ભારતથી 41 રાજદ્વારી પાછા બોલાવ્યા બાદ જસ્ટિન ટ્રુડોએ કેમ કહ્યું 'કૅનેડામાં રહેતા ભારતીય મૂળના લોકો માટે ચિંતિત છું'?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, નદીન યુસુફ
- પદ, બીબીસી સંવાદદાતા, ટોરંટો
- પ્રકાશિત
કૅનેડામાં શીખ અલગાવવાદી નેતા હરદીપસિંહ નિજ્જરની હત્યા બાદ સર્જાયેલા તણાવને કારણે કૅનેડાના રાજદ્વારીઓએ ભારત છોડી દેવું પડ્યું છે.
ભારતે કૅનેડાને પોતાના રાજદ્વારીઓને પાછા બોલાવવાનું કહેતા કૅનેડાએ પોતાના 41 રાજદ્વારીને ભારતમાંથી પરત બોલાવી લીધા છે.
ત્યાર બાદ કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું છે કે, "ભારત સરકારે કૅનેડામાં અને ભારતમાં રહેતા દસ લાખ લોકોનાં જીવનને અસામાન્ય રીતે મુશ્કેલ બનાવી દીધું છે. ભારત રાજદ્વારી સંબંધોના ખૂબ જ મૂળભૂત સિદ્ધાંતનું ઉલ્લંઘન કરીને આવું કરી રહ્યું છે."
તેમણે કહ્યું કે,'જેમના મૂળ ભારતીય ઉપખંડ સાથે જોડાયેલા છે તેવા કૅનેડામાં રહેતા લાખો લોકોની ખુશીઓ અને સુખાકારી માટે હું ચિંતિત છું.'
ભારતે બે અઠવાડિયાં પહેલાં કૅનેડાને કહ્યું હતું કે દિલ્હીમાં તેના ઉચ્ચાયોગમાંથી ડઝનો કર્મચારીઓને પાછા બોલાવી લે, નહીંતર તેમને મળતી ડિપ્લોમૅટિક ઇમ્યુનિટી એટલે કે રાજદ્વારી રક્ષણ પાછું લઈ લેવાશે.
વિદેશી રાજદ્વારીઓને મળનારા વિશેષાધિકારોને ડિપ્લોમૅટિક ઇમ્યુનિટી કહેવાય છે. તેમાં સ્થાનિક કાયદાના વ્યાપથી મળનારી છૂટેય સામેલ છે.
કૅનેડાના અધિકારીઓએ ભારતની આ ચેતવણીને ‘આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવેલું.’
કૅનેડિયન વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ 18 જૂનના રોજ થયેલી હરદીપસિંહ નિજ્જરની હત્યાના આરોપ ભારતીય એજન્સીઓ પર લગાવ્યો હતો. તે બાદ બંને દેશો વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ બન્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતે જસ્ટિન ટ્રુડોના આ આરોપોને તર્કહીન ગણાવ્યા હતા.
અમેરિકાએ ભારતને શું સલાહ આપી?

ઇમેજ સ્રોત, REUTERS/MIKE SEGAR
અમેરિકાના વિદેશ મંત્રાલયે કૅનેડાના રાજદ્વારીઓને ભારતથી પાછા બોલાવવા મુદ્દે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું છે કે વિવાદનું સમાધાન લાવવા માટે જમીન પર રાજદ્વારીઓની જરૂર હોય છે. અમે ભારત સરકારને વિનંતી કરી છે કે કૅનેડાના રાજદ્વારીઓની સંખ્યા ઘટાડવાનો આગ્રહ ન રાખે અને કૅનેડામાં ચાલી રહેલી તપાસમાં સહયોગ કરે. અમે આશા રાખીએ છીએ કે ભારત રાજદ્વારી સંબંધો બાબતના 1961 વિએના કન્વેન્શનનું પાલન કરશે, જેમાં કૅનેડાના રાજદ્વારી મિશનના માન્ય સભ્યોને મળતા વિશેષાધિકાર અને રક્ષણ પણ સામેલ છે.
