વડા પ્રધાન મોદીએ કહ્યું 'કૉંગ્રેસ માતા-બહેનોનાં મંગળસૂત્રો ઘૂસણખોરોને વહેંચી દેશે', કૉંગ્રેસ શું જવાબ આપ્યો?

ઇમેજ સ્રોત, ANI
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના બાંસવાડામાં એક રેલીમાં સંબોધન કરતાં કૉંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કૉંગ્રેસ- મા બહેનોનું સોનું લઈને ઘૂસખોરોમાં વહેંચવા માગે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં મુસ્લિમોને લઈને ટિપ્પણી પણ કરી છે જેના પર કૉંગ્રેસે કહ્યું કે વડા પ્રધાન મોદી દેશમાં નફરતનાં બી વાવી રહ્યા છે.
વડા પ્રધાન મોદીએ કહ્યું કે તેમની સરકારનો હેતુ પાણી અને ગૅસને ઘરે-ઘરે પહોંચાડ્યા બાદ દરેક ઘરને સૂર્યઘર બનાવવા માગે છે.
વડા પ્રધાન મોદીએ એમ પણ કહ્યું કે "આવનારા પાંચ વર્ષ મફત રાશન મળતું રહેશે, આનો સૌથી મોટો લાભ આદિવાસી પરિવારો અને પછાત વર્ગના પરિવારોને મળશે."
વડા પ્રધાન મોદીએ પોતાના ભાષણમાં કહ્યું કે "એક મજબૂત સરકારની જરૂર છે, જે સરહદોની સુરક્ષા કરી શકે અને જરૂર પડે તો પાતાલમાંથી પણ દુશ્મનોને શોધીને તેમનો સફાયો કરી શકે."
મોદીએ કહ્યું કે, "આટલો મોટો દેશ શું એવી કોઈ વ્યક્તિને આપી શકાય જેનો કોઈ ટ્રૅક રેકૉર્ડ ન હોય. એક મોદી છે, જેને તમે ઓળખો છો, 23 વર્ષ થઈ ગયા, 13 વર્ષ ગુજરાતમાં પણ ડુંગરપુર-બાંસવાડાના લોકો મને નજીકથી જોયો છે."
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કૉંગ્રેસના ચૂંટણીઢંઢેરાની વાત કરતા કહ્યું કે "કૉંગ્રેસ પાર્ટી દેશની મહિલાઓના સોનાનો હિસાબ કરીને તેને વહેંચવા માગે છે."
મોદીએ કહ્યું કે, "અમારા આદિવાસી પરિવારોમાં ચાંદી હોય છે તેનો હિસાબ લગાવવામાં આવશે, જે બહેનો પાસે સોનું છે, અને જે સંપત્તિઓ છે, આ બધું જ સામાનના રૂપમાં વહેંચી દેવામાં આવશે. શું આ તમને મંજૂર છે? તમારી સંપત્તિ સરકારે લેવાનો અધિકાર છે? તમારી મહેનત કરીને ઊભી કરેલી સંપત્તિ સરકારે લઈ લેવાનો અધિકાર છે?"
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પોતાના ભાષણમાં મોદીએ કહ્યું, "પહેલાં જ્યારે તેમની સરકાર હતી ત્યારે તેમણે કહ્યું હતું કે દેશની સંપત્તિ પર પહેલો અધિકારી મુસ્લિમોનો છે, આનો અર્થ છે કે સંપત્તિ ભેગી કરીને કોને વહેંચશે- જેમનાં વધુ બાળકો છે તેમને વહેંચશે, ઘૂસણખોરોને વહેંચશે. શું તમારી મહેનતના પૈસા ઘૂસણખોરોને આપવામાં આવશે? તમને મંજૂર છે?"
કૉંગ્રેસના મૅનિફેસ્ટોમાં કહેવાયું છે કે "તે માતા-બહેનોનાં સોનાંનો હિસાબ કરશે, તેની માહિતી લેશે અને પછી તેને વહેંચશે અને તેમને વહેંચશે જેમને મનમોહનસિંહની સરકારે કહ્યું હતું કે સંપત્તિ પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે. ભાઇઓ બહેનો આ અર્બન નક્સલના વિચાર છે, મારી માતા-બહેનોનું મંગળસૂત્ર નહીં વેચાવા દઈએ. આ લોકો અહીં સુધી જશે."
કૉંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો જારી કરીને કહ્યું,"દેશના વડા પ્રધાન ફરી આજે જૂઠ બોલ્યા. એક ચૂંટણી જીતવા માટે જૂઠ પર જૂઠ પીરસતા જશો જનતાને. ચાલો તમારી ગૅરન્ટી જૂથી, તમારા જુમલા જૂઠા, તમારા વાયદા જૂઠા."
તેમણે કહ્યું કે, "તમે દેશને હિંદુ મુસ્લિમના નામ પર જૂઠ પીરસી રહ્યા છો. હું પડકાર આપું છું વડા પ્રધાનને કે કૉંગ્રેસના મૅનિફેસ્ટોમાં ક્યાંક પણ મુસ્લિમ અને હિંદુ શબ્દ હોય તો જણાવે અને આ ચૂંટણી સ્વીકાર કરે, નહીં તો જૂઠ બોલવાનું બંધ કરે."
કૉંગ્રેસ સુરતથી નીલેશ કુંભાણીનું ફૉર્મ રદ થવા મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરશે

ઇમેજ સ્રોત, ani
સુરતમાં કૉંગ્રેસ પાર્ટીના ઉમેદવાદ નીલેશ કુંભાણીનું ફૉર્મ રદ થયા બાદ ભાજપ અને કૉંગ્રેસ એકબીજા પર આક્ષેપ કરી રહ્યા છે.
કૉંગ્રેસ પાર્ટીના ઉમેદવાર નીલેશ કુંભાણીના ટેકેદાર યોગ્ય ન હોવાનો વાંધો ઉઠાવવામાં આવ્યો હતો અને ત્યાર બાદ નીલેશ કુંભાણી પાસેથી ચૂંટણીપંચે જવાબ આપ્યો હતો. બાદમાં રવિવારના સવારે નીલેશ કુંભાણીનું ફૉર્મ રદ કરી દેવામાં આવ્યું હતું.
કૉંગ્રેસ પાર્ટીએ આ મામલે ભાજપ પર આક્ષેપ કર્યા છે અને આ મામલે હાઈકોર્ટ જવાનો નિર્ણય કર્યો છે.
નવસારીથી કૉંગ્રેસના ઉમેદવાર નૈશધ દેસાઈએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, "કૉંગ્રેસ પાર્ટી ગુજરાત હાઈકોર્ટમાં તાકીદે ચૂંટણી કમિશનર સામે તપાસની માગ કરશે. પાર્ટી આ સમગ્ર મામલે સ્ટે ઑર્ડર માગશે, સુરત લોકસભા બેઠક પર ચૂંટણીપંચે જે ભાજપના ઉમેદવારનું ફૉર્મ મંજૂર કર્યું છે, જેમણે ઍફિડેવિટ મામલે વાંધો ઉઠાવ્યો, તેની સામે બનાવટી દસ્તાવેજો બનાવવા મામલે કેસ કરવામાં આવશે."
કૉંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફૉર્મ રદ, શક્તિસિંહે ભાજપ પર શું આરોપ મૂક્યો?
સુરત લોકસભાના કૉંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણીનું ઉમેદવારી ફૉર્મ રદ કરી દેવામાં આવ્યું છે.
તો કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પત્રકારપરિષદ ભરીને નીલેશ કુંભાણીનું ફૉર્મ રદ થવા પર ભાજપ પર કેટલાક આરોપ મૂક્યા હતા.
તેમણે કહ્યું કે એક જ નોટરી પાસે બધાં એફિડેવિટ કરાવે એ બતાવે છે કે ભાજપે ડરાવી-ધમકાવીને કામ કરાવ્યું છે.
તેમણે કહ્યું, "સુરતમાં નીલેશભાઈને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમણે મને કહ્યું હતું કે મારા પર દબાણ છે, પણ હું કોઈ દબાણ કે લાલચને વશ નહીં થાઉં."
તેમણે કહ્યું કે "ગઈ કાલે 18 જગ્યાએ કૉંગ્રેસનાં ફૉર્મ સામે વાંધા હતા, પણ એક પણ વાંધો ચાલ્યો નથી. જો નિષ્પક્ષ રીતે ચૂંટણી થાય તો ભાજપ હારી જાય તેથી તેમણે આવાં તરકટ રચ્યાં છે."
શક્તિસિંહે ફૉર્મમાં કરેલી સહીને એફએસએલમાં મોકલવાની માગ કરી હતી.
આ મામલે નવસારી બેઠકના કૉંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈએ ચૂંટણીપંચ અને ભાજપ પર કેટલાક આરોપ મૂક્યા છે.
તેમણે મીડિયા સાથે વાતચીત કરતા આરોપ મૂક્યો કે "આ ચૂંટણીપંચનું કાવતરું છે. અહીં બે સવાલ થાય છે. 18મી તારીખે બધા ટેકેદારો હાજર હતા. તો પછી આ એફિડેવિટ કોણ લાવ્યું, કેમ લાવ્યું અને ક્યાંથી લાવ્યું. ભાજપને સત્તાનું પ્રદર્શન કર્યું છે."
તેમણે કહ્યું કે નીલેશ કુંભાણી હાઈકોર્ટમાં જવા નીકળી ગયા છે.
તેમણે એવો પણ આરોપ મૂક્યો કે હાઈકોર્ટમાં પિટિશન કરવામાં મોડું થાય એટલે જાણી જોઈને અમને લેખિત ઑર્ડર આપવામાં મોડું કર્યું છે.
તો નીલેશ કુંભાણી વતી કેસ લડતા બાબુ માંગુકિયાએ કહ્યું કે "જે માણસો હાજર હતા એમની વાત માનીને ફોર્મ રદ કર્યાં છે. અમને ક્રૉસ એક્ઝામિનેશન કરવાની તક આપી નથી. ટેકેદારોનાં અપહરણ મામલે પણ કોઈ ચર્ચા થઈ નથી. આ ખોટો હુકમ છે."
તેમણે કહ્યું કે "અમે ઑર્ડરને દિલ્હીમાં અમારી લિગલ ટીમ પાસે મોકલી આપ્યો છે. એ નક્કી કરશે કે હાઈકોર્ટમાં જવું કે સુપ્રીમ કોર્ટમાં."
ઉલ્લેખનીય છે કે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણી દ્વારા કુંભાણીના ટેકેદાર 'યોગ્ય ના હોવાનો' દાવો કરાયો હતો.
આ મામલે રિટર્નિંગ ઑફિસર સમક્ષ રવિવારે બંને પક્ષોએ પોતપોતાની દલીલો રજૂ કરી હતી અને પછી આ ચુકાદો આપવામાં આવ્યો છે.
ગુજરાતમાં કઈકઈ બેઠકો પર કૉંગ્રેસના ઉમેદવારોના ફૉર્મ સામે વાંધો ઉઠાવાયો?

ઇમેજ સ્રોત, Nilesh Kumbhani/FB
સુરતમાં કૉંગ્રેસના ઉમેદવારના ફોર્મમાં ખામી હોવાનો ભાજપ તરફથી વાંધો ઉઠાવાયા બાદ ગુજરાતમાં અન્ય બેઠકો પર કૉંગ્રેસના ઉમેદવારોની ઉમેદવારીપ્રક્રિયામાં વાંધો ઉઠાવાયો છે.
બીબીસી સહયોગી ફારુખ કાદરીએ આપેલી માહિતી અનુસાર અમેરેલી બેઠક પર કૉંગ્રેસનાં ઉમેદવાર જેનીબહેન ઠુમ્મરે ફૉર્મ ભરવામાં ભૂલો કરી હોવાનો અને ખોટી વિગતો રજૂ કરી હોવાનો આક્ષેપ થયો છે.
અમરેલીમાં કૉંગ્રેસના ઉમેદવાર જેનીબહેન ઠુમ્મરના સોગંદનામામાં મિલકત અંગે સ્પષ્ટતા જોવા મળતી નથી અને વિસંગતતાઓ છે એવો ભાજપના નેતાએ આરોપ લગાવ્યો છે.
આ પહેલાં ગેનીબહેન ઠાકોરે પણ એવો આરોપ લગાવ્યો હતો કે ભાજપના લોકો ફૉર્મમાં ભૂલો કાઢીને, વાંધા ઉઠાવીને ફૉર્મ રદ કરાવવાનો પ્રયત્ન કરે છે.
ભાજપનાં પૂર્વ ધારાસભ્ય રેખાબહેન ખાણેચાએ ગેનીબહેન સામે સવાલો ઉઠાવ્યા હતા કે ગરીબ ઘરની દીકરી પાસે 40 વીધા જમીન કેવી રીતે આવી?
જોકે, ગેનીબહેને તેનો ખુલાસો કર્યો હતો અને કહ્યું હતું કે, "મારી ઉમેદવારી રદ કરવા માટે ભાજપના નેતાઓએ ત્રણ-ત્રણ વાર પગાર, મિલકત એમ અલગ-અલગ વાંધાઓ ઉઠાવ્યા હતા. આ ભાજપની માનસિકતા દર્શાવે છે. મેં સુધારા સાથે ફરીથી ઍફિડેવિટ ફાઇલ કરી દીધું છે."
તો બીજી તરફ ભાવનગરમાં પણ આપના ઉમેદવાર ઉમેશ મકવાણાના ફૉર્મમાં પણ ખોટી માહિતી હોવાનો આરોપ મુકાયો છે.
આજે આ તમામ ઉમેદવારોની દલીલ સાંભળીને રિટર્નિંગ ઑફિસર ફેંસલો આપશે.
નોંધનીય છે કે સુરતમાં કૉંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણીના ઉમેદવારી ફૉર્મને લઈને વિવાદ થયો છે. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણી દ્વારા કૉંગ્રેસના ટેકેદાર 'યોગ્ય ના હોવાનો' વાંધો ઉઠાવાયો છે.
નીલેશ કુંભાણીના વકીલ ઝમીર શેખે જણાવ્યું હતું કે "રિટર્નિંગ અધિકારીએ અમને એક નોટિસ આપી છે કે જે ત્રણ ટેકેદારોના ફૉર્મમાં સહી છે એ ટેકેદારોએ ઍફિવેડિટ આપીને કહ્યું કે ફૉર્મમાં તેમની સહી નથી. આથી અમે સામાન્ય મુદત અરજી આપીને સમય માગ્યો છે અને અમને આવતી કાલનો (રવિવાર) સમય આપવામાં આવ્યો છે."
ઝારખંડના રાંચીમાં આજે ‘ઇન્ડિયા’ ગઠબંધનની રેલીનું આયોજન

ઇમેજ સ્રોત, JHARKHAND MUKTI MORCHA/X
ઝારખંડના રાંચીમાં આજે ઇન્ડિયા ગઠબંધનની રેલી થશે. આ રેલી રવિવારે બપોરે 3 વાગે રાંચીના પ્રભાતતારા મેદાનમાં યોજાવાની છે.
રવિવારે સવારથી જ આ ગ્રાઉન્ડમાં ઇન્ડિયા ગઠબંધનનાંનેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ, મમતા બેનરજી, હેમંત સોરેન અને કલ્પના સોરેનનાં પોસ્ટરો લગાવવામાં આવ્યાં છે.
આ રેલીનું નામ ‘ઉલગુલાન ન્યાય મહારેલી’ રાખવામાં આવ્યું છે. કલ્પના સોરેન આ રેલીનું નેતૃત્વ કરશે તેમ મનાય છે. દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલનાં પત્ની સુનીતા કેજરીવાલ પણ સામેલ થઈ શકે છે.
આ રેલીમાં પણ ઝારખંડના પૂર્વ મુખ્ય મંત્રી હેમંત સોરેનનો મુદ્દો મુખ્ય રહેશે તેમ મનાય છે. આ પહેલાં વિપક્ષી દળોએ દિલ્હીમાં સંયુક્ત રેલી કરી હતી.
અહીં ઉલ્લેખનીય છે ઝારખંડની 14 લોકસભા બેઠકો પર ચાર તબક્કામાં મતદાન થવાનું છે. ઝારખંડમાં 13 મે, 20મે, 25 મે અને 1 જૂનના રોજ મતદાન થશે.






















