લોકસભામાં 49 સાંસદો સસ્પેન્ડ, બે દિવસમાં કુલ 127 સાંસદો નિલંબિત

સંસદમાં હોબાળો

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, સંસદ બહાર સાંસદો
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી
  • પ્રકાશિત

લોકસભામાં મંગળવારે 49 સાંસદોને સસ્પેન્ડ કરી દેવાયા છે. નિલંબિત કરાયેલા સાંસદોમાં ફારુક અબ્દુલા, શશી થરૂર, મનીષ તિવારી સામેલ છે. સમાચાર સંસ્થા પીટીઆઈએ આની પુષ્ટિ કરી છે.

આ પહેલાં સોમવારે રેકર્ડ 78 સાંસદોને સસ્પેન્ડ કરાયા હતા. ગત બે દિવસમાં કુલ 127 સાંસદોને સંસદનાં બન્ને ગૃહમાંથી નિલંબિત કરાયા છે. જેને પગલે વિપક્ષ મોદી સરકાર પર તાનાશાહીનો આરોપ લગાવી રહ્યો છે.

સોમવારે રાજ્યસભા અને લોકસભામાં હોબાળાને પગલે મોટી સંખ્યામાં સાંસદોને સસ્પેન્ડ કરાયા હતા. આ નિલંબન ત્યારે કરાયું છે જ્યારે સદનમાં કેટલાંક મહત્ત્વપૂર્ણ બિલો રજૂ થવાનાં છે.

સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર સંસદીય કાર્યોના મંત્રી પ્રહ્લાદ જોશીએ લોકસભામાં કહ્યું કે "ગૃહની અંદર બેનરો નહીં લાવવાનો નિર્ણય કરાયો હતો. તાજેતરની ચૂંટણીમાં પરાજયન બાદ હતાશાને પગલે આ (વિપક્ષ) આવું પગલું ભરી રહ્યો છે. એટલે અમે સાંસદોને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ લાવી રહ્યા છે."

નોંધનીય છે કે 13 ડિસેમ્બરે સંસદની અંદર અને પરિસરમાં ચાર લોકોએ પ્રદર્શન કર્યું હતું અને રંગીન ધુમાડો ઉડાડ્યો હતો.

આ પહેલાં સંસદના શીયાળુ સત્રના 11મા દિવસે એટલે કે 18 ડિસેમ્બર, 2023ના રોજ સોમવારેના દિવસે લોકસભા અને રાજ્યસભાના કુલ 78 સાંસદોને સસ્પેન્ડ કરાયા હતા.

આ સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં કૉંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી, તૃણમૂલ કૉંગ્રેસના સૌગત રાય, ડીએમકેના ટી. આર. બાલુ, દયાનિધિ મારન સહિત લોકસભાના કુલ 33 સાંસદો સામેલ હતા.

રાજ્યસભાના સાંસદોમાં જયરામ રમેશ, પ્રમોદ તિવારી, કે. સી. વેણુગોપાલ, ઇમરાન પ્રતાપગઢી, રણદીપસિંહ સુરજેવાલા, મોહમ્મદ નદીમુલ હક સહિત 45 સાંસદો હતા.

જે સાંસદોને સસ્પેન્ડ કરાયા છે તેઓ 13 ડિસેમ્બરે સંસદની સુરક્ષામાં થયેલી ચૂક મામલે બંને ગૃહોમાં હોબાળા વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદન આપે તેવી માગણી કરી રહ્યા હતા. 2001ના સંસદ પરના હુમલાની વરસીના દિવસે એટલે કે 13 ડિસેમ્બરે બે વ્યક્તિઓએ લોકસભામાં અને બે લોકોએ બહાર પ્રદર્શન કર્યું હતું. આ પછી સતત વિપક્ષી પાર્ટીઓ સુરક્ષામાં થયેલી ચૂક બાબતે સરકાર પાસે જવાબ માગી રહી છે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

X કન્ટેન્ટ પૂર્ણ

વિપક્ષે કહ્યું – લોકતંત્ર પર હુમલો

કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સાંસદોને સસ્પેન્ડ કરવા બાબતે કડક પ્રતિક્રિયા આપતા તેને લોકતંત્ર પર હુમલો ગણાવ્યો હતો.

