રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે : '2024નાં ચૂંટણી પરિણામો પછી ભાજપનો ડર ખતમ'

ઇમેજ સ્રોત, INC
લોકસભામાં વિપક્ષના નેતા અને કૉંગ્રેસ સંસદસભ્ય રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે. લોકસભામાં વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધી પ્રથમ વખત અમેરિકાના પ્રવાસે ગયા છે.
આ દરમિયાન રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પર નિશાન તાક્યું હતું.
રાહુલ ગાંધીએ કહ્યું, "ચૂંટણીનાં પરિણામો આવ્યાં તેની થોડીક મિનિટો પછી જ લોકોનાં મનમાં ભાજપ અને ભારતના વડા પ્રધાનનો ડર ખતમ થઈ ગયો."
2024માં લોકસભાની ચૂંટણીમાં ભાજપે 240 બેઠકો જીતી હતી. જોકે, એનડીએનાં ઘટક દળોની મદદથી નરેન્દ્ર મોદીએ સરકાર બનાવી હતી.
આ ચૂંટણી પછી કૉંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધને ચૂંટણી પરિણામોને પોતાની જીત તરીકે ગણાવી છે.
હવે રાહુલ ગાંધી વૉશિંગ્ટન ડીસીમાં પણ કેટલાક કાર્યક્રમો પર ભાગ લેશે.
રાહુલ ગાંધીના અમેરિકા પ્રવાસ પર ભાજપની પ્રતિક્રિયા

ઇમેજ સ્રોત, @amitmalviya/X
રાહુલ ગાંધી પહેલાં પણ અમેરિકાના પ્રવાસે ગયા છે.
રાહુલ ગાંધીએ ટેક્સાસમાં એક કાર્યક્રમમાં કહ્યું કે, "આરએસએસ માને છે કે ભારત 'એક વિચાર' છે જ્યારે અમે માનીએ છીએ કે ભારત 'અનેક વિચારો'થી બનેલો દેશ છે. અમે અમેરિકાની જેમ માનીએ છીએ કે દરેકને સપનાં જોવાનો અધિકાર છે. બધાને ભાગીદારીનો અવસર મળવો જોઈએ અને આ જ લડાઈ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રાહુલના નિવેદન પર ભાજપના સાંસદ ગિરિરાજ સિંહે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, "આરએસએસને જાણવા માટે રાહુલ ગાંધીને ઘણા જન્મ લાગશે. કોઈ દેશદ્રોહી આરએસએસને ન જાણી શકે. જે વિદેશમાં જઈને દેશની ટીકા કરે તે આરએસએસને ન જાણી શકે. લાગે છે કે રાહુલ ગાંધી ભારતને બદનામ કરવા માટે વિદેશ જાય છે."
તેમણે કહ્યું કે, હું વારંવાર કહું છું કે રાહુલ ગાંધી આ જન્મમાં આરએસએસને નહીં સમજી શકે, કારણ કે આ સંગઠન ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિમાંથી જન્મ્યુ છે."
રાહુલ ગાંધી પહેલાં પણ અમેરિકાના પ્રવાસ પર ગયા છે અને તેમના વિદેશ પ્રવાસ પર ભાજપનું વલણ આક્રામક રહ્યું છે.
ઇન્ડિયન ઓવરસીઝ કૉંગ્રેસના ચૅરમૅન સૅમ પિત્રોડાએ ટેક્સાસમાં રાહુલ ગાંધીનો પરિચય કરાવતા કહ્યું કે, "રાહુલ ગાંધીની પાસે એક વિઝન છે. આ એ વાતની વિરુદ્ધ છે જેના માટે ભાજપે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો. તેઓ પપ્પુ નથી. તેઓ ખૂબ જ શિક્ષિત વ્યક્તિ છે અને ઘણો અભ્યાસ કર્યો છે. તેઓ એક રણનીતિકાર છે જેમની પાસે કોઇપણ મુદા પર ગંભીર વિચાર છે."
