ગુજરાત : મુફતી સલમાન અઝહરીની ત્રણ જિલ્લામાં એફઆઈઆર બાદ પાસા હેઠળ અટકાયત, શું હતો મામલો?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, MUFTI SALMAN AZHARI OFFICIAL/YOUTUBE

પ્રકાશિત

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર અરવલ્લીના મોડાસા ખાતે ગત ડિસેમ્બર મહિનામાં કથિતપણે ‘ભડકાવનારું ભાષણ’ આપવાના કેસમાં ગુરુવારે કોર્ટ દ્વારા ‘ઇસ્લામિક ઉપદેશક’ મૌલાના સલમાન અઝહરીને જામીન મળ્યા બાદ પાસા અંતર્ગત કાર્યવાહી કરીને વડોદરા જેલ મોકલી અપાયા હતા.

પાસા એટલે કે પ્રિવેન્શન ઑફ ઍન્ટી-સોશિયલ ઍક્ટિવિટીઝ ઍક્ટ અંતર્ગત રાજ્યને નક્કી કરાયેલાં કારણોસર ‘અટકાયતી ડિટેન્શન’ની સત્તા છે.

સ્થાનિક અહેવાલો અનુસાર આ સમાચાર સામે આવતાં જ કેટલાક સ્થાનિકો જેલ બહાર એકત્રિત થયા હતા.

નોંધનીય છે કે મૂળ મુંબઈના મુફતી સલમાન અઝહરી પર પહેલાં જૂનાગઢ, કચ્છ અને બાદમાં અરવલ્લી ખાતે ‘ભડકાવનારું ભાષણ’ આપવા સહિત ‘અનુસૂચિત જાતિ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી’ કર્યાનો આરોપ મૂકાયો હતો.

જે બાદ સ્થાનિક પોલીસે વારાફરતી તેમની ધરપકડ અને રિમાન્ડ મેળવ્યા હતા.

જોકે, મુફતીના વકીલોએ તમામ આરોપો નકારી કાઢ્યા હતા.

જૂનાગઢ અને કચ્છમાં પણ નોંધાયા કેસ

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, YT/MUFTISALMANAZHARIOFFICIAL

આ પહેલાં અઝહરીની ગત 5 ફેબ્રુઆરીના રોજ જાન્યુઆરી માસમાં ‘ભડકાવનારું ભાષણ’ આપવાના આરોપમાં મુંબઈથી ધરપકડ કરાઈ હતી

આ કથિત ભાષણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં જૂનાગઢ પોલીસે કાર્યવાહી કરીને આ મામલે એફઆઈઆર નોંધીને તેમની ધરપકડ કરી હતી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રિમાન્ડ બાદ જૂનાગઢની સ્થાનિક કોર્ટે મુફતીને જામીન આપ્યા હતા.

અઝહરી સહિત બે અન્ય આરોપીઓને જૂનાગઢ કોર્ટમાં રજૂ કર્યા બાદ સરકાર પક્ષે અને આરોપીના વકીલ મારફતે દલીલો થઈ હતી.

મુફતી સલમાન અઝહરીના વકીલ શબ્બીર એ. શેખે મીડિયાને જણાવ્યું કે "આ સંવેદનશીલ કેસમાં મૌલાના અને તેમના બે સાથીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. મૅજિસ્ટ્રેટ સામે રજૂ કર્યા બાદ જામીન માટે અરજી કરી હતી. પછી સરકાર પક્ષ અને અમારા પક્ષે થયેલી દલીલોને સાંભળીને કોર્ટે ત્રણેય આરોપીને 15-15 રૂપિયાના જામીન પર મુક્ત કર્યા છે."

તેમણે કોર્ટમાં થયેલી દલીલો અંગે કહ્યું કે "કોઈ કોમ કે જ્ઞાતિને ઉદ્દેશીને તેઓ શબ્દો બોલ્યા નથી, એમણે કોઈને ટાર્ગેટ કર્યા નથી. શબ્દોનો મર્મ શું છે? તેની કોઈ સમાજ પર કોઈ અસર થઈ છે કે કેમ? એવા સવાલો અંગેની દલીલની સાથોસાથ એવું પણ કહેવાયું હતું કે મુફતીના ભાષણ બાદ સમાજમાં કોઈ વર્ગવિગ્રહ નથી થયો. આ તમામ દલીલોને અંતે કોર્ટે તેમને જામીન આપ્યા છે."

શકીલ એ. શેખે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે "ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનું આ મામલે શું વલણ છે એ બાબતોની કોર્ટમાં વાત કરી હતી. જામીન માટે પાંચ શરતો પણ મૂકી હતી. ફરિયાદ પક્ષના કોઈ પુરાવાનો નાશ કરવો નહીં, ધમકી આપવી નહીં, પાસપોર્ટ હોય તો જમા કરાવવો, ન હોય તો કોર્ટમાં સોગંદનામાથી જાહેર કરવું- વગેરે શરતો પર જામીન આપ્યા છે."

આ દરમિયાન મુફતી સલમાન અઝહરી પર કચ્છના સામખિયાળી પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાયો હતો અને તેમને કચ્છ લવાયા હતા.

બીબીસીના સહયોગી પ્રશાંત ગુપ્તાના જણાવ્યા અનુસાર, મુફતી સલમાન અઝહરીને કચ્છ પોલીસ દ્વારા ભચાઉ સેશન્સ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા અને કોર્ટે મુફતી સલમાન અઝહરીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

ભચાઉની કોર્ટે આ કેસમાં રવિવારે મુફતીને જામીન આપ્યા બાદ આરોપીને રાજકોટ સૅન્ટ્રલ જેલ ખસેડાયા હતા. જ્યાંથી મુફતીની ત્રીજા કેસમાં અરવલ્લી પોલીસે ધરપકડ કરી હતી. નોંધનીય છે કે આ કેસમાં મોડાસા ટાઉનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી. કે. વાઘેલા ફરિયાદી બન્યા હતા.

પાસા અંતર્ગત અટકાયત

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, FB/MUFTI SALMAN AZHARI

એનડીટીવી ડોટ કૉમના એક અહેવાલ અનુસાર જૂનાગઢ અને કચ્છમાં અઝહરી સામે બે ધાર્મિક જૂથો વચ્ચે દ્વેષભાવને પ્રોત્સાહિત કરવાના આરોપસર ઇન્ડિયન પીનલ કોડની કલમ 153(બી) અને જાહેર વાતાવરણને ડહોળે એવાં નિવેદનો કરવાના આરોપસર કલમ 505 (2) અંતર્ગત ગુનો નોંધાયો હતો.

જ્યારે મોડાસામાં ઉપરોક્ત સિવાય મુફતી સામે “ધાર્મિક લાગણીને ઠેસ પહોંચે તેવી ટિપ્પણી જાણીજોઈને” કરવાના આરોપસર કલમ 298નો ઉમેરો કરાયો છે. તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) કાયદાની જોગવાઈઓ અનુસાર અનુસૂચિત જાતિ વિરુદ્ધ ‘વાંધાજનક ટિપ્પણી’ કરવા સંબંધી કલમો જોડવામાં આવી છે.

મોડાસામાં રિમાન્ડ બાદ તેમને અમદાવાદની સાબરમતી જેલ ખાતે મોકલી દેવાયા હતા.

જે બાદ ગુરુવારે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર જતીન પટેલે માહિતી આપી હતી કે મુફતીને પાસા અંતર્ગત ડિટેઇન કરીને વડોદરા સૅન્ટ્રલ જેલ મોકલી દેવાયા હતા.

પટેલે કહ્યું હતું કે, “જૂનાગઢના કલેક્ટર દ્વારા તેમની સામે વૉરંટ જાહેર કરાતા તેમની પાસા અંતર્ગત અટકાયત કરાઈ છે.”

મુફતી સલમાન અઝહરી કોણ છે?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

મુફતી સલમાન અઝહરીની અધિકૃત યૂટ્યૂબ ચેનલ પર આપેલી માહિતી અનુસાર મુફતી સલમાન અલ-અઝહરી મુંબઈસ્થિત સુન્ની ઇસ્લામિક રિસર્ચ સ્કૉલર છે. તેઓ ધાર્મિક ઉપદેશક અને મોટિવેશનલ સ્પીકર તરીકે ખ્યાતિ ધરાવે છે.

તેમણે ‘ઇસ્લામિક દાવા’ઓ પર જામિયા અલ-અઝહર, ઇજિપ્તથી ગ્રૅજ્યુએશન કર્યું છે.

મુફતી સલમાન અઝહરી જામિયા રિયાઝુલ જન્નાહ, અલ-અમાન ઍજ્યુકેશન ઍન્ડ વેલફેર ટ્રસ્ટ અને દારૂલ અમાનના સ્થાપક છે.

તેઓ મુખ્યત્વે સામાજિક-ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. મુસ્લિમ સમુદાયમાં તેમણે તેમનાં ભાષણો અને માર્ગદર્શનથી ઘણી પ્રસિદ્ધિ મેળવી છે.

તેમની યૂટ્યૂબ ચેનલ પર તેમના 4.6 લાખથી વધુ ફૉલૉઅર્સ છે.

મુફતી સલમાન અઝહરીનો વિવાદ શું હતો?

જૂનાગઢના બી-ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે એક કાર્યક્રમમાં મુફતી સલમાન અઝહરીએ ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં તેમણે આપેલા ભાષણની એક 21 સેકન્ડની ક્લિપ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી હતી.

કાર્યક્રમમાં તેમણે આપેલા ભાષણનો આખો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે.

આ કાર્યક્રમમાં તેઓ ઇરાક, પેલેસ્ટાઇન, અફઘાનિસ્તાન, આરબ દેશોમાં મુસ્લિમોની થઈ રહેલી હત્યાઓ વિશે બોલી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે આપણા માર્યા જવાથી ઇસ્લામ ખતમ નહીં થાય.

તેઓ કહે છે, "દુનિયા આજે આપણને સંભળાવે છે કે તમે જો એટલા જ સાચા છો તો કેમ મરી રહ્યા છો. પેલેસ્ટાઈનમાં કેમ તમારા આટલાં બધાં મૃત્યુ થયાં? ઇરાક, યમન, પેલેસ્ટાઇન, અફઘાનિસ્તાન, આરબ દેશો અને મ્યાનમાર...દરેક જગ્યાએ કેમ તમે મરી રહ્યા છો?"

"જો આપણને ક્યાંય મારવામાં આવે છે, તો એક વાત યાદ રાખો કે આપણા માર્યા જવાથી ઇસ્લામ ખતમ નથી થતો. જો ઇસ્લામ ખતમ થવાનો હોત તો કરબલામાં જ થઈ જાત. ઇસ્લામનું સત્ય એ છે કે ઇસ્લામ જીવંત રહે છે... દરેક કરબલા પછી પણ જીવંત રહે છે."

એવું કહેવાઈ રહ્યું છે કે તેમના આ નિવેદનને કારણે વિવાદ થયો છે.

ગુજરાત પોલીસની એફઆઈઆરમાં શું હતું?

ગુજરાત પોલીસે મુફતી સલમાન અઝહરી અને બંને આયોજકો મોહમ્મદ યુસુફ મલેક, અઝીમ હબીબ ઓડેદરા સામે કલમ 153-બી (વિવિધ ધાર્મિક સમુદાયો વચ્ચે દ્વેષ ફેલાવવો), 505(2) હેઠળ ગુનો નોંધ્યો હતો.

એફઆઈઆર પ્રમાણે આયોજકોએ જૂનાગઢની નરસિંહ મહેતા સ્કૂલના મેદાનમાં સભાનું આયોજન કર્યું હતું જેમાં તેમણે મુસ્લિમ સમુદાયના આગેવાનોને તેમજ મૌલાનાઓને આમંત્રણ આપ્યું હતું.

આ કાર્યક્રમમાં મૌલાના અલહાજ મુફતી સલમાન અઝહરીએ ધાર્મિક ભાષણના બહાને કોમી એકતા ભંગ કરી જાહેર સુલેહ શાંતિનો ભંગ કરવાના ઇરાદે બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય તે રીતે ભડકાઉ અને ઉશ્કેરણીજનક ભાષણ કર્યું હોવાનો આરોપ એફઆઈઆરમાં મૂકવામાં આવ્યો હતો.

એફઆઈઆર પ્રમાણે તેમણે આ કાર્યક્રમની મંજૂરી નશામુક્તિ અંગેની જાગૃતિ ફેલાવવા માટે લીધી હતી.

તેમના પર આરોપ છે કે તેમણે સરકાર વિરુદ્ધ દ્વેષભાવ ઉત્પન્ન કરી મુસ્લિમ સમાજને ગેરમાર્ગે દોરવાના ઇરાદે ભડકાવનારું ભાષણ કર્યું હતું.

રેડ લાઇન
રેડ લાઇન