નીતીશ કુમારે મહિલાનો હિજાબ ખેંચ્યાનો મામલો, સમાજવાદી પાર્ટીનાં સાંસદ ઇકરા હસને શું કહ્યું– ન્યૂઝ અપડેટ

બિહારના મુખ્ય મંત્રી નીતીશ કુમાર, બીબીસી ગુજરાતી
પ્રકાશિત
વાંચવાનો સમય: 7 મિનિટ

બિહારના મુખ્ય મંત્રી નીતીશકુમારે એક મહિલા ડૉક્ટરનો હિજાબ ખેંચ્યાનો મામલો સામે આવ્યા બાદ સમાજવાદી પાર્ટીનાં સાંસદ ઇકરા હસને પ્રતિક્રિયા આપી હતી.

યુપીના કૈરાનાનાં સાંસદ ઇકરા હસને કહ્યું કે, "બહુ અફસોસની વાત છે કે પ્રદેશના સૌથી ઊંચા પદ પર બેઠી વ્યક્તિએ આવી હરકત કરી."

"તેમના સ્વાસ્થ્યને લઈને અમે બહુ ચિંતામાં છીએ. મને લાગે છે કે આટલી ગરિમા ધરાવતા પદ પર રહીને ભલે સ્વાસ્થ્યનું કારણ હોય કે કોઈ કારણ હોય, આ સ્વીકાર્ય નથી."

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં જોઈ શકાય છે કે મુખ્ય મંત્રી નીતીશકુમાર નિયુક્તિપત્ર આપી રહ્યા છે ત્યારે તેઓ આયુષ ડૉક્ટરના ચહેરા પરથી હિજાબ ખેંચી રહ્યા છે.

આને લઈને વિપક્ષી પાર્ટીઓએ નીતીશકુમાર પર નિશાન સાધ્યું છે અને તેમને 'માનસિક રૂપથી અસ્થિર' ગણાવ્યા છે.

નીતીશ કુમારે મહિલાનો હિજાબ ખેંચ્યાનો મામલો, પાકિસ્તાનના માનવાધિકારપંચે ભારત પાસે શું માગ ક

બિહારના મુખ્ય મંત્રી નીતીશ કુમાર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, X/@jamshed_hrc

બિહારના મુખ્ય મંત્રી નીતીશકુમારે મહિલાનો હિજાબ ખેંચવાના મામલે પાકિસ્તાનની માનવ અધિકાર પરિષદે ઍક્સ પર પોસ્ટ કરી છે.

આ ઘટનાનો વીડિયો શૅર કરતા હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ ઑફ પાકિસ્તાને ઍક્સ પર લખ્યું છે કે, "પાકિસ્તાનની માનવઅધિકાર પરિષદ ભારતના બિહાર રાજ્યના મુખ્ય મંત્રી નીતીશકુમારના શર્મનાક, ટીકા યોગ્ય અને અમાનવીય કૃત્યની નિંદા કરીએ છીએ."

પરિષદે લખ્યું કે, "જાહેરમાં કોઈ મુસ્લિમ મહિલાનો હિજાબ જબરદસ્તી હટાવવો મુસ્લિમ મહિલાઓ અને પૂર્ણ મુસ્લિમ સમુદાયની ધાર્મિક ભાવનાઓનું ખુલ્લું અપમાન છે."

"પાકિસ્તાનની માનવઅધિકાર પરિષદ માગ કરે છે કે ભારત સરકાર આ ઘટનાની તરત, પારદર્શી અને નિષ્પક્ષ તપાસ કરે."

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં દેખાય છે કે મુખ્ય મંત્રી નીતીશ કુમાર નિયુક્તિ પત્ર આપતા એક આયુષ ડૉક્ટરના ચહેરા પરથી હિજાબ હટાવી રહ્યા છે.

આઇપીએલ ઑક્શન 2026 : ફાસ્ટ બૉલર મથીશા પથિરાના 18 કરોડ રૂપિયામાં વેચાયા

 મથીશા પથિરાનાને કોલકાતા નાઇટ રાઇડર્સે 18 કરોડ રૂપિયામાં ખરીદ્યા, આઈપીએલ ઑક્શન 2026

ઇમેજ સ્રોત, Getty Images

આઈપીએલ ઑક્શન 2026માં શ્રીલંકાના ફાસ્ટ બૉલર મથીશા પથિરાનાને કોલકાતા નાઇટ રાઇડર્સે 18 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે.

