુરુક્ષેત્રથી તીર્થયાત્રીઓને લઈને કાશ્મીરના રિયાસી જિલ્લામાં જઈ રહી હતી.
જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ ઘટના પર શોક પ્રકટ કર્યો છે અને ઈજાગ્રસ્તો વહેલી તકે સાજા થાય તેવી પ્રાર્થના કરી છે.
બુધવારે દિલ્હીમાં તાપમાન ખરેખર 52.9 ડિગ્રી સુધી પહોંચ્યું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
બુધવારે 29મે ના રોજ એવા ઘણા મીડિયા અહેવાલો પ્રકાશિત થયા હતા કે દિલ્હીમાં તાપમાન 52.9 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. તેને દેશભરમાં અત્યાર સુધીનું સૌથી વધુ નોંધાયેલું તાપમાન ગણવામાં આવે છે.
જોકે, દિલ્હીનું તાપમાન આટલું વધારે હતું કે કેમ તે અંગે હવામાન વિભાગ અને વિજ્ઞાન મંત્રાલયે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે અને આ આંકડા પાછળ સેન્સરમાં કોઈ ખામી હોવાની આશંકા વ્યક્ત કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હીના મંગેશપુરમાં 52.9 ડિગ્રી તાપમાન નોંધાવા પાછળ કોઈક ખામી એક કારણ હોઈ શકે છે. હવામાન વિભાગ સેન્સર અને ડેટાની તપાસ કરી રહ્યો છે.
આ નિવેદનમાં કહેવાયું કે, “વર્ષ 2022માં હવામાન વિભાગે ઑટોમૅટિક વૅધર સ્ટેશન સ્થાપિત કર્યાં હતાં અને 15 નવાં લોકેશન પર આ સ્ટેશન લગાવવામાં આવ્યાં હતાં. તે સિવાય પાંચ ડિપાર્ટમૅન્ટલ ઑબ્ઝર્વેટરી છે. 29મે ના રોજ આ ઓબ્ઝર્વેટરી અને 15 ઑટોમૅટિક વૅધર સ્ટેશન પર તાપમાન 45.2 ડિગ્રીથી લઈને 49.1 ડિગ્રી નોંધવામાં આવ્યું હતું.”
“મંગેશપુરમાં 52.9 ડિગ્રી તાપમાન નોંધાવું એ બિલકુલ અલગ બાબત છે. એવું બની શકે કે આવું સેન્સરમાં ખામીને કારણે થયું હોય. લોકલ ફેક્ટર પણ આટલા તાપમાન પાછળનું કોઈ કારણ હોઈ શકે છે. હવામાન વિભાગ તેની તપાસ કરી રહ્યો છે.”
વડા પ્રધાન મોદીના મહાત્મા ગાંધી વિશેના નિવેદનથી વિવાદ, કૉંગ્રેસે કહ્યું, ‘ગાંધીજીની વિરાસતને નષ્ટ કરવામાં મોદીનો ફાળો’

ઇમેજ સ્રોત, ANI
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઇન્ટરવ્યૂમાં એવો દાવો કર્યો છે કે રિચર્ડ ઍટનબરોની ‘ગાંધી’ ફિલ્મ પછી દુનિયાને મહાત્મા ગાંધીમાં દિલચસ્પી ઉભી થઈ.
તેમણે સમાચાર ચેનલ એબીપીને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, “શું ગત 75 વર્ષમાં આપણી જવાબદારી ન હતી કે સમગ્ર દુનિયા મહાત્મા ગાંધીને ઓળખે? પરંતુ આપણે એવું ન કર્યું.”
તેમણે કહ્યું હતું કે, “ગાંધીજીને કોઈ ઓળખતું ન હતું, મને માફ કરજો. પરંતુ પહેલી વાર ‘ગાંધી’ ફિલ્મ બની ત્યારે દુનિયાને જિજ્ઞાસા ઊભી થઈ કે આ માણસ કોણ છે? આપણે તેમના માટે કંઈ ન કર્યું. આ આપણું (દેશનું) કામ હતું.”
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આ ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી છે.

