You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

યુવરાજસિંહ જાડેજાની ધરપકડ, આમ આદમી પાર્ટીએ 'સરકારનું રાજકીય કાવતરું' ગણાવ્યું

પાકિસ્તાનમાં નેશનલ ઍસેમ્બલીને ભંગ કરવાના મામલામાં સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી મંગળવાર બપોરે 12 વાગ્યા સુધી મોકૂફ રાખવામાં આવી છે.

લાઇવ કવરેજ

  1. એ ભૂલો જેને કારણે શ્રીલંકા આર્થિક પાયમાલીમાં ધકેલાઈ ગયું

  2. યુવરાજસિંહ જાડેજાની ધરપકડ, આમ આદમી પાર્ટીએ 'સરકારનું રાજકીય કાવતરું' ગણાવ્યું

    આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા યુવરાજસિંહ જાડેજા જેઓ હેડક્લાર્ક પરીક્ષાના પેપર લીકને ઉજાગર કરીને ચર્ચામાં આવેલા, તેમની ધરપકડ કરવાના અહેવાલ છે.

    યુવરાજસિંહ જાડેજાની ધરપકડ અંગે પ્રતિક્રિયા આપતાં આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા અધ્યક્ષ પ્રવીણ રામે કહ્યું કે, "આમ આદમી પાર્ટીની યુવા વિંગના પ્રદેશ ઉપાધ્યક્ષ યુવરાજસિંહ જાડેજા ઉપર ગાંધીનગર ખાતે ખોટા કેસ કરીને તેમની ધરપકડ કરવામાં આવી છે."

    તેમણે સરકાર સામે પ્રશ્ન કર્યો કે, "રાજ્યના યુવાનો માટે અવાજ ઉઠાવનાર યુવરાજસિંહને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છો તે રાજ્યના તમામ યુવાનોના અવાજને દબાવવાનો પ્રયત્ન છે."

    પ્રવીણ રામે યુવરાજસિંહ જાડેજાની ધરપકડને રાજકીય કાવતરું ગણાવ્યું છે.

  3. પાકિસ્તાન : રશિયાનો દાવો, અમેરિકાએ 'જિદ્દી' ઇમરાન ખાનને પાઠ શીખવવા માટે પ્રયત્ન કર્યો

    રશિયાનું કહેવું છે કે અમેરિકાએ પાકિસ્તાનની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયત્ન કર્યો છે અને 'જિદ્દી' ઇમરાન ખાનને પાઠ શીખવાનો પ્રયત્ન કર્યો હતો.

    રશિયાના વિદેશ મંત્રાલય તરફથી આપવામાં આવેલા નિવેદનમાં પાકિસ્તાનના તાજેતરના રાજકીય ઘટનાક્રમ પર ઘણા વિસ્તારથી કેટલીક એવી વાતો કહી કે જે કૂટનીતિક સ્તર પર હલચર પેદા કરી શકે છે

    સોમવારના મોડી સાંજના આપવામાં આવેલા એક નિવેદનમાં રશિયાના વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા મારિયા ઝખારોવાએ કહ્યું કે, "પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ડૉક્ટર આરિફ અલ્વીએ વડા પ્રધાન ઇમરાન ખાનની સલાહ પર ત્રણ એપ્રિલના દેશની નેશનલ ઍસેમ્બલી ભંગ કરી નાખી છે અને આની પહેલાં જે કંઈ થયું એ રશિયાના ધ્યાનમાં છે."

    નિવેદનમાં કહેવામાં આવ્યું છે, "આ વર્ષે જેમ જ વડા પ્રધાન ઇમરાન ખાને 23 અને 24 ફેબ્રુઆરીના મૉસ્કોની મુલાકાતની જાહેરાત કરી હતી, ત્યાર બાદ અમેરિકા અને તેના સહયોગી પશ્ચિમી દેશો વડા પ્રધાન પર અભદ્ર રીતે પોતાની યાત્રા રદ કરવા માટે દબાણ કરવા લાગ્યા."