આઈપીએલ ઑક્શનના ફાસ્ટ બૉલરોના સેટમાં ન્યૂઝીલૅન્ડના જેકબ ડફીને રૉયલ ચૅલેન્જર્સ બેંગલુરુ (આરસીબી)એ બે કરોડ રૂપિયામં ખરીદ્યા છે.

ત્યારે દક્ષિણ આફ્રિકાના બૉલર અનરિખ નૉખિયેને લખનઉ સુપર જાયન્ટ્સે બે કરોડ રૂપિયામાં ખરીદ્યા છે.

આ સિવાય ન્યૂઝીલૅન્ડના મૅટ હેનરી, ભારતના આકાશદીપ અને શિવમ માવી, દક્ષિણ આફ્રિકાના ગેરાલ્ડ કોએત્ઝી, ઑસ્ટ્રેલિયાના સ્પેન્સર જૉનસન અને અફઘાનિસ્તાનના ફઝલહક ફારૂકી ના વેચાયા.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, આઇપીએલ, કૅમરુન ગ્રીન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કૅમરુન ગ્રીનને કોલકાતા નાઇટ રાઇડર્સે 25 કરોડ 20 લાખ રૂપિયામાં ખરીદ્યા છે

કૅમેરોન ગ્રીન 25.20 કરોડ કોલકાતા નાઇટ રાઇડર્સ

ઑસ્ટ્રેલિયાના ખેલાડી કૅમેરોન ગ્રીનને આઇપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સે 25.20 કરોડની મોટી રકમ આપીને ખરીદ્યા છે.

ગત સિઝનમાં તેમણે રોયલ ચૅલેન્જર્સ બેંગુલુરુ તરફથી રમતા 12 ઇનિંગ્સમાં 255 રન ફટકાર્યા હતા તથા 13 વિકેટ ઝડપી હતી.

દિલ્હી-આગરા યમુના એક્સપ્રેસવે પર ધુમ્મસને કારણે ભીષણ અકસ્માતમાં ઓછામાં ઓછા 13નાં મોત

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઠંડી, ધુમ્મસ, દિલ્હી

ઇમેજ સ્રોત, Suresh Saini

ઇમેજ કૅપ્શન, એસએસપી શ્લોકકુમારે કહ્યું કે ત્રણ મૃતદેહોની ઓળખ થઈ ચૂકી છે

દિલ્હી-આગરા યમુના પર ગાઢ ધુમ્મસને કારણે થયેલા અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 13 થઈ ગઈ છે. મથુરાના એસએસપી શ્લોકકુમારે આની જાણકારી આપી.

આ અકસ્માત મથુરાના બલદેવ વિસ્તારમાં મગંળવારે સવારે લગભગ 4.30 વાગ્યે થયો. તેમાં આઠ બસો અને ત્રણ નાનાં વાહન એકબીજા સાથે અથડાયાં હતાં. પહેલાં આ અકસ્માતમાં ચાર લોકોનાં મૃત્યુ થયાં હોવાની વાત કહેવાઈ હતી.

એસએસપી શ્લોકકુમારે જણાવ્યું, "યમુના એક્સપ્રેસવે પર થયેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં આઠ બસો અને ત્રણ નાનાં વાહનો ટકરાતાં આગ ફાટી નીકળી હતી. આ અકસ્માત બાદ મળી આવેલા મૃતદેહોને પોસ્ટમૉર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. કેટલાક લોકોને બચાવી લેવાયા હતા, કેટલાકને ઇલાજ માટે દાખલ કરાયા હતા."

તેમણે કહ્યું, "સ્થળ પરથી મળેલા કાટમાળ અને અન્ય અવશેષોને મૉર્ચુરીમાં મોકલવામાં આવ્યા હતા. ડૉક્ટરોએ તેનું પરીક્ષણ કર્યું. પરીક્ષણ બાદ 13 મૃત્યુની પુષ્ટિ થઈ છે."

