ક્રિકેટ વર્લ્ડકપ 2023 : ભારત-પાકિસ્તાનની મૅચના દિવસે અમદાવાદમાં હોટલોનું ભાડું લાખ રૂપિયાને આંબ્યું

ઇમેજ સ્રોત, Getty Images
ICC ક્રિકેટ વર્લ્ડકપ 2023ની મૅચોની તારીખ જાહેર થતાં જ ચાહકોની નજર એક જ મૅચની તારીખ અને સ્થળ શોધતી હતી. એ મૅચ એટલે ભારત અને પાકિસ્તાનની મૅચ.
15 ઑક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને દેશોની ટીમો આમને-સામને થશે.

હોટલના એક રાતના ભાડાની કિંમતમાં દસ ગણો વધારો

ઇમેજ સ્રોત, Getty Images
ક્રિકેટરસિકોની સાથે સાથે અમદાવાદની હોટલો પણ આ દિવસ પર નજર રાખીને બેઠી છે. કારણ કે ભારત અને પાકિસ્તાનની વચ્ચેના આ મુકાબલાના દિવસે અમદાવાદમાં હોટલના ભાવ સાતમે આસમાને પહોંચી ગયા છે.
સમાચાર એજન્સી પીટીઆઈએ જણાવ્યું કે અમુક કિસ્સામાં તો ભાવ દસ ગણા વધી ગયા છે. ICC તરફથી મૅચની તારીખોનું એલાન થયું એ મુજબ 15 ઑક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ બન્ને ટીમ આમને-સામને હશે.
પીટીઆઈએ જણાવ્યું કે અલગ-અલગ હોટલ બુકિંગ વેબસાઇટો ઉપર હોટલના રૂમની માગ વધી ગઈ છે અને એના લીધે તેમનાં ભાડાં પણ વધી ગયાં છે. જેમાં અમુક રૂમનું ભાડું તો એક લાખ રૂપિયા સુધી પહોંચી ગયું છે. તો અમુક રૂમ તો 15 ઑક્ટોબર માટે અત્યારથી જ બુક થઈ ગયા છે.
સામાન્ય દિવસોમાં અમદાવાદની આ જ હોટલોમાં રૂમનું ભાડું એક દિવસનું 5 હજારથી 8 હજાર રૂપિયા સુધી હોય છે, જે વધીને 40 હજારથી એક લાખ રૂપિયા સુધી પહોંચી ગયું છે.
બુકિંગ ડૉટ કૉમ પોર્ટલના પ્રમાણે પીટીઆઈએ જણાવ્યું છે કે 2 જુલાઈ માટે આઈટીસી હોટલ દ્વારા સંચાલિત વેલકમ હોટલના ડિલક્સ રૂમનું ભાડું 5699 રૂપિયા છે. પરંતુ આજ હોટલમાં જો 15 ઑક્ટોબરે કોઈ રોકાવા માગે તો તેમણે એ જ રૂમના 71,999 રૂપિયા ચુકવવા પડશે.
ગુજરાતના હૉટલ અને રેસ્ટોરાં ઍસોસિયેશન (એચઆરએ)ના સભ્યોએ કહ્યું કે એનઆરઆઈ અને અન્ય રાજ્યોનાં મધ્યમ વર્ગના પ્રવાસીઓ તરફથી વધતી માગને જોઈને કિંમત વધારવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એચઆરએ-ગુજરાતના પ્રવક્તા અભિજીત દેશમુખે પીટીઆઈને કહ્યું કે, “જો હોટલવાળાને લાગે છે કે ખાસ સમયે માગ ખૂબ વધુ છે તો તેઓ થોડી વધારે કમાણી કરવાની કોશિશ કરે છે. કારણ કે એમને વિશ્વાસ છે કે ભાવ ગમે તેટલા વધુ હોય રૂમ બુક થઈ જ જશે. માગ ઓછી થતાં જ કિંમતો ઘટી જાય છે.”
અમદાવાદમાં વર્લ્ડકપની મૅચ રમવા માટે પાકિસ્તાન તૈયાર નથી?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મીડિયા રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે અમદાવાદમાં યોજાનારી મૅચ અંગે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. તો પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહીદ આફ્રિદીએ તો ત્યાં સુધી કહ્યું હતું કે 'અમદાવાદની પીચમાં શું ભૂત છે કે પછી આગ લાગી છે? જાઓ, રમો અને જીતો. અંતે તો પાકિસ્તાનની ટીમ જીતે તે મહત્ત્વનું છે.'
ઇએસપીએન ક્રિકઇન્ફૉ અનુસાર, પાકિસ્તાને ICCને અફઘાનિસ્તાન અને ઑસ્ટ્રેલિયા સામેની મૅચોનાં સ્થળો બદલવાની પણ અપીલ કરી હતી, પરંતુ પાકિસ્તાનની આ માગ પણ સ્વીકારાઈ નથી.
આ પરિસ્થિતિમાં જ્યારે અમદાવાદમાં ભારત સાથે પાકિસ્તાનની મૅચનું એલાન થયું તો એ ચર્ચા છેડાઈ ગઈ કે શું પાકિસ્તાનની ટીમ ભારત આવશે?
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનું કહેવું છે કે, “પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારતમાં કોઈ પણ ટુર્નામેન્ટ રમવા માટે સરકાર પાસેથી પરવાનગી લેવી પડે છે. જેમાં મૅચ ક્યાં રમાવાની છે તેનો પણ સમાવેશ થાય છે. અમે આ વિષય પર પાકિસ્તાન સરકાર સાથે વાત કરી રહ્યા છીએ. અમને ત્યાંથી માહિતી મળતાં જ જાણ કરીશું.”
જોકે અહેવાલો અનુસાર, આઈસીસીને ખાતરી છે કે પાકિસ્તાન ક્રિકેટ વર્લ્ડકપ રમવા માટે ચોક્કસપણે ભારત આવશે.
પાકિસ્તાનની ટીમ ભારતમાં પાંચ સ્થળોએ કુલ નવ મૅચ રમવાની છે. જોકે, આ તમામ મૅચોમાં અમદાવાદમાં રમાનાર ભારત-પાકિસ્તાન મૅચ સૌથી વધુ ચર્ચામાં છે.