  4. ચીનમાં કોરોનાનો કહેર ફરી શરૂ, નવા વૅરિયન્ટથી શહેરો બંધ કરવાનો વારો આવ્યો

    ચીનમાં ફરી એકવાર કોરોના વાઇરસના કેસો ઝડપથી વધી રહ્યા છે.

    સોમવારે ચીનમાં કોરોનાના કુલ 16,590 નવા કેસ નોંધાયા છે, જેમાં 1,235 એવા કેસ છે જેમાં સંક્રમણના લક્ષ્ણ મળી આવ્યા છે.

    જ્યારે 15,355 કેસ એવા છે, જેમનામાં કોઈ જ લક્ષ્ણો જોવા નથી મળ્યા. શંઘાઈમાં સ્થિતિ એ હદે વણસી છે કે અહીં સરકારે 38000 જવાનોને ઉતારવા પડ્યા છે. જુઓ ચીનમાં કોરોના વાઇરસની પરિસ્થિતિ પર અહેવાલ

  5. આમ આદમી પાર્ટીએ કહ્યું 'યુવરાજસિંહ જાડેજાની ધરપકડ સરકારનું રાજકીય કાવતરું'

  6. એ કૉન્સ્ટેબલ જેઓ સળગતા ઘરમાં કૂદી બાળકને બચાવી લાવ્યા

    રાજસ્થાનના કૉન્સ્ટેબલ નેત્રેશ શર્મા હાલ ચર્ચામાં છે. તેમની એક તસવીર ખૂબ જ વાઇરલ થઈ રહી છે.

    કરૌલી જિલ્લામાં શનિવારે આગચંપી અને હોબાળા બાદ એક ઘરની બન્ને બાજુની દુકાનો સળગી ઊઠી.

    ઘરમાં એક બાળક, તેનાં માતા સહિત અન્ય બે મહિલાઓ પણ ફસાઈ હતી. નેત્રેશ શર્માએ પોતાનો જીવ જોખમમાં મૂકીને તેમનો જીવ બચાવ્યો.

  7. ગુજરાતમાં સરકારી નોકરીમાં ભરતીના નામે છેતરતી ગૅંગ ઝડપાઈ

    ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ સહિતનાં રાજ્યોમાંથી સરકારી નોકરીવાંચ્છુકોને છેતરતી એક ગૅંગના ત્રણ સભ્યોની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે.

    ક્રાઇમ બ્રાન્ચના જેસીપી પ્રેમવીર સિંહે પત્રકારપરિષદમાં કહ્યું કે “આ ગૅંગ છેલ્લાં બે વર્ષથી અમદાવાદથી ઑપરેટ કરતી હતી. તેઓ રાજ્ય બહારના લોકોને ટાર્ગેટ કરતાં હતાં અને ગુજરાતમાં એલઆરડી, આર્મી, તલાટી જેવી નોકરીઓ આપવાના બહાને છેતરતાં હતાં.”

    તેમણે વધુમાં કહ્યું કે, “આ લોકો ભરતીપરીક્ષામાં નાપાસ થનારા લોકોને પણ બોગસ સર્ટિફિકેટ આપતાં હતા. અત્યાર સુધી તેમણે 81 જેટલા લોકો પાસેથી 3 કરોડ જેટલા રૂપિયા પડાવ્યા છે.”

  8. પાકિસ્તાનમાં હઝારા યુવતીઓ કરાટેની ટ્રેનિંગ કેમ લઈ રહી છે?

  9. એલન મસ્કના ટ્વિટર પોલ પર સીઈઓ પરાગ અગ્રવાલે લોકોને ચેતવ્યા

    ટેસ્લાના માલિક એલન મસ્કે ટ્વિટરના 9.2 ટકા શૅર ખરીદ્યા છે. ત્યાર બાદ તેમણે પોતાનાં ટ્વિટર હૅન્ડલ પર એક પોલ નાખ્યો હતો અને લોકોને પૂછ્યું, “શું ટ્વિટર પર ઍડિટ બટન હોવું જોઈએ?”