તેમણે કહ્યું હતું, "સૌથી પહેલાં તો ઘૂસણખોરોએ સંસદ પર હુમલો કર્યો અને હવે મોદી સરકાર સંસદ અને લોકતંત્ર પર હુમલો કરી રહી છે."

મલ્લિકાર્જુન ખડગે

ઇમેજ સ્રોત, x/@kharge

ઇમેજ કૅપ્શન, મલ્લિકાર્જુન ખડગે

"નિરંકુશ મોદી સરકાર સસ્પેન્ડ કરીને લોકતંત્રનાં બધાં માપદંડોને કચરાપેટીમાં ફેંકી રહી છે."

તેઓ બોલ્યા, "વિપક્ષ વગરની સંસદમાં મોદી સરકાર હવ કોઈ પણ અસંમતિને કચડી શકે છે."

મમતા બેનર્જી

ઇમેજ સ્રોત, x/@MamataOfficial

ઇમેજ કૅપ્શન, મમતા બેનરજી

આ બાજુ પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી અને તૃણમૂલ કૉંગ્રેસનાં અધ્યક્ષ મમતા બેનરજીએ કહ્યું કે ભાજપ પાસે સંસદ ચલાવવાનો નૈતિક અધિકાર નથી.

તેઓ બોલ્યાં હતાં, "જો તેઓ (ભાજપ) બધા સંસદસભ્યોને સસ્પેન્ડ કરી દેશે તો સંસદસભ્યો તેમનો અવાજ કેવી રીતે ઉઠાવશે? તેઓ ત્રણ મહત્ત્વપૂર્ણ ખરડાઓ પસાર કરી રહ્યા છે. લોકોના અવાજને રૂંધી દેવાયો છે. વિપક્ષને સંપૂર્ણ રીતે સસ્પેન્ડ કર્યા પછી તેમને સંસદ ચલાવવાનો કોઈ નૈતિક અધિકાર નથી."

તો કૉંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું, "દેશ સ્પષ્ટ રીતે જોઈ રહ્યો છે કે સંસદમાં આજે કેવી રીતે બુલડોઝર ચલાવાયું. આ વિરોધીઓને કચડી નાખવાની પ્રક્રિયા છે. અમિત શાહજીને બચાવવા માટે તેમની નિષ્ફળતાઓને છુપાવવા માટે વિપક્ષ પર, જનપ્રતિનિધિઓ પર, જનતાના મૂળ અધિકારો પર બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે."

લોકસભા અધ્યક્ષે શું કહ્યું હતું?

રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સંસદની સુરક્ષામાં ચૂક મામલે કહ્યું કે એ દુર્ભાગ્યપૂર્ણ છે કે આવી ઘટના પર રાજકારણ રમાઈ રહ્યું છે.

તેમણે કહ્યું, "ઉચ્ચ સ્તરીય તપાસ માટે સમિતિ બનાવાઈ છે અને તપાસ ચાલુ છે. પહેલાં પણ જ્યારે આ પ્રકારની ઘટનાઓ બની તો લોકસભા અધ્યક્ષ દ્વારા જ તેની તપાસ પ્રક્રિયાઓ ચલાવાઈ હતી."

સાથે જ વિપક્ષ બાબતે તેઓ બોલ્યાં, "સંસદમાં નારેબાજી કરવી, તખતીઓ લાવવી, વિરોધ કરતાં વેલમાં ધસી જવું આ બધું યોગ્ય નથી. જનતા પણ આવા વર્તનને પસંદ નથી કરતી. સંસદમાં લોકતંત્રની વ્યવસ્થા પ્રમાણે જ ચર્ચા થવી જોઈએ. લોકસભામાંથી જે સંસદસભ્યોને સસ્પેન્ડ કરાયા છે તેમનો સુરક્ષામાં ખામીની બાબત સાથે કોઈ સંબંધ નથી."

બીજી બાજુ કેન્દ્રીય મંત્ર પીયૂષ ગોયલે ક્હયું કે તેઓ (સસ્પેન્ડે કરાયેલા સાંસદ) નથી ઇચ્છતા કે સંસદની કાર્યવાહી સારી રીતે ચાલે. આ તેમણે બનાવેલી રણનીતિ છે.

ગોયલે કહ્યું, "રાજ્યસભામાંથી 34 સાંસદોને સસ્પેન્ડ કરાયા છે. 11 સાંસદોનો મુદ્દો પ્રિવિલેજ કમિટીને મોકલાયો છે. આવી રીતે આજે 45 સાંસદોને સસ્પેન્ડ કરાયા છે."

રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરાયેલા સાંસદ

સાંસદો

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, રાજ્યસભામાંથી સસ્પેન્ડ થયેલા સાંસદો
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રાજ્યસભામાંથી અત્યાર સુધી કુલ 34 સાંસદોને સસ્પેન્ડ કરાયા છે.

તેમાં જયરામ રમેશ, કે. સી. વેણુગોપાલ, પ્રમોદ તિવારી, ઇમરાન પ્રતાપગઢી, રણદીપસિંહ સુરજેવાલા, ડેરેક ઓ બ્રાયન, શક્તિસિંહ ગોહિલ, રામગોપાલ યાદવ, જાવેદઅલી ખાન, ડૉ. અમી યાજ્ઞિક, રજની અશોકરાવ પાટીલ, મનોજકુમાર ઝા, ફૈયાઝ અહેમદ, વી શિવાસદન, રામનાથ ઠાકુર, અનિલ પ્રસાદ હેગડે, વંદના ચૌહાણ, મહુઆ માંઝી, જૉસ કે મણિ, અજીતકુમાર ભયાન, નરેન્દ્ર રાઠવા, સઈદ નાસિર હુસૈન, ફુલો દેવી, રંજીત રંજન, સુખેન્દુ શેખર, સાંતનુ સેન, મૌસમ નૂર, પ્રકાશ ચિક બરાઇક, સમીરુલ ઇસ્લામ, મોહમ્મદ નદીમ-ઉલ-હક, અબીર રંજન વિશ્વાસ, એમ. શનમુગન, એન.આર. ઇલેંગો, કનિમોઇ એનવીએન સોમૂ, આર. ગિરિરાજન સામેલ છે.

આ સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાંથી 11ના મામલાને વિશેષાધિકાર સમિતિ પાસે મોકલવામાં આવ્યો છે.

વિશેષાધિકાર સમિતિનો અહેવાલ આવે ત્યાં સુધી આ સાંસદો સસ્પેન્ડ રહેશે.

વરિષ્ઠ પત્રકાર નીરજા ચૌધરી સાંસદોના સસ્પેશનને ચોંકાવનારો નિર્ણય ગણાવે છે.

તેઓ કહે છે, "આ સસ્પેશન ચોંકાવનારી વાત છે. એ બહુ જ દુર્ભાગ્યપૂર્ણ છે. સંસદમાં હોબાળો થતો રહે છે પણ આજે જે વિષય પર હોબાળો થયો તે મહત્ત્વનો છે. સંસદની સુરક્ષામાં ચૂક એક મોટો મુદ્દો છે. જો વિપક્ષના સાંસદોએ આ મુદ્દો ન ઉઠાવ્યો હોત તો તેમનો સંસદમાં રહેવાનો અર્થ શું છે? તેમને જનતાએ સંસદમાં આ મુદ્દા વિશે ચર્ચા કરવા જ તો મોકલ્યા છે."

તેમણે કહ્યું કે સાંસદોને સસ્પેન્ડ કરવા એ યોગ્ય વિકલ્પ નથી અને તેમની વાતોને સાંભળવી જોઈતી હતી.

તેમણે કહ્યું કે, "મારું માનવું છે કે જો સાંસદોનું વર્તન વિઘ્ન પેદા કરનારું હતું તો પણ આ મામલો એવો હતો કે સરકારે આ બાબતે કડવો ઘૂંટડો પીને ચર્ચા કરવી જોઈતી હતી. તેમની વાત સાંભળવી જોઈતી હતી અને તેમને કેટલાક કલાકો માટે સસ્પેન્ડ કરાઈ જ શકાતા હતા."

"મને યાદ છે કે જ્યારે 1989માં બોફોર્સનો મુદ્દો હતો ત્યારે વિપક્ષના સાંસદોએ રાજીનામું આપી દીધું હતું. પણ આ તો ઊંધું છે, તેમને સંસદમાંથી કાઢી મુકાયા છે."

બીબીસી
બીબીસી