આંખોના ઇશારે સંગીત રેલાવે તેવું વાદ્ય તમે જોયું?

ઇમેજ સ્રોત, OPEN UP MUSIC
- લેેખક, કેવિન સેતીઝાબલ કેરાસ્કલ અને બેથ રોઝ
- પદ, બીબીસી રેડિયો
- પ્રકાશિત
વિશ્વનાં મોટા ભાગનાં સંગીત વાદ્યો હાથ, પગ, આંગળીઓ અને શ્વાસની ફૂંકથી જ વગાડવામાં આવે છે, એ આ સંગીત વાદ્યોની મર્યાદા હોઈ શકે છે. જોકે, હવે એક એવું વાદ્ય આવ્યું છે જે હાથ, પગ, કે શ્વાસની ફૂંકને બદલે આંખોના ઇશારાથી સંગીત રેલાવશે.
સંગીત એક એવી ભાષા છે, જેને કોઈ સીમાડા નડતા નથી, એવું કહેવામાં આવે છે. હવે વધુ એક વાદ્યયંત્ર સંગીતની સીમાઓને વિસ્તારવા આવી રહ્યું છે, કારણ કે શાસ્ત્રીય સંગીત જગત દ્વારા તેને સત્તાવાર રીતે સ્વીકૃતિ આપવામાં આવી છે.
26 વર્ષના એલેસાન્ડ્રો વાઝાના પાંચ વર્ષના હતા ત્યારથી સંગીત વગાડી રહ્યાં છે. પહેલાં પિયાનો અને પછી ગિટાર તથા ડ્રમ્સ વગાડતાં થયાં હતાં.
તેઓ જન્મથી અપંગ છે અને પોતાનાં કામકાજ માટે તેઓ ઇલેક્ટ્રિક ચેરનો ઉપયોગ કરે છે. તેમના હાથના ઉપયોગમાં ઘટાડો જોવા મળ્યો છે. તેને ફ્રેજાઇલ એક્સ સિન્ડ્રોમ કહેવામાં આવે છે, જે લર્નિંગ ડિસેબિલિટીનું કારણ બને છે અને તેની અસર કૉમ્યુનિકેશન પર થાય છે, પરંતુ આ તકલીફ તેમના સંગીત પ્રત્યેના પ્રેમને કોઈ અસર કરી શકી નથી.
સંગીતવાદ્યો વગાડવાનું તેમના માટે શારીરિક રીતે પડકારજનક બની ગયું ત્યારે તેમનો પરિચય ક્લેરિયન સાથે કરાવવામાં આવ્યો હતો. ક્લેરિયન એક સંપૂર્ણપણે ડિજિટલ ઇન્સ્ટ્રુમૅન્ટ છે. ક્લેરિયનને લીધે સંગીત ફરીવાર સુલભ બન્યું છે.
ક્લેરિયન એક સોફ્ટવેર છે, જે તમારી ઇચ્છા મુજબના કોઈપણ ઇન્સ્ટ્રુમૅન્ટના અવાજની નકલ કરી શકે છે અને આઈપેડ સહિતની ટેકનૉલૉજી પર કામ કરે છે, પરંતુ તેનાથી તેનું મૂલ્ય જરાય ઘટતું નથી.
ઓપન અપ મ્યુઝિકના બેરી ફેરીમોન્ડ-યુઓંગ તેના ડિઝાઈનરો પૈકીના એક છે અને ક્લેરિયનને “જેમ વાયોલિન લાકડામાંથી બને છે તેવી જ રીતે બનેલા” સોફ્ટવેર તરીકે વર્ણવે છે.
ઍક્સેસ ઓલ પોડકાસ્ટમાં તેમણે કહ્યું હતું, “સંગીતનાં મોટાભાગનાં વાદ્યો વગાડવા માટે બે હાથ અને દસ અત્યંત કુશળ આંગળીઓની જરૂર પડે છે, પરંતુ ક્લેરિયન તમારા શરીરના જે હિસ્સા પર તમારું સૌથી વધુ નિયંત્રણ હોય તેના વડે વગાડી શકો છો. તે મોશન કેમેરાની મદદથી આંખો, હાથ, જોયસ્ટિક્સ અથવા એક પગ પણ હોઈ શકે છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, OPEN UP MUSIC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઍલેસાન્ડ્રો વાયરલેસ પૉઇન્ટિંગ ડિવાઇસના નિયંત્રણ માટે માથાની મૂવમૅન્ટનો ઉપયોગ કરે છે. તેમની ગણના શ્રેષ્ઠ ક્લેરિયન વાદકોમાં થાય છે. તેમણે લંડનના બાર્બિકન અને બૉર્નમાઉથ સિમ્ફની ઑર્કેસ્ટ્રા સાથે પર્ફોર્મ કર્યું છે.
ઍલેસાન્ડ્રોએ કહ્યું હતું, “મને અન્ય લોકો સાથે કર્ણપ્રિય સંગીત વગાડવામાં આનંદ આવે છે. કોઈ જૂથનો હિસ્સો બનવું અદ્ભુત હોય છે.”
પરંપરાગત મ્યુઝિક સ્કોર્સનો ઉપયોગ કરવાને બદલે વાદકો પોતાનું આગવું વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન બનાવે છે, વધારે સુક્ષ્મતા સાથે બ્લોક્સમાં સંગીતનું નિર્માણ કરે છે. બ્લોકની નીચેનો હિસ્સો શાંત તથા ઉપરનો હિસ્સો લાઉડ હોઈ શકે છે અને તેમાં વ્યક્તિ વાઇબ્રૅટો એટલે કે સૂરમાં કંપનની અસર તેમજ બીજું ઉમેરણ કરી શકે છે. તેમાં કૌશલ્ય અને અભ્યાસની જરૂર હોય છે.
તે પ્રી-પ્રોગ્રામ્ડ કરી શકાય છે, પરંતુ ક્લેરીયનને રીયલ ટાઇમમાં પારંપરિક સંગીતવાદ્યની માફક જ વગાડવામાં આવે છે, એમ જણાવતાં બેરીએ કહ્યું હતું, “તેમાં થયેલી કોઈ પણ ચૂકની તમને ખબર પડી જાય છે.”
બેરીએ “યુવા સંગીતકારો કોઈ અવરોધ વિના સંગીત ક્ષેત્રે કારકિર્દી બનાવી શકે એટલા માટે” દેશભરમાં 60 ઇન્ક્લુઝિવ ઑર્કેસ્ટ્રા ચલાવતા તેમજ નેશનલ ઓપન યુથ ઑર્કેસ્ટ્રા (નોયો) ચલાવતા ઓપન અપ મ્યુઝિકનો મહત્ત્વનો હિસ્સો છે.
એલેસાન્ડ્રો નોયોમાં પ્લે કરે છે અને તેમનું સોફ્ટવેર તેના ક્લેરિયનને વિવિધ ઑર્કેસ્ટ્રલ સૅક્શન્સ સંયોજન તથા તેની નકલ કરવા સક્ષમ બનાવે છે, પરંતુ સંગીતવાદકો તેનાથી કંઈક વધુ ઇચ્છે છે.
બેરી જાણે છે કે અવાજોથી ભરેલા ઓરડામાં પોતાની આગવી ઓળખ શોધવાથી ક્લેરિયનને એક વાદ્ય તરીકે દીર્ઘાયુ મળશે. બેરીએ કહ્યું હતું, “આ એક વાદ્ય છે, જે પોતાનો અવાજ શોધી રહ્યું છે.”
પરંપરાગત ઑર્કેસ્ટ્રામાં હાલ ક્યો સાઉન્ડ ખૂટે છે તે શોધવા માટે તેઓ ક્લેરિયન વાદકો, સંગીતકારો અને પ્રોફેશનલ ઑર્કેસ્ટ્રા સાથે કામ કરી રહ્યા છે.
બેરીએ કહ્યું હતું, “વ્યાપક ચિત્ર એવું છે કે ક્લેરિયનનો પોતાનો અવાજ હોય તો સંગીતકારો ક્લેરિયનની જરૂર હોય તેવી સંગીતની રચના કરી શકે છે. પછી ઑર્કેસ્ટ્રા તેને વગાડશે અને તે રોજગારનું સર્જન કરશે.”
આર્ટ્સ કાઉન્સિલ ઈંગ્લૅન્ડના જણાવ્યા મુજબ, બ્રિટનમાં વિકલાંગ કામદારોનું પ્રમાણ 19 ટકા છે. તેની સામે પ્રોફેશનલ વિકલાંગ સંગીતકારોનું પ્રમાણ માત્ર 1.8 ટકા છે.
ક્લેરિયનને એક ગંભીર વાદ્ય તરીકે સુયોગ્ય કેમ બનાવવું તેની ચર્ચા પછી આ મહિને તે વ્યાવસાયિક ક્ષેત્રે એક ડગલું આગળ વધ્યું છે.
રોયલ સ્કૂલ ઑફ મ્યુઝિકના ઍસોસિએટેડ બોર્ડે (એબીઆરએસએમ) ક્લેરિયનનું તેમના પરિવારમાં સ્વાગત કર્યું છે અને તે 2024ની વસંત ઋતુથી વાયોલિન તથા વાંસળી જેવા પરંપરાગત વાદ્યોની માફક વાદકોને ઓપન મ્યુઝિક ઍસેસમૅન્ટ ઑફર કરવાનું છે.
ઘણા લોકો સ્કેલ્સ અને સાઇટ રીડિંગ દ્વારા મ્યુઝિક ગ્રેડ્સને યાદ રાખી શકે, પરંતુ ઓપન મ્યુઝિક ઍસેસમૅન્ટ વધારે પ્રવાહી છે. સંગીતકારો પાસ અથવા નાપાસ થવાને બદલે તેમની પસંદગી રચનાઓ સંભળાવી અને રચનાત્મક પ્રતિસાદ મેળવી શકે છે. સંગીતમાં ફરી આવેલા અથવા કૉન્સર્ટની તૈયારી કરતા લોકોમાં તે લોકપ્રિય સાબિત થયું છે.
એબીઆરએસએમના જેમ્સ રિસ્ડને કહ્યું હતું, “ઓપન મ્યુઝિક ઍસેસમેન્ટની રચના બહુ જ સકારાત્મક, ઉત્થાનકારી, હકારાત્મક અનુભવ માટે અને રચનાત્મક પ્રતિસાદ આપવા માટે થઈ છે, જેથી સંગીતકાર તેની કલામાં સતત સુધારો કરી શકે.”

ઇમેજ સ્રોત, OPEN UP MUSIC
એબીઆરએસએમને ઍસેસમૅન્ટ બોર્ડ્ઝમાં ઉત્તમ ગણવામાં આવે છે. ક્લેરિયનને પોતાના અભ્યાસક્રમમાં ઉમેરવાની વિચારણા કરતી વખતે એબીઆરએસએમે તેના એવા 600 પરીક્ષકોનો અભિપ્રાય માગ્યો હતો, જેમને તેમાં સામેલ થવામાં રસ હોય. આ પ્રક્રિયાના સકારાત્મક પ્રતિસાદથી એબીઆરએસએમ આશ્ચર્યચકિત થઈ ગયું હતું.
મૂલ્યાંકનકર્તાઓને તાલીમ આપતી વખતે એ વાતની ખાસ તકેદારી લેવામાં આવે છે કે પરીક્ષકોને ક્લેરિયન વગાડવાની તક મળે. એ પણ સુનિશ્ચિત કરવામાં આવે છે કે સંગીતકાર આગળ વધી શકે, રચનાત્મક બનવા માટે જરૂરી ફીડબેક તથા કૉમેન્ટ્સને સમજે.
જેમ્સે કહ્યું હતું, “સંવેદનશીલ અને ઉચિત પ્રતિક્રિયા પ્રદાન કરવાની સાથે-સાથે, એક નવું વાદ્ય વગાડતી વિકલાંગ વ્યક્તિને જોઈને પરીક્ષકો લાગણીમાં વહી ન જાય તેની તકેદારી પણ અમે રાખવા ઇચ્છતા હતા.”
ઓપન અપ મ્યુઝિક અને એબીઆરએસએમ બન્નેને ખાતરી છે કે ક્લેરિયન આખરે પોતાની અધિક પારંપરિક ગ્રેડિંગ સિસ્ટમમાં પરિવર્તિત થઈ જશે, પરંતુ એ પહેલાં તેનું આગવું સંગીત હોય તે જરૂરી છે.
હાલ સંગીતરચનાઓની સૂચિ માટે કોઈ સંસ્થા નથી, પરંતુ એબીઆરએસએમ તેના કમ્પોઝર મૅન્ટરિંગ પ્રોગ્રામ હેઠળના લોકોને લખવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે.
માઇકલ બેટરીજે આવું જ કશુંક ઍલેસેન્ડ્રો અને નોયો માટે કર્યું છે. તેમના કહેવા મુજબ, આ વાદ્યની અભિવ્યક્તિ ક્ષમતા તથા સુંદરતા જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમાં ફ્રેઝિંગ અને ટેક્સ્ચર્સની સંભાવના પણ છે.
જેમ્સને ખાતરી છે કે આ “રોમાંચક યાત્રાની શરૂઆત છે” અને તે સતત બહેતર બનશે, કારણ કે “ક્લેરિયનને તેના આત્માની સાથે તેનો અવાજ પણ મળશે.”
ક્લેરિયન હાલ ઓપન અપ મ્યુઝિકના કાર્યક્રમોના માધ્યમથી ઉપલબ્ધ છે, પરંતુ 2024થી તે સંગીત નિર્માણમાં રસ ધરાવતા તમામ લોકો માટે ઉપલબ્ધ થશે અને તે ક્યાં પહોંચે છે તે જોવા બેરી બહુ ઉત્સુક છે.
તેમણે કહ્યું હતું, “વાસ્તવમાં હું તેને ઑર્કેસ્ટ્રા સિવાયના કાર્યક્રમોમાં વગાડવામાં આવે તે જોવા ઉત્સુક છું. સ્કા બેન્ડ કે ડિસ્ક જોકીને તેનો ઉપયોગ કરતા જોવા ઇચ્છું છું.”






















