મિઝોરમ-છત્તીસગઢ ચૂંટણીમાં કેટલું થયું મતદાન, શું છે મહત્ત્વના મુદ્દા?

ઇમેજ સ્રોત, Getty Images
મંગળવારે મિઝોરમ-છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીના મતદાનની શરૂઆત સાથે એક મહિના સુધી પાંચ રાજ્યોમાં ચાલનારા ‘ચૂંટણીજંગ’નું બ્યુગલ ફૂંકાઈ ગયું.
ભારતના ચૂંટણી કમિશનની ટર્નઆઉટ ઍપ પરના સાંજના પાંચ વાગ્યા સુધીના ડેટા અનુસાર મિઝોરમમાં 76.66 ટકા અને છત્તીસગઢમાં 70.87 ટકા મતદાન નોંધાયું છે.
આ ચૂંટણીઓ એટલા માટે પણ મહત્ત્વની છે, કારણ કે તેને ‘લોકસભાની ચૂંટણીનું સેમિફાઇનલ’ ગણાઈ રહી છે.
મિઝોરમની તમામ 40 અને છત્તીસગઢની પ્રથમ તબક્કાની 20 વિધાનસભા બેઠકો માટે મંગળવારે મતદાન યોજાઈ રહ્યું છે.
મિઝોરમમાં શાસક પક્ષ મિઝો નેશનલ ફ્રન્ટ (એમએનએફ) અને છત્તીસગઢની શાસક પાર્ટી કૉંગ્રેસે આ વખતેય ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
નોંધનીય છે કે આ તબક્કા બાદ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ તમામ રાજ્યોનાં ચૂંટણીપરિણામો એક સાથે 3 ડિસેમ્બરના રોજ જાહેર થવાનાં છે.
ગત વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો એમએનએફે મિઝોરમમાં 40 માંથી 28 બેઠકો મેળવીને જીત હાંસલ કરી હતી.
જ્યારે છત્તીસગઢમાં વર્ષ 2018ની ચૂંટણીમાં કૉંગ્રેસ પાર્ટી 90 માંથી 68 બેઠકો મેળવીને બમ્પર જીત મેળવવામાં સફળ રહી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
છત્તીસગઢ-મિઝોરમમાં ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય થશે ઈવીએમમાં બંધ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મિઝોરમમાં કુલ 8.57 લાખ મતદાર છે, જે 174 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય કરશે.
જ્યારે છત્તીસગઢના પ્રથમ તબક્કાની ચૂંટણીની વાત કરીએ તો રાજ્યમાં આ તબક્કામાં 40 લાખ કરતાં વધુ મતદાર મતદાન કરશે. આ તબક્કામાં 223 ઉમેદવારના ભાગ્યનો નિર્ણય થશે.
મિઝોરમ રાજ્યની સ્થાપનાથી આજ દિન સુધી એમએનએફ અને કૉંગ્રેસના હાથમાં જ રાજ્યની સત્તાની ધુરા આવતી રહી છે.
જોકે, રાજ્યની રાજકીય બાબતોના જાણકારો માને છે કે કૉંગ્રેસના ભૂતપૂર્વ કદાવર નેતા અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી લાલ થાનવાલાએ રાજકારણમાંથી નિવૃત્તિ જાહેર કર્યા બાદ ‘ગ્રાન્ડ ઑલ્ડ પાર્ટી’ ‘આંતરિક વિવાદો’ને કારણે ‘નેતાગીરીની કટોકટી’ની સ્થિતિ અનુભવી રહી છે.
રાજ્યની વધુ એક પાર્ટી ઝોરમ પીપલ્સ મૂવમૅન્ટ અને મિઝો નૅશનલ ફ્રન્ટ વચ્ચે આ વખત ‘ખરાખરીનો જંગ’ જામ્યો હોવાનું મનાય છે.
હવે છત્તીસગઢની રાજકીય સ્થિતિની વાત કરીએ તો કૉંગ્રેસ અને ભાજપ બંને મોટી પાર્ટીએ હજુ સુધી પોતાના મુખ્ય મંત્રી ઉમેદવારના નામની જાહેરાત કરી નથી.
પ્રથમ તબક્કાની બેઠકોનાં મોટાં નામોની વાત કરીએ તો તેમાં મુખ્ય મંત્રી ભૂપેશ બઘેલ, રાજનાંદગાંવથી ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને ભાજપના મોટા નેતા ડૉ. રમણસિંહ, કૉંગ્રેસના દિગ્ગજ મુસ્લિમ ચહેરા મોહમ્મદ અકબર વગેરે મેદાને હશે.
આ સિવાય ભાજપના વિક્રમ ઉસેંડી, નારાયણપુરથી ભાજપના કેદાર કશ્યપ, દંતેવાડાથી છવિંદ્ર કર્મા, કોંડાગાંવથી કૉંગ્રેસના મોહન મરકામ, કવર્ધાથી ભાજપના વિનય શર્મા અને કોંટાથી કવાસી લખમાનાં નામ સામેલ છે.
શું છે બંને રાજ્યોમાં ચૂંટણીના મુદ્દા?

