ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂએ શા માટે માગી માફી, બીજી તરફ હમાસે કઈ નવી ધમકી આપી

બેન્જામિન નેતન્યાહૂ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હજારો ઇઝરાયલી નાગરિકો વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂનો વિરોધ કરવા માટે રસ્તાઓ પર ઊતર્યા હતા
પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ શનિવારે ગાઝામાં મૃત હાલતમાં મળી આવેલા છ ઇઝરાયલી બંધકોને પરત કરવામાં નિષ્ફળ રહેવા બદલ ઇઝરાયેલની જનતાની માફી માગી છે.

બીજી તરફ હમાસે ચેતવણી આપી હતી કે યુદ્ધવિરામ પર સમજૂતી નહીં થાય તો “બીજા બંધકો પણ કફનમાં જ ઘરે આવશે.”

નેતન્યાહૂનું માફી માગતુ નિવેદન એ સમયે આવ્યું છે જ્યારે સમજૂતીને અમલમાં લાવવાની તેમની રણનીતિને લઈને ઇઝરાયલમાં સતત બીજા દિવસે પણ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે.

બીજી તરફ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ દબાણ વધી રહ્યું છે. કારણ કે બ્રિટેન ઇઝરાયલને હથિયારની નિકાસ પર રોક લગાવતા કહ્યું કે તેનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરવા માટે થઈ શકે છે.

જોકે, ઇઝરાયલના વડા પ્રધાન હાલમાં પણ પોતાના વલણ પર અડગ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ગાઝાના ફિલાડેલ્ફી કૉરિડોર પર ઇઝરાયેલની સેનાનું નિયંત્રણ જરૂરી છે. હમાસ સાથેની સમજૂતીમાં આ કૉરિડોર મુખ્ય મુદો છે.

નેતન્યાહૂનો વિરોધ શા માટે?

પ્રદર્શનકારીએ તેલ અવિવની બહાર એક મુખ્ય હાઇવે બ્લોક કર્યો હતો

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, પ્રદર્શનકારીઓએ તેલ અવિવની બહાર એક મુખ્ય હાઇવે બંધ કરી દીધો હતો

પ્રદર્શનકર્તાઓ વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પર આરોપ લગાવે છે કે તેઓ સંઘર્ષવિરામ અને બંધકોની મુક્તિ માટેનો કરાર રોકીને પોતાનું રાજકીય ભવિષ્ય બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

હમાસે જેમને બંધક બનાવ્યા છે એ ઇઝરાયલીઓના પરિવારજનો લાંબા સમયથી નેતન્યાહૂની નીતિઓનો વિરોધ કરી રહ્યા હતા પરંતુ છ બંધકોના મૃતદેહ મળ્યા પછી તેમનો રોષ ફાટી નીકળ્યો છે.

આ મૃતદેહો ઇઝરાયલી ડીફેન્સ ફૉર્સીસના જવાનોને દક્ષિણ ગાઝાના રફાહની એક અન્ડરગ્રાઉન્ડ ટનલમાંથી મળી આવ્યા હતા.

મૃતકોની ઓળખ કાર્મેલ ગેટ, ઇડેન જેરૂસલમી, હૅર્શ ગૉલ્ડબર્ગ-પોલિન, ઍલેક્ઝાન્ડર લોબાનોવ, આલ્મોગ સારુસી અને માસ્ટર એસજીટી ઓરી ડાનિનો તરીકે કરવામાં આવી છે.

તેમાંથી ત્રણ લોકો જુલાઈમાં જેની ચર્ચા થઈ હતી એ સંઘર્ષવિરામના પ્રસ્તાવ હેઠળ પહેલા તબક્કામાં છોડી મૂકવામાં આવનાર હતા.

પ્રદર્શનકારીઓએ તેમના પ્લૅ-કાર્ડ પર લખ્યું હતું કે, “યુ આર ધી હૅડ, યુ આર ટુ બ્લૅમ”.

સાત ઑક્ટોબરે હમાસે કરેલા હુમલાને 11 મહિના થવા આવ્યા છે. 97 બંધકો હજુ પણ ગાઝામાં છે, જેમાંથી 33 લોકોનાં મૃત્યુ થયાં હોવાનું અનુમાન છે.

પ્રદર્શનકર્તાઓ શું ઇચ્છે છે?

પ્રદર્શનકારીએ છ મૃત બંધકોના પોસ્ટરો અને બેનરો લગાવીને મુખ્ય હાઇવે બ્લોક કર્યો

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, પ્રદર્શનકારીએ છ મૃતક બંધકોના પોસ્ટરો અને બૅનરો લગાવીને રસ્તા બ્લૉક કર્યા

હમાસ સાથે સંઘર્ષવિરામ કરાર કરવો અને 97 બંધકોને છોડાવવા એ પ્રદર્શનકર્તાઓની મુખ્ય માગ છે.

શૅરોન લિફિત્ઝના પિતા ઓદેદ હજુ પણ બંધકોના કબજામાં છે. શૅરોને બીબીસી રેડિયો4 સાથે વાત કરતાં કહ્યું હતું કે છ બંધકોની હત્યા “એ જ એવી વસ્તુ છે જેનાથી અમને કાયમ ડર લાગે છે.”

તેઓ કહે છે કે તેમનો સંદેશ સ્પષ્ટ છે કે જ્યાં સુધી આ કરાર નહીં કરવામાં આવે ત્યાં સુધી તેઓ આમ કરવાનું ચાલું રાખશે. “આપણે આપણા લોકોને પાછા લાવવા જોઇએ અને આ કારણ વગરનું યુદ્ધ ખતમ કરી દેવું જોઇએ.”

બંધકોના પરિવારોએ બનાવેલા ફૉરમે કહ્યું હતું કે તમામ છ લોકોને 11 મહિના સુધી યાતના આપવામાં આવી અને ભૂખમરાથી પ્રતાડિત કર્યા બાદ મારી નાખવામાં આવ્યા.

તેમણે કહ્યું હતું કે, “સંઘર્ષવિરામ કરવામાં મોડું થવાને કારણે બંધકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે.”

વિરોધપ્રદર્શનોનું આયોજન કોણે કર્યું?

હડતાલને કારણે સમગ્ર ઇઝરાયેલમાં વ્યવસાયો, શાળાઓ અને વાહનવ્યવહારને અસર થઈ છે અને બેન ગુરિયન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કેટલીક ફ્લાઈટ્સને પણ અસર થઈ છે

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, હડતાલને કારણે સમગ્ર ઇઝરાયલમાં વ્યવસાયો, શાળાઓ અને વાહનવ્યવહારને અસર થઈ છે

ગાઝામાં અગાઉ જીવિત માનવામાં આવતા છ બંધકોના મૃતદેહ મળી આવ્યા હોવાના સમાચાર મળતાં જ લોકો પ્રદર્શન કરવા માટે શેરીઓમાં ઉતરી આવ્યા હતા.

ત્યારબાદ વધુ દેખાવો અને સામાન્ય હડતાળની હાકલ ટૂંક સમયમાં કરવામાં આવી.

ઑક્ટોબર, 2023 પછીની દેશની આ સૌથી મોટી સામાન્ય હડતાળ પાછળ ઇઝરાયલનું મુખ્ય ટ્રેડ યુનિયન હિસ્ટાડ્રુટ છે.

બંધકો અને ગુમ થયેલ કુટુંબીજના ફોરમે સામાન્ય લોકોને "બધું કામ મૂકીને વિશાળ પ્રદર્શનમાં ભાગ લેવા કહ્યું”. પરિણામે ઘણી જાહેર સેવાઓ અને મુખ્ય માર્ગો બંધ હતાં.

ઇઝરાયલના વિરોધપક્ષના નેતા યેર લેપિડ કે જેઓ ભૂતપૂર્વ વડા પ્રધાન પણ છે, તેઓ પણ દેખાવોના સમર્થનમાં બહાર આવ્યા હતા, અને તમામ ઇઝરાયલીઓને બંધકોનાં મૃત્યુના સમાચારને પગલે વિરોધમાં જોડાવા માટે હાકલ કરી હતી.

ઇઝરાયલી સરકારનો પ્રતિભાવ શું છે?

ઇઝરાયલ હમાસ સંઘર્ષ
ઇમેજ કૅપ્શન, ઇઝરાયલમાં પ્રદર્શનો
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બેન્જામિન નેતન્યાહૂએ પોતાના પર લાગી રહેલા સંઘર્ષવિરામના રસ્તામાં અવરોધ ઉભો કરવાના તમામ આરોપોને નકારી દીધા છે.

તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી હત્યાઓ માટે જવાબદાર લોકોને નહીં પકડી લેવામાં આવે ત્યાં સુધી ઇઝરાયલ અટકશે નહીં.

હમાસના પ્રતિનિધિ ઇઝ્ઝત અલ-રિશ્ક સંઘર્ષવિરામ ન થવા પાછળ ઇઝરાયલને જવાબદાર ઠેરવ્યું હતું પરંતુ બંધકો કઈ રીતે મૃત્યુ પામ્યાં તેનો સીધી રીતે કોઇપણ જવાબ આપવાનો ઇન્કાર કર્યો હતો.

રસ્તાઓ, બૅન્કો, શાળાઓ અને ઍરપૉર્ટ પર વ્યાપક વિક્ષેપ પછી, ઇઝરાયલની લેબર કૉર્ટે ચુકાદો આપ્યો હતો કે સામાન્ય હડતાળ સ્થાનિક સમય મુજબ બપોરે બે વાગ્યે સમાપ્ત થવી જોઈએ, પરંતુ વિરોધપ્રદર્શન કરનારા લોકોએ તેને સાંજ સુધી ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી. હડતાલ મૂળત: રીતે બે દિવસ ચાલવાની હતી.

ઇઝરાયલના નાણા પ્રધાન બેઝાલેલ સ્મૉટ્રિચે તેમના અતિશય જમણેરી વિચારો માટે જાણીતા છે. હડતાળને ગેરકાયદેસર ગણાવી હતી અને કોર્ટના ચુકાદાને આવકાર્યો હતો.

ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન યોવ ગેલન્ટે લાંબા સમયથી નેતન્યાહૂને યુદ્ધવિરામ સોદાની વાટાઘાટો કરવા વિનંતી કરી છે. તેમણે એક્સ પર પોસ્ટ કરીને ઇઝરાયલની સુરક્ષા કૅબિનેટને નેતન્યાહૂની વાટાઘાટોની માગણીઓને આપેલું સમર્થન પાછું ખેંચી લેવાની વાત કરી છે.

તેમણે કહ્યું, "એ અપહરણકર્તાઓ માટે ખૂબ મોડું થઈ ગયું છે કે જેમની ઠંડા કલેજે હત્યા કરવામાં આવી હતી. હમાસની કેદમાં રહેલા અપહૃતો તેમના ઘરે પાછા ફરવા જોઈએ."

ઇઝરાયલી લોકો પ્રદર્શન વિશે શું વિચારે છે?

ઘણા શહેરો અને મ્યુનિસિપાલિટીઓએ તેઓ પ્રદર્શનમાં ભાગ નહીં લે તેમ કહ્યું હોવા છતાં હજારો ઇઝરાયલીઓ બંધક પરિવારોના સમર્થનમાં બહાર આવ્યા હતા.

તેલ અવીવના તમારાએ બીબીસીને કહ્યું કે તેઓ હડતાળ સાથે સહમત નથી, “અમારે બંધકોને પાછા લાવવા છે - પરંતુ આપણે બધું રોકી શકતા નથી, આપણે જીવવાની જરૂર છે."

નિવા કે જેઓ તેલ અવીવમાં પણ રહે છે તેઓ પણ કહે છે કે હડતાલ વચ્ચે ઘણી બધી દુકાનો ખુલ્લી જોઈ, તે આશ્ચર્ય છે.

તેમણે બીબીસીને કહ્યું, "દેશ હવે ખૂબ જ લડી લેવાના મૂડમાં છે, પરંતુ તેઓ (નેતન્યાન્હૂ) સાંભળતા નથી.

“આ સમગ્ર પરિસ્થિતિમાં કંઈક બદલવું પડશે. શા માટે આપણે હંમેશા ડરમાં જીવવું જોઈએ?”

નેતન્યાહૂની સરકાર પર તેની શું અસર થશે?

ઘણા શહેરો અને મ્યુનિસિપાલિટીઓએ તેઓ પ્રદર્શનમાં ભાગ નહીં લે તેમ કહ્યું હોવા છતાં  હજારો ઇઝરાયલીઓ બંધક પરિવારોના સમર્થનમાં બહાર આવ્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇઝરાયલમાં પ્રદર્શનો

આ વિરોધનો હેતુ લાંબા સમયથી અપેક્ષિત યુદ્ધવિરામના કરારને સુરક્ષિત કરવા માટે સરકાર પર દબાણ લાવવાનો છે.

પરંતુ વ્યક્તિગત રીતે વડા પ્રધાન પર થઈ રહેલા જનાક્રોશને કારણે અત્યારે એ સમજવું મુશ્કેલ છે કે આ વિરોધ અર્થપૂર્ણ પરિવર્તન લાવી શકશે કે કેમ?

ભૂતપૂર્વ કન્ઝર્વેટિવ સાંસદ અને યુકેમાં વિદેશ કાર્યાલય મંત્રી એલિસ્ટર બર્ટે બીબીસીને જણાવ્યું હતું કે, "કારણ કે તેઓ (નેતન્યાહૂ) તેમના કૅબિનેટમાંના જ કેટલાક લોકો દ્વારા ફસાવાવામાં આવ્યા છે કે જેઓ નથી ઈચ્છતા કે તેઓ હમાસ સાથે કોઈ સોદો કરે. નેતન્યાહૂએ પોતે જ તેની તૈયારી કરી લીધી છે. આ એક એવો કૉર્સ છે કે જે અશક્ય લાગે છે. પણ જો તે પૂર્ણ થાય તો જ તેઓ સફળ થઈ શકે છે.”

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.