બીબીસી ગુજરાતીના આ લેખો ચૂકી તો નથી ગયા ને...

ઇમેજ સ્રોત, RUPESH SONAVANE
“હવે તો અમારું અડધું ગામ રણ જેવું જ છે, જમીન ખારી થઈ ગઈ છે અને રણ હજી આગળ વધે છે.” ખેડૂત પચાણભાઈ પરમાર તેમના ખેતરમાં પથરાયેલો મીઠા જેવો ક્ષાર હાથમાં લઈને અમને બતાવે છે અને આ શબ્દો કહે છે.
તેમનું ખેતર બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ચોથરનેસડા ગામમાં છે, તેમના ખેતર અને રણ વચ્ચે માંડ થોડાં ખેતરો જ છે.
આશરે 55 વર્ષના પચાણભાઈની આંખોમાં સેંકડો ફરિયાદ હતી, તેમણે યાદો પર બાઝેલી રેતી ખંખેરી અને આગળ વાત કરી, “મારા દાદા પણ આ જ ખેતરમાં ખેતી કરતા હતા. બાજરી, ઘઉં, જુવાર બધા પાક થતા હતા. ધીમે-ધીમે રણનો ખાર આગળ આવ્યો એટલે ખેતર ખારું થઈ ગયું. હવે આ ખેતરમાં કંઈ પણ વાવો તો ઊગતું નથી.”
પચાણભાઈના કહેવા પ્રમાણે આ વર્ષે આખા ખેતરમાં તેમણે બાજરી વાવી હતી, પણ કંઈ જ ન ઊગ્યું. પચાણભાઈની જેમ જ ચોથરનેસડા અને તેની આસપાસનાં ગામોના અનેક ખેડૂતોનાં ખેતર હવે બંજર થઈ ગયાં છે.
ગુજરાતની લગભગ અડધી જમીન પર આ જ રીતે રણે પોતાનો સકંજો કસ્યો છે. વૈજ્ઞાનિકો આને મોટો ખતરો ગણાવે છે અને ચેતવણી આપે છે કે ગુજરાતની 52 ટકા જમીન રણમાં ફેરવાઈ રહી છે, જેના લીધે ફળદ્રુપ જમીન બંજરભૂમિ બની રહી છે.

ઇમેજ સ્રોત, DHARMESH AMIN
40 દિવસ પહેલાં ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતમાં તાપી નદી પર બનેલા વેડ-વરિયાવ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. પણ ચોમાસાના પહેલા વરસાદમાં જ આ બ્રિજના રોડમાં તિરાડો પડી ગઈ છે.
સરકારી માહિતી મુજબ આ બ્રિજ 118 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયો હતો. ગુજરાતની ભાજપ સરકારના ટીકાકારો કહે છે કે જે પ્રકારે આ બ્રિજ પર તિરાડો પડી છે તે જોતાં લાગે છે કે ગુજરાતની પ્રજાના પરસેવાના 118 કરોડ રૂપિયા ચોમાસાના પહેલા વરસાદમાં જ ધોવાઈ ગયા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ બ્રિજ 1.5 કિલોમિટર લાંબો છે. તે વેડ અને વારિયાવને જોડે છે. આ ફોર લૅન બ્રિજને કારણે ઇચ્છાપોર, હજીરા, છાપરાભાટા અને વરિયાવના 8 લાખ લોકોનું સુરત આવવા-જવાનું અંતર ત્રીજા ભાગનું થઈ ગયું હતું.
જોકે સરકારી અધિકારીઓનું કહેવું છે કે બ્રિજના સ્ટ્રક્ચરને કોઈ નુકસાન નથી. માત્ર રોડનો ડામર બેસી ગયો હતો અને તેને રિપેર કરીને લોકો માટે ફરી ખુલ્લો મૂકી દેવાયો છે. આ બ્રિજ લોકો માટે સુરક્ષિત છે.
આ બ્રિજ સુરત મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે અને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે 17 મે ના રોજ તેનું ઉદ્ઘાટન કર્યું હતું.

