મુઝફ્ફરનગર : વિદ્યાર્થી સાથે મારઝૂડના વાઇરલ વીડિયો મામલે કેસ દાખલ કરાયો પરંતુ...

શિક્ષિકા તૃપ્તા ત્યાગી

ઇમેજ સ્રોત, AMIT SAINI

ઇમેજ કૅપ્શન, શિક્ષિકા તૃપ્તા ત્યાગી
    • લેેખક, દિલનવાઝ પાશા અને અમિત સૈની
    • પદ, બીબીસી
  • પ્રકાશિત

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરની એક ખાનગી શાળામાં મુસ્લિમ બાળક સાથે મારઝૂડનો વીડિયો વાઇરલ થયા બાદ આ મામલે ઘણો વિવાદ થઈ રહ્યો છે.

વીડિયો વાઇરલ થયા બાદ શનિવારના રોજ બાળકના પિતાની લેખિત અરજીને આધારે સ્કૂલનાં શિક્ષિકા તૃપ્તા ત્યાગી વિરુદ્ધ આઇપીસીની કલમ 323 અને 506 અંતર્ગત કેસ દાખલ કરી દેવાયો છે.

આ કલમો ઈજા અને જાણીજોઈને અપમાનની છે.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, AMIT SAINI

ખતૌલી પોલીસ ક્ષેત્રાધિકારી ડૉ. રવિશંકર મિશ્રાએ જણાવ્યું, “બાળકના પિતા ઇરશાદની લેખિત અરજીને આધારે મંસૂરપુર પોલીસ સ્ટેશનમાં નેહા પબ્લિક સ્કૂલનાં સંચાલિકા તૃપ્તા ત્યાગી વિરુદ્ધ આઇપીસીની કલમ 323 અને 506 અંતર્ગત કેસ દાખલ કરી દેવાયો છે.”

પરંતુ જિલ્લા પોલીસે આ મામલા સંદર્ભે અપાયેલી લેખિત અરજી પ્રમાણે ધર્મ વિરુદ્ધ ટિપ્પ્ણી કરવા માટેની કલમ 123 લગાડી નથી, આ અંગે સવાલા પુછાતાં પોલીસના ક્ષેત્રાધિકારીએ કહ્યું, “તપાસ કરાઈ રહી છે. તપાસમાં આગળ જે પણ તથ્ય સામે આવશે, એ પ્રમાણે કાર્યવાહી કરાશે.”

ગ્રે લાઇન

બાળકનાં માતાનું શું કહેવું છે?

બાળકનાં માતા રૂબીના

ઇમેજ સ્રોત, AMIT SAINI

ઇમેજ કૅપ્શન, બાળકનાં માતા રૂબીના

આ સમગ્ર મામલા સંદર્ભે બાળકનાં માતા રૂબીનાનું કહેવું છે કે, “મૅડમે ખોટું કર્યું છે. બાળકોથી માર નહોતો ખવડાવવો જોઈતો, ભલે પછી તેમણે જાતે હાથ ઉપાડ્યો હોત.”

રૂબીના આટલે જ નથી અટકતાં. તેઓ કહે છે કે, “એવું લાગે છે કે મૅડમ મુસ્લિમવિરોધી છે. આનો અર્થ તો આ જ છે.”

તેમજ નેહા પબ્લિક સ્કૂલનાં સંચાલિકા તૃપ્તા ત્યાગીનું માનવું છે કે આ ઘટનાને સાંપ્રદાયિક રંગ અપાઈ રહ્યો છે.

તૃપ્તા કહે છે કે, “આ મામલામાં કંઈ નથી. આ બધું ઘડી કઢાયેલું છે. મને કાવતરું કરીને ફસાવાઈ રહી છે. હું કોઈ પણ બાળકને હિંદુ-મુસ્લિમની દૃષ્ટિથી નથી જોતી. મારી સ્કૂલમાં મોટા ભાગનાં બાળકો મુસ્લિમ જ છે. એ બાળકને મારનારાં બાળકોમાં મુસ્લિમ બાળકો પણ હતાં.”

બાળકના પિતા ઇરશાદ

ઇમેજ સ્રોત, AMIT SAINI

ઇમેજ કૅપ્શન, બાળકના પિતા ઇરશાદ

જોકે આ મામલામાં બાળકના પિતા ઇરશાદ એવું જરૂર કહે છે કે, “આમાં હિંદુ-મુસ્લિમવાળો કોઈ મામલો નથી, માત્ર બાળક સાથે મારઝૂડ કરવાનો જ મામલો છે. તેઓ મારા બાળકને ટૉર્ચર કરી રહ્યા હતા. અમે એફઆઇઆર કરાવી દીધી છે. હવે જે કરશે, એ પ્રશાસન કરશે.”

આ મામલા અંગે લખનૌના માનવાધિકાર વકીલ એસ. એમ. હૈદર રિઝવીએ રાષ્ટ્રીય માનવાધિકાર કમિશન, રાષ્ટ્રીય લઘુમતી કમિશન અને રાષ્ટ્રીય બાળઅધિકાર સંરક્ષણ કમિશનને ફરિયાદ કરી છે.

નેહા સ્કૂલ - જ્યાં આ ઘટના બની

ઇમેજ સ્રોત, AMIT SAINI

ઇમેજ કૅપ્શન, નેહા સ્કૂલ - જ્યાં આ ઘટના બની
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ ફરિયાદમાં તેમણે શિક્ષિકા પર કલમ 153A, 295A અને 298 અંતર્ગત ધાર્મિક આધારે ઘૃણા અને અપમાનને પ્રોત્સાહન આપવાનો મામલો દાખલ કરાવવાની માગ કરી છે.

એસ. એમ. હૈદર રિઝવી કહે છે કે, “મેં ત્રણેય વીડિયો જોયા છે, જેમાં દેખાઈ રહ્યું છે કે શિક્ષિકા મુસ્લિમો વિરુદ્ધ બોલી રહ્યાં છે. મુસ્લિમ બાળકને મારવા માટે નાનાં બાળકોને ઉશ્કેરી રહ્યાં છે અને તેમનો બચાવ પણ કરી રહ્યાં છે. તેથી મેં આ તમામ કમિશનોમાં પત્રો મોકલ્યા છે.”

જોકે, બાળકના પિતાએ ધાર્મિક આધારની વાતને ખારિજ કરી દીધી છે.

એ અંગે રિઝવી કહે છે કે, “આ તો સ્વાભાવિક જ છે, આનું કારણ પણ સ્પષ્ટ છે. પિતાનું અગાઉનું નિવેદન સાંભળો. તેઓ તો ફરિયાદેય કરવા નહોતા માગતા. જ્યારે મામલો સમાચારોમાં આવ્યો ત્યારે તંત્રે તેમની અરજી લીધી. પરંતુ સંબંધિત કલમોમાં કેસ દાખલ નથી કરાયો, આ સુપ્રીમ કોર્ટની ઘૃણાને પ્રોત્સાહિત કરતી હેટ સ્પીચ માટેના કાયદાની માર્ગદર્શિકાનું પણ ઉલ્લંઘન છે. જે પ્રમાણે જિલ્લા પોલીસતંત્રે સ્વસંજ્ઞાન લેવાની આવશ્યકતા હતી.”

મુઝફ્ફરનગરના જિલ્લાધિકારી અવિંદ મલપ્પા બંગારી કહે છે કે, “વાઇરલ વીડિયોની તપાસ કરાઈ છે. વીડિયો બાળકના કાકેરા ભાઈએ વાઇરલ કર્યો હતો. તપાસમાં જે કાંઈ પણ સામે આવશે, એ પ્રમાણે જ કાયદાકીય કાર્યવાહી કરાશે.”

ગ્રે લાઇન

બાળકનો પ્રવેશ રદ કરાયો

આ મામલામાં નેહા પબ્લિક સ્કૂલમાંથી બાળકનો પ્રવેશ રદ કરી દેવાયો છે. આ અંગે બાળકનાં માતાં રૂબીના કહે છે કે, “અમે પ્રવેશ નથી રદ કરાવ્યો. બાળક સાથે મારઝૂડ કરવાની ફરિયાદ કરવા ગયાં ત્યારે કહેવાયું કે તમે તમારા બાળકને અન્ય ક્યાંક ભણાવી લો.”

તેમજ શિક્ષિકા તૃપ્તા ત્યાગી બાળકનો પ્રવેશ રદ કરાયાના આરોપ અંગે કહે છે કે, “એનો પ્રવેશ રદ નથી કર્યો. આ ખોટો આરોપ છે. પરિવારજનોએ છ મહિનાની ફી પરત કરાય એ શરતે જ સમાધાન કર્યું હતું. તેમની શરત માનીને અમે છ મહિનાની ફી પાછી આપી દીધી.”

શિક્ષિકાનો દાવો છે કે આ સમાધાન પોલીસતંત્રે કરાવ્યું હતું, જોકે પોલીસતંત્રે પોતાની તરફથી કોઈ પણ પ્રકારનું સમાધાન કરાવવાની વાત નહોતી કરી.

તેમજ રૂબીના કહે છે કે, “મૅડમે જાતે જ ફી પાછી આપી દીધી.”

તેમજ પીડિત મુસ્લિમ વિદ્યાર્થીના પિતા ઇરશાદ કહે છે કે, “મૅડમે બાળકોનો એકમેક સાથે વિવાદ કરાવ્યો. અમે એકમેક સાથે સમાધાન કરી લીધું છે. મૅડમે અમારી ફી પાછી આપી દીધી છે. હવે બાળકને એ સ્કૂલમાં નથી ભણાવવું. ભલે એ નિરક્ષર જ રહી જાય.”

બીબીસી ગુજરાતી

શું હતી ઘટના?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, AMIT SAINI

ઇમેજ કૅપ્શન, ઇરશાદના ઘરે લોકોની ભીડ

આ ઘટના ગામના જ નેહા પબ્લિક સ્કૂલની હતી. વીડિયોમાં દેખાઈ રહેલાં મહિલા ટીચર તૃપ્તા ત્યાગી જ આ સ્કૂલનાં સંચાલિકા પણ છે. તેઓ ઘણાં વર્ષોથી પોતાના ઘરે જ સ્કૂલ ચલાવી રહ્યાં છે.

આ ગામમાં રહેતા ઇરશાદનો સૌથી નાનો દીકરો સ્કૂલમાં યુકેજીનો વિદ્યાર્થી છે. જે વીડિયો વાઇરલ થયો એ 24 ઑગસ્ટના રોજ સ્કૂલમાં જ રેકૉર્ડ કરાયો હતો.

વીડિયોમાં તૃપ્તા ત્યાગી ક્લાસમાં ઇરશાદના બાળકને અન્ય વિદ્યાર્થીઓ મારફતે માર ખવડાવતાં અને ‘મુસલમાન બાળકોને લઈને ટિપ્પણી’ કરતાં દેખાઈ રહ્યાં છે.

બાળકના પિતા ઇરશાદ કહે છે કે, “મૅડમ બીજાં બાળકો દ્વારા મારા બાળકને માર ખવડાવી રહ્યાં હતાં. એ તરફ અમુક કામથી ગયેલા મારા ભત્રીજાએ આ બધું જોયું તો તેણે વીડિયો ઉતારી લીધો. અને અમને બતાવ્યો.”

ઇરશાદે કહ્યું, “એ દિવસે હું લગભગ ત્રણ વાગ્યે સ્કૂલે ગયો, પરંતુ મૅડમે પોતાની ભૂલ ન માની. બલકે કહ્યું કે અહીં તો આવો જ નિયમ છે. અમે બે વખત ત્યાં ગયા, તેમ છતાં તેઓ ન માન્યા, જે બાદ અમે વીડિયો વાઇરલ કરી દીધો.”

બીબીસી ગુજરાતી

મુદ્દાનું રાજકીયકરણ

આ વીડિયો સામે આવ્યા બાદ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને એઆઇએમઆઇએમના નેતા અસદુદ્દીન ઓવૈસી, ભાજપના સાંસદ વરુણ ગાંધી અને રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ જયંત ચૌધરીએ આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી છે.

આ નેતાઓએ ભાજપના શાસનમાં લઘુમતીની સ્થિતિને લઈને પણ ટિપ્પણી કરી છે.

જોકે, ઉત્તર પ્રદેશ સરકારના પર્યટન અને સંસ્કૃતિ મંત્રી જયવીરસિંહે કહ્યું, “ટીચર વિરુદ્ધ એફઆઇઆર કરાઈ છે. તપાસમાં જે પણ દોષિત તરીકે સામે આવશે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે.”

બીજી તરફ, મુઝફ્ફરનગરના મંસૂરપુર પોલીસ સ્ટેશનમાં ખબ્બૂપુર ગામમાં ઇરશાદ અને તૃપ્તા ત્યાગીનાં ઘર હલચલનું કેન્દ્ર રહ્યાં. એક તરફ ઇરશાદના ઘરે સ્થાનિક રાષ્ટ્રીય લોકદળના સ્થાનિક ધારાસભ્ય ચંદનસિંહ ચૌહણ પહોંચ્યા તો કેન્દ્રીય મંત્રી સંજીવ બાલિયાન અને ખેડૂતનેતા નરેશ ટિકૈતે શિક્ષિકા તૃપ્તા ત્યાગી સાથે મુલાકાત કરી. ત્યાગી સમાજના દબદબાવાળા આ ગામમાં લગભગ 70 ટકા હિંદુ પરિવાર છે. હિંદુ ત્યાગી સિવાય આ વિસ્તારમાં મુસ્લિમોની પણ મોટી સંખ્યા છે.

રેડ લાઇન
રેડ લાઇન