રશિયાએ યુક્રેનની રાજધાની કિએવમાંથી સેના પાછી ખેંચી લીધા પછી હવે યુક્રેનના પૂર્વ વિસ્તાર પર ધ્યાન કેંદ્રિત કર્યું છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કી કહે છે કે દોનબાસ વિસ્તાર માટે લડાઈ શરૂ થઈ ગઈ છે અને રશિયાની મોટી સૈન્ય ટુકકીઓ આમાં ભાગ લઈ રહી છે.
દોનબાસ વિસ્તાર કેમ મહત્ત્વનો છે?
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દોનબાસ વિશે વાત કરે છે ત્યારે તેઓ યુક્રેનના જૂના કોલસા અને સ્ટીલનું ઉત્પાદન કરતા વિસ્તારની વાત કરતા હોય છે. લુહાન્સ્ક અને દોનેત્સ્કના બે પૂર્વીય વિસ્તારો મારિયુપોલના દક્ષિણથી ઉત્તરમાં આવેલી યુક્રેનની સરહદ સુધી ફેલાયેલા છે.
આ વિસ્તારોમાં રશિયન બોલતા લોકો મોટા પ્રમાણમાં છે અને મારિયુપોલ યુક્રેનનો એ વિસ્તાર છે જ્યાં રશિયાના સમર્થકો વધુ સંખ્યામાં રહે છે.
પરંતુ રશિયન સેનાએ મારિયુપોલ પર કબજો કરી લીધો ત્યાર બાદ શહેરમાં ઘણી તબાહી સર્જાઈ છે.
પુતિન કેમ દોનબાસ પર કબજો કરવા માગે છે?
રશિયાના રાષ્ટ્રપતિએ યુક્રેન પર અવારનવાર પૂર્વના વિસ્તારોમાં નરસંહાર આચરવાના આક્ષેપો કર્યા છે.
લડાઈ શરૂ થઈ ત્યારથી પૂર્વના વિસ્તારમાંથી 75 ટકા વિસ્તાર યુક્રેનના કબજામાં છે. બાકીના વિસ્તાર રશિયાના સમર્થકોના હાથમાં હતો, જેમણે આઠ વર્ષ પહેલાંના યુદ્ધમાં મૉસ્કોના સમર્થનવાળા પોતાના નિયંત્રણવાળી સરકાર સ્થાપી હતી.
તાજેતરના યુદ્ધ પહેલાં, રાષ્ટ્રપતિ પુતિને આ બંને વિસ્તારોની આઝાદીને માન્યતા આપી હતી.
રશિયાએ બંને મોટા વિસ્તારો પર વિજય મેળવ્યો તો વ્લાદિમીર પુતિનને યુક્રેનના યુદ્ધમાં કંઈક મેળવવાનો સંતોષ મળશે. ત્યાર બાદ દોનબાસને અલગ કરવાનું પગલું હશે, જેવું તેમણે 2014માં ક્રાઇમિયા સાથે કર્યું હતું.
જો આ નવમી મે પહેલાં થઈ ગયું તો તેઓ રશિયાના વિજય દિવસે આની ઉજવણી કરી શકે છે. નવમી મેના દિવસે દર વર્ષે રશિયાની સેના નાઝી જર્મની સામે 1945માં મેળલા વિજયની ઉજવણી કરે છે.
લુહાન્સ્કમાં રશિયાના કઠપૂતળી નેતાએ આવનારા નજીકના દિવસોમાં "લોકમત" યોજાવાની આશા વિશે વાત કરી હતી.