ઇમેજ સ્રોત, ANI
સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર તેમણે લખ્યું, “માત્ર ઍન્ટાયર પૉલિટિકલ સાયન્સના વિદ્યાર્થીને જ મહાત્મા ગાંધીને જાણવા માટે ફિલ્મ જોવાની જરૂર પડી શકે.”
કેરળ કૉંગ્રેસે ગાંધીજીના 1930ના દાયકાના લંડન, પેરિસ અને સ્વિટ્ઝરલૅન્ડની યાત્રાનાં દૃશ્યો શેર કરતાં લખ્યું હતું કે, “આ દેશોમાં ગાંધીજી જ્યાં પણ જતાં હતાં ત્યાં ભીડ તેમને ઘેરી લેતી હતી. તેમના જીવનકાળમાં ગાંધીજી દુનિયામાં સૌથી લોકપ્રિય નેતા હતા. ભારતને હજુ પણ ગાંધી અને નહેરુનાં નામે ઓળખવામાં આવે છે. ગાંધીજી પોતાના સત્ય અને અહિંસાના સિદ્ધાંતોથી જાણીતા હતા. ઓછામાં ઓછું ગાંધીજીની વાત હોય ત્યારે તો તમે સાચું બોલો.”
કૉંગ્રેસ નેતા જયરામ રમેશે ઍક્સ પર લખ્યું છે કે, “એ ખબર નથી પડતી કે વડા પ્રધાન એ કઈ દુનિયામાં જીવે છે જ્યાં 1982 પહેલાં ગાંધીજીને દુનિયાભરમાં માનવામાં આવતા નહોતા. જો કોઈએ મહાત્મા ગાંધીની વિરાસતને નષ્ટ કરી હોય તો એ સ્વયં હાલના વડા પ્રધાન જ છે. વારાણસી, દિલ્હી અને અમદાવાદમાં તેમની સરકારે જ ગાંધીવાદી સંસ્થાઓને નષ્ટ કરી છે.”
રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના: કોર્ટે પૂર્વ મ્યુનિસિપલ કમિશનર સામે મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ આપ્યો

ઇમેજ સ્રોત, Getty Images
રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનામાં ચાલી રહેલી તપાસ અંગે વારંવાર વિપક્ષો તથા લોકો દ્વારા સવાલ ઉઠાવવામાં આવી રહ્યા હતા કે તપાસમાં ઉચ્ચ અધિકારીઓની તપાસ થઈ રહી નથી.
એ સંદર્ભમાં રાજકોટની જ્યુડિશિયલ કોર્ટે એક મહત્ત્વનો આદેશ આપ્યો છે.
ધી ઇન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલ પ્રમાણે કોર્ટે સીઆરપીસીની કલમ 202 હેઠળ આદેશ આપ્યો છે કે રાજકોટના ભૂતપૂર્વ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, ભૂતપૂર્લ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ તથા 11 અન્ય અધિકારીઓની મેજિસ્ટ્રેટ પૂછપરછ અને તપાસ કરવામાં આવે.
શહેર-સ્થિત એડવોકેટ વિનેશ છાયાએ કોર્ટ સમક્ષ ફરિયાદ દાખલ કરી હતી અને અધિકારીઓ સામે બિનઇરાદાતન હત્યાનો ગુનો દાખલ કરવાની માંગ કરી છે.
બે દિવસ પહેલાં જ આઈપીએસ અધિકારીઓ રાજુ ભાર્ગવ, વિધિ ચૌધરી અને સુધીર દેસાઈની રાજકોટથી અન્ય જગ્યાએ બદલી કરી દેવામાં આવી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીએ કહ્યું હતું કે આરએમસી, ફાયર વિભાગ, પોલીસ અધિકારીઓ સહિત તમામ જવાબદારોની પૂછપરછ થશે. આઇએએસ અને આઈપીએસ અધિકારીઓની પણ પૂછપરછ થશે.
ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું, “સપાના રાજમાં રમજાન પર વીજળી મળતી હતી પરંતુ જન્માષ્ટમી પર નહીં”

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગૃહમંત્રી અમિત શાહે બુધવારે ઉત્તર પ્રદેશમાં એક રેલીમાં કહ્યું હતું કે, “સમાજવાદી પાર્ટીના કાર્યકાળમાં રમઝાન દરમિયાન સતત વીજળી રહેતી હતી, પરંતુ જન્માષ્ટમી પર નહીં.”
રેલીમાં તેમણે કહ્યું કે આ લોકસભા ચૂંટણીમાં લોકો પાસે બે વિકલ્પ છે. એક કે જેમણે રામ મંદિર બનાવ્યું એ અને બીજા એ કે જેમણે રામભક્તો પર ગોળીબાર કર્યો.
અમિત શાહે બુધવારે પૂર્વાંચલના મહારાજગંજ, દેવરિયા, બલિયા અને રોબર્ટ્સગંજમાં સભાઓ યોજી હતી. આ બેઠકો પર છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને છે.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, બલિયામાં પોતાની રેલીમાં અમિત શાહે અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી પર માફિયાઓ દ્વારા જનતાને પરેશાન કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, “યોગી આદિત્યનાથની સરકારે રાજ્યને ગુનેગારોથી મુક્ત કરાવ્યું છે.”
તેમણે દાવો કર્યો હતો કે સમાજવાદી પાર્ટીની સરકાર દરમિયાન રમજાન દરમિયાન વીજળી કાપવામાં આવી નહોતી, પરંતુ જન્માષ્ટમી પર વીજળી નહોતી.
એ સિવાય દેવરિયામાં અમિત શાહે એવો દાવો કર્યો હતો કે વિપક્ષે અયોધ્યામાં રામમંદિરના નિર્માણને રોકવાનો પ્રયાસ કર્યો.
તેમણે કહ્યું, "આ ચૂંટણી રામમંદિર બનાવનારાઓ અને રામભક્તો પર ગોળીબાર કરનારાઓ વચ્ચે છે."






