ભાજપ આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "કલ્પના કરો કે કોઈ રાહુલ ગાંધીનો પરિચય એવી રીતે આપે છે કે તે પપ્પુ નથી અને સૅમ પિત્રોડાએ તે કરી બતાવ્યું."
સૅમ પિત્રોડાના એક નિવેદન પર લોકસભાની ચૂંટણી દરમિયાન વિવાદ પણ થયો હતો. તેમણે રાજીનામું પણ આપવું પડ્યું હતું. જોકે, ચૂંટણી પછી ફરીથી તેમની એજ પદ પર નિમણૂક કરાઈ હતી.
સૅમ પિત્રોડાએ મે 2024માં એક ઇન્ટરવ્યૂ કહ્યું હતું, "અમે ભારત જેવા વિવિધતાથી ભરેલા દેશને એકસાથે રાખી શકીએ છીએ, જ્યાં પૂર્વમાં રહેતા લોકો ચાઇનીઝ જેવા દેખાય છે. પશ્ચિમમાં રહેતા લોકો અરબ જોવા દેખાય છે અને ઉત્તરમાં રહેનારા લોકો ગોરા લોકો જેવા દેખાય છે. જ્યારે દક્ષિણમાં રહેતા લોકો આફ્રિકન જેવા લાગે છે. આ વાતથી ફરક પડતો નથી. અમે બધાં ભાઈ-બહેન છીએ."
અમેરિકામાં નવ સપ્ટેમ્બરે થયેલા એક કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ દાવો કર્યો કે ભાજપ ભારતના બંધારણ પર હુમલો કરી રહ્યો છે.
રાહુલ ગાંધીએ શું-શું કહ્યું?

ઇમેજ સ્રોત, INC
રાહુલ ગાંધીએ દાવો કર્યો કે ચૂંટણી દરમિયાન લાખો લોકોએ એ વાતને સ્પષ્ટપણે સમજી કે ભારતના વડા પ્રધાન ભારતના બંધારણ પર હુમલો કરી રહ્યા છે.
રાહુલ ગાંધીએ કહ્યું, "ભારતના બંધારણમાં ભાષા, ધર્મ, પરંપરા અને જાતિ દરેકના સન્માનની વાત કરવામાં આવી છે. બંધારણ આધુનિક ભારતનું મૂળ છે. મેં ચૂંટણી દરમિયાન જોયું કે લોકો સ્પષ્ટપણે સમજી રહ્યા છે કે ભાજપ આપણી પરંપરા, ભાષા, રાજ્ય અને ઇતિહાસ પર હુમલો કરી રહ્યો છે."
છેલ્લી લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ સહિત ઇન્ડિયા ગઠબંધને "બંધારણ ખતરા"માં હોવાની વાત કરી હતી. વિપક્ષી પાર્ટીઓએ ચૂંટણી સભાઓમાં દાવો કર્યો હતો કે જો ભાજપ સત્તામાં આવશે તો બંધારણ બદલી નાખશે.
જોકે, વિપક્ષી દળોના આ દાવાને ભાજપ નકારે છે.
ઇન્ડિયા ગઠબંધનનો આરોપ હતો કે ભાજપ પછાત વર્ગોને મળતી અનામતને ખતમ કરવા માગે છે.
રાહુલ ગાંધીએ કહ્યું, "ભાજપની બીક ખતમ થઈ ગઈ છે. આ ભારતના લોકોની સિદ્ધિ છે. લોકોએ બતાવ્યું કે અમે ભારતના બંધારણ પર કોઈ પણ પ્રકારના હુમલાને સ્વીકારીશું નહીં."
અમેરિકામાં ભારતીય સમુદાય સાથે જોડાયેલા એક કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ કહ્યું, "તમે અહીં મનમાં ઘૃણા નહીં, પરંતુ સન્માન લઈને આવ્યા છો. તમે લોકો અહીં અમારા દૂત છો. આ કારણે તમારી એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. ભારતને અમેરિકાની જરૂર છે અને અમેરિકાને ભારતની. તમે તમારા જૂના રહેઠાણ (ભારત) અને નવા રહેઠાણ અમેરિકા વચ્ચે એક પુલ છો."
રાહુલ ગાંધીએ બેરોજગારી વિશે શું કહ્યું?

ઇમેજ સ્રોત, INC
રાહુલ ગાંધીએ યુનિવર્સિટી ઑફ ટેક્સાસમાં વિદ્યાર્થીઓ સાથે વૈશ્વિક બેરોજગારી અને બીજા મુદ્દાઓ પર વાત કરી હતી.
રાહુલ ગાંધીએ વિદ્યાર્થીને કહ્યું કે આજે ભારતમાં ફોન, ફર્નિચર અને કપડાં દરેક વસ્તુની પાછળ "મેડ ઇન ચીન" લખેલું હોય છે.
તેમણે વિદ્યાર્થીઓને પોતાની ચાર હજાર કિલોમીટરની ભારત જોડો યાત્રા વિશે પણ વાત કરી.
રાહુલ ગાંધીએ કહ્યું, "તમે જે પ્રથમ પ્રશ્ન પૂછ્યો તે એ છે કે હું ચાર હજાર કિલોમીટર કેમ કામ ચાલ્યો, આવું કરવાની શું જરૂર પડી?"
"તેનું કારણ એ છે કે ભારતમાં સંચારના બધા જ રસ્તાઓ બંધ છે. અમે સંસદમાં વાત કરી પરંતુ તેનું ટેલિવિઝન પર પ્રસારણ ન થયું. અમે મીડિયા પાસે ગયા, પરંતુ તેમને અમારી વાત ન સાંભળી. અમે કાયદા વ્યવસ્થા સામે દસ્તાવેજો પણ રજૂ કર્યા, પરંતુ કંઈ જ ન થયું. બધા જ રસ્તા બંધ થઈ ગયા અને અમે લાંબા સમય સુધી અમે સમજી ન શક્યા કે સંવાદ કેવી રીતે કરવો."
તેમણે ઉમેર્યું, "પછી અચાનક જ અમને વિચાર આવ્યો કે જો મીડિયા સામાન્ય લોકો સુધી પહોંચી રહ્યું નથી અને સંસ્થાઓ અમને લોકો સાથે જોડી રહી નથી તો અમે સીધા જ લોકો પાસે જશું."
રાહુલ ગાંધીએ દાવો કર્યો, "આ યાત્રાએ મારા કામ વિશે વિચારવાની રીતને મૌલિક રૂપે બદલી નાખી. આ યાત્રામાં ઘણા લોકો સામેલ હતા. કોઈ પણ પ્રકારના આયોજન વગર સ્વાભાવિકરૂપે સૌથી સારી વાત જે બની તે રાજકારણમાં પ્રેમના વિચારનો પરિચય થયો. આ વિચિત્ર છે. કારણ કે મોટા ભાગના દેશોના રાજકીય વિમર્શમાં તમને પ્રેમ શબ્દ ક્યારેય મળશે નહીં. તમને નફરત, ગુસ્સો, અન્યાય, ભ્રષ્ટાચાર જેવા શબ્દો મળશે."
વિશ્વના ઉત્પાદન પર ચીનનો કબજો
રાહુલ ગાંધીએ કહ્યું કે વિશ્વમાં બધી જ જગ્યાએ રોજગારીની સમસ્યા નથી. પશ્ચિમી દેશોમાં અને ભારતમાં રોજગારની સમસ્યા છે. જોકે, ચીન અને વિયેતનામમાં રોજગારીની સમસ્યા નથી.
રાહુલ ગાંધીએ કહ્યું કે, "અમેરિકા વર્ષ 1940, 50, 60ના દાયકામાં વૈશ્વિક ઉત્પાદનનું કેન્દ્ર હતું. અમેરિકામાં કાર, વૉશિંગ મશીન, ટીવી, બધું જ બનાવવામાં આવતું હતું. જોકે, આ ઉત્પાદન ધીમે-ધીમે કોરિયા, જાપાન અને હવે ચીનમાં જતું રહ્યું."