અમદાવાદમાં મૅચ મુદ્દે પાકિસ્તાની ક્રિકેટરો શું બોલ્યા?

ઇમેજ સ્રોત, TWITTER/GUJARAT INFORMATION
ભારત-પાકિસ્તાન મૅચની લગભગ એટલી જ ચર્ચા પાકિસ્તાનમાં થઈ રહી છે જેટલી ભારતમાં થઈ રહી છે. પરંતુ એવું કહેવું પડે કે ક્રિકેટ વર્લ્ડકપની બાકીની ટીમોની મૅચોની ચર્ચા એકબાજુ અને ભારત-પાકિસ્તાનની મૅચની ચર્ચા બીજી બાજુ.
પાકિસ્તાનમાં સામાન્ય લોકોથી લઈને પૂર્વ ક્રિકેટરો પણ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.
પાકિસ્તાનમાં પત્રકારોએ વસીમ અકરમને અમદાવાદ, મુંબઈ અને કોલકાતામાં રમાનાર મૅચો અંગે પ્રશ્નો પૂછ્યા હતા.
વસીમ અકરમે કહ્યું, "આમાં કોઈ મુદ્દો જ નથી. જ્યાં મૅચ રમાવાની છે ત્યાં પાકિસ્તાને રમવાનું જ છે. વાત પૂરી થઈ ગઈ. બિનજરૂરી વિચારવું કે જો તમે અમદાવાદમાં નહીં રમો તો તમે ક્યાં રમશો? જો તમે પાકિસ્તાની ખેલાડીઓને પૂછશો તો તેઓ તેની પરવા નહીં કરે. જ્યાં પણ મૅચનું આયોજન થયું હશે, તેઓ ત્યાં રમશે.”

પાકિસ્તાનની ન્યૂઝ ચેનલોમાં ચર્ચાઓ

ઇમેજ સ્રોત, Getty Images
ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપને લઈને પણ તાજેતરમાં વિવાદ થયો છે. ભારતે પાકિસ્તાનમાં એશિયા કપ રમવાની ના પાડી દીધી હતી.
આ મુદ્દે વસીમ અકરમ કહે છે, "અમે પણ દેશભક્ત છીએ અને તેઓ પણ દેશભક્ત છે. જે સરકારો છે તે એકબીજા સાથે વાત કરશે. આ તેમની સમસ્યા છે. જો તમને એમાં કંઈક ખોટું લાગે તો જરૂરથી બોલો."
જિયો ન્યૂઝ અને એબીપી ન્યૂઝના સંયુક્ત કાર્યક્રમમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર અબ્દુલ રઝાક અને સિકંદર બખ્તે પણ આ પ્રવાસ પર મુદ્દે વાત કરી હતી.
સિકંદર બખ્તે કહ્યું, “મને નવાઈ લાગે છે કે અમે તો ભારત આવીએ છીએ, પણ તમે અમારે ત્યાં આવતા નથી. મારું અંગત વલણ છે કે જો તમે અમારે ત્યાં નથી આવતા તો અમારે પણ તમારે ત્યાં ન આવવું જોઈએ.”
ભારત તરફથી આ કાર્યક્રમમાં સામેલ કપિલ દેવ કહે છે, "હું સમજું છું કે એવો કોઈ ખેલાડી નથી કે જે પાકિસ્તાન આવવાની ના પાડતો હોય. પરંતુ હા, તે પહેલા બંને દેશોની સરકારો પૉલિસી લેવલ પર વાત કરે તે જરૂરી છે. "
પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર અબ્દુલ રઝાકે કહ્યું, “દુનિયાભરની ટીમો પાકિસ્તાનમાં આવીને મૅચ રમે છે. માત્ર ભારતીય ટીમને જ સમસ્યા છે અને તે પાકિસ્તાનમાં આવીને રમવા માગતી નથી. એક તરફ તમે દિલ જોડવાની વાત કરો છો તો બીજી તરફ તમે કહો છો કે પાકિસ્તાન સુરક્ષિત નથી. આ બે વસ્તુઓ એકબીજા સાથે બંધબેસતી નથી. કાં તો દિલ જોડવાની વાત કરો અથવા કહો કે અમે રમવા જ નથી માગતા.”
પાકિસ્તાની ન્યૂઝ ચેનલોના કાર્યક્રમોમાં એવી ચર્ચા થઈ રહી છે કે ભારતમાં પણ સુરક્ષાને લઈને ખતરો છે, તેમ છતાં પાકિસ્તાનની ટીમને મોકલવાઈ રહી છે તો ટીમ ઇન્ડિયા પાકિસ્તાન કેમ ન આવી શકે?
પાકિસ્તાની ન્યૂઝ ચેનલોના ટીવી ઍન્કરોને એવું કહેતા પણ સાંભળી શકાય છે કે ગુજરાતમાં ભૂતકાળમાં રમખાણો થયાં છે, આવી સ્થિતિમાં અમદાવાદમાં યોજાનારી મૅચને કારણે પાકિસ્તાનની ટીમની સુરક્ષાને પણ ખતરો છે.

સોશિયલ મીડિયા પર લોકો શું લખી રહ્યા છે?

ઇમેજ સ્રોત, Getty Images
મઝહર અરશદે ટ્વીટ કર્યું છે કે, "હાલમાં પાકિસ્તાનની વનડે ટીમને જોતા એવું કહી શકાય કે આ 1999ના ક્રિકેટ વર્લ્ડકપ પછીની સૌથી મજબૂત ટીમ છે."
પાકિસ્તાનમાં ફરીદ ખાને લખ્યું કે, “અમદાવાદમાં રમાનારી ફાઇનલ મૅચમાં પાકિસ્તાન ભારતને એકતરફી મૅચમાં હરાવશે. 2017ની ચેમ્પિયન ટ્રૉફીમાં બન્યું હતું એ જ રીતે. નરેન્દ્ર મોદી વર્લ્ડકપની ટ્રૉફી બાબર આઝમને આપશે. જય શાહ પણ મંચ પર ઊભા હશે.”
@DesiGuyNo1 હેન્ડલે ટ્વિટ કર્યું, "જો પાકિસ્તાન જીતે તો કેટલી ઐતિહાસિક ક્ષણ હશે. આવી સ્થિતિ માટે ખૂબ પ્રાર્થનાઓ કરું છું."
શાહઝેબ અલીએ ટ્વીટ કર્યું કે, “બાબર આઝમનો 29મો જન્મદિવસ ઇતિહાસમાં યાદ રાખવામાં આવશે, કારણ કે પાકિસ્તાન ભારતને હરાવી દેશે. 50 ઓવરની મૅચમાં એક લાખ 32 હજાર લોકોની હાજરીમાં પાકિસ્તાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જીત નોંધાવશે.”
પાકિસ્તાનમાં ભારતીય ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગના નિવેદનને લઈને પણ ચર્ચા થઈ રહી છે, સેહવાગે કહ્યું હતું કે- "હું વર્લ્ડકપ દરમિયાન સોશિયલ મીડિયા પર શોએબ અખ્તર સાથે લડવા માટે તૈયાર છું."

ભારત અને પાકિસ્તાન: ક્રિકેટ વર્લ્ડકપની કેટલીક ખાસ વાતો

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય ક્રિકેટ ટીમ પહેલી વાર પાકિસ્તાનના પ્રવાસે 1952માં ગઈ હતી. ત્યારે બંને દેશો વચ્ચે ટેસ્ટ મૅચ રમાઈ હતી.
પાકિસ્તાને ભારતનો છેલ્લો પ્રવાસ વર્ષ 2016માં કર્યો હતો ત્યારે પાકિસ્તાનની ટીમ ટી-20 વર્લ્ડકપ રમવા માટે ભારત આવી હતી.
ભારતીય ક્રિકેટ ટીમ 2008 એશિયા કપ રમ્યા પછી ક્યારેય પાકિસ્તાન ગઈ નથી.
2008માં પહેલાં મુંબઈ હુમલો અને પછી 2009માં પાકિસ્તાન ટુર્નામેન્ટ રમવા ગયેલી શ્રીલંકાની ક્રિકેટ ટીમ પર થયેલા જીવલેણ હુમલા બાદ ભારત સહિત અન્ય દેશોની ટીમોએ પણ પાકિસ્તાન જવાનું બંધ કરી દીધું હતું. જોકે, ભારત સિવાય કેટલીક ક્રિકેટ ટીમો ભૂતકાળમાં પાકિસ્તાનની મુલાકાતે ગઈ છે.
ભારત પાકિસ્તાન પ્રવાસે જતું નથી એ પાછળનાં કારણોમાં બંને દેશો વચ્ચેના પરસ્પર સંબંધો પણ છે. જેમાં મોટા ભાગના કિસ્સાઓમાં બંને વચ્ચે અંતર વધતું જણાઈ રહ્યું છે.
વનડે વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાનની ટીમો સાત વખત આમને-સામને આવી ચૂકી છે. આ વર્ષો હતાં- 1992, 1996, 1999, 2003, 2011, 2015 અને 2019.
વનડે વર્લ્ડકપમાં ભારતે જ્યારે પણ પાકિસ્તાનનો સામનો કર્યો છે, ત્યારે દરેક વખતે ભારતની જીત થઈ છે.
અત્યાર સુધી ભારતે 1983 અને 2011માં બે વખત વર્લ્ડકપ જીત્યા છે અને પાકિસ્તાને વર્ષ 1992માં માત્ર એક જ વાર વર્લ્ડકપ જીત્યો છે.

આઇસીસીમાં પણ બીસીસીઆઇનો દબદબો?

ઇમેજ સ્રોત, Getty Images
આઈસીસીમાં બીસીસીઆઈનું ઘણું વર્ચસ્વ છે એવું માનવામાં આવે છે. તેનું એક કારણ બીસીસીઆઈ સૌથી અમીર ક્રિકેટ બૉર્ડ હોવાનું મનાય છે.
ઇએસપીએન ક્રિકઇન્ફોના સમાચાર અનુસાર, ICCના નવા નાણાકીય મૉડલ હેઠળ આગામી ચાર વર્ષમાં આઈસીસીની કમાણીમાં બીસીસીઆઈનો હિસ્સો લગભગ 40 ટકા હશે.
2024 અને 2027ની વચ્ચે BCCI દર વર્ષે લગભગ 1890 કરોડ રૂપિયાની કમાણી કરશે.
આવી સ્થિતિમાં જ્યારે આઈસીસી દ્વારા ક્રિકેટ વર્લ્ડકપનું શિડ્યૂલ જાહેર કરવામાં આવ્યું ત્યારે કેટલાક લોકો આમાં બીસીસીઆઈની ભૂમિકાને મહત્ત્વપૂર્ણ માની રહ્યા છે. જય શાહ બીસીસીઆઈના સેક્રેટરી છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિચમની ખાસ વાતો

ઇમેજ સ્રોત, SAGARPATEL
વર્લ્ડકપની મૅચોની જાહેરાત થતાં જ અમદાવાદના સ્ટેડિયમની ચર્ચા શરૂ થઈ, તેના વિશે પણ કેટલીક બાબતો જાણીએ.
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ મેદાન છે.
- આ સ્ટેડિયમમાં ક્રિકેટ માટે 11 પ્રકારની પીચો છે.
- સ્ટેડિયમમાં એક લાખ 32 હજાર પ્રશંસકો બેસી શકે છે.
- વર્ષ 1994-95માં આ સ્ટેડિયમના નામમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઉમેરવામાં આવ્યું હતું.
- 2021માં ત્રીજી વખત સ્ટેડિયમનું નામ બદલવામાં આવ્યું હતું
- સુનીલ ગાવસ્કરે આ મેદાનમાં 10,000 રન પૂરા કર્યા હતા.
- આ મેદાનમાં જ સચીન તેંડુલકરે પોતાની પ્રથમ બેવડી સદી ફટકારી હતી.
- અનિલ કુંબલેએ પોતાની 100મી ટેસ્ટ પણ અહીં જ રમી હતી.
