શું થશે અસર?

ઇમેજ સ્રોત, FB/VIRSA SINGH VALTOHA
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગુરુવારે કૅનેડાનાં વિદેશમંત્રી મેલાની જોલીએ કહ્યું કે કૅનેડિયન રાજદ્વારીઓ અને તેમના પરિવારજનોએ ભારત છોડી દીધું છે.
તેમણે જણાવ્યું કે ભારતે કહ્યું હતું કે 21 રાજદ્વારીઓ સિવાય અન્ય તમામનું રક્ષણ 20 ઑક્ટોબરે ખતમ કરી દેવાશે.
આ અંગે પ્રતિક્રિયા માટે બીબીસીએ કૅનેડામાં ભારતીય ઉચ્ચાયોગનો સંપર્ક કર્યો, પરંતુ ત્યાંથી હજુ સુધી કોઈ જવાબ નથી મળ્યો.
તેમજ, જોલીએ કહ્યું કે 21 રાજદ્વારી હજુ પણ ભારતમાં છે, પરંતુ અન્યોને પાછા બોલાવી લેવાના કારણે સ્ટાફની અછત થઈ ગઈ છે. તેના કારણે હવે કૅનેડાએ ભારતમાં પોતાની સેવા સીમિત કરવી પડશે.
તેમણે જણાવ્યું કે આ કારણ બૅંગ્લુરૂ, મુંબઈ અને ચંડીગઢમાં અમુક દૂતાવાસનું કામકાજ રોકવું પડશે.
કૅનેડાના અધિકારીઓએ કહ્યું કે હાલ આ સેવાઓ ફરીથી ક્યારે શરૂ કરાશે એ અંગે પાકુ કહી શકાય એમ નથી.
જોકે, દિલ્હીમાં કૅનેડાના ઉચ્ચાયોગ અને થર્ડ પાર્ટીના માધ્યમથી ચલાવાઈ રહેલાં આવેદન કેન્દ્રોમાં સેવાઓ ચાલુ રહેશે.
કૅનેડાના ઇમિગ્રેશન મંત્રી માર્ક મિલરનું કહેવું છે કે સ્ટાફ ઓછો હોવાને કારણે ઇમિગ્રેશનની અરજીઓના નિકાલ માટેના સમયમાં વધારો થઈ શકે છે.
અધિકારીઓનું કહેવું છે કે આની સૌથી વધુ અસર ભારતીયો પર થશે, જેમાં કૅનેડામાં ભણવા માગતા વિદ્યાર્થીઓ પણ સામેલ છે.
વર્ષ 2022માં કૅનેડામાં સ્થાયી અને અસ્થાયી પ્રકારે રહેવા માટેની અરજી કરનારા વિદેશીઓમાં સૌથી વધુ સંખ્યા ભારતીયોની હતી.
કૅનેડિયન વિદેશમંત્રીએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, EPA-EFE/REX
ભારતનું કહેવું છે કે કૅનેડામાં ભારતના જેટલા રાજદ્વારી છે, કૅનેડાએ ભારતમાં તેના કરતાં ઘણા વધુ રાજદ્વારી ભારતમાં રાખ્યા હતા.
બંને દેશો વચ્ચે વિવાદ વધ્યા બાદ ભારતે આ મામલે રાજદ્વારીઓની સંખ્યામાં સમાનતાની વાત કરી હતી.
ઓટાવામાં એક પ્રેસ કૉન્ફરન્સમાં કૅનેડાનાં વિદેશમંત્રીએ કહેલું કે ભારતમાં કૅનેડિયન રાજદ્વારીઓને મળનારી સુરક્ષા હઠાવવાની વાત કરવું એ ‘આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે.’
તેમણે કહ્યું કે કૅનેડા આના બદલે કોઈ કાર્યવાહી નહીં કરે.
જોલીએ કહ્યું, "જો અમે રાજદ્વારી સુરક્ષાની પરંપરાને તોડવા દઈએ તો વિશ્વામાં ક્યાંય કોઈ પણ રાજદ્વારી સુરક્ષિત નહીં રહે."
અધિકારીઓનું કહેવું છે કે ફરવા કે વસવાટ માટે આવતા ભારતીયોનું હજુય કૅનેડામાં સ્વાગત છે.
સૌથી ખરાબ સમયગાળામાં સંબંધો

ઇમેજ સ્રોત, FRÉDÉRIC SOLTAN/CORBIS VIA GETTY IMAGES
કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ સપ્ટેમ્બરમાં દેશની સંસદમાં કહેલું કે હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્સીઓનો હાથ હોવાના ઘણા વિશ્વસનીય પુરાવા છે.
ટ્રુડોએ કહેલું કે કૅનેડિયન ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલી જાણકારીથી લાગે છે કે આ હત્યા પાછળ ભારત સરકારના એજન્ટ હોઈ શકે છે. કૅનેડાએ આ વાતને પોતાના સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું હતું.
તે બાદથી બંને દેશોના સંબંધોમાં તણાવની શરૂઆત થઈ ચૂકી હતી. બંનેના એકમેક સાથેના સંબંધો બગડીને અત્યાર સુધીના પોતાના સૌથી ખરાબ સ્તરે પહોંચી ગયા છે.
ભારત આ આરોપોથી ઇનકાર કરી રહ્યું છે. ભારતના વિદેશ મંત્રાલયે ઘણી વાર કહ્યું છે કે જો કૅનેડા પોતાના દાવાના સમર્થનમાં પુરાવા રજૂ કરે તો ભારત તે અંગે જરૂર વિચાર કરશે.
કૅનેડામાં બ્રિટિશ કોલંબિયાના સરેમાં એક ગુરુદ્વારા બહાર બે બુકાની પહેરીને આવેલા બંદૂકાધારીઓએ ગોળી મારીને નિજ્જરની હત્યા કરી દીધેલી. કૅનેડિયન પોલીસે આને ‘ટાર્ગેટ ઍટેક’ ગણાવેલો. આ મામલાની હજુ તપાસ ચાલુ છે.
નિજ્જર ભારતમાં શીખો માટે અલગ ‘ખાલિસ્તાન’ બનાવવાની વકીલાત કરી રહ્યા હતા. ભારત આ અભિયાનને દેશવિરોધી માને છે અને આના કારણે નિજ્જરને વર્ષ 2020માં આંતકવાદી જાહેર કરાયા હતા.
સાર્વજનિકપણે આરોપ કર્યા છતાં ટ્રુડોએ ઘણી વાર કહ્યું છે કે કૅનેડા ભારત સાથે તકરાર વધારવા નથી માગતું.
તેમણે ભારતીય અધિકારીઓને નિજ્જરની હત્યાની તપાસમાં સહોયગી કરવાની અપીલ કરી છે.
અત્યાર સુધી શું-શું થયું?
જસ્ટિન ટ્રુડોએ કૅનેડાની સંસદમાં કહ્યું કે હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્સીઓનો હાથ હોઈ શકે છે.
તે બાદ કૅનેડાએ ભારતના શીર્ષ રાજદ્વારીને નિષ્કાસિત કરી દીધા.જવાબી કાર્યવાહીમાં ભારતેય કૅનેડાના શીર્ષ રાજદ્વારીને પાંચ દિવસની અંદર ભારત છોડવાનો આદેશ દીધો. તે બાદથી બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં કડવાશ આવી ગઈ.
ટ્રુડોએ કહ્યું કે કૅનેડાએ ભારત સાથે નિજ્જર હત્યાકાંડ સાથે સંબંધિત ‘પૂરતા પુરાવા’ શૅર કર્યા છે. જોકે, સાર્વજનિકપણે આવી જાણકારી શૅર નથી કરાઈ.
ભારતે કહ્યું કે નિજ્જર હત્યાકાંડમાં કૅનેડા તરફથી અપાયેલી ‘ખાસ’ કે ‘સંબંધિત’ જાણકારી પર ભારત નજર કરવા તૈયાર છે.
























