ગુજરાત: અડધા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઓછા વરસાદ છતાં ચોમાસું પહોંચી ગયાનું કેમ કહેવાઈ રહ્યું છે?

ગુજરાત, ચોમાસું, હવામાન વિભાગ, વરસાદ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

ગુજરાતમાં પાછલા કેટલાક દિવસથી ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે, આ દરમિયાન હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ અંગે રેડ ઍલર્ટ પણ જાહેર કર્યો હતો. જોકે, સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી જિલ્લા તેમજ દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં સાર્વત્રિક અને ધોધમાર વરસાદ નોંધાવા છતાં રાજ્યમાં હજુ એવા પણ ઘણા વિસ્તારો છે જ્યાં હજુ સુધી જોઈએ એટલો વરસાદ નથી નોંધાયો.

એક તરફ સુરત શહેરમાં વરસાદને કારણે સર્જાયેલી આફતના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યા છે તો સામે કચ્છ, દેવભૂમિ દ્વારકા, મોરબી, આણંદ, જામનગર, પોરબંદર અને સાબરકાંઠા જેવા જિલ્લાઓ તરફ નજર નાખતાં વરસાદની મોટી ઘટ જોવા મળે છે.

જોકે, સામેની બાજુએ હવામાન વિભાગની વેબસાઇટ જોવામાં આવે તો નૈઋત્ય ચોમાસાએ સમગ્ર રાજ્યને આવરી લીધાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

હવે જ્યારે હવામાન વિભાગના ચોમાસાના નકશા અને રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં વરસાદની ઘટને જોતાં ચોમાસું જે-તે રાજ્યમાં પહોંચી ગયાનું કયા માપદંડોને આધારે નક્કી કરાય છે એ સવાલ ઘણાના મનમાં થાય એ સ્વાભાવિક છે. બીબીસી ગુજરાતીએ આ સવાલનો જવાબ મેળવવા અંગે હવામાન નિષ્ણાતો સાથે વાત કરી હતી.

ચોમાસાની આગેકૂચ કઈ રીતે નક્કી કરાય છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ચોમાસું, વરસાદ

ઇમેજ સ્રોત, ANI

ભારતીય હવામાન વિભાગ દિલ્હીના ઇન-ચાર્જ અધિકારી ડૉ. નરેશકુમાર કહે છે કે, નૈઋત્યના પવનોના આધારે ચોમાસું ગુજરાત પહોંચ્યું કે નહીં તે નક્કી થતું હોય છે.

તેઓ કહે છે કે મુખ્યત્વે 'વિન્ડ પૅટર્ન'(પવનની પૅટર્ન) પરથી ચોમાસું કેટલું આગળ વધ્યું છે એનો ખ્યાલ આવે છે, ઉપરાંત જે-તે વિસ્તારોમાં સામાન્યથી હળવો વરસાદ નોંધાય તો પણ આ વિસ્તારમાં ચોમાસું આગળ વધ્યું હોવાનું કહેવાય છે. આમ, ચોમાસું જે-તે ક્ષેત્રમાં આગળ વધ્યું હોવાનું પવનની પૅટર્ન અને વરસાદ પરથી નક્કી થતું હોય છે.

ડૉ. નરેશકુમાર કહે છે, "અમે પશ્ચિમ ગુજરાતમાં ખૂબ વધુ વરસાદની અપેક્ષા નથી રાખતા, ખાસ કરીને કચ્છ જેવા વિસ્તારમાં. તેથી ત્યાં જો હળવો વરસાદ પણ પડી જાય તો પણ તેને અમે ચોમાસું આવી ગયું છે તેમ ગણીએ છીએ."

ગુજરાતના પશ્ચિમી વિસ્તારોમાં ઓછા વરસાદ અંગે તેઓ કહે છે કે આ વખત એમ પણ ચોમાસું નબળું છે. "હાલ જે બંગાળની ખાડીમાં સર્જાયેલા લૉ-પ્રેશરને કારણે ગુજરાતના ઘણા જિલ્લામાં મહત્તમ વરસાદ પડી રહ્યો છે."

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ચોમાસું, વરસાદ

ઇમેજ સ્રોત, Rupesh Sonawane

ઇમેજ કૅપ્શન, તાજેતરમાં સુરતમાં પડેલા વરસાદ બાદ શહેરમાં ચારેકોર જળબંબાકાર જોવા મળ્યું હતું

ડૉ. નરેશકુમાર કહે છે, "સામાન્ય રીતે ભારતમાં બે તરફના મોસમી પવનો આવતા હોય છે, એક બંગાળની ખાડી અને બીજા અરબી સમુદ્રમાંથી આવતા પવનો. જોકે, ઘણી જગ્યાએ પવનનું વહેણ અનુકૂળ હોવા છતાં વરસાદ નથી પડતો, જેમાં હાલ રાજસ્થાનના શ્રીગંગાનગરમાં વરસાદ નથી પડી રહ્યો."

તેઓ કહે છે કે જે-તે ક્ષેત્રમાં અમુક પ્રમાણમાં વરસાદ પડે તો એ ક્ષેત્રમાં ચોમાસું આવી ગયું તેવું કહેવાય, એવું નથી હોતું. "કોઈ પણ ક્ષેત્રમાં થોડા પ્રમાણમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સ્થિતિમાં પણ એ ક્ષેત્રમાં ચોમાસું આવી ગયું એવું કહી શકાય."

તેઓ કહે છે કે આમ, ચોમાસાએ આખું ગુજરાત તો આવરી જ લીધું છે અને હવે ચોમાસાનો કેટલોક ભાગ પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગ તરફ આગળ વધી રહ્યો છે.

ડૉ. નરેશકુમાર જણાવે છે, "હવે ભારતમાં દક્ષિણ પંજાબ, ઉત્તર હરિયાણાનો પણ કેટલોક ભાગ બાકી છે. તે સિવાયનો બાકીનો ભાગ ચોમાસાએ આવરી લીધો છે."

હવામાન વિભાગે કેમ કહ્યું કે સમગ્ર ગુજરાતમાં ચોમાસું આવી ગયું

ગુજરાત, ચોમાસું, હવામાન વિભાગ, વરસાદ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, imd

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વડા ડૉ. અશોકકુમાર દાસ બીબીસી ગુજરાતીને જણાવે છે, "ગુજરાતમાં પૅટર્નથી જ ચોમાસાની પ્રગતિને માપવામાં આવે છે, જો પ્રદેશના મોટા ભાગના વિસ્તારોને વરસાદ આવરી લે તો અમે આ વિસ્તારોમાં ચોમાસું આગળ વધી ગયું તેમ કહીએ છીએ."

તેઓ રાજ્યમાં વરસાદની હાલની સ્થિતિ અને હવામાન વિભાગના વિશ્લેષણ અંગે સમજાવતાં કહે છે, "આ વખત અમારાં મોટા ભાગનાં સ્ટેશનમાં હળવાથી મધ્યમ વરસાદ તો નોંધાયો જ હતો."

"હાલ રાજ્યનામોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે તેથી અમે ચોમાસું ગુજરાત પહોંચી ગયું હોવાનું જાહેર કર્યું છે."

નોંધનીય છે કે રાજ્યમાં પશ્ચિમના કેટલાક જિલ્લાઓમાં ઓછો વરસાદ નોંધાયો છે, જોકે, હાલની સ્થિતિ પ્રમાણે મોટા ભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ તો નોંધાઈ જ ચૂક્યો છે.

તેમનું કહેવું છે કે પાછલા દિવસો દરમિયાન શિયર ઝોન આશરે 21° ઉત્તર અક્ષાંશ પર હતો, તેના કારણે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ નોંધાયો હતો.

સરળ રીતે કહીએ તો વાતાવરણમાં જુદી-જુદી ઊંચાઈએ પવનની દિશા અથવા તેની ગતિમાં અચાનક ફેરફાર થાય તે વિસ્તારને શિયર ઝોન કહેવામાં આવે છે.

ડૉ. અશોકકુમાર દાસ આગળ કહે છે, "શિયર ઝોનની સિસ્ટમ થોડી નીચે હતી, પાછલા દિવસોમાં પશ્ચિમ વિસ્તારમાં ઓછો વરસાદ નોંધાવા પાછળ આ પણ એક કારણ હતું."

તેમણે કહ્યું કે, "હવે આગામી દિવસોમાં વરસાદની સંભાવનાઓ ઓછી થઈ રહી છે. પશ્ચિમ ગુજરાતમાં પણ વરસાદ આવનાર દિવસોમાં ઓછો જ રહેશે."

કયા જિલ્લામાં વરસાદની મોટી ઘટ?

હવામાન વિભાગ (આઇએમડી)ના અમદાવાદ કેન્દ્ર દ્વારા 1 જૂન 2026થી 9 જુલાઈ 2026 સુધીના સમયગાળા માટે ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોના વરસાદના આંકડા જાહેર કરવામાં આવ્યા છે.

રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની ભારે અછત પણ જોવા મળી રહી છે.

ખાસ કરીને દેવભૂમિ દ્વારકામાં સામાન્ય 172.7 મીમીની સામે 9 જુલાઈની સ્થિતિ પ્રમાણે હજુ સુધી સિઝન દરમિયાન માત્ર 6.4 મીમી વરસાદ નોંધાયો છે, જે 96 ટકાની મોટી ઘટ દર્શાવે છે.

આ જ રીતે કચ્છમાં પણ સામાન્ય 80 મીમીની સામે માત્ર 11.5 મીમી વરસાદ થયો છે, જે 86 ટકાની ઘટ દર્શાવે છે.

આ ઉપરાંત મોરબીમાં 61 ટકા અને આણંદમાં વરસાદની 56 ટકાની ઘટ જોવા મળી રહી છે, આ સિવાય જામનગર, પોરબંદર અને સાબરકાંઠા ખાતે પણ અનુક્રમે 60 ટકા, 56 ટકા અને 40 ટકાની ઘટ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન