કૉંગ્રેસે કર્યું એલાન, “રાહુલ ગાંધી રાયબરેલીથી સાંસદ રહેશે, પ્રિયંકા વાયનાડથી ચૂંટણી લડશે”

ઇમેજ સ્રોત, Getty Images
ઘણા દિવસોથી ચાલી રહેલી અટકળોનો અંત લાવતા કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એલાન કર્યું છે કે તેઓ વાયનાડ બેઠક છોડી રહ્યા છે. આમ, એ સ્પષ્ટ થયું છે કે તેઓ રાયબરેલીના સાંસદ તરીકે સંસદમાં પ્રતિનિધિત્વ કરશે.
રાહુલ ગાંધીએ જાહેરાત કરી હતી કે, “વાયનાડથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે. મને વિશ્વાસ છે કે તેઓ જીતશે અને વાયનાડનું પ્રતિનિધિત્વ કરશે. વાયનાડના લોકોએ હવે એમ સમજવાનું છે કે હવે અમારા બે સાંસદ છે. એક મારી બહેન પ્રિયંકા ગાંધી અને બીજો હું.”
વાયનાડથી થનારી પેટાચૂંટણી માટે પોતાની ઉમેદવારી અંગે પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, “આ જાહેરાતથી હું ખૂબ ખુશ છું કે મને વાયનાડનું પ્રતિનિધિત્વ કરવા મળશે. હું મહેનત કરીશ અને મારાથી બનતો શ્રેષ્ઠ પ્રયત્ન કરીશ. વાયનાડના લોકોને હું રાહુલની ગેરહાજરી નહીં વર્તાવા દઉં.”
રાહુલ ગાંધી રાયબરેલીથી સાંસદ રહેશે તે એલાન કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્યું હતું.
અહીં ઉલ્લેખનીય છે કે બે બેઠક પરથી વિજેતા થયા બાદ કોઈ એક બેઠક પરથી સાંસદ તરીકે રાજીનામું આપવું પડે છે.
રાહુલ ગાંધી વાયનાડ અને રાયબરેલી બંને જગ્યાએથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા.
અગ્નિવીર પર રોક લાગે : કૉંગ્રેસ નેતા દીપેન્દ્રસિંહ હુડ્ડા

ઇમેજ સ્રોત, ANI
કૉંગ્રેસના સાંસદ દીપેન્દ્રસિંહ હુડ્ડાએ અગ્નિવીર યોજના પર રોક લગાવવા અને સૈન્યમાં કાયમી ભરતીઓને શરૂ કરવાની માગ કરી છે.
તેમણે આ મુદ્દે પત્રકારપરિષદ કરી અને સૈન્યના આંતરિક સરવેનો પણ ઉલ્લેખ કર્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હુડ્ડાએ જણાવ્યું, "ગત 3-4 દિવસોથી તમામ અખબારો અને સમાચારોમાં આ આવી રહ્યું છે કે સૈન્યમાં આંતરિક સરવેમાં કરાયો છે. જેમાં અગ્નિવીર યોજનાને લઈને આપણા દેશનાં સૈન્યો ઘણી બધી ખામીઓનો સામનો કરી રહ્યાં છે. આ ખામીઓને કઈ રીતે ઠીક કરી શકાય એ તમામ અટકળોને લઈને સરવે અખબારોમાં પ્રકાશિત કરાયા છે."
તેમણે કહ્યું કે "કેટલીક વાતો સામે આવી છે કે અગ્નિપથ યોજનાઓમાં જે ખામીઓ છે એને કઈ રીતે દૂર કરવામાં આવે... દાખલા તરીકે કાર્યકાળને 4થી વધારીને 7 કરવામાં આવે કે 25 ટકા અગ્નિવીરોની જગ્યાએ 60થી 70 ટકા અગ્નિવીરોને નોકરીઓ પર રાખવામાં આવે કે ટ્રેનિંગનો સમય 24 સપ્તાહથી વધારીને 37 કે 42 સપ્તાહ કરવામાં આવે."
કંચનજંઘા ઍક્સપ્રેસને માલગાડીએ ટક્કર મારી, નવનાં મોત

ઇમેજ સ્રોત, ANI
દાર્જિલિંગના ન્યૂ જલપાઈગુડી પાસે એક માલગાડી કંચનજંઘા ઍક્સપ્રેસ સાથે ટકરાઈ છે.
આ દુર્ઘટનામાં કમસે કમ નવ લોકોનાં મોત થયાં છે.
નૉર્થ ફ્રન્ટિયર રેલવે પ્રવક્તાએ બીબીસીને જણાવ્યું કે કુલ નવ લોકોનાં મૃત્યુ થયાં છે જ્યારે કે 46 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માતને કારણે 8 ટ્રેન રદ થઈ જ્યારે કે 24 ટ્રેનના રૂટ બદલાયા છે.
રેલવેના જણાવ્યા પ્રમાણે મૃતકોમાં ત્રણ રેલવે કર્મચારીઓ પણ છે.
જોકે સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, આ દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા વધીને 15 થઈ ગઈ છે. ઈજાગ્રસ્તોની સંખ્યા 20થી વધીને 60 થઈ ગઈ છે.






