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
“આજે જે ટામેટાંનો ભાવ મળી રહ્યો છે તે જોઈને અમને આઘાત લાગે છે. અમને ટામેટાંના ભાવ નહોતા મળતા એટલે અમારે તેને ફેંકી દેવાનો વારો આવ્યો હતો, અને આજે તે જ ટામેટાંના જથ્થાબંધ બજારમાં ભાવો આસમાને છે. અમને અફસોસ થાય છે પણ સાથે ધરપત છે કે જેણે ટામેટાં ઉગાડ્યા તે ખેડૂતોને તેની મહેનતનું ફળ મળી રહ્યું છે.”
આ શબ્દો છે સાણંદ તાલુકાના અણદેજ ગામના ટામેટાં પકવતા ખેડૂત પરષોત્તમભાઈ રાજપૂતના. બીબીસી ગુજરાતી સાથે વાત કરતા પરષોત્તમભાઈ ગળગળા થઈ ગયા હતા. તેમને એક સમયે ભાવો ન મળતા ટામેટાં ફેંકી દેવાની ફરજ પડી હતી.
15 દિવસ પહેલાં છૂટક માર્કેટમાં જે ટામેટાંના ભાવ 30-40 રૂપિયા પ્રતિ કિલો હતા, તે અચાનક વધીને 100 રૂપિયાની આસપાસ પહોંચી ગયા છે. નવાઈની વાત એ છે કે માર્કેટમાં ટામેટાંના ભાવો આસમાને છે, પરંતુ ખેડૂતોને યોગ્ય ભાવ મળતો નથી.
મે મહિનામાં જથ્થાબંધ બજારમાં ટામેટાંની કિંમત 3થી 5 રૂપિયા હતી અને છૂટક બજારમાં તેની કિંમત 20 રૂપિયા કિલોની આસપાસ હતી.
થોડા મહિના પહેલા કેટલાક ખેડૂતોએ યોગ્ય ભાવો ન મળતા, ટામેટાંના પાકને રસ્તા પર ફેંકી દેવાની ફરજ પડી હતી તે જ ટામેટાંના ભાવો આજે આસમાને છે.
તો, એવું તો શું થયું કે અચાનક 15 દિવસમાં ટામેટાંના ભાવ અચાનક વધી ગયા, ટામેટાંમાં ભાવવધારાનાં કારણો શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
કેળું એ દેશનાં સૌથી પ્રિય ફળોમાંનું એક છે. કેળાં પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે.
કાર્બૉહાઇડ્રેટ્સ જે શરીરને શક્તિ આપે છે અને પોટેશિયમ જે હૃદયને મજબૂત રાખે છે તે બંને કેળામાં ઉપલબ્ધ છે.
આપણને ગળ્યાં અને પીળા રંગનાં કેળાં વધુ મળે છે.
લીલાં/કાચાં કેળાં પણ આપણને મળી રહે છે. તેને મોટા ભાગે શાક તરીકે વાપરવામાં આવે છે.
કેળામાં ભરપૂર માત્રામાં પૅક્ટિન હોય છે જે આંતરડાંના કાર્યને સુધારે છે.
તે આંતરડાંમાં રહેલા ખોરાકને ઝડપથી પચવામાં મદદ કરે છે.
તેમાં રહેલ સોલ્યુબલ ફાઈબર શરીરમાં કૉલેસ્ટ્રોલ ઓછું કરે છે. કેળામાં ફાઈબર વધુ હોવાથી પેટ ભરેલું લાગે છે. તે પેટનું ફૂલવાનું પણ ઘટાડે છે.

ઇમેજ સ્રોત, Getty Images
ICC ક્રિકેટ વર્લ્ડકપ 2023ની મૅચોની તારીખ જાહેર થતાં જ ચાહકોની નજર એક જ મૅચની તારીખ અને સ્થળ શોધતી હતી. એ મૅચ એટલે ભારત અને પાકિસ્તાનની મૅચ.
15 ઑક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને દેશોની ટીમો આમને-સામને થશે.
ક્રિકેટરસિકોની સાથે સાથે અમદાવાદની હોટલો પણ આ દિવસ પર નજર રાખીને બેઠી છે. કારણ કે ભારત અને પાકિસ્તાનની વચ્ચેના આ મુકાબલાના દિવસે અમદાવાદમાં હોટલના ભાવ સાતમે આસમાને પહોંચી ગયા છે.
સમાચાર એજન્સી પીટીઆઈએ જણાવ્યું કે અમુક કિસ્સામાં તો ભાવ દસ ગણા વધી ગયા છે. ICC તરફથી મૅચની તારીખોનું એલાન થયું એ મુજબ 15 ઑક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ બન્ને ટીમ આમને-સામને હશે.
પીટીઆઈએ જણાવ્યું કે અલગ-અલગ હોટલ બુકિંગ વેબસાઇટો ઉપર હોટલના રૂમની માગ વધી ગઈ છે અને એના લીધે તેમનાં ભાડાં પણ વધી ગયાં છે. જેમાં અમુક રૂમનું ભાડું તો એક લાખ રૂપિયા સુધી પહોંચી ગયું છે. તો અમુક રૂમ તો 15 ઑક્ટોબર માટે અત્યારથી જ બુક થઈ ગયા છે.
સામાન્ય દિવસોમાં અમદાવાદની આ જ હોટલોમાં રૂમનું ભાડું એક દિવસનું 5 હજારથી 8 હજાર રૂપિયા સુધી હોય છે, જે વધીને 40 હજારથી એક લાખ રૂપિયા સુધી પહોંચી ગયું છે.
