રાહુલે કહ્યું, "તમે જુઓ તો ચીનની વૈશ્વિક ઉત્પાદન પર મજબૂત પકડ છે. તમે ભારતમાં ફોન, ફર્નિચર, કપડાં જુઓ તો બધાની પાછળ "મેડ ઇન ચાઇના" લખેલું હોય છે. આ એક તથ્ય છે."
"તો શું થયું? પશ્ચિમી દેશો, અમેરિકા, યુરોપ અને ભારતે ઉત્પાદનનો વિચાર છોડી દીધો અને ઉત્પાદન ચીનને સોંપી દીધું."
રાહુલ ગાંધીએ રોજગારીની સમસ્યા પર વાત કરી હતી. તેમણે કહ્યું, "ઉત્પાદનનું કામ રોજગારી ઊભી કરવાનું છે. આપણે જે કરીએ છીએ, જે અમેરિકા અથવા પશ્ચિમના દેશો કરે છે તે વપરાશનું આયોજન કરીએ છીએ."
રાહુલ ગાંધીના મત પ્રમાણે ભારતે ઉત્પાદનનું કામ અને ઉત્પાદનને વ્યવસ્થિત કરવા માટે વિચારવાની જરૂર છે. ચીન, વિયેતનામ અને બાંગ્લાદેશની ઉત્પાદન પર પકડ વધી રહી છે.
રાહુલ ગાંધીએ કહ્યું, "બાંગ્લાદેશ હાલમાં સમસ્યાનો સામનો કરી રહ્યું છે તેમ છતાં પણ કપડાંના ઉદ્યોગમાં આપણી સાથે સ્પર્ધા કરી રહ્યું છે. બાંગ્લાદેશે કપડાં ઉદ્યોગમાં આપણો સફાયો કરી નાખ્યો."
જોકે, વડા પ્રધાન મોદી ઘણી વખત કહેતા રહ્યા છે કે ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધી રહી છે.
નવા રસ્તાઓ, વિમાન મથકો, બંદર અને મેટ્રો લાઇનનું નિર્માણ નરેન્દ્ર મોદીની આર્થિકનીતિનું કેન્દ્ર છે. તેમની સરકાર છેલ્લાં ત્રણ વર્ષથી દર વર્ષે 100 અબજ ડૉલરની રકમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પાછળ ખર્ચ કરી રહી છે.
2014થી 2024ની વચ્ચે ભારતમાં લગભગ 54 હજાર કિલોમીટર લાંબા નેશનલ હાઇવે બનાવવામાં આવ્યા છે. આ આંકડો તે પહેલાંનાં 10 વર્ષોમાં બનેલા નેશનલ હાઇવે કરતા બમણો છે.
વર્ષ 2020-21માં જીડીપીના પ્રમાણમાં ખાનગી રોકાણ માત્ર 19.6 ટકા હતું. જ્યારે 2007-08માં જીડીપીની તુલનામાં ખાનગી રોકાણ 27.5 ટકા સાથે ટોચ પર હતું.
જોકે, બેરોજગારીના મુદ્દે વડા પ્રધાન મોદીની ઘણી ટીકા થતી રહી છે.
આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠને જાહેર કરેલા હાલના આંકડાઓ પ્રમાણે, વર્ષ 2000માં દેશમાં ભણેલા બેરોજગારોની સંખ્યા 54.2 ટકા હતી જે 2022માં વધીને 65.7 ટકા સુધી પહોંચી ગઈ.
રાહુલ ગાંધીએ કહ્યું, "ભારતમાં લોકતાંત્રિક માહોલમાં ઉત્પાદન કરવાની રીતો વિશે ફરીથી વિચાર કરવો જોઈએ અને જ્યાં સુધી તે થશે નહીં ત્યાં સુધી આપણે ભારે બેરોજગારીનો સામનો કરવો પડશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