ઇમેજ સ્રોત, Getty Images
એનડીટીવીના સ્થાનિક પૉર્ટલના એક અહેવાલ અનુસાર છત્તીસગઢમાં પ્રથમ તબક્કામાં 20 બેઠકો પર થનારી ચૂંટણીમાં અનુસૂચિત જાતિ અને જનજાતિની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેશે.
આ ક્ષેત્રોમાં 30.06 ટકા અનુસૂચિત જનજાતિ અને 12.08 ટકા અનુસૂચિત જાતિની વસતિ છે.
તેથી આ બંને સમુદાયો જેના સમર્થનમાં મતદાન કરશે તેને આ બેઠકોમાં લાભ થઈ શકે છે.
નોંધનીય છે કે વર્ષ 2018માં કૉંગ્રેસે છત્તીસગઢમાં ભાજપના 15 વર્ષના શાસનનો અંત આણ્યો હતો.
રાજ્યના રાજકીય મુદ્દાની વાત કરીએ તો છત્તીસગઢમાં લગભગ 38 લાખ ખેડૂતો છે. તેથી રાજ્યની ચૂંટણીમાં ખેતી અને ખેડૂતો સંબંધિત મુદ્દા કેન્દ્રસ્થાને હશે.
રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેશ બઘેલની સરકારે આ વર્ગનું મહત્ત્વ સમજીને ઘણી લાભકારી યોજનાઓ દાખલ કરી હતી. હવે કૉંગ્રેસને આ યોજનાથી ખેડૂતોને થયેલા લાભના દમ પર ફરી વખત રાજ્યમાં સત્તા હાંસલ થશે એવી આશા હોય એ સ્વાભાવિક છે.
જોકે, સામેની બાજુએ ભાજપ કૉંગ્રેસને ભ્રષ્ટાચારના મુદ્દે ઘેરતો પણ જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે રાજ્યમાં 32 વસતિ સાથે અનુસૂચિત જનજાતિની 29 બેઠકો અનામત છે. તેથી આ વર્ગના મુદ્દા પણ રાજકીય કેન્દ્રમાં છે.
મિઝોરમની વાત કરીએ તો એમએનએફના વડપણવાળી રાજ્ય સરકાર રાજ્યમાં મ્યાનમાર, બાંગ્લાદેશ અને મણિપુરના રૅફ્યૂજી અને આંતરિક શરણાર્થી મુદ્દે અને મિઝો સબ-નૅશનલિઝમ મુદ્દે પોતાની સિદ્ધિઓ ગણાવી રહી છે. આ સિવાય એમએનએફ કોવિડ-19ની મર્યાદાઓ છતાં રાજ્યમાં થયેલા વિકાસલક્ષી કાર્યો પર ભાર આપી ચૂંટણીમાં જીતની આશા વ્યક્ત કરી રહ્યો છે.
જ્યારે વિપક્ષ દ્વારા રાજ્ય સરકારે પાંચ વર્ષના કાર્યકાળમાં પોતાની ટોચની યોજનાઓ મામલે કરેલા વાયદા પૂરા ન કર્યા હોવાના આરોપ મૂક્યા છે.
જેમાં રાજ્યના સામાજિક-આર્થિક વિકાસ, ફ્લાયઓવરનું બાંધકામ, સારા રોડ-રસ્તા સહિતના મુદ્દા સાથે સંબંધિત ટીકા સામેલ છે.
મિઝોરમના મુખ્ય મંત્રી ઝોરમથંગાની પાર્ટી મિઝોરમ નૅશનલ ફ્રન્ટની કેન્દ્રમાં શાસક ગઠબંધન નેશનલ ડેમૉક્રેટિક ઍલાયન્સમાં સામેલ થવા બદલ ટીકા પણ કરાય છે. નોંધનીય છે કે મિઝોરમમાં ખ્રિસ્તી સમુદાય બહુમતીમાં છે.
મુખ્ય મંત્રી ઝોરમથંગાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સૂચનની વિપરીત મ્યાનમારના હજારો ચીન રૅફ્યૂજીને આશ્રય આપ્યો છે.
આ સિવાય તેઓ મણિપુર અને કેન્દ્રની ભાજપ સરકારની રાજ્યની આંતરિક ઘર્ષણના હૅન્ડલિંગને કારણે ટીકા પણ કરતા આવ્યા છે.
નોંધનીય છે કે મુખ્ય મંત્રી ઝોરમથંગા બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેઓ ચૂંટણીપ્રચારમાં ‘જો વડા પ્રધાન આવશે તો તેઓ તેમની સાથે મંચ શૅર નહીં કરે.’
આ વખત ભૂતપૂર્વ આઈપીએસ ઑફિસર લાલડુહોમાના વડપણવાળો પક્ષ ઝોરમ પીપલ્સ મૂવમૅન્ટ (ઝેડપીએમ) રાજ્યના સત્તાધારી પક્ષ એમએનએફ સામે ‘મજબૂત પડકાર’ મૂકી શકે છે. વર્ષ 2018ની વિધાનસભા ચૂંટણીમાં પણ ઝેડપીએમે વિધાનસભાની ચૂંટણીમાં આઠ બેઠકો મેળવી કૉંગ્રેસને ત્રીજા ક્રમે ધકેલી દીધી હતી.
























