ગાયક ઝુબિન ગર્ગના મૃત્યુ મામલે ચાર્જશીટ દાખલ, સાતની ધરપકડ – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Dr. Palmee Borthakur
આસામથી બીબીસી હિંદીના પ્રતિનિધિ દિલીપકુમાર શર્મા જણાવે છે કે આસામ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે (એસઆઇટી) શુક્રવારે ઝુબિન ગર્ગના મૃત્યુ મામલે ચાર્જશીટ દાખલ કરી છે.
નવ સભ્યોની એસઆઇટીએ ત્રણ હજાર 500 પાનાંની ચાર્જશીટ ગૌહાટી ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ સમક્ષ દાખલ કરી છે. એસઆઇટીએ 300થી વધુ લોકોની જુબાની લીધી છે અને સાત શખ્સોની ધરપકડ કરી છે.
19 સપ્ટેમ્બરના રોજ 52 વર્ષીય ગર્ગનું સિંગાપોરમાં મૃત્યુ થયું હતું. એ સમયે એવું જણાવવામાં આવ્યું હતું કે પાણીમાં ડૂબવાને કારણે તેમનું નિધન થયું હતું.
ગર્ગના પરિવાર તથા ચાહકોએ સંદિગ્ધ પરિસ્થિતિમાં લોકપ્રિય ગાયકના મૃત્યુ અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને ગત ત્રણેક મહિનાથી અલગ-અલગ માધ્યમ અને મંચ મારફત ન્યાય માગી રહ્યા હતા.
આસામની સીઆઇડીએ (ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ) ગુનાહિત કાવતરું ઘડવું, બિનઇરાદાપૂર્વક હત્યા અને લાપરવાહીને કારણે મૃત્યુ વગેરે જેવી કલમો હેઠળ કેસ દાખલ કર્યો, જોકે, પાછળથી તેમાં હત્યાનો આરોપ પણ ઉમેરવામાં આવ્યો હતો.
તપાસ સાથે જોડાયેલા એક વકીલના કહેવા પ્રમાણે, ચાર્જશીટ પહેલાં કોર્ટના જનરલ રજિસ્ટર બ્રાન્ચને મળશે. તેની પ્રારંભિક પ્રક્રિયા બાદ સ્ક્રૂટિની માટે મૅજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે, એ પછી સેશન્સ કોર્ટને મોકલી દેવામાં આવશે, જ્યાં ખટલો ચાલશે.
અન્ય એક વકીલના જણાવ્યા પ્રમાણે, આ કેસ હાઇપ્રોફાઇલ હોવાથી સ્ક્રૂટિનીમાં બેથી ત્રણ દિવસનો સમય લાગી શકે છે. મૅજિસ્ટ્રેટના રેકૉર્ડ ઉપર આવ્યા બાદ સામાન્ય લોકો પણ આ આરોપનામું જોઈ શકશે.
વૈભવ સૂર્યવંશીએ રમી 171 રનની આક્રમક ઇનિંગ

ઇમેજ સ્રોત, Getty Images
દુબઈ ખાતે અંડર-19 એશિયા કપ 2025 રમાઈ રહ્યો છે. જેના પહેલા મૅચમાં વૈભવ સૂર્યવંશીએ યુએઇ વિરુદ્ધ માત્ર 56 બૉલમાં આક્રમક સદી ફટકારીને ઇતિહાસ રચ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વૈભવ સૂર્યવંશીએ કુલ 95 બૉલમાં 171 રન ફટકાર્યા હતા. આ ઇનિંગમાં વૈભવે 14 છગ્ગા અને નવ ચોગ્ગા માર્યા હતા. આ સાથે જ તેમણે નવો રેકૉર્ડ બનાવ્યો હતો.
ક્રિકેટને લગતી વેબસાઇટ ઇએસપીએનક્રિકઇન્ફોના જણાવ્યા પ્રમાણે, "ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાની સાથે જ વૈભવ એક જ ઇનિંગમાં સૌથી વધુ સિક્સ ફટકારનારા બૅટ્સમૅન બની ગયા છે."
ઉલ્લેખનીય છે કે યુએઇએ ટૉસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઇન્ડિયા અંડર-19એ છ વિકેટના ભોગે 50 ઓવરમાં 433 રન ખડક્યા હતા.
વૈભવની ઉંમર 14 વર્ષ છે તથા આઇપીએલની ટીમ રાજસ્થાન રૉયલ્સ વતી રમે છે.
આઇપીએલ-2025માં જયપુર ખાતે રમાયેલી મૅચ દરમિયાન વૈભવે ગુજરાત ટાઇટન્સ સામે 38 બૉલમાં 101 રન બનાવ્યા હતા.
આ સાથે જ તેઓ મૅન્સ ટી20 ક્રિકેટમાં સૌથી નાની ઉંમરે સદી ફટકારનારા ખેલાડી બની ગયા હતા.
જાપાનમાં ફરી 6.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી

ઇમેજ સ્રોત, Getty Images
જાપાનમાં ઉત્તર પેસિફિક દરિયાકિનારે ધરતીકંપ આવ્યો છે જેની તીવ્રતા 6.7 નોંધવામાં આવી છે. આના કારણે સુનામીની ચેતવણી અપાઈ છે.
દરમિયાન જાપાન હવામાન એજન્સી પ્રમાણે હાચિનોહે શહેરમાં 20 સેમી ઊંચા સુનામીના મોજાં નોંધાયા છે.
હજુ થોડા દિવસો અગાઉ જ આ વિસ્તારમાં 7.5ની તીવ્રતાનો ધરતીકંપ આવ્યો હતો અને તે વખતે પણ સુનામીની ચેતવણી અપાઈ હતી. તે વખતે લગભગ 50 લોકોને ઇજા થઈ હતી અને હજારો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
હવે 6.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યા પછી છ હજારથી વધુ લોકોને અમુક વિસ્તારમાંથી ખસેડવામાં આવ્યા છે. આજના ધરતીકંપથી સમુદ્રની સપાટીમાં ઉથલપાથલ થવાની શક્યતા દર્શાવવામાં આવે છે.
હવામાન વિભાગે ચેતવણી આપી છે કે શુક્રવારે આવેલા ભૂકંપથી લગભગ 3.3 ફૂટ ઊંચી સુનામીની લહેરો ઉઠી શકે છે.
ભૂતપૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટીલનું અવસાન, પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ આપી

ઇમેજ સ્રોત, Narendra Modi/X
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટીલનું અવસાન થયું છે. તેઓ 91 વર્ષના હતા.
સમાચાર એજન્સી પીટીઆઈએ શિવરાજ પાટીલના પરિવારને ટાંકીને જણાવ્યું કે તેઓ કેટલાક સમયથી બીમાર હતા.
સવારે લગભગ સાડા છ વાગ્યે તેમણે લાતુરસ્થિત પોતાના ઘરમાં અંતિમ શ્વાસ લીધા.
મહારાષ્ટ્રના શિવરાજ પાટીલ ચાકૂરકર મરાઠવાડામાં લાતુરના સાંસદ રહી ચૂક્યા છે. તેઓ 2008માં મુંબઈ હુમલા વખતે દેશના ગૃહમંત્રી હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઍક્સ પર લખ્યું છે કે "શિવરાજ પાટીલજીના નિધનના સમાચાર સાંભળીને વ્યથિત થયો છું. તેઓ એક અનુભવી નેતા હતા. તેમણે પોતાના લાંબા જાહેર જીવન દરમિયાન ધારાસભ્ય, સાંસદ, કેન્દ્રીય મંત્રી, મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ અને લોકસભાના અધ્યક્ષ તરીકે કામ કર્યું હતું. તેઓ સમાજકલ્યાણમાં યોગદાન આપવા માટે સમર્પિત હતા."
કૉંગ્રેસના નેતા રણદીપસિંહ સુરજેવાલાએ એક્સ પર લખ્યું કે, "વરિષ્ઠ નેતા શિવરાજ પાટીલના નિધન વિશે જાણીને દુખ થયું. વિનમ્ર શ્રદ્ધાંજલિ."
સૂર્યકુમારે સાઉથ આફ્રિકા સામે હાર બાદ કોને દોષ આપ્યો?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સાઉથ આફ્રિકા સામે ટી20માં ભારતના પરાજય પછી ટીમના કૅપ્ટન સૂર્યકુમાર યાદવે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, "હું અને શુભમન ગિલ સારી શરૂઆત કરી શક્યા હોત. અભિષેક હંમેશાં કઈ ના કરે. મારે છેલ્લે સુધી બેટિંગ કરવા જેવી હતી. અમે તેમાંથી શીખીશું અને સારું કરવા પ્રયત્ન કરીશું."
યાદવે કહ્યું કે, "સાઉથ આફ્રિકાને પહેલી ઇનિંગ બાદ કંઈ લેન્થ પર બૉલ નાખવો તે સમજાયું. થોડું ઝાકળ હતું. જો અમારો પહેલો પ્લાન કામ કરતો ન હતો તો અમારે બીજા પ્લાન પર જવું જોઇતું. સાઉથ આફ્રિકા પાસેથી શીખવા જેવું છે."
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ચંડીગઢમાં રમાયેલી બીજી ટી-20 મૅચમાં ભારતીય ક્રિકેટ ટીમનો 51 રને પરાજય થયો હતો. ભારતે ટૉસ જીતીને ફિલ્ડિંગ પસંદ કર્યા બાદ સાઉથ આફ્રિકાએ ચાર વિકેટે 213 રન બનાવ્યા હતા. તેની સામે ભારતીય ટીમ 162 રન બનાવી ઑલઆઉટ થઈ હતી.
સાઉથ આફ્રિકા તરફથી ડિકોકે 46 બૉલમાં 90 રન બનાવ્યા હતા. જ્યારે ભારત તરફથી તિલક વર્માએ 62 રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકાના ઑટનીલ બાર્ટમેને 24 રન બનાવી ચાર વિકેટ લીધી હતી.
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની પાંચ ટી20ની સિરિઝમાં હવે 1-1ની બરાબરી થઈ ગઈ છે.
'મહિલાઓ રસોઈના હથિયારો સાથે તૈયાર રહે', મમતા બેનરજીએ SIR વિશે આમ કેમ કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ ગુરુવારે નદિયા જિલ્લાના કૃષ્ણનગરમાં મતદાર યાદીમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) મુદ્દે નિવેદન આપ્યું છે.
તેમણે મહિલાઓને કહ્યું કે "તમારાં નામ મતદાર યાદીમાંથી કાપી નાખવામાં આવે તો મહિલાઓ રસોઈના હથિયારો સાથે તૈયાર રહે."
પશ્ચિમ બંગાળમાં ગુરુવારે જ એસઆઈઆરની કામગીરી પૂરી થઈ છે.
મમતા બેનરજીએ રોહિંગ્યા અને બાંગ્લાદેશી હોવાની શંકા પર બાંગ્લાભાષીઓને બળજબરીથી સીમા પાર ધકેલવાના મુદ્દે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને નિશાન બનાવ્યા હતા.
તેમણે કહ્યું કે "અમે જાણીએ છીએ કે બંગાળથી કોઈને બળજબરીથી ખસેડવામાં આવે તો તેમને પાછા કેવી રીતે લાવી શકાય છે. હું કોઈને બંગાળમાંથી બહાર ધકેલવા નહીં દઉં."
તેમણે એસઆઈઆરના મુદ્દે ચૂંટણીપંચ અને ભાજપ પર નિશાન તાકતા કહ્યું કે "એસઆઈઆર દ્વારા કોઈનું નામ મતદારયાદીમાંથી બહાર કરવામાં આવશે તો તેઓ તેની વિરુદ્ધ ધરણા પર બેસશે."
વડા પ્રધાન મોદી 15થી 18 ડિસેમ્બર સુધી વિદેશ પ્રવાસ કરશે

ઇમેજ સ્રોત, Getty Images
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 ડિસેમ્બરથી જૉર્ડન, ઇથિયોપિયા અને ઓમાનનો ચાર દિવસનો પ્રવાસ કરવાના છે. વિદેશ મંત્રાલયે એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપી છે.
વડા પ્રધાન મોદી 15થી 16 ડિસેમ્બર સુધી જૉર્ડનના પ્રવાસે રહેશે. જૉર્ડનના કિંગ અબ્દુલ્લાહ દ્વિતિય બિન અલ હુસેનના આમંત્રણ પર તેઓ ત્યાં જઈ રહ્યા છે.
આ દરમિયાન કિંગ હુસેન અને પીએમ મોદી વચ્ચે ભારત અને જૉર્ડન વચ્ચે તમામ ક્ષેત્રમાં સહયોગની વાતચીત કરવામાં આવશે. તેઓ પ્રાદેશિક મુદ્દા પર પણ વિચારવિમર્શ કરશે.
બંને દેશો વચ્ચે ડિપ્લોમેટિક સંબંધોનાં 75 વર્ષની વર્ષગાંઠે આ પ્રવાસ યોજાઈ રહ્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