    આ પોલ પર ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલે માઇક્રો બ્લૉગિંગ સાઇટના યુઝર્સને સાવધાન કરતાં કહ્યું કે, “આ પોલનાં પરિણામો મહત્ત્વપૂર્ણ રહેશે એટલે સમજી વિચારીને વોટ કરો.”

    સોમવારે ટેસ્લાના માલિક એલન મસ્કે ટ્વિટરના શૅર ખરીદ્યા હોવાની વાત સામે આવી હતી. યુએસ એસઈસી (સિક્યૉરિટીઝ ઍન્ડ ઍક્સચેન્જ કમિશન) ફાઇલિંગ અનુસાર મસ્કે 14 માર્ચે ટ્વિટરના સાત કરોડ 34 લાખ 86 હજાર 938 શૅર ખરીદ્યાં હતાં.

    શુક્રવારે ટ્વિટરની ક્લોઝિગ પ્રાઇસ અનુસાર આ શૅરની કિંમત અંદાજે 2.89 અબજ ડૉલર જેટલી છે.

    આ શૅર ખરીદ્યા બાદ મસ્ક ટ્વિટરના સૌથી મોટા સ્ટેકહોલ્ડર્સમાંનાં એક થઈ ગયા છે. તેમનો ભાગ હવે ટ્વિટરના સ્થાપક જૅક ડોર્સીથી પણ વધારે થઈ ગયો છે.

  10. બ્રેકિંગ, અહેમદ પટેલના પુત્ર ફૈસલ પટેલે કહ્યું, 'કોઈ પ્રોત્સાહન નહીં, વિકલ્પો ખુલ્લા રાખ્યા છે'

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કૉંગ્રેસના દિગ્ગજ નેતા સ્વર્ગીય અહેમદ પટેલના પુત્ર ફૈસલ પટેલે એક ટ્વીટ કરતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

    ફૈસલ પટેલે કરેલા ટ્વીટમાં જણાવ્યું છે કે, “રાહ જોઈને થાકી ગયો છું. હાઇકમાન્ડ તરફથી કોઈ પ્રોત્સાહન નથી. વિકલ્પો ખુલ્લા રાખ્યા છે.”

    ઉલ્લેખનીય છે કે આ વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોવાથી ફૈસલ પટેલનું આ ટ્વીટ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

  11. ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયાને આપી ચેતવણી, કહ્યું – 'પરમાણુ હુમલો કરી દઇશું'

    ઉત્તર કોરિયાએ ચેતવણી આપી છે કે 'જો દક્ષિણ કોરિયાએ તેમના પર હુમલો કર્યો તો તેઓ દક્ષિણ કોરિયા પર પરમાણુ હુમલો કરી દેશે.'

    બન્ને દેશો વચ્ચે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા તણાવપૂર્ણ માહોલ વચ્ચે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનનાં બહેન યો-જોંગ તરફથી આ નિવેદન સામે આવ્યું છે.

    થોડા દિવસ પહેલાં દક્ષિણ કોરિયાના સંરક્ષણમંત્રીએ કહ્યું હતું કે તેમની સેના ઉત્તર કોરિયામાં કોઈપણ લક્ષ્ય પર હુમલો કરવા સક્ષમ છે.

    યો-જોંગે કહ્યું, “દક્ષિણ કોરિયાના સંરક્ષણમંત્રીએ ઉત્તર કોરિયા પર હુમલો કરવાની વાત કહીને ‘મોટી ભૂલ’ કરી છે. જો દક્ષિણ કોરિયા એમ કરશે તો ઉત્તર કોરિયા તેનો જવાબ પરમાણુ હુમલાથી આપશે.”

    જોકે, તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે ઉત્તર કોરિયા યુદ્ધ ઇચ્છતું નથી. જેથી તેઓ પહેલાં હુમલો કરશે નહીં.

