ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું, હવે ફરી વરસાદનો નવો રાઉન્ડ ક્યારે આવશે અને કયા જિલ્લામાં પડશે ભારે વરસાદ?

ગુજરાતમાં વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી અનેક વિસ્તારોમાં ખૂબ સારો વરસાદ થઈ રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડ્યો છે.

રાજ્યમાં જૂન મહિનાના અંત અને જુલાઈ મહિનાની શરૂઆતમાં ચોમાસાનો વરસાદ થતાં અનેક વિસ્તારોમાં વાવણી થઈ છે અને કેટલાક તાલુકાઓમાં તો અતિભારે વરસાદ થતાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી.

છેલ્લાં બે અઠવાડિયાંથી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં સારો વરસાદ થઈ રહ્યો છે, પહેલાં દક્ષિણ ગુજરાત, જે બાદ સૌરાષ્ટ્ર અને પછી ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.

જોકે, હવે હવામાન વિભાગે જે આગાહી કરી છે તે પ્રમાણે રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટવાની શરૂઆત થશે એટલે કે ઘણા વિસ્તારોમાં વરસાદ બંધ થઈ જશે તો કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઘટી જવાની શક્યતા દેખાઈ રહી છે.

હાલ દક્ષિણ ગુજરાતની આસપાસ એક સિસ્ટમ સર્જાઈ છે અને તેના કારણે હજી એકાદ બે દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતની પાસે રાજસ્થાન પર એક સાયક્લૉનિક સર્ક્યુલેશન બનેલું છે.

1 જૂનથી અત્યાર સુધી ગુજરાતમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે પરંતુ હજી પણ રાજ્યના કેટલાક જિલ્લાઓ એવા છે જ્યાં વરસાદની ઘટ છે.

ગુજરાતમાં ક્યારથી વરસાદ ઘટશે?

ગુજરાત, હવામાન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, IMD Ahmedabad/X

ગુજરાતમાં સતત વરસાદ છતાં 1 જૂનથી 5 જુલાઈ સુધી રાજ્યના 20થી વધુ જિલ્લાઓમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો છે અને હજી પણ આગામી ત્રણેક દિવસ સુધી વરસાદનું જોર ફરી ઘટવાની સંભવાના છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં 7થી 9 જુલાઈ સુધી વરસાદનું પ્રમાણ ઘટશે તેવી શક્યતા દેખાઈ રહી છે. જેથી ઘણા વિસ્તારોમાં વરસાદ થવાનો બંધ થવાની શક્યતા છે.

ગુજરાતમાં જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં ચોમાસા દરમિયાન સૌથી વધારે વરસાદ પડે છે, જૂન અને સપ્ટેમ્બર મહિનામાં આ બે મહિનાની સરખામણીમાં સરેરાશ ઓછો વરસાદ થાય છે.

હાલ મૉન્સૂન ટ્રફ રેખા ઉત્તરમાં હિમાલયની તળેટીમાં હોવાથી ભારતના ઘણા વિસ્તારોમાં વરસાદ ઓછો થઈ રહ્યો છે અને ઉત્તર ભારત અને પૂર્વોત્તરનાં રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે.

ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઘટવાની શક્યતા છે પરંતુ સાવ વરસાદ બંધ થાય તેવી શક્યતા નથી, જોર ઘટશે પરંતુ રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે.

બીબીસી ગુજરાતી

ગુજરાતના કયા જિલ્લામાં હજી પડશે ભારે વરસાદ?

ગુજરાત, હવામાન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, IMD

હવામાન વિભાગની માહિતી પ્રમાણે કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઘટી જશે, જ્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ સતત ચાલુ રહે તેવી સંભાવના છે.

વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી તથા ભરૂચના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થાય તેવી શક્યતા છે. આ ઉપરાંત નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, ગોધરા, ખેડા, આણંદ, મહેસાણા, અરવલ્લી, મહિસાગર, સાબરકાંઠા, બનાસકાંઠામાં વરસાદી માહોલ છવાયેલો રહેશે. આ સાથે જ કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થવાની સંભાવના છે.

સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર અને ગીર-સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે, ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં છુટોછવાયો હળવો વરસાદ થવાની સંભાવના છે.

રાજ્યના અન્ય જિલ્લાઓમાં વરસાદનું જોર ઘટવાની સંભાવના છે છતાં કેટલાક વિસ્તારોમાં હળવો અને છુટોછવાયો વરસાદ થવાની સંભાવના છે.

ગુજરાતમાં ફરીથી વરસાદનો નવો રાઉન્ડ ક્યારે આવશે?

રાજ્યમાં છેલ્લાં બે અઠવાડિયાંથી અનેક વિસ્તારોમાં સારો વરસાદ થયો છે અને કેટલાક વિસ્તારોમાં હજી વધારે વરસાદ થયો નથી. આ સ્થિતિમાં હવે વરસાદનું જોર ઘટવાની સંભાવના છે.

જોકે, હવામાન વિભાગનાં મૉડલો અને હવામાનના અમદાવાદ કેન્દ્રએ આપેલી માહિતી પ્રમાણે 10 જુલાઈથી ફરી રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધે તેવી શક્યતા છે.

10થી 12 જુલાઈ વચ્ચે ફરી રાજ્યમાં ઘણા વિસ્તારોમાં સારો વરસાદ તથા કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થાય તેવી સંભાવના દેખાઈ રહી છે.

આ ત્રણ ચાર દિવસના ગાળા દરમિયાન દક્ષિણ, પૂર્વ અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ફરીથી સારો વરસાદ થવાની સંભાવના છે.

આ ઉપરાંત હાલની સ્થિતિ પ્રમાણે જો કોઈ ફેરફાર ના થાય તો બંગાળની ખાડીમાં 15 જુલાઈ બાદ એક નવી સિસ્ટમ સર્જાવાની શક્યતા દેખાઈ રહી છે. આ સિસ્ટમ ભારતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ લાવે તેવી સંભાવના દેખાઈ રહી છે.