ગુજરાત : નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી એક જ દિવસે રાજ્યની મુલાકાતે, શું છે કાર્યક્રમ?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં ઉનાળો બેસી રહ્યો છે ત્યારે આજથી બે દિવસ રાજકીય ગરમીના રહેવાના છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. બંને ટોચના નેતાઓ એક સાથે ગુજરાતમાં હોય તેવી આ જવલ્લે જ બનતી ઘટના છે.
ગુજરાતમાં ભાજપના નવા પ્રદેશપ્રમુખના નામની જાહેરાતની રાહ જોવાઈ રહી છે ત્યારે પીએમની મુલાકાત સૂચક ગણાઈ રહી છે.
તેમજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હજુ બે વર્ષની વાર છે ત્યારે રાહુલ ગાંધી તેની તૈયારીના ભાગરૂપે કૉંગ્રેસી આગેવાનોને મળી રહ્યા હોવાનું રાજકીય વિશ્લેષકો માને છે.
બંને નેતાઓની મુલાકાતને પગલે બંનેના રાજકીય કાર્યક્રમો અંગે પણ ચર્ચા જામી છે.
રાહુલ ગાંધીની ગુજરાત કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક

ઇમેજ સ્રોત, @INCGujarat
પોતાની બે દિવસીય ગુજરાતયાત્રાનો પ્રારંભ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અમદાવાદમાં ગુજરાત કૉંગ્રેસના મુખ્યાલય 'રાજીવ ગાંધી ભવન'માં પક્ષના ટોચના પ્રાદેશિક નેતાઓ સાથે બેઠક યોજીને કર્યો હતો.
આ બેઠકમાં રાહુલ ગાંધી સિવાય ગુજરાત કૉંગ્રેસના પ્રભારી અને મહામંત્રી મુકુલ વાસનિક, ગુજરાત કૉંગ્રેસ પ્રદેશપ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને કૉંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા સહિતના વરિષ્ઠ નેતા હાજર રહ્યા હતા.
પીએમ મોદી ચાર દિવસમાં બીજી વખત ગુજરાત પ્રવાસે

ઇમેજ સ્રોત, Getty Images
વડા પ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં બીજી અને ત્રીજી માર્ચે ગીર અને જામનગરની મુલાકાતે આવ્યા હતા, જે દરમિયાન તેમણે રિલાયન્સ જૂથના વનતારામાં ઘણો સમય વિતાવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હવે તેઓ સાતમી અને આઠમી માર્ચે પણ ગુજરાત આવી રહ્યા છે. સૌરાષ્ટ્ર પછી હવે તેઓ દક્ષિણ ગુજરાતનો પ્રવાસ કરશે અને કેટલાક મોટા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવાના છે.
7 માર્ચે મોદી દિલ્હીથી સુરત ઍરપૉર્ટ પર ઊતરીને સીધા સેલવાસા જશે. ત્યાં તેઓ 450 બેડની નમો હૉસ્પિટલનું ઉદ્ઘાટન કરવાના છે.
તેઓ 650 બેડની કૅપિસિટીના બીજા તબક્કાનું ભૂમિપૂજન કરવાના છે. આ ઉપરાંત દમણમાં તેઓ ઍડ્વાન્સ નાઇટ માર્કેટ, ટૉય ટ્રેન, પંચાયતઘર અને દીવમાં સર્કિટ હાઉસનું લોકાર્પણ કરવાના છે.
સાતમીએ વડા પ્રધાન સુરતમાં લિંબાયત ખાતે સુરત ફૂડ સિક્યૉરિટી સેચ્યુરેશન કૅમ્પેન પ્રોગ્રામ લૉન્ચ કરવાના છે.
આ વિશે જિલ્લા કલેક્ટર સૌરભ પારધીએ બીબીસીને જણાવ્યું હતું કે, "વિધવા સહાય, વૃદ્ધ સહાય, દિવ્યાંગ સહાય યોજનાના લાભાર્થીઓને સરકારના નવા કાયદા મુજબ નૅશનલ ફૂડ સિક્યૉરિટી ઍક્ટ સિસ્ટમમાં સાંકળવામાં આવ્યા છે. જે અંતર્ગત તેમને મફત રૅશન મળશે."
"બે લાખ લાભાર્થીને આનો લાભ મળશે. જેના અનુસંધાને કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. પીએમની સભામાં લગભગ એક લાખ લોકો આવશે તેવું અનુમાન છે."
આઠમી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે વડા પ્રધાન નવસારી જિલ્લાના વાંસી બોરસી ગામે લખપતિ દીદી પ્રોગ્રામમાં હાજરી આપશે અને લખપતિ દીદીઓ સાથે ચર્ચા કરશે. તેઓ પાંચ લખપતિ દીદીઓને 'લખપતિ દીદી સર્ટિફિકેટ'થી સન્માનિત કરશે.
તેઓ 'જી સફલ' અને 'જી મૈત્રી' સ્કીમ લૉન્ચ કરશે, જે અંત્યોદય પરિવાર માટેની અને ગ્રામીણ આવક વધારવા માટેની યોજના છે.
ગુજરાતમાં રાહુલ ગાંધીનો કાર્યક્રમ

ઇમેજ સ્રોત, Getty Images
શુક્રવારે લગભગ 11 વાગ્યે રાહુલ ગાંધી બે દિવસના ગુજરાતપ્રવાસ માટે અમદાવાદ ખાતે ગુજરાત કૉંગ્રેસના મુખ્યાલય 'રાજીવ ગાંધી ભવન' પર પહોંચી ગયા હતા.
ગુજરાતના પ્રવાસ દરમિયાન સાતમી માર્ચે સાંજના સાત વાગ્યા સુધી રાહુલ ગાંધી લગભગ પાંચ મિટિંગમાં ભાગ લે તેવી શક્યતા છે. તેઓ લગભગ એક હજારથી વધુ કૉંગ્રેસી કાર્યકરોને મળવાના છે.
રાહુલ ગાંધી ગુજરાતમાં કૉંગ્રેસના આંતરિક પ્રશ્નોની માહિતી મેળવશે એવું માનવામાં આવે છે. આખા દિવસ દરમિયાન તેઓ અમદાવાદસ્થિત રાજીવ ગાંધી ભવનમાં જ રહેશે. ત્યાર પછી સાંજે તેઓ કોંગ્રેસના કેટલાક હોદ્દેદારો સાથે અલગથી બેઠક કરવાના છે.
અમદાવાદમાં રાહુલ ગાંધી આજે શુક્રવારે તમામ ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખો અને પૂર્વ નેતાઓ સાથે બેઠક કરીને વિવિધ સેલના હોદ્દેદારો સાથે સંવાદ કરશે. ત્યાર પછી તેઓ જિલ્લા અને શહેરપ્રમુખોને મળવાના છે અને તાલુકા તથા નગરપાલિકાના પ્રમુખો સાથે પણ વાતચીત કરશે.
શનિવારે એટલે કે આઠમી માર્ચે સવારના ભાગે રાહુલ ગાંધી રાજપથ ક્લબ નજીક એક હૉલમાં કાર્યકરોના સંમેલનને સંબોધિત કરશે. પ્રદેશ, જિલ્લા અને શહેરના તમામ કૉંગ્રેસી આગેવાનો આ સંમેલનમાં હાજરી આપવાના છે.
આઠમી માર્ચે બપોર પછી તેઓ દિલ્હી જવા રવાના થવાના છે.
અમદાવાદમાં આગામી આઠમી અને નવમી એપ્રિલે કૉંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવાનું છે તે અગાઉ રાહુલ ગાંધીની આ મુલાકાત મહત્ત્વની ગણવામાં આવી રહી છે.
કૉંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં દેશભરમાંથી લગભગ ત્રણ હજાર નેતાઓ ભાગ લે તેવી ધારણા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