  12. મમતા બેનરજીની જેમ શિવસેનાએ પણ કહ્યું, “ભારત શ્રીલંકાના રસ્તે, આર્થિક સ્થિતિ કથળી રહી છે”

    શિવસેનાના રાજ્યસભાના સભ્ય સંજય રાઉતે કહ્યું છે કે શ્રીલંકાની સ્થિતિ ચિંતાજનક છે અને ભારત પણ તે જ રસ્તે છે.

    સંજય રાઉતે કહ્યું કે જો આપણે તેને પહેલાંથી ન સંભાળી તો આપણી હાલત શ્રીલંકાથી પણ ખરાબ થશે.

    તેમણે કહ્યું કે પશ્વિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનરજીએ વડા પ્રધાન મોદીની અધ્યક્ષતામાં તમામ દળોની બેઠક બોલાવવાની વાત કરી છે.

    સોમવારે મમતા બેનરજીએ પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ એક પત્રકારપરિષદમાં કહ્યું હતું કે ભારતની આર્થિક સ્થિતિ શ્રીલંકાથી પણ બદતર છે.

    તેમણે કેન્દ્ર સરકાર પાસે માગણી મૂકી હતી કે તેઓ સર્વપક્ષીય બેઠક બોલાવે.

  13. પેટ્રોલ અને ડીઝલના ભાવ ફરી એક વખત વધ્યા, બે અઠવાડિયાંમાં લગભગ 10 રૂપિયાનો વધારો

    પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં આજે ફરી એક વખત 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. છેલ્લાં બે અઠવાડિયાંમાં કિંમતમાં કુલ 9.20 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે.

    સરકારી ઈધણ વિક્રેતાઓએ નવી કિંમતોની સૂચિ જારી કરી છે. જેના પ્રમાણે દિલ્હીમાં પેટ્રોલની કિંમત હવે 104.61 રૂપિયા અને ડીઝલની કિંમત 95.87 રૂપિયા થઈ ગઈ છે.

    પેટ્રોલ અને ડીઝલના ભાવ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી લાદવામાં આવતા ટૅક્સના આધારે નક્કી થાય છે.

    દરેક રાજ્યનો ટૅક્સ અલગઅલગ હોવાથી વિવિધ રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલના જુદાજુદા ભાવ જોવા મળે છે.જોકે, કિંમતમાં ફેરફાર પણ નજીવો જોવા મળે છે.

  14. ફાલ્ગુની શાહ : જ્યારે દીકરા માટે રચેલાં ગીતોથી આ ગુજરાતી માતા ગ્રૅમી ઍવૉર્ડ સુધી પહોંચી ગયાં

    ગ્રૅમી ઍવૉર્ડ 2022ના વિજેતાઓનાં નામો જાહેર થયાં અને એ સાથે જ ભારતભરમાં ફાલ્ગુની શાહની ચર્ચા થવા લાગી હતી. ફાલ્ગુની શાહના 'અ કલરફુલ વર્લ્ડ' આલબમને બાળકો માટેના શ્રેષ્ઠ મ્યુઝિકલ આલબનો ગ્રૅમી ઍવૉર્ડ મળ્યો છે.

    આ અગાઉ 2019માં 'ફાલુઝ બાઝાર' આલબમ પણ ગ્રૅમી માટે નૉમિનેટ થયું હતું.

    ફાલ્ગુની શાહ મૂળે ગુજરાતી છે અને હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી છે.

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફાલ્ગુની શાહને અભિનંદન પાઠવતું ટ્વીટ કર્યું છે.

    આ અગાઉ 14 નવેમ્બર 2021ના રોજ બાળદિન નિમિત્તે ભારતના વિખ્યાત સંગતીકાર એ. આર. રહેમાને ફાલ્ગુની શાહના આલ્બમ 'અ કલરફુલ વર્લ્ડ'ને ટ્વીટ કરીને શૅર કર્યું હતું.

  15. ઇમરાન ખાન વિરુદ્ધ ષડયંત્રના દાવા પર અમેરિકાએ આપ્યો જવાબ

    છેલ્લા કેટલાક દિવસોથી ઇમરાન ખાન કહેતા આવ્યા છે કે તેમની સરકાર વિરુદ્ધ અમેરિકા દ્વારા ષડયંત્ર રચવામાં આવ્યું છે.

    અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નેડ પ્રાઇસે સોમવારે પત્રકારપરિષદમાં કહ્યું કે “અમેરિકા પાકિસ્તાનના લોકતાંત્રિક સિદ્ધાંતોનું સમર્થન કરે છે.”

    “અમે એક રાજનૈતિક દળના વિરોધમાં બીજા રાજનૈતિક દળનું સમર્થન કરતા નથી. અમે કાયદા અંતર્ગત સમાન ન્યાયના વ્યાપક સિદ્ધાંતો, કાયદાના શાસનના સિદ્ધાંતોનું સમર્થન કરીએ છીએ.”

    પ્રાઇસે આ વાત પર જોર આપતા કહ્યું કે પાકિસ્તાનના આંતરિક મામલામાં અમેરિકા તરફથી હસ્તક્ષેપ કરવાના અને ઇમરાન ખાન સરકારને અસ્થિર કરવાનાં પ્રયત્નોના આરોપ સદંતર પાયાવિહોણા છે.

  16. ઝૅલેન્સ્કીનો દાવો, બૂચા શહેરમાં રશિયાએ 300થી વધુ સામાન્ય નાગરિકોની હત્યા કરી

    યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝૅલેન્સ્કીએ આરોપ લગાવ્યો કે રશિયાએ બૂચા શહેરમાં 300 સામાન્ય નાગરિકોની હત્યા કરી છે.

    રશિયાના કબજામાં રહેલા બૂચા શહેરમાં રશિયાના કથિત યુદ્ધ અપરાધોની સાબિતી મળી છે.

    જોકે, બીબીસી સ્વતંત્ર રીતે આ દાવાની તપાસ કરી શક્યું નથી.

    ઝૅલેન્સ્કીએ કહ્યું, “રશિયાએ જે કંઈ પણ કર્યું છે, અમે તેની તપાસ કરી રહ્યા છીએ.”

    તેમણે આગળ કહ્યું, “હાલમાં માત્ર બૂચામાં જ 300થી વધુ લોકોની હત્યાની માહિતી મળી રહી છે. સંભવિત છે કે જ્યારે સમગ્ર શહેરમાં તપાસ પૂરી થશે તો આ આંકડો વધી શકે છે અને આ હાલત માત્ર એક શહેરની છે.”

    તેમણે કહ્યું, “અન્ય કેટલાંક શહેરો જે રશિયન સેનાના કબજામાં હતા, ત્યાં પીડિતોની સંખ્યા બૂચાથી પણ વધારે હોઈ શકે છે.”

    “રશિયાના કબજા હેઠળના સ્થળોએ સ્થાનિકો સાથે એવું વર્તન કરવામાં આવ્યું કે જેવું 80 વર્ષ પહેલાં નાઝીઓના શાસન વખતે પણ થયું ન હતું.”

  17. ગુડ મૉર્નિંગ, બીબીસી ગુજરાતીના લાઇવ પેજમાં આપનું સ્વાગત છે.

    શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે વધતો વિરોધ, પાકિસ્તાનમાં ઇમરાન ખાન સરકાર પર રાજકીય સંકટ, રશિયા-યુક્રેન સંઘર્ષ જેવા મહત્ત્વના સમાચારની સાથે દેશ, દુનિયા અને ગુજરાતની અપડેટ્સ મળશે. આ પહેલાંની અપડેટ્સ માટે અહીં ક્લિક કરો.

    બીબીસી ગુજરાતીના લાઇવ પેજ સાથે જોડાયેલા રહો.