પોલીસ અધિકારીએ જણાવ્યું કે ત્રણ મૃતદેહોની ઓળખ થઈ છે. જ્યારે અન્ય મૃતદેહોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરાશે.

બૉન્ડી બીચ હુમલો : હુમલાખોરો સામેની નવી જાણકારી આવી સામે

બૉન્ડી બીચ હુમલો : હુમલાખોરો સામેની નવી જાણકારી આવી સામે – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Saeed KHAN / AFP via Getty

ઑસ્ટ્રેલિયાના સિડનીમાં બૉન્ડી બીચ પર થયેલા હુમલામાં બંદૂકધારીઓના વિશે પોલીસે નવી જાણકારી જાહેર કરી છે.

પોલીસ કમિશનર માલ લેલ્યોને કહ્યું છે કે હુમલા કરનારા બંને બંદૂકધારીઓ હાલમાં જ ફિલિપાઇન્સ ગયા હતા.

તેમણે કહ્યું, "તેઓ ત્યાં કેમ ગયા, કયા ઉદ્દેશથી ગયા અને ત્યાં રહીને તેમણે શું કર્યું? તેની જાણકારી મેળવવામાં આવી રહી છે."

આ પહેલાં એબીસી ન્યૂઝે સંરક્ષણ સૂત્રોના હવાલેથી સમાચાર આપ્યા હતા કે બંને બંદૂકધારી હુમલા પહેલા એક મહિનાથી 'સૈન્ય જેવી તાલીમ' લેવા માટે ફિલિપાઇન્સ ગયા હતા.

સ્થાનિક મીડિયાએ આ હુમલાખોરોની ઓળખ 'સાજિદ અને નવીદ અકરમ' તરીકે કરી છે.

દિલ્હીની હવાની ગુણવત્તા આજે પણ 'ગંભીર' સ્તર પર

દિલ્હીની હવાની ગુણવત્તા આજે પણ 'ગંભીર' સ્તર પર – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ANI

રાજધાની દિલ્હીની હવાની ગુણવત્તા હજુ પણ 'ગંભીર' સ્તર પર બનેલી છે. મંગળવારે દિલ્હીમાં ઘણા વિસ્તારોમાં એક્યૂઆઈ (ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ) 400 પાર હતું.

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રમાણે, દિલ્હીના વજીરપુર વિસ્તારમાં સૌથી વધુ એક્યૂઆઈ 426 જેટલો જોવા મળ્યો હતો.

401થી 500ની વચ્ચે એક્યૂઆઈને 'ગંભીર' અને 301થી 400 વચ્ચે એક્યૂઆઈને 'ઘણું ખરાબ' શ્રેણીમાં મૂક્વામાં આવે છે.

વીડિયો ઍડિટ મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પે બીબીસી સામે બદનક્ષીનો કેસ કર્યો

બીબીસી ગુજરાતી ડોનાલ્ડ ટ્રમ્પ પેનોરમા બદનક્ષી અમેરિકા રાષ્ટ્રપતિ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટ્રમ્પે ગયા મહિને કહ્યું હતું કે તેઓ બીબીસી સામે કેસ કરવાની યોજના ધરાવે છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પેનોરમા ડૉક્યુમેન્ટરીમાં 6 જાન્યુઆરી 2021ના તેમના ભાષણને ઍડિટ કરવા બદલ બીબીસી સામે બદનક્ષીનો કેસ કર્યો છે. ફ્લૉરિડાની કોર્ટના દસ્તાવેજો મુજબ ટ્રમ્પે અબજો ડૉલરના વળતરની માંગણી કરી છે.

બીબીસીએ નવેમ્બરમાં ટ્રમ્પની માફી માગી હતી, પરંતુ વળતરની માંગણીને ફગાવી દેવાઈ હતી. બીબીસીનું કહેવું છે કે "બદનક્ષીના દાવાનો કોઈ આધાર નથી".

ટ્રમ્પની કાનૂની ટીમે આરોપ લગાવ્યો કે "બીબીસીએ તેમના ભાષણની સાથે જાણીજોઈને, દુર્ભાવનાપૂર્ણ અને ભ્રામક રીતે ચેડા કરીને તેમની છબીને નુકસાન પહોંચાડ્યું હતું. બદનક્ષીના કેસ વિશે બીબીસીએ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા નથી આપી."

ફાઇલ થયેલા દસ્તાવેજો પ્રમાણે ટ્રમ્પે બીબીસી પર બદનક્ષીના આરોપ અને ફ્લૉરિડાના ટ્રેડ પ્રૅક્ટિસિસ કાયદાના ભંગ હેઠળ બીજા એક આરોપમાં કેસ કર્યો છે.

ટ્રમ્પે કહ્યું હતું કે પેનોરમા ડૉક્યુમેન્ટરીના ભાગ તરીકે 6 જાન્યુઆરીના ભાષણને જે રીતે ઍડિટ કરવામાં આવ્યું હતું, તેને લઈને તેઓ બીબીસી સામે કેસ કરવાની યોજના ધરાવે છે. આ ડૉક્યુમેન્ટરી બ્રિટનમાં 2024ની અમેરિકન ચૂંટણી અગાઉ પ્રસારિત થઈ હતી.

પેનોરમા ઍડિટ વિવાદ શું છે?

6 જાન્યુઆરી 2021ના પોતાના ભાષણમાં ટ્રમ્પે વૉશિંગ્ટનમાં પોતાના સમર્થકોને કહ્યું હતું, "આપણે કૅપિટલ સુધી ચાલીને જઈશું અને આપણા બહાદુર સેનેટરો અને કૉંગ્રેસમૅન અને વિમૅનનું સમર્થન કરીશું."

ભાષણમાં 50 મિનિટ કરતાં વધુ સમય પછી તેમણે કહ્યું હતું કે, "અને આપણે લડીશું. આપણે પૂરી તાકાતથી લડીશું."

બીબીસીના પેનોરમા કાર્યક્રમની એક ક્લિપમાં ટ્રમ્પને એવું કહેતા દેખાડવામાં આવ્યા, "આપણે કૅપિટલ સુધી ચાલીને જઈશું... અને હું ત્યાં તમારી સાથે રહીશ. અને આપણે લડીશું. આપણે પૂરી તાકાતથી લડીશું."

બીબીસીએ સ્વીકાર્યું કે "આ ઍડિટથી એવી ખોટી ધારણા બની કે તેમણે હિંસક કાર્યવાહી માટે લોકોને સીધી અપીલ કરી હતી."

આ મામલે બીબીસીના ડાયરેક્ટર ટિમ ડેવી અને હેડ ઑફ ન્યૂઝ ડેબોરા ટર્નેસે ગયા મહિને રાજીનામાં આપી દીધાં હતાં.

પીએમ મોદીનો જૉર્ડન પ્રવાસ, ભારતે સમજૂતીઓ કરી

બીબીસી ગુજરાતી વડા પ્રધાન નરેન્દ્ર મોદી જૉર્ડન

ઇમેજ સ્રોત, X/@narendramodi

ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન મોદી જૉર્ડન અને ઓમાનના પ્રવાસે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જૉર્ડનની બે દિવસની મુલાકાતે છે. સોમવારે તેમણે જૉર્ડનના કિંગ અબ્દુલ્લાહ દ્વિતિય બિન અલ હુસેન સાથે બેઠક કરી હતી.

આ બેઠકમાં ભારત અને જૉર્ડન વચ્ચે કેટલીક મહત્ત્વની સમજૂતીઓ થઈ હતી, ભારતીય વિદેશ મંત્રાલયે તેની જાણકારી આપી છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલ મુજબ ભારત અને જૉર્ડનની વચ્ચે રિન્યૂએબલ ઍનર્જીના ક્ષેત્રમાં ટૅક્નિકલ સહયોગ અને જળ સંસાધન પ્રબંધન તથા વિકાસમાં સહયોગ અંગે સમજૂતિપત્ર (એમઓયુ) પર હસ્તાક્ષર થયા છે.

આ ઉપરાંત બંને દેશો વચ્ચે વર્ષ 2025થી 2029 દરમિયાન કલ્ચરલ ઍક્સચેન્જ પ્રોગ્રામ સમજૂતી પણ થઈ છે.

વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત અને જૉર્ડન વચ્ચે ડિજિટલ ટ્રાન્સફૉર્મેશન માટે સફળ ડિજિટલ સૉલ્યુશનના સહયોગ માટે સહમતિ થઈ છે.

વડા પ્રધાન જૉર્ડન પછી ઇથિયોપિયા અને ઓમાન પણ જવાના છે.

ભારત-સાઉથ આફ્રિકા ટી20 શ્રેણીઃ અક્ષર પટેલ બાકીની બે મૅચમાંથી બહાર

બીબીસી ગુજરાતી ટી20 ક્રિકેટ ભારતીય ટીમ અક્ષર પટેલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અક્ષર પટેલની તબિયત સારી ન હોવાથી તેઓ બે મૅચ નહીં રમી શકે

ભારતીય ટીમના ઑલરાઉન્ડર અક્ષર પટેલ બીમારીના કારણે સાઉથ આફ્રિકા સામેની બાકીની બે ટી20 ઇન્ટરનૅશનલ મૅચમાંથી બહાર થઈ ગયા છે.

બીસીસીઆઈ મુજબ તેઓ લખનઉમાં ટીમની સાથે છે. અહીં તેમની મેડિકલ તપાસ કરવામાં આવશે.

સિલેક્શન કમિટીએ લખનઉ અને અમદાવાદમાં રમાનારી ટી20 મૅચ માટે શાહબાઝ અહમદને તેમની જગ્યાએ ટીમમાં સમાવ્યા છે.

છેલ્લી બે ટી20 માટે ભારતીય ટીમ આ પ્રમાણે રહેશેઃ સૂર્યકુમાર યાદવ (કૅપ્ટન), શુભમન ગિલ (વાઇસ કૅપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, જિતેશ શર્મા (વિકેટ કિપર), સંજુ સેમસન (વિકેટ કિપર), જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપસિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, વૉશિંગ્ટન સુંદર, શાહબાઝ અહમદ.

પાંચ ટી20 ઇન્ટરનૅશનલ મૅચની શ્રેણીમાં ભારત હાલમાં 2-1થી આગળ છે.

દેશના કયા ભાગોમાં ગાઢ ધુમ્મસ રહેશે, હવામાન વિભાગે ઍડવાઇઝરી જારી કરી

બીબીસી ગુજરાતી હવામાન ધુમ્મસ શિયાળો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઉત્તર ભારતમાં ધુમ્મસના કારણે જનજીવનને અસર થઈ છે

ભારતીય હવામાન વિભાગે મંગળવાર, 16 ડિસેમ્બરે દેશના ઘણા ભાગોમાં ગાઢ ધુમ્મસ રહેવાની શક્યતા દર્શાવી છે. આઈએમડીએ ઍક્સ પર પોસ્ટ કરીને આની માહિતી આપી છે.

આઈએમડી મુજબ મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી-એનસીઆર, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, હિમાચલ પ્રદેશમાં ગાઢથી અત્યંત ગાઢ ધુમ્મસ રહેવાની શક્યતા છે.

આ ઉપરાંત અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલૅન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ ગાઢથી અતિશય ગાઢ ધુમ્મસ રહેશે તેવી આગાહી છે.

"વિઝિબિલિટી ઘટવાના કારણે રોડ, રેલવે અને હવાઈ પ્રવાસને અસર થઈ શકે છે, જેના કારણે દુર્ઘટના થવાનો ખતરો છે", તેમ આઈએમડીએ લખ્યું છે.

હવામાન વિભાગે લોકોને સલાહ આપી છે કે ધુમ્મસ વખતે કાર ઝડપથી ન ચલાવવી, ફૉગ લાઇટ્સ અથવા લો-બીમ હેડલાઇટનો ઉપયોગ કરવો, આગળ ચાલતા વાહનોથી સુરક્ષિત અંતર જાળવવું અને ગાઢ ધુમ્મસ વખતે બિનજરુરી પ્રવાસ ટાળવો